ચીને એલએસી સરહદે ફરી ઉશ્કેરણીજનક કાર્યવાહી કરી : ભારત

ભારતે કહ્યું કે ચીને 29 અને 30 ઑગસ્ટની રાતે પેન્ગોગ લેકના સાઉથ બૅન્ક વિસ્તારમાં ભડકાઉ સૈન્યહરકત કરીને યથાસ્થિતિને તોડવાની કોશિશ કરી અને પછી દિવસે પણ એવી કાર્યવાહી કરી, જેને નિષ્ફળ બનાવી દીધી.

ભારત વિદેશમંત્રાલયે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે જેમ કે ભારતીય સેનાએ એક દિવસ પહેલાં જણાવ્યું હતું કે ભારતીય પક્ષે આ ઉશ્કેરણીજનક ગતિવિધિઓનો જવાબ આપ્યો અને એલએસી પર પોતાનાં હિતો અને ક્ષેત્રીય અખંડતાની રક્ષા માટે સમુચિત રક્ષાત્મક કાર્યવાહી કરી.

વિદેશમંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે આ નિવેદનમાં કહ્યું, "31 ઑગસ્ટે પણ જ્યારે બંને પક્ષના ગ્રૂપ કમાન્ડર તણાવ ઓછો કરવા માટે બેઠક કરી રહ્યા હતા, ત્યારે ચીની સૈનિકોએ ફરી એક વાર ભડકાઉ કાર્યવાહી કરી."

"ભારતે સમય પર કાર્યવાહી કરતાં યથાસ્થિતિને બદલવાની એકતરફી કોશિશને નિષ્ફળ કરી શકાઈ."

પ્રવક્તાએ કહ્યું કે આ વર્ષે શરૂઆતમાં જ ચીનની કાર્યવાહી અને તેનું વર્તન બંને દેશ વચ્ચે સીમા પર શાંતિ જાળવી રાખવા માટે નક્કી દ્વિપક્ષીય સહમતિઓ અને પ્રોટોકૉલનું ઉલ્લંઘન છે.

આ કાર્યવાહીઓ બંને દેશોના વિદેશમંત્રીઓ અને વિશેષ પ્રતિનિધિઓ વચ્ચે બનેલી આંતરિક સમજનો પણ સંપૂર્ણ અનાદર છે.

ચીનનો ભારત પર ઉશ્કેરણીજનક કાર્યવાહીનો આરોપ

આ પહેલાં ચીને ભારતને કહ્યું હતું કે તે ઉશ્કેરણીજનક હરકત બંધ કરે અને પોતાના સૈનિકોને તાત્કાલિક પરત બોલાવે, જેઓએ ખોટી રીતે વાસ્તવિક નિયંત્રણ રેખા કે એલએસીનું ઉલ્લંઘન કર્યું છે.

ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સ અનુસાર ચીનના વિદેશમંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનયિંગે મંગળવારે પોતાની પ્રેસ-બ્રીફિંગમાં આ કહ્યું હતું.

તેઓએ એવો પણ દાવો કર્યો હતો કે ચીને કોઈ પણ દેશની એક ઈંચ જમીન પર પણ કબજો કર્યો નથી.

હુઆએ કહ્યું, "ચીને ક્યારેય કોઈ લડાઈ કે સંઘર્ષ માટે ઉશ્કેર્યા નથી અને ન તો કોઈ અન્ય દેશની એક ઈંચ જમીન પર કબજો કર્યો છે. ચીની સૈનિકોએ ક્યારેય લાઇન પાર કરી નથી. કદાચ તેને લઈને સંવાદનો કોઈ મુદ્દો છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો