પાકિસ્તાનમાં શ્રીલંકાના નાગરિકને ટોળાએ સળગાવી દીધો, ઇસ્લામના કથિત અપમાનનો કેસ

પાકિસ્તાનના પંજાબ પ્રાંતના સિયાલકોટમાં ક્રોધે ભરાયેલા ટોળાએ કથિત ઈશનિંદાના આરોપમાં એક વિદેશી નાગરિકને માર મારીને હત્યા કરી દીધી અને બાદમાં તેના મૃતદેહને આગ લગાડી દીધી.

સિયાલકોટ પોલીસના એક અધિકારીએ બીબીસીને જણાવ્યું છે કે મૃતકની ઓળખ પ્રિયાનાથ કુમારાના રૂપે કરાઈ છે. તેઓ સિયાલકોટના વઝીરાબાદસ્થિત એક ખાનગી ફેકટરીમાં એક્સપૉર્ટ મૅનેજર તરીકે કામ કરતા હતા.

સિયાલકોટની હૉસ્પિટલનાં સૂત્રોએ બીબીસીને જણાવ્યું છે કે ખરાબ રીતે સળગેલા મૃતદેહને હૉસ્પિટલ લાવવામાં આવ્યો હતો.

તેમના જણાવ્યા અનુસાર "દેહ લગભગ રાખ થઈ ગયો હતો."

સોશિયલ મીડિયા પર આ ઘટનાના કેટલાય વીડિયો શૅર કરવામાં આવ્યા છે, જે વઝીરાબાદ રોડના હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

આ વીડિયોમાં એક વ્યક્તિનો સળગેલો દેહ જોઈ શકાય છે. કેટલાક વીડિયોમાં ટોળું એક વ્યક્તિને સળગાવતું પણ નજરે પડે છે.

ઘટનાના સાક્ષી મહંમદ મુબાશિરના મતે ફેકટરીમાં સવારથી જ અફવા ઊડી હતી કે પ્રિયાનાથ કુમારાએ ઈશનિંદા કરી છે.

"આ અફવા ઝડપથી ફેકટરીમાં ફેલાઈ હતી. કર્મચારીઓ ફેકટરીની બહાર વિરોધપ્રદર્શન કરી રહ્યા હતા."

તેમણે ઉમેર્યું, "વિરોધ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ફેકટરીમાં ઘૂસી ગયા અને પ્રિયાનાથ કુમારાને પ્રતાડિત કરવામાં આવ્યા અને તેમને સળગાવી પણ દેવાયા."

પાકિસ્તાનની રૅસ્ક્યૂ સર્વિસ 1122ના એક અધિકારીએ બીબીસીને જણાવ્યું કે તેમને લગભગ 11:35 વાગ્યે વઝીર રોડ પર હુલ્લડ થયું હોવા અંગેનો ફોન આવ્યો હતો અને થોડીવાર બાદ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

તેમણે કહ્યું, "જ્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે પોલીસની નાની ટુકડી હાજર હતી અને મૃતકને ફેકટરીની અંદર હિંસાનો ભોગ બનાવાયો હતો."

કર્મચારીના મતે તેઓ યુનિફોર્મમાં હતા અને કેટલાય લોકો ક્રોધે ભરાયેલા હતા. તેઓ કહે છે,"અમારા તરફથી પીડિતને કોઈ પણ પ્રકારે મદદ કરવી કે હસ્તક્ષેપ કરવા શક્ય જ નહોતાં."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો