You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોનામાંથી સાજા થયા પછી પણ બીમાર કેમ પડી રહ્યા છે લોકો?
- લેેખક, કમલેશ
- પદ, બીબીસી સંવાદદાતા
હરિયાણાના ગુરુગ્રામમાં રહેતા ભરત જુનેજાને મે મહિનામાં ખ્યાલ આવ્યો કે તેઓ કોરોના પૉઝિટિવ છે. તેમના લક્ષણ ગંભીર હોવાથી તેમને હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું.
અનેક દિવસોની સારવાર પછી તે સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગયા. આ પછી પણ તેમને થાક, કમજોરી, શ્વાસ ચડવા લાગ્યો અને સૂવામાં તકલીફ પડવા જેવી સમસ્યા થવા લાગી.
51 વર્ષના ભરત જુનેજા કહે છે, “મને અંદાજે સાત દિવસ સુધી વૅન્ટિલેટર પર રાખવો પડ્યો હતો. આ પછી 16 જૂને મારો રિપોર્ટ નેગેટિવ આવ્યો અને બે દિવસ પછી મને રજા મળી ગઈ. પરંતુ આ પછી પણ મને થાક અને નબળાઈનો અહેસાસ થવા લાગ્યો અને ચક્કર આવવા લાગ્યા. ”
ભરતે કહ્યું, “મને દાદરા ચડવામાં તકલીફ પડવા લાગી હતી અને જલદી ગુસ્સો આવવા લાગ્યો. મને વૅન્ટિલેટર પર અનેક દિવસો સુધી રહેવાના કારણે ભયાનક સપના આવવા લાગ્યા. ડૉક્ટરે કહ્યું કે આ પ્રક્રિયાનો ભાગ છે સ્વસ્થ થઈ જશો.”
વ્યવસાયે ઇજનેર ભરત જુનેજાની સારવાર ફોર્ટિસ હૉસ્પિટલમાં ચાલી રહી છે અને હવે તેમને સારું લાગી રહ્યું છે.
કોરોના વાઇરસથી સ્વસ્થ થયા પછી પણ અનેક લોકો બીમાર પડી રહ્યા છે. તેમનામાં શ્વાસ લેવામાં તકલીફ, ચક્કર આવવા, થાકવું, સામાન્ય તાવ, જોઇન્ટ્સમાં દુખાવો અને ઉદાસીનતા જેવા લક્ષણ સામે આવી રહ્યા છે. આને પોસ્ટ કોવિડ સિમ્પટમ્સ કહે છે.
ભારત જ નહીં, વિદેશોમાં પણ લોકોએ સોશિયલ મીડિયા અથવા સર્વેમાં દ્વારા પોતાના અનુભવો રજૂ કર્યા છે. હાલમાં જ ગૃહ મંત્રી અમિત શાહનો કોરોના વાઇરસનો રીપોર્ટ નેગેટિવ આવ્યાના ત્રણ દિવસ પછી તેમને ફરીથી હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. તેમને ચક્કર આવ્યા અને શરીર દુખાવાની ફરિયાદ હતી.
દિલ્હીના રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલમાં આ મહિને પોસ્ટ કોવિડ ક્લિનિક પણ બનાવવામાં આવ્યું, જ્યાં કોરોનામાંથી સ્વસ્થ થયા પછી પણ જેમને તકલીફ થઈ રહી છે તેવા દરદીઓનો ઇલાજ થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડૉક્ટરોના કહેવા પ્રમાણે એવા અનેક દરદી સામે આવી રહ્યા છે, જેમનો કોરોના વાઇરસની રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી પણ લક્ષણ હોય છે અને તેમને ઇલાજની જરૂર પડી રહી છે.
પોસ્ટ કોવિડ લક્ષણ શું છે?
મેક્સ હૉસ્પિટલ, વૈશાલીમાં પલ્મનૉલૉજીના પ્રિન્સિપલ કન્સલ્ટન્ટ ડૉ. શરદ જોશી કહે છે, “કોરોના વાઇરસમાંથી સાજા થયા પછી અનેક દરદી અમારી પાસે આવી રહ્યા છે. તેમને થાક, શ્વાસ લેવામાં તકલીફ, ચક્કર આવવા અને બેભાન થવા જેવી સમસ્યા થઈ રહી છે. અનેક લોકોમાં સ્વાદ ન ઓળખવો અને ગળું ખરાબ થવાની તકલીફ થાય છે.”
જે દરદીમાં કોરોના સંક્રમણ જેટલું વધારે હોય છે, તેટલાં જ વધારે લક્ષણ તેમનામાં સ્વસ્થ થયા પછી જોવા મળે છે. જોકે, કોરોનાના સામાન્ય લક્ષણવાળા દરદીઓને પણ નબળાઈનો અહેસાસ થઈ રહ્યો છે.
અનેક દરદીઓમાં નબળાઈ એટલી બધી વધારે હોઈ શકે છે કે પથારીમાંથી ઉઠીને બાથરૂમ જવામાં પણ મુશ્કેલી થવા લાગે છે. ડૉક્ટરો પ્રમાણે જરૂરી નથી કે તે લક્ષણ દરેક દરદીની સામે આવે છે.
ડૉ. શરદ જોશીના કહેવા પ્રમાણે જેટલાં પણ ગંભીર લક્ષણવાળા દરદી તેમની પાસે આવે છે, તેમાંથી 30 થી 35 ટકા દરદીને સ્વસ્થ થયા પછી સમસ્યા આવી રહી છે.
30 ટકા સામાન્ય લક્ષણવાળા દરદીમાં નબળાઈ આવી રહી છે. કેટલાંક દરદી એવા છે, જેમના ઍક્સરેમાં સારો સુધારો જોવા મળે છે પરંતુ પલ્મનરી ફંક્શન ટેસ્ટ કરીએ તો ખ્યાલ આવે છે કે તેમના ફેફસાંની કાર્યક્ષમતામાં 50 ટકા સુધીનો ઘટાડો આવ્યો છે.
બ્રિટનના નોર્થ બ્રિસ્ટલ એનએચએસ ટ્રસ્ટના એક સંશોધન પ્રમાણે ડિસ્ચાર્જ થયેલા 100 દરદીઓમાંથી 81 દરદીને શ્વાસ લેવામાં તકલીફ, વારંવાર બેભાન થવું અને સાંધામાં દુખાવાની તકલીફ થઈ છે. આવા દરદીઓ ઓછા હતા, જેમને ફેંફસાની ગંભીર સમસ્યા હોય અથવા તેની કાર્યક્ષમતામાં ઘટાડો થયો હોય. આ સંશોધનના પ્રાથમિક પરિણામ છે.
પલ્મોનરી ફાઇબ્રોસિસ
કોરોના વાઇરસના દરદીઓમાં એક મોટી સમસ્યા પલ્મનરી ફાઇબ્રોસિસને લઈને આવી રહી છે, જે ફેફસાં સાથે જોડાયેલી છે.
ડૉ. શરદ જોશી કહે છે, “જે લોકોને કોરોના વાઇરસના સંક્રમણના કારણે એક્યૂટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિંડ્રોમ(એઆરડીએસ) થઈ જાય છે એટલે ફેફસાં સારી રીતે કામ કરતા નથી, તેમાં પલ્મનરી ફાઈબ્રોસિસની સમસ્યા થઈ શકે છે. પલ્મનરી ફાઈબ્રોસિસમાં ફેંફસાની ઑક્સિજન લેવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. એવામાં દરદીને શ્વાસ ચડવાની તકલીફ લાંબા સમય સુધી રહી શકે છે. વધારે ગંભીર સ્થિતિમાં ઘરમાં ઑક્સિજન લેવો પડી શકે છે.”
“કોરોના વાઇરસના જે દરદીઓમાં એઆરડીએસ જોવા મળે છે, તેમાંથી એક ટકામાં જીવનભર ફેફસાં સંબંધિત તકલીફ રહી શકે છે. તેમના ફેફસાં નબળાં થઈ જાય છે અને આગળ પણ કોઈ અન્ય સંક્રમણની ઝપેટમાં આવી શકે છે. આમને લાંબા સમય માટે પોતાની સારવાર કરાવવી પડશે.”
ડૉક્ટર કહે છે કે પલ્મનરી ફાઈબ્રોસિસમાં ઘણી સારી પ્રતિક્રિયા નથી. બીજા વાઇરસ જેવા કે સાર્સ અથવા એચ1એન1માં સ્વસ્થ થયા પછી પણ પલ્મનરી ફાઇબ્રોસિસ થવું એટલું સામાન્ય અને વિસ્તૃત ન હતું. કોરોના વાઇરસના કારણે આવા કેસમાં બે ગણો વધારો નોંધાયો છે.
આ સિવાય કોરોના વાઇરસથી સ્વસ્થ થયા પછી દરદીની ન્યૂરો સિસ્ટમ પર પણ અસર પડે છે.
ફોર્ટિસ મેમોરિયલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ગુરુગ્રામમાં ન્યૂરોલૉજીના પ્રમુખ ડૉ. પ્રવીણ ગુપ્તા કહે છે, “કોરોના વાઇરસથી સ્વસ્થ થયા પછી નસોમાં લકવા થઈ શકે છે, ક્યારેક ક્યારેક આ મગજ પર પણ અસર કરે છે, જેનાથી યાદશક્તિ પર અસર થાય છે. કોરોનામાં આઇસોલેશન પછી ગભરામણ થઈ શકે છે. આને પોસ્ટ ડીસિસ સ્ટ્રેસ ડિસઑર્ડર કહે છે. જે દરદીઓના મગજમાં સોજા અથવા ફેફસાંની ગંભીર સમસ્યા થાય છે તેમનામાં પછીથી વધારે લક્ષણ જોવા મળે છે અથવા કમજોરી અને ચક્કર આવવા સૌથી સામાન્ય લક્ષણ છે.”
બીમારીમાંથી સ્વસ્થ થયા પછી પણ લક્ષણ કેમ?
ડૉક્ટરોના કહેવા પ્રમાણે આવું થવું કોઈ નવી વાત નથી. આવું બીજા વાઇરસના કેસમાં પણ થાય છે.
આના કારણને લઈને ડૉ. શરદ જોશીએ કહ્યું, “વાઇરસથી લડવા માટે શરીરમાં બનેલા એન્ટિજન ઇમ્યૂન સિસ્ટમમાં એ પ્રકારના ફેરફાર કરી દે છે, જેનાથી ઇમ્યૂન સિસ્ટમ વધારે પ્રતિક્રિયા કરવા લાગે છે. આના કારણે તાવ, શરીરમાં દુખાવો અને અન્ય સમસ્યા થવા લાગે છે. શરીરમાં ઇનફ્લેમેટ્રી રિએક્શન થવા લાગે છે જે આખા શરીરને અસર પહોંચાડે છે. એવામાં વાઇરસ શરીરમાં પૂર્ણ થયા પછી પણ ઇનફ્લેમેટ્રી સેલ્સ અને કેમિકલ બનેલા રહે છે. ઇમ્યૂન સિસ્ટમની આ પ્રતિક્રિયાના કારણે જ લક્ષણ બનેલા રહે છે.”
તે કહે છે, “જેમ ચિકનગુનિયામાં 8 થી 10 દિવસ તાવ રહે પછી સ્વસ્થ થઈ જવાય છે પરંતુ, તેના અનેક દરદીઓના સાંધામાં અને શરીરમાં દુખાવો અનેક મહિનાઓ સુધી રહે છે. અનેક દરદીઓને આર્થરાઇટિસની બીમારી પણ થાય છે”
પરંતુ કેટલાંક કેસને છોડી દઈએ તો આ લક્ષણ હંમેશા માટે ધીમે ધીમે ઠીક પણ થઈ જાય છે.
ડૉક્ટર પ્રવીણ ગુપ્તા કહે છે કે શરીરની પ્રકૃતિ હોય છે ધીમે-ધીમે ઠીક કરવું. એટલા માટે કેટલીક સમસ્યાઓ બેભાન અને ચક્કર આવવા ધીમે-ધીમે પોતાની રીતે જ ઠીક થઈ શકે છે. પરંતુ નબળાઈ, શ્વાસ લેવામાં તકલીફ અથવા લકવા વગેરેની સ્થિતિમાં દવાની જરૂરિયાત હોય છે.
કોરોના વાઇરસમાંથી ઠીક થયા પછીના લક્ષણ ઠીક થવાના હપ્તાથી લઈને બેથી છ મહિના પણ લાગી શકે છે.
કોરોનાથી ઠીક થયા પછી લેવા આ સાવધાનીના પગલા
કોરોના વાઇરસથી ઠીક થયા પછી કોઈ વ્યક્તિમાં 30 થી 40 દિવસ સુધી ઍન્ટિબોડી બનેલા રહે છે. એવામાં તેના કોરોનાથી સંક્રમિત થવાનો ભય ખૂબ જ ઓછો થઈ જાય છે. છત્તાં પણ ડૉક્ટર સંપૂર્ણ સાવધાનીઓ વર્તવાની સલાહ આપે છે.
ડૉક્ટર શરદ જોશીનું કહેવું છે કે તમારું શરીર એક વાઇરસથી લડીને જીત્યું છે. તમારે ઇમ્યૂન સિસ્ટમ પર પહેલાથી જ દબાણ હતું. એવામાં ખાવા-પીવાનું ધ્યાન રાખો.
માસ્ક, હાઇજીન અને સોશિયલ ડિસ્ટન્સિંગને લઈને સાવધાનીઓ રાખો. એવું ના કરવાના કારણે થઈ શકે છે કે તમને કોઈ બીજુ ઇન્ફેક્શન થઈ જાય અને પહેલાથી નબળાં શરીર પર તેની ગંભીર અસર થઈ જાય.
જો કોરોના વાઇરસ ઠીક થયા પછી કોઈ પણ સમસ્યા થઈ રહી છે, તો ડૉક્ટરને અવશ્ય દેખાડો.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો