મોદી સરકારે બૅન્ક-લૉન લેનારાઓને આપી મોટી રાહત - BBC Top News

ગત છ મહિના દરમિયાન જે લોકોએ પોતાની લૉનનો હપ્તો ભર્યો હોય કે ન ભર્યો હોય, ભારત સરકારે આવા તમામ કરજદારો પાસેથી વ્યાજ પર વ્યાજ નહીં લેવાનો નિર્ણય કર્યો છે. જોકે, વ્યાજથી રાહત માત્ર બે કરોડ રૂપિયા સુધીના કરજદારોને જ મળશે.

આ સ્કીમ અંતર્ગત 1 માર્ચથી 31 ઑગસ્ટ વચ્ચે કોઈ પણ કરજ પર લાગનારા ચક્રવૃદ્ધિ વ્યાજ અને સામાન્ય વ્યાજના અંતરને સરકારે અનુદાન તરીકે આપશે. આ પૈસા લૉન લેનારને મળશે.

આ સ્કીમ અંતર્ગત લૉન લેનારાને વ્યાજ પર લાગતા વ્યાજથી રાહત મળશે.

આ રાહત 1 માર્ચથી 31 ઑગસ્ટ સુધીની મર્યાદા દરમિયાન મળશે.

આમાં ચક્રવૃદ્ધિ વ્યાજ અને સમાન્ય વ્યાજ વચ્ચેના અંતરને સરકાર ભરશે.

મંત્રાલયે શુક્રવારે જાહેર કર્યું, "કોવિડ-19ને પગલે જન્મેલી અસાધારણ સ્થિતિમાં કેન્દ્ર સરકાર દ્વારા ઉધાર લેનારાઓને 1 માર્ચ 2020થી 31 ઑગસ્ટ 2020 સુધીની મર્યાદા માટે વ્યાજ પર લાગતા વ્યાજ પર રાહત અપાઈ છે."

બાયૉટેકનો દાવો, ભારતમાં જૂનમાં લૉન્ચ થશે કોરોનાની રસી

'ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ' (આઈસીએમઆર)ની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાઇરોલૉજી સાથે મળીને કોરોના વાઇરસની રસી બનાવી રહેલી કંપની 'ભારત બાયૉટેક'નું કહેવું છે કે તેમની રસી 'કોવૉક્સિન' આગામી વર્ષે જૂન સુધી ઉપલબ્ધ થઈ જશે.

બીબીસી હિંદીના એહેવાલ મુજબ કંપનીના એક ટોચના અધિકારી અનુસાર જો સરકારે 'ઇમર્જન્સી પરમિશન' આપીને વૅક્સિનને વહેલા લૉન્ચ નહીં કરી તો પછી તે જૂન સુધીમાં ઉપલબ્ધ થઈ જશે.

ભારત બાયૉટેક દેશના 12-14 રાજ્યોમાં 20 હજારથી વધુ સ્વંયસેવકો પર વૅક્સિનનું ટ્રાયલ કરશે.

જોકે, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાની રસી 'કોવિશિલ્ડ' વૅક્સિન રેસમાં ભારતમાં હાલ સૌથી ઍડ્વાન્સ તબક્કામાં છે.

કહેવાય છે કે કોવિશિલ્ડના ટ્રાયલનો ત્રીજો તબક્કો ટૂંક સમયમાં જ શરૂ થશે અને તેના માટે સ્વંયસેવકોની પસંદગી પણ થઈ રહી છે.

રિપબ્લિક ચેનલ સામે મુંબઈ પોલીસે વધુ એક FIR કેમ નોંધી?

મુંબઈ પોલીસે 'રિપબ્લિક ચેનલ' સામે એક નવી એફઆઈઆર દાખલ કરી છે. જેમાં ચેનલ અને તેમના સ્ટાફ સામે ફરિયાદ નોંધી છે.

'હિંદુસ્તાન ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર મુંબઈ પોલીસે રિપબ્લિક ચેનલ અને તેમના સ્ટાફ સામે કથિતરૂપે મુંબઈ પોલીસ કમિશનર પરમવીર સિંઘ વિરુદ્ધ 'વૈમનસ્ય' ફેલાવવા તથા પોલીસ કમિશનરની છબિ ખરડવાના આરોપ હેઠળ ફરિયાદ દાખલ કરાઈ છે.

ચેનલના ઍક્ઝિક્યુટિવ ઍડિટર, ઍન્કર, બે રિપોર્ટર અને ઍડિટોરિયલ સ્ટાફના સભ્યો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

મુંબઈ પોલીસે ચેનલ સામે આ ચોથી ક્રિમિનિલ ફરિયાદ કરી છે.

ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે કે 22મી ઑક્ટોબરે પોલીસના સોશિયલ મીડિયા વિભાગે નોંધ લીધી હતી કે રિપબ્લિક ચેનલે (ઇંગ્લિશ) 'પરમવીર સિંઘ સામે શું બળવો થઈ રહ્યો છે?' એ ટાઇટલ સાથે એક ન્યૂઝ સ્ટોરી ચલાવી હતી.

જેમાં તેમણે ન્યૂઝ સૅગમેન્ટને 'આજની સૌથી મોટી ખબર' નામ આપ્યું હતું.

જેમાં પરમવીર સિંઘ મુંબઈ પોલીસની છબિ ખરડી રહ્યા હોવાનું અને તેમના જુનિયર ઑફિસર્સ તેમનો આદેશ નહીં માની રહ્યા હોવાની વાત ચર્ચાઈ હતી.

ઇશરત જહાં કેસ : ખટલો ન ચલાવવાની ત્રણ પોલીસ અધિકારીની અરજી કોર્ટે ફગાવી

ઇશરત જહાં કેસમાં ત્રણ પોલીસ અધિકારીઓની 'ડિસ્ચાર્જ ઍપ્લિકેશન' સીબીઆઈની વિશેષ અદાલતે નામંજૂર કરી દીધી.

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના રિપોર્ટ મુજબ 2004ના ઇશરત જહાં 'ફૅક એન્કાઉન્ટર કેસ'માં આઈપીએસ ઑફિસર જીએલ સિંઘલ સહિતના ત્રણ પોલીસ અધિકારીની અરજી કોર્ટે નામંજૂર કરી છે.

આ ત્રણેય અધિકારી કેસમાં આરોપી તરીકે સામેલ છે. તેમાં ડીએસપી તરુણ બારોટ અને પીએસઆઈ અનાનુ ચૌધરી પણ સામેલ છે.

ચોથા આરોપી તરીકે ડેપ્યુટી એસપી જીજે પરમારનું પણ નામ સામેલ હતું અને તેમણે ડિસ્ચાર્જ ઍપ્લિકેશન કરી હતી પણ તેમનું નિધન થઈ ગયું હતું.

સીબીઆઈ કોર્ટે અરજી નામંજૂર કરી સીબીઆઈને કેસ ચલાવવા માટે ગુજરાત સરકાર પાસે મંજૂરી લઈ લેવા આદેશ કર્યો છે.

UP કોર્ટે દર મહિને પતિને 1000 રૂપિયા વળતર આપવા મહિલાને આદેશ કર્યો

ઉત્તર પ્રદેશની ફૅમિલી કોર્ટે એક કેસમાં પતિને વળતર તરીકે 1000 રૂપિયા ચૂકવવા મહિલાને (પત્નીને) આદેશ કર્યો છે.

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર વ્યક્તિએ 2013માં હિંદુ મૅરેજ ઍક્ટ - 1955 હેઠળ પત્ની પાસેથી વળતરની માગ કરી હતી. જેમાં કોર્ટે આ પ્રકારનો આદેશ આપ્યો હતો.

બંને વર્ષોથી અલગ રહે છે. મહિલા સરકારી પેન્શનર છે અને દર મહિને 12000 પેન્શન મેળવતા હોવાથી કોર્ટે તેમના પતિને મહિને 1000 રૂપિયા ચૂકવવા આદેશ કર્યો છે.

જેલમાં જવાની રાહ જોઈ રહી છું : કંગના રણૌત

બોલીવૂડ અભિનેત્રી કંગના રનૌતે તેમની સામે થયેલી એક એફઆઈઆર બાદ કેટલાક દિવસો પછી કહ્યું છે કે તેઓ જેલમાં જવાની રાહ જોઈ રહ્યાં છે.

'ધ ટ્રિબ્યૂન'ના અહેવાલ અનુસાર નફરત ફેલાવવાના આરોપ હેઠળ મુંબઈ કોર્ટમાં કંગના રનૌત સામે ફરિયાદ થઈ હતી. જેના પગલે એફઆઈર દાખલ કરવામાં આવી હતી.

જેના કેટલાક દિવસ બાદ કંગનાએ કહ્યું, "ટૂંક સમયમાં જેલ જવાની રાહ જોઈ રહી છું, જેવું મારી આદર્શ વ્યક્તિઓએ કર્યું હતું."

વિવિધ વિવાદોમાં ઘેરાયેલાં અભિનેત્રીએ ટ્વિટર પર આ વાત કહી હતી.

તેમણે ટ્વીટમાં લખ્યું, "હું સાવરકર, નેતા બૉઝ અને ઝાંસીની રાનીની પૂજા કરું છું. આજે સરકાર મને જેલ મોકલવા માગે છે એટલે મારી પસંદગી પર મારો વિશ્વાસ વધ્યો છે."

"જેમ મારી આદર્શ વ્યક્તિઓ જેલ ગઈ હતી તેમ હું જેલમાં જવાની રાહ જોઈ રહી છું. તે મારા જીવનને એક અર્થ પૂરો પાડશે."

હું ચૂંટણી જીતીશ તો તમામને ફ્રીમાં કોરોનાની રસી મળશે : બાઇડન

અમેરિકી ચૂંટણીમાં ડેમૉક્રેટ્સ તરફથી રાષ્ટ્રપતિપદના ઉમેદવાર જો બાઇડને એક નિવેદનમાં કહ્યું છે કે જો તેઓ ચૂંટણી જીતશે તો અમેરિકાના લોકોને ફ્રીમાં કોરોના વાઇરસની રસી મળશે.

'હિંદુસ્તાન ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર બાઇડને મહામારી મામલે એક યોજના મુદ્દે ભાષણ દરમિયાન નિવેદન કર્યું હતું: "એક વાર આપણી પાસે સુરક્ષિત રસી આવી જાય તો દરેક માટે તેને ફ્રી કરી દેવાશે. ભલે તમે વીમાધારક હોવ કે ન હોવ."

તેમણે કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા યોજના હેઠળ ત્વરિતપણે રસીનું કામ આગળ વધારીને તેને લોકો માટે ફ્રી ઉપલબ્ધ કરાવવામાં આવશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો