ચીનના સૈનિકો સાથે લદ્દાખમાં ફરી સંઘર્ષ, ચીને શું કહ્યું?

ભારત સરકારે સોમવારે કહ્યું કે ચીનના સૈનિકોએ પૂર્વ લદ્દાખમાં સીમા પર બનેલી સહમતીનું ઉલ્લંઘન કર્યું છે.

સરકારે કહ્યું કે ચીની સૈનિકોએ ઉશ્કેરણીજનક પગલું ભરતા સરહદ પર યથાસ્થિતિ બદલવાની કોશિશ કરી પરંતુ ભારતીય સૈનિકોએ તેમને રોકી લીધા હતા.

નિવેદન પ્રમાણે, "ભારતીય સૈનિકોએ પંન્ગોગ ત્સો લેકમાં ચીની સૈનિકોના ઉશ્કેરણીજનક પગલાને રોકી દીધું છે. ભારતીય સેના સંવાદ દ્વારા શાંતિ સ્થાપવાના પક્ષમાં છે પરંતુ તેની સાથે જ પોતાના વિસ્તારની અખંડતાની સુરક્ષા માટે પણ પ્રતિબદ્ધ છે. સમગ્ર વિવાદ પર બ્રિગેડ કમાન્ડર સ્તરની બેઠક ચાલુ છે."

આ મામલે ચીને તેમના સૈનિકોએ એલએસી પાર કરી હોવાની વાતનું ખંડન કર્યું છે.

ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સ પ્રમાણે ચીનના વિદેશમંત્રી વાંગ યીએ નિવેદન આપ્યું છે.

તેમણે કહ્યું, "ચીનની સેના વાસ્તવિક નિયંત્રણ રેખાનું કડકાઈથી પાલન કરે છે અને ચીનની સેનાએ ક્યારેય આ રેખા ઓળંગી નથી. બંને દેશોની સેના આ મુદ્દે સંપર્કમાં છે."

ભારતીય સેના અનુસાર બંને દેશના સૈનિકો વચ્ચે સંઘર્શ 29 ઑગસ્ટના રાત્રે થયો હતો. ભારતીય સેનાએ કહ્યું છે કે ચીની પીપલ્સ લિબ્રરેશન આર્મી એટલે કે પીએલએ દ્વારા સીમા પર યથાસ્થિતિને બદલવાની કોશિશ કરવામાં આવી પરંતુ સતર્ક ભારતીય સૈનિકોએ આવું થવા ના દીધું.

આ પહેલાં લદ્દાખની જ ગલવાન ઘાટીમાં 15 જૂનના રોજ બંને દેશોના સૈનિકો વચ્ચે હિંસક ઝડપ થઈ હતી. જેમાં ભારતના 20 સૈનિકોનાં મોત થયાં હતાં.

આ ઘટના બાદ બંને દેશો વચ્ચે વાતચીત ચાલુ છે પરંતુ તણાવ હજી સુધી ખતમ થયો નથી.

ગયા અઠવાડિયે ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકરે કહ્યું હતું કે ચીન સાથેનો એલએસી એટલે કે વાસ્તવિક નિયંત્રણ રેખા પરનો તણાવ 1962 પછીની સૌથી ગંભીર સ્થિતિ છે.

એસ. જયશંકરે કહ્યું,"નિશ્વિત રીતે 1962 બાદ આ સૌથી ગંભીર સ્થિતિ છે. ત્યાં સુધી કે 45 વર્ષો બાદ ચીના સાથેના સંઘર્ષમાં સૈનિકોનાં મોત થયાં છે. સીમા પર બંને તરફ સૈનિકોની તહેનાતી પણ અનપેક્ષિત છે."

વિદેશમંત્રીએ કહ્યું કે ભારતે ચીનને કહી દીધું છે કે સીમા પર શાંતિની સ્થાપના બંને પડોશી દેશોમાં સમાનતાના સંબંધો પર જ સંભવ છે.

જયશંકરે કહ્યું, "જો આપણે છેલ્લા ત્રણ દાયકાઓથી જોઈએ તો વિવાદનો ઉકેલ રાજદ્વારી વાતચીત દ્વારા જ થયો છે અને અમે હજી પણ એ કોશિશ કરીએ છીએ."

આ પહેલાં ભારતના ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ અને પૂર્વ સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે કહ્યું હતું કે ચીન સાથેની વાતચીત ચાલુ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે જો વાતચીતથી મામલાનો ઉકેલ ના આવે તો સૈન્ય વિકલ્પ પણ છે.

પૂર્વ લદ્દાખમાં ચીનના સૈનિકોની તહેનાતી ખૂબ મોટી સંખ્યામાં છે. રવિવારે હિંદુસ્તાન ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં વિદેશમંત્રી એસ. જયશંકરે પણ આ વાત કહી હતી.

છેલ્લા ચાર મહિનામાં પૂર્વ લદ્દાખના ઘણા વિસ્તારોમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઝડપ થઈ છે.

15 જૂને ગલવાન ઘાટીમાં ચીન અને ભારત વચ્ચે હિંસક અથડામણ પછી સૈનિકોને પાછળ હઠાવવા માટે અનેક સમજૂતીઓ થઈ છે. પરંતુ ચીની સૈનિકો હજી પણ આ વિસ્તારમાં છે અને ભારત સરકારે એમના સંપૂર્ણ રીતે પાછળ હઠવા ની વાત કહી નથી.

ચીની સૈનિકો અનેક વિસ્તારો ખાસ કરીને પેન્ગોંગ ત્સો વિસ્તારમાં હજુ છે. આ પહેલાં ચીનના રક્ષા મંત્રાલયે કહ્યું હતું કે ભારતે દ્વિપક્ષીય સંબંધોના વ્યાપક હિતો વિશે વિચારવું જોઈએ.

ચીની રક્ષા મંત્રાલયે કહ્યું હતું કે કોઈ નક્કર પગલું ઉઠાવવાની જરૂર છે. જેનાથી બંને દેશોના સંબંધો યોગ્ય રસ્તા પર અને સામાન્ય થઈ જાય.

ભારતનું કહેવું છે કે ચીનના સૈનિકોએ પહેલા જેવી સ્થિતિ સ્થાપિત કરવી પડશે અને તેમણે પૂર્વી લદ્દાખના ભારતીય વિસ્તારોમાંથી પાછળ હઠવું પડશે.

પાછલા અઠવાડિયે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું હતું કે સૈનિકોના પાછળ હઠ્યા બાદ જ સ્થિતિ સામાન્ય થઈ શકે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો