You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વિનોદ દુઆનું નિધન : જાણીતા પત્રકાર ICUમાં સારવાર લઈ રહ્યા હતા - BBC TOP NEWS
જાણીતા પત્રકાર વિનોદ દુઆનું 67 વર્ષની વયે શનિવારે નિધન થયું છે, તેઓ દિલ્હીની એક હૉસ્પિટલના ICUમાં સારવાર લઈ રહ્યા હતા.
વિનોદ દુઆનાં દીકરી મલ્લિકા દુઆએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, "અમારા આદરણીય અને નિર્ભય પિતા વિનોદ દુઆનું નિધન થયું છે."
"તેઓ અજોડ જીવન જીવ્યા, દિલ્હીની શરણાર્થી વસાહતમાં આવ્યા અને 42 વર્ષ સુધી પત્રકારત્વ કરીને શ્રેષ્ઠતાનું શિખર સર કર્યું. તેઓ હંમેશાં સત્તા સામે સત્ય બોલ્યા."
"તે હવે અમારી મમ્મી, તેમનાં પત્ની ચિન્ના સાથે સ્વર્ગમાં છે. જ્યાં તેઓ સાથે ગીતો ગાશે, રસોઈ કરશે."
તેમણે વધુમાં જણાવ્યું કે, "તેમની અંતિમવિધિ રવિવારે બપોરે દિલ્હીના લોધી સ્મશાન ખાતે યોજાશે."
પાકિસ્તાનમાં ટોળાએ વિદેશી નાગરિકની મારી-મારીને કેરલી હત્યાને શ્રીલંકાએ હૃદયવિદારક ઘટના ગણાવી
પાકિસ્તાનના પંજાબ પ્રાંતના સિયાલકોટમાં ક્રોધે ભરાયેલા ટોળાએ કથિત ઈશનિંદાના આરોપમાં એક વિદેશી નાગરિકને માર મારીને હત્યા કરીને બાદમાં તેના મૃતદેહને આગ લગાડવાની ઘટના પર શ્રીલંકાએ દુખ અને રોષ વ્યક્ત કર્યો છે.
શ્રીલંકાના વડા પ્રધાન મહિંદા રાજપક્ષેએ પાકિસ્તાનમાં શ્રીલંકન નાગરિકની હત્યાને હૃદયવિદારક ઘટના ગણાવી.
મહિંદા રાજપક્ષેએ પોતાના ટ્વીટમાં કહ્યું, ''પ્રિયાનાથ કુમારા દિયાવદાના પર પાકિસ્તાનમાં અતિવાદી ભીડનો ક્રૂર હુમલો એક હૃદયવિદારક ઘટના છે. પ્રિયાનાથ કુમારાનાં પત્ની તથા પરિવાર સાથે મારી સંવેદના છે. શ્રીલંકા અને અહીંના નાગરિકોને ભરોસો છે કે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન આ ગંભીર અપરાધમાં સામેલ લોકોને ન્યાયતંત્ર સમક્ષ લાવી શકશે.''
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાભાયા રાજપક્ષેએ પાકિસ્તાનના સિયાલકોટમાં પોતાના નાગરિકની હત્યા પર ચિંતા વ્યક્ત કરી. ગોટાભાયાએ પોતાના ટ્વીટમાં કહ્યું કે પાકિસ્તાનના સિયાલકોટની ઘટના બહુ ચિંતિત કરનારી છે. શ્રીલંકાને ભરોસો છે કે વડા પ્રધાન ઇમરાન ખાન અને ત્યાંની સરકાર ન્યાય સુનિશ્ચિત કરશે. અમને આશા છે કે પાકિસ્તાનમાં બાકી શ્રીલંકન નાગરિકોને સુરક્ષા મળશે.''
ગુજરાતમાં ખેડૂતો પર કેસ કરવાને કારણે વિવાદમાં રહેલી પેપ્સિકોની બટાકાનાં બીજની પેટન્ટ રદ
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, છોડની જાતો અને ખેડૂતોના અધિકારોનું રક્ષણ (પીપીવીએફઆર) કરતી ઑથોરિટી દ્વારા શુક્રવારે જાહેર કરવામાં આવેલા આદેશ અનુસાર ભારતે પેપ્સિકોની લૅયઝ ચિપ્સ માટે ખાસ વાવેલાં બટાકાની પેટન્ટ રદ કરી દીધી છે.
2019માં બહુચર્ચિત પેપ્સિકોનાં બટાકાની જાત એફસી5 વાવતા ગુજરાતના ખેડૂતો ઉપર અનેક કેસ કરવામાં આવ્યા હતા. એ જ વર્ષે પેપ્સિકોએ ખેડૂતો પરના કેસ પાછા ખેંચી લીધા હતા.
ત્યારબાદ કૃષિ ક્ષેત્રે કર્મશીલ કવિતા કુરુગંતિએ ભારતીય કાયદો બીજ વેરાઇટી ઉપર પેટન્ટને માન્ય કરતું નથી એવી દલીલ સાથે પેપ્સિકોના એફસી5 પરના બૌદ્ધિક સંપદા અધિકારો રદ્દ કરવા માટે પીપીવીએફઆર સમક્ષ પિટિશન દાખલ કરી હતી. આ પિટિશનને ગ્રાહ્ય રાખીને તત્કાલ અસરથી પેપ્સિકોની પેટન્ટને રદ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે પેપ્સિકોએ બટાકાની એફસી5 વેરાઇટી વિકસાવી છે અને તેની 2016માં પેટન્ટ માટે નોંધણી કરાવી હતી. આ પેટન્ટ રદ થતા બટાકા ઉગાડતા ખેડૂતોએ તેમને મોટી જીત ગણાવી છે.
પ્રદર્શનકારી ખેડૂતોએ પંજાબમાં કંગના રનૌતની ગાડી રોકી
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ વાઈ-કક્ષાની સુરક્ષા મેળવનારાં અભિનેત્રી કંગના રનૌત તેમના વતન કુલ્લુથી ચંદીગઢ ઍરપોર્ટ પર જઈ રહ્યાં હતાં ત્યારે મહિલાઓ સહિતના ખેડૂત પ્રદર્શનકારીઓએ તેમની વાહન રોકીને તેમણે ગત વર્ષે કૃષિ કાયદા અંગે કરેલી ટિપ્પણી બદલ માફીની માંગ કરી હતી.
પોલીસના કહેવા પ્રમાણે, કંગના બપોરના સાડા ત્રણના સુમારે બંગલા સાહિબ પહોંચ્યાં ત્યારે ખેડૂત આંદોલનના ઝંડા સાથે પુરુષો અને મહિલાઓનું ટોળું તેમનાં વાહનને ઘેરી વળ્યુ હતું અને આગળ જવા નહોતું દેતું.
પોલીસે ઘટનાસ્થળે જઈને મામલો થાળે પાડ્યો હતો. કંગનાએ કારમાં બેસતી વખતે વીડિયો બનાવ્યો હતો. ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો મૅસેજમાં કંગનાએ કહ્યું હતું કે ટોળાએ તેમના ઉપર હુમલો કર્યો હતો અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
'40 વર્ષથી વધુ ઉંમરના લોકો બૂસ્ટર ડોઝ લે'
ઇન્ડિયા ટુડેના એક અહેવાલ પ્રમાણે, ભારતના જીનોમ કન્સૉર્શિયમે 40 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે કોવિડ બૂસ્ટર ડોઝની સલાહ આપી છે.
ભારતના ટોચના વૈજ્ઞાનિકોએ ભારે જોખમ અને ભારે વસ્તી સંસર્ગને ધ્યાનમાં રાખીને 40 વર્ષથી વધુ વયના લોકો માટે કોવિડ-19 રસીના બૂસ્ટર ડોઝની ભલામણ કરી છે.
આ ભલામણ કોવિડ-19ના જેનૉમિક ભિન્નતાઓ પર નજર રાખવા માટે સરકાર દ્વારા સ્થાપવામાં આવેલા રાષ્ટ્રીય પરીક્ષણ પ્રયોગશાળાઓના નેટવર્ક ઇન્ડિયન SARS-CoV-2 જેનૉમિક્સ સિક્વન્સિંગ કન્સોર્શિયમ (INSACOG) ના સાપ્તાહિક બુલેટિનમાં કરવામાં આવી હતી.
INSACOG એ જણાવ્યું હતું કે આ વૅરિયન્ટની હાજરીની વહેલી તપાસ માટે જરૂરી જાહેર આરોગ્ય પગલાંને સક્ષમ કરવા માટે જેનૉમિક સર્વેલન્સ મહત્વનું છે.
ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના મહામારીની સ્થિતિ પર લોકસભામાં ચર્ચા દરમિયાન સાંસદો દ્વારા કોવિડ રસીના બૂસ્ટર ડોઝની માંગ વચ્ચે આ ભલામણ કરવામાં આવી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો