મોદી સરકારના ત્રણ ખરડાનો દેશભરમાં ખેડૂતો વિરોધ કેમ કરી રહ્યા છે?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

દેશભરના અનેક રાજ્યોમાં ખેડૂતો વિરોધ કરવા માટે ઊતરી આવ્યા છે અને આ વિરોધ નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની સરકારના ત્રણ ખરડાના વિરુદ્ધમાં છે.

આ ખરડા કેન્દ્રની સરકાર કૃષિસુધારાના દાવા સાથે લાવી છે, જ્યારે બીજી તરફ સંગઠનોનો આરોપ છે કે આનાથી ખેડૂતોને નુકસાન થશે.

દેશભરમાં કોરોના મહામારીને પગલે 144ની કલમ લાગુ કરાઈ છે, એ વચ્ચે ખેડૂતસંગઠનો આ ખરડાનો વિરોધ કરવા ઊતરી પડ્યા છે.

ખેડૂતોનો તીવ્ર વિરોધ તેલંગણા, આંધ્ર પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં જોવા મળ્યો છે.

ખેડૂતોના વિરોધનો આ મુદ્દો હવે એટલો મોટો થઈ ગયો છે કે કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલે મોદી સરકારના કૅબિનેટમાંથી રાજીનામું આપી દીધું છે, તેઓ ભાજપના સહયોગી પક્ષ શિરોમણી અકાલી દળમાંથી સંસદસભ્ય છે.

આ પછી ત્રણ ખરડા મામલે ભાજપ અને અકાલી દળ આમને-સામને આવી ગયા છે.

આ ત્રણ ખરડા કયા છે અને એનો વિરોધ ખેડૂતો કેમ કરી રહ્યા છે?

ખરડામાં શું છે?

  • ખેડૂતોના ઉત્પાદન, વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સુવિધા) વિધેયક
  • મૂલ્ય આશ્વાસન અને કૃષિસેવા વિધેયક
  • આવશ્યક વસ્તુ (સંશોધન) વિધેયક

આ ત્રણ એ ખરડા છે જેનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે આ ત્રણ ખરડા લોકસભામાં રજૂ કર્યા હતા. ગુરુવારે ગૃહની કાર્યવાહી દરમિયાન વિરોધ છતાં આ પૈકી બે ખરડા પસાર થયા હતા.

ભાજપના અધ્યક્ષ જે. પી. નડ્ડાએ બુધવારે આ ત્રણ ખરડાને 'મહત્ત્વપૂર્ણ, ક્રાંતિકારી અને ખેડૂતો માટે લાભકારક' ગણાવ્યા હતા.

આ ખરડા અંગે સરકાર કહે છે કે આનાથી ખેડૂતોને ઉત્પાદનની સામે યોગ્ય વળતર મળશે અને તેમની આવકમાં વધારો થશે.

સરકારી જાહેરાતોમાં આ ત્રણ ખરડાનો 'વન નેશન-વન માર્કેટ' (એક રાષ્ટ્ર-એક બજાર) તરીકે પ્રચાર કરાઈ રહ્યો છે.

સરકારનું કહેવુ છે કે 'ભૂતકાળમાં ખેડૂતોને ઉત્પાદિત ચીજો વેચવા માટે રખડવું પડતું હતું, પણ હવે સ્થિતિ એવી નહીં રહે. હવે ખેડૂતો દેશના કોઈ પણ ભાગમાં પોતાનું ઉત્પાદન વેચી શકશે અને તેમને સારી કિંમત પણ મળશે.'

એવો પણ દાવો કરાઈ રહ્યો છે કે આ પછી ખેડૂતોનું જોખમ પણ ઘટી જશે.

વિરોધ કેમ?

સરકાર જે નીતિઓને ખેડૂતો માટે લાભકારક ગણાવી રહી છે, એ જ નીતિઓને ખેડૂતવિરોધ ગણાવીને તેનો વિરોધ કેમ કરાઈ રહ્યો છે?

પંજાબ કૃષિ યુનિવર્સિટીના એક અભ્યાસ પ્રમાણે અહીં 12 લાખ ખેડૂતપરિવાર છે અને 28 હજાર રજિસ્ટર્ડ કમિશન એજન્ટ છે.

પંજાબના અર્થતંત્રનો મોટો હિસ્સો કેન્દ્ર સરકારની એજન્સીઓના ફંડ પર નિર્ભર છે.

ખેડૂતસંગઠનોનું કહેવું છે કે નવા કાયદાથી કૃષિ પણ અમીરો અને કૉર્પોરેટ્સના હાથમાં જતી રહેશે અને ખેડૂતોને નુકસાન થશે.

સીટૂના ઉપાધ્યક્ષ જ્ઞાન શંકર મજૂમદારે સરકાર પર આરોપ લગાવ્યો કે ત્રણે વિધાયક એક વખત ફરીથી ખેડૂતોને ખેતમજૂરી તરફ ધકેલશે.

તેમણે કહ્યું કે પશુધન અને બજાર સમિતિઓ કોઈ વિસ્તાર સુધી સીમિત રહેશે નહીં. જો કોઈ ખેડૂત પોતાનું ઉત્પાદન યાર્ડમાં વેચવા માટે જશે, તો બીજી જગ્યાના લોકો પણ આવીને તે મંડીમાં પોતાનો માલ નાખશે અને ખેડૂતને તેની નિયત કિંમત નહીં મળે.

કરારઆધારિત જે ખેતીને લઈને કિસાનસંગઠનોનું કહેવું છે કે જે કંપની અથવા વ્યક્તિ કરારથી ખેતીનું ઉત્પાદન લેશે, તેને કુદરતી આપત્તિમાં થયેલા નુકસાન સાથે સંબંધ નહીં હોય. આની ખોટ ખેડૂતે જ ઉઠાવવી પડશે.

ખેડૂતસંગઠનોનું એમ પણ કહેવું છે કે આવશ્યક વસ્તુ અધિનિયમમાં પહેલાં ખાદ્યસામગ્રીને એક જગ્યાએ જમા કરીને રાખવા માટે કોઈ પ્રતિબંધ નહોતો.

આ પ્રતિબંધ માત્ર કૃષિઉત્પાદન સાથે જોડાયેલી વેપારી કંપનીઓ પર જ હતો. હવે સુધારા પછી સંગ્રહખોરીને રોકવાની કોઈ વ્યવસ્થા નહીં રહે, જેના કારણે મોટા કૉર્પોરેટ્સને ફાયદો થશે, ખેડૂતોને નુકસાન થશે.

બીબીસીની પંજાબી સેવાના એડિટર અતુલ સેંગર જણાવે છે, "પંજાબ અને હરિયાણાના ખેડૂતો સૌથી વધારે પરેશાન એટલે છે કેમ કે એફસીઆઈ અહીંથી મોટા પ્રમાણાં ચોખા અને ઘઉંની ખરીદી એમએસપી પર કરે છે."

"અહીંના ખેડૂતોને લાગે છે કે આવનારા દિવસોમાં એમએસપી ખતમ કરી દેવાશે."

અકાલી દળ કેમ વિરોધ કરે છે?

પંજાબમાં ખેડૂતો અકાલી દળ માટે કરોડરજ્જુસમાન છે. આ અઠવાડિયાની શરૂઆતમાં જ સુખબીરસિંઘ બાદલે કહ્યું હતું કે 'તમામ અકાલી ખેડૂત છે અને તમામ ખેડૂત અકાલી છે.'

કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલે રાજીનામું આપ્યા બાદ ટ્વીટ કરતાં લખ્યું, "મેં કેન્દ્રીય મંત્રી પદ પરથી ખેડૂતવિરોધી અધ્યાદેશ અને બિલના વિરુદ્ધમાં રાજીનામું આપી દીધું છે. ખેડૂતની દીકરી અને બહેન તરીકે એમની સાથે ઊભા રહેવામાં ગર્વ અનુભવું છું."

પંજાબના લગભગ તમામ ખેડૂતસંગઠન તેમના મતભેદને બાજુ પર રાખીને આ ખરડાઓનો વિરોધ કરી રહ્યાં છે.

માલવા બેલ્ટના ખેડૂતોએ ચેતવણી જાહેર કરી છે કે જે નેતા આ ખરડાઓં સમર્થન કરશે તેમને ગામમાં પ્રવેશ નહીં મળે.

100 વર્ષ જૂનો પક્ષ અકાલી દળ, પંજાબમાં અત્યારે હાંસિયામાં ધકેલાઈ ગયો છે.

2017માં 117 બેઠકવાળી વિધાનસભામાં અકાલી દળ પાસે 15 બેઠક હતી.

રાજકીય વિશ્લેષકો માને છે કે આ મુદ્દો પાર્ટીના રાજકીય અસ્તિત્વ સાથે જોડાઈ ગયો છે.

અતુલ સેંગર કહે છે કે અકાલી દળે મજબૂરીમાં આ નિર્ણય લીધો છે. આમની સામે ખેડૂતોમાં રોષ છે.

તેઓ કહે છે કે અકાલીઓ વિરુદ્ધ અનેક ગામોમાં પોસ્ટર લગાવી દેવામાં આવ્યા છે, એથી તેમની પર દબાણ છે.

પક્ષ-વિપક્ષ આમને-સામને

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ મામલે ટ્વીટ કરીને કહ્યું, "ખેડૂત જ છે જે છૂટક ખરીદી કરે છે અને ઉત્પાદનનું વેચાણ જથ્થાબંધમાં કરે છે. મોદી સરકારના ત્રણ કાળા ખરડા ખેડૂત અને ખેતમજૂરો પર ઘાતક પ્રહાર છે, જેથી ન તો તેમને એમએસપી અને હક મળે અને મજબૂરીમાં ખેડૂત પોતાની જમીન ધનિકોને વેચી દે. મોદીજીનું એક બીજું ખેડૂતવિરોધી ષડયંત્ર."

ભાજપ અધ્યક્ષ જે. પી. નડ્ડાએ આરોપ લગાવ્યા હતા કે ખરડા મામલે કૉંગ્રેસ માત્ર રાજનીતિ કરી રહી છે.

નડ્ડાએ આશ્વાસન આપ્યું છે કે લઘુત્તમ સમર્થન મૂલ્ય પર આ ત્રણ ખરડાની અસર નહીં થાય, તો ભારતીય કિસાન સભાનું કહેવું છે કે તેમને આ આશ્વાસન પર વિશ્વાસ નથી.

કિસાન સભાના વિજુ કૃષ્ણને બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે આવશ્યક વસ્તુ અધિનિયમમાં સંશોધનના ખરડાને ખેડૂતો 'સંગ્રહખોરી અને કાળાબજારની આઝાદી'નો ખરડો માને છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો