અમદાવાદમાં કોરોના વાઇરસ ફરી બેકાબૂ બની રહ્યો છે? ડૉક્ટરો ચિંતામાં

    • લેેખક, અર્જુન પરમાર
    • પદ, બીબીસી ગુજરાતી

કોરોના વાઇરસના સંક્રમણની અમદાવાદની પરિસ્થિતિમાં અમુક સમયથી નોંધાઈ રહેલો સુધારો ફરીથી ધોવાઈ જવાની શક્યતા તબીબો દ્વારા વ્યક્ત કરાઈ રહી છે.

વિવિધ અખબારોના અહેવાલો અનુસાર માર્ચ, 2020 બાદથી અમદાવાદ ન માત્ર ગુજરાતમાં, પરંતુ સમગ્ર દેશમાં કોરોનાના હૉટસ્પૉટ તરીકે સામે આવ્યું હતું.

જોકે પાછલા અમુક સમયથી અમદાવાદમાં કોરોનાના કેસોની સંખ્યામાં નોંધાપાત્ર ઘટાડો નોંધાયો હતો.

હવે અમદાવાદમાં સોશિયલ ડિસ્ટન્સિંગના પાલનના અભાવ અને વધતી બેદરકારીને પગલે શહેરમાં કાબૂમાં આવેલા કોરોના સંક્રમણની પરિસ્થિતિ ફરીથી વકરવાની સંભાવના નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાઈ રહી છે.

નિષ્ણાત તબીબોના મતાનુસાર અમદાવાદ શહેરમાં પાછલા દસ દિવસથી કોરોનાના દર્દીઓની સંખ્યામાં 25 થી 30 ટકાનો વધારો નોંધાયો છે. જેમાં પણ શહેરની હૉસ્પિટલોમાં દાખલ થનાર ગંભીર માંદગી ધરાવતા દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.

અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં હાલમાં સારવાર લઈ રહેલા કોરોનાના દર્દીઓ વિશે વિગત આપતાં હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. જે. વી. મોદી જણાવે છે કે, “હાલ અમદાવાદ સિવિલમાં 350 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે, જે પૈકી 109 દર્દીઓ વૅન્ટિલેટર પર છે અને 173 દર્દીઓ ઑક્સિજન પર છે."

"જોકે, હાલની પરિસ્થિતિને જોતાં અમદાવાદમાં કોરોનાની પરિસ્થિતિ કાબૂ બહાર તો ન જ કહી શકાય તેમ છતાં જો આ પ્રકારનું વલણ ચાલુ રહે તો પરિસ્થિતિ નિયંત્રણ બહાર જવાની સંભાવના ચોક્કસ રહેલી છે.”

કેસોમાં ઘટાડા બાદ વધારો

સરકારી આંકડાઓ પ્રમાણે 16 એપ્રિલ, 2020ની પરિસ્થિતિ અનુસાર રાજ્યમાં નોંધાયેલ કોરોના સંક્રમણના કુલ 105 કેસ પૈકી 42 કેસ અમદાવાદ શહેરમાંથી મળી આવ્યા હતા.

અમદાવાદ શહેરમાં ત્યાર બાદથી કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળ્યો હતો.

30 મે, 2020ની માહિતી અનુસાર રાજ્યમાં નોંધાયેલા 412 નવા કેસ પૈકી ત્રણ ગણા કરતાં પણ વધુ 284 કેસ માત્ર અમદાવાદમાં જ જોવા મળ્યા હતા.

જૂન માસમાં અમદાવાદમાં કોરોનાના કેસ વધુ ઝડપથી સામે આવવા લાગ્યા હતા. ત્રીજી જૂને રાજ્યમાં મળી આવેલા કુલ 485 કેસ પૈકી 290 કેસ અમદાવાદમાંથી હતા.

જોકે, જૂન માસના અંતિમ અઠવાડિયાથી સુરત જિલ્લો રાજ્યમાં કોરોનાના નવા હૉટસ્પૉટ તરીકે સામે આવ્યો હતો.તેની સામે અમદાવાદમાં કોરોનાના કેસોની સંખ્યામાં પ્રમાણસર ઘટાડો જોવા મળ્યો હતો.

રાજ્યમાં 28 જૂનના રોજ નોંધાયેલા કુલ 624 કેસોમાંથી 211 કેસ અમદાવાદમાં નોંધાયા હતા.

અમદાવાદમાં કોરોનાના કેસોમાં નોંધાઈ રહેલા આ ઘટાડાનો સિલસિલો યથાવત્ રહ્યો હતો. કંઈક આવું જ વલણ ઑગસ્ટ માસમાં પણ જોવા મળ્યું હતું.

20 ઑગસ્ટ, 2020ની અખબારી યાદી અનુસાર રાજ્યમાં નોંધાયેલા કુલ 1,175 કોરોનાના દર્દીઓ પૈકી 172 કેસ અમદાવાદ જિલ્લા અને કૉર્પોરેશનના હતા.

નિષ્ણાતોને મતાનુસાર અમદાવાદમાં કોરોનાના કેસોની સંખ્યામાં થઈ રહેલા ઉત્તરોત્તર ઘટાડા પર સપ્ટેમ્બર માસમાં શરૂઆતના અઠવાડિયા બાદ બ્રેક લાગેલી જોવા મળી હતી.

ટાઇમ્સ નાઉ ન્યૂઝ ડોટ કૉમના એક અહેવાલ અનુસાર 6 સપ્ટેમ્બર, 2020ના રોજ અમદાવાદમાં કુલ 173 કેસ સામે આવ્યા હતા.

એ બાદથી જ અમદાવાદ જિલ્લામાં કોરોનાના કેસોમાં થઈ રહેલો વધારો જળવાઈ રહ્યો હતો.

14 સપ્ટેમ્બરની અખબારી યાદી અનુસાર રાજ્યમાં નોંધાયેલા કુલ 1334 કેસ પૈકી અમદાવાદમાં 175 કેસ જોવા મળ્યા હતા. 15 સપ્ટેમ્બરના રોજ રાજ્યમાં નોંધાયેલા કુલ 1349 દર્દીઓ પૈકી અમદાવાદમાં 172 કેસ જોવા મળ્યા હતા.

અમદાવાદમાં કોરોનાની પરિસ્થિતિ સાથે નિકટથી સંકળાયેલા નિષ્ણાત તબીબો આ વધારાને અમદાવાદ માટે ચિંતાજનક સંકેત માની રહ્યા છે.

તેમના મતે જો પરિસ્થિતિને ફરી કાબૂમાં લેવા માટે તાત્કાલિક અસરથી પગલાં નહીં ભરવામાં આવે તો કોરોના સામેની જંગમાં અમદાવાદને હાંસલ થયેલી સરસાઈ નિરર્થક સાબિત થઈ શકે છે.

પરિસ્થિતિ વણસવાની ચિંતા કે વ્યક્ત કરાઈ?

અમદાવાદ હૉસ્પિટલ ઍન્ડ નર્સિંગ હોમ ઍસોસિયેશનના પ્રમુખ ડૉ. ભરત ગઢવી અમદાવાદમાં કોરોનાની પરિસ્થિતિ આગામી દિવસોમાં વણસવાની શક્યતા વ્યક્ત કરે છે.

તેઓ આ વલણ માટેનાં પ્રમુખ કારણો અંગે વાત કરતાં જણાવે છે, “અમદાવાદમાં કોરોનાના કેસોમાં થયેલા ઘટાડાને કારણે લોકો અગાઉની સરખામણીએ ઘણા બેદરકાર થઈ ગયા હોવાનું જોવા મળી રહ્યું છે.”

“આ સાથે જ કોરોનાની રોકથામ માટે જરૂરી આગમચેતીનાં પગલાં લેવાનું હવે લોકો ટાળી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે.”

આ વાત સાથે સંમત થતાં અમદાવાદ હૉસ્પિટલ ઍન્ડ નર્સિંગ હોમ ઍસોસિયેશનના સચિવ ડૉ. વિરેન શાહ જણાવે છે, “લોકોમાં સ્વયંશિસ્તના અભાવને પગલે પાછલા દસ દિવસોથી અમદાવાદમાં કેસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.”

સરકારી નિયમોના પાલનમાં બેદરકારી

ડૉ. ગઢવી પાછલા અમુક સમયથી શહેરમાં કોરોનાની પરિસ્થિતિ કાબૂ બહાર જવા માટેનાં કારણોમાં સરકારી નિયમોના પાલનમાં બેદરકારીને પણ એક કારણ માને છે.

તેઓ આ વિશે વાત કરતાં જણાવે છે કે, “હાલ લોકો અને તંત્રના પ્રયત્નોને પરિણામે શહેરમાં કોરોનાના કેસોમાં જે ઘટાડો જોવા મળી રહ્યો છે તેને જોતાં રસ્તા પર મોટા ભાગના લોકો માસ્ક પહેર્યા વગર જ નીકળી પડતા હોવાનું જોવા મળ્યું છે.”

“સરકારે માસ્ક ન પહેરવા બદલ દાખલ કરાયેલ એક હજાર રૂપિયાના દંડની વસૂલીમાં નાગરિકો સાથે ઘર્ષણ પેદા થતાં પોલીસ અને તંત્ર આ નિયમોનું પાલન કરાવી શકતાં નથી."

"કોરોનાના જોરમાં ઘટાડો થયો હોય એવી રીતે લોકો કેસમાં ઘટાડાને જોઈ રહ્યા છે, જેથી હાલ શહેરમાં કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.”

આ વિશે વાત કરતાં ડૉ. વિરેન શાહ જણાવે છે કે “હાલ અમદાવાદમાં લોકો ભીડવાળી જગ્યાએ જવાથી ગભરાતા હોય તેવું નથી લાગી રહ્યું. લોકો નિયમપાલન અને શક્ય એટલી ઓછી ભીડ થાય એ બાબતે સંપૂર્ણ સભાનતા દાખવી નથી રહ્યા, જે કારણે હાલ શહેરમાં કોરોનાના કેસો વધી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે.”

રાજકીય મેળાવડાને લીધે બેદરકારીભર્યું માનસ?

ડૉ. વિરેન શાહ રાજકીય મેળાવડાઓએ અમદાવાદીઓનાં બેદરકારીભર્યાં માનસના ઘડતરમાં ભૂમિકા ભજવી હોવાની વાત કરે છે.

તેઓ કહે છે કે, “રાજકીય પક્ષો દ્વારા પાછલા કેટલાક સમય દરમિયાન જે પ્રકારે રાજકીય મેળાવડા ગોઠવવામાં આવ્યા તેના કારણે પણ લોકો થોડા બેદરકાર બન્યા છે."

"રાજકીય પક્ષોના મેળાવડાના કારણે લોકોનાં મનમાં એવા પ્રશ્નો ઊભા થતા હતા કે જ્યારે રાજકારણીઓ મેળાવડા યોજી શકે તો અમે શો ગુનો કર્યો?”

ગુજરાત યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગના વડા પ્રોફેસર ઝવેરભાઈ પટેલ પણ રાજકીય મેળાવડાઓની શહેરીજનોનાં બેદરકારીભર્યા માનસના ઘડતરમાં અસર હોવાની વાત સ્વીકારે છે.

તેઓ કહે છે, “જ્યારે રાજકીય પક્ષો દ્વારા સામૂહિક મેળાવડાઓનું આયોજન કરવામાં આવે છે ત્યારે આવા આયોજનની લોકોનાં માનસ પર અસર તો થાય જ છે."

"લોકોનાં મનમાં એ પ્રશ્ન ઊઠવો પણ સ્વાભાવિક બની જાય છે કે જ્યારે રાજકીય પક્ષોના લોકો કોરોનાની પરિસ્થિતિ અંગે ઘડાયેલ નિયમોનું પાલન નથી કરતા તો સામાન્ય પ્રજાએ આ નિયમો શા કારણે પાળવા?”

“આ પ્રકારની પરિસ્થિતિ ન સર્જાય તે માટે સરકારી નિયમોના પાલન માટે રચાયેલ તંત્રોએ પોતાની ફરજ બજાવવી જોઈએ તેમાં કોઈ બેમત નથી.”

કૉમ્યુનિટી લીડરો અમદાવાદને બચાવવા આગળ આવવું પડશે

ડૉ. ગઢવી કોરોના સામેની લડાઈમાં અમદાવાદીઓની વર્તણૂકમાં આમૂલ પરિવર્તનોને સમયની જરૂરિયાત ગણાવે છે.

તેઓ આ વિશે વાત કરતાં કહે છે, “અમદાવાદમાં પરિસ્થિતિ સામાન્ય બની હોવાનું જે વાતાવરણ સર્જાયું છે તેમાં તાત્કાલિક અસરથી પરિવર્તન લાવવાની જરૂર છે. જે માટે માત્ર સરકારે કે તબીબી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોએ જ નહીં, પરંતુ કૉમ્યુનિટી લીડરોએ લોકોને સમજાવવા માટે આગળ આવવું પડશે.”

“લોકો કોરોનાની રોકથામ માટે માસ્ક પહેરે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે એ માટે લોકોનાં માનસ પર અસર ધરાવતા ઑપિનિયન મૅકરોએ આગળ આવવું પડશે. કોઈ ક્ષેત્રની કુલ વસતીના 90 ટકા વસતી માસ્ક પહેરે તો તે અર્થતંત્રને અસર કર્યા વગરના લૉકડાઉન સમાન કારગત પલગું નીવડી શકે છે.”

ડૉ. ગઢવી જણાવે છે, “કોરોનાને નિયંત્રણમાં રાખવા માટે સરકાર અને તંત્ર અમદાવાદમાં જે કરી રહ્યું છે, ત્યાં તેમની મર્યાદા આવી જાય છે. હવે લોકોએ જ જાતે કોરોનાને કાબૂમાં રાખવા માટે કાર્ય કરવાનું રહેશે.”

શહેરની હૉસ્પિટલોની મર્યાદા

ડૉ. શાહના મતે પાછલા દસ દિવસથી શહેરની ખાનગી હૉસ્પિટલોમાં કોરોનાના દર્દીઓને દાખલ કરવા માટે મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે.

તેઓ આ વિશે વાત કરતાં જણાવે છે કે, “પાછલા દસ દિવસથી શહેરની હૉસ્પિટલોમાં કોરોનાના 25થી 30 ટકા નવા દર્દીઓ સામે આવી રહ્યા છે. તેમજ હૉસ્પિટલોમાં વૅન્ટિલેટરવાળી ICU બેડની જરૂરિયાતવાળા દર્દીઓની સંખ્યામાં પણ 10થી 15 ટકાનો વધારો જોવા મળ્યો છે.”

હાલ કોરોનાના કેસોમાં જોવા મળી રહેલી વધારાની પરિસ્થિતિને કારણે અમદાવાદ શહેરની મોટા ભાગની ખાનગી હૉસ્પિટલો લગભગ પોતાની સંપૂર્ણ મર્યાદા સુધી કામ કરી રહી હોવાનું ડૉ. ગઢવી જણાવે છે.

ડૉ. ગઢવી જણાવે છે, “જો હાલની પરિસ્થિતિમાં સુધારો નહીં આવે તો એ સમય દૂર નથી જ્યારે શહેરની હૉસ્પિટલો કોરોનાના દર્દીઓને દાખલ કરવાનું બંધ કરી દેશે. ઘણી હૉસ્પિટલોનો સ્ટાફ કોરોનાની ઝપેટમાં આવી ગયો છે. હાલ શહેરની મોટા ભાગની કોવિડ-19 હૉસ્પિટલો તેની સંપૂર્ણ મર્યાદા સુધી ભરાઈ ગઈ છે.”

આ વાત સાથે ડૉ. શાહ સંમત થતાં જણાવે છે કે, “હાલ અમદાવાદ શહેરની મોટા ભાગની કોવિડ-19 હૉસ્પિટલોના બેડ લગભગ ભરાઈ ગયા છે.”

હાલ અમદાવાદમાં કોરોનાના કેસો પાછલા કેટલાક દિવસોથી વધી રહ્યા હોવાની વાત સાથે અમદાવાદ સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. જે. વી. મોદી પણ સંમત થાય છે.

તેઓ આ વિશે જણાવે છે કે, “માર્ચ મહિના બાદથી નોંધાયેલા કોરોનાના કેસોની વાત કરીએ તો જૂન માસમાં અમદાવાદ શહેરમાં કોરોનાના વધુમાં વધુ કેસો સામે આવ્યા બાદ શહેરમાં નવા કેસોમાં ઘટાડો નોંધાયો હતો."

"ઑગસ્ટ મહિનામાં પરિસ્થિતિ અમુક અંશે નિયંત્રણમાં આવતાં અમદાવાદ સિવિલમાં સરેરાશ 200થી 250 દર્દીઓ જોવા મળતા હતા. આ ઘટાડા બાદ છેલ્લા અઠવાડિયાથી દરરોજ અમદાવાદ સિવિલમાં કોરોનાના 40થી 45 નવા દર્દીઓ દાખલ થઈ રહ્યા છે.”

અમદાવાદમાં સામે આવી રહેલા કોરોનાના કેસોની ગંભીરતા વિશે વાત કરતાં તેઓ કહે છે, “છેલ્લા અઠવાડિયાથી અમદાવાદ સિવિલમાં ઑક્સિજન અને વૅન્ટિલેટરની જરૂરિયાતવાળા દર્દીઓ સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. જો આ વલણ ચાલુ રહે તો જૂન-જુલાઈ માસમાં અમદાવાદમાં કોરોનાની જે પરિસ્થિતિ સર્જાઈ હતી તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે.”

જો અમદાવાદીઓ નહીં સમજે તો ફરીથી રાજ્યના 50 ટકા કેસો શહેરમાં નોંધાશે

અમદાવાદ મેડિકલ ઍસોસિયેશનના પ્રમુખ ડૉ. મોના પી. દેસાઈએ પણ અમદાવાદમાં થાળે પડેલી કોરોનાની પરિસ્થિતિને ટકાવી રાખવા માટે લોકોએ સ્વયંશિસ્ત પાળવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

તેમણે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં શહેરમાં જોવા મળી રહેલા વલણ અંગે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, "મોટા ભાગના રસ્તાઓ અને સ્થળોએ શહેરીજનો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં પીછેહઠ કરી રહ્યા હોવાનું વલણ જોવા મળી રહ્યું છે. લોકોએ સમજવાની જરૂર છે કે માસ્ક ન પહેરીને તેઓ ન માત્ર પોતાના પણ પોતાના સ્વજનોના સ્વાસ્થ્ય સાથે પણ ચેડાં કરી રહ્યા છે."

અમદાવાદની સારી ખાનગી હૉસ્પિટલોમાં કોરોનાના દર્દીઓને વેઠવી પડી રહેલી મુશ્કેલી અંગે વાત કરતાં તેઓ કહે છે, "હાલ માંડ કોવિડ-19ની સારવાર આપતી હૉસ્પિટલોમાં 10થી 15 ટકા પથારીઓ ખાલી છે. પરિસ્થિતિ એટલી કથળી ગઈ છે કે ઘણી હૉસ્પિટલોએ દર્દીઓને વેઇટિંગમાં રાહ જોવડાવી પડી રહી છે."

"આ પરિસ્થિતિમાં વહેલી તકે સુધારો નહીં આવે તો પહેલાંની જેમ સમગ્ર રાજ્યમાં નોંધાતા કુલ કેસના 50 ટકાથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાશે અને તે દિવસ ફરી પાછા આવતા વધુ વાર નહીં લાગે."

ગુજરાત હાકોર્ટની લોકોને વિનંતી

બીજી તરફ રાજ્યમાં સતત કથળતી જઈ રહેલી કોરોનાની પરિસ્થિતિની ગુજરાત હાઈકોર્ટે પણ નોંધ લીધી છે.

ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ અને લૉકડાઉન અંગેની સુઓમોટો જાહેર હિતની અરજીની સુનાવણી વખતે મુખ્ય ન્યાયાધીશ વિક્રમ નાથ અને જસ્ટિસ જે. બી. પારડીવાલાની ખંડપીઠે લોકોએ સ્વહિતમાં સરકારી નિયમોના પાલન માટેની વિનંતી કરી છે.

હાઈકોર્ટે આ સુનાવણી દરમિયાન વિનંતી કરતાં નોંધ્યું હતું કે "કોરોનાને અટકાવવા માટે સરકારે ઘડેલા નીતિ-નિયમોનું પાલન કરીને લોકો તંત્ર અને સરકારનો સાથ આપે."

વધુમાં કોર્ટે પોતાના અવલોકનમાં નિયમો ન પાળનારા નેતાઓ અને સુશિક્ષિત લોકોને પણ ટકોર કરી હતી.

હાઇકોર્ટની નોંધ અનુસાર, "રાજકીય નેતાઓએ આ પરિસ્થિતિમાં લોકોના માર્ગદર્શકની ભૂમિકા ભજવવાની હોય છે. તેથી તેમણે સરકારે ઘડેલા નિયમોનું પાલન કરીને સામાન્ય જનતા માટે દાખલો બેસાડવાનું કાર્ય કરવું જોઈએ."

"સમાજના સુશિક્ષિત યુવાનોએ પણ પરિસ્થિતિની સંવેદનશીલતાને સમજીને સરકારી નિયમોનું મહત્તમ પાલન કરવું જોઈએ, જેથી પરિસ્થિતિ વધુ નાજુક ન બને."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો