IPL છોડી પરત ફરેલા સુરેશ રૈનાએ તોડ્યું મૌન, રજૂ કરી આપવીતી

ભારતના પૂર્વ ક્રિકેટર સુરેશ રૈના આજકાલ ચર્ચામાં છે. કોરોનાના કારણે દુબઈમાં થનારી આઈપીએલ વચ્ચેથી છોડીને રૈના ભારત પરત ફર્યા હતા.

ચેન્નાઈ સુપરકિંગ્સ તરફથી અધિકૃત રીતે કહેવામાં આવ્યું છે કે સુરેશ રૈના પોતાનાં વ્યક્તિગત કારણોથી ભારત પરત ફર્યા છે અને તે આ વર્ષે આઈપીએલ નહીં રમે.

જ્યારે રૈના આઈપીએલ માટે દુબઈમાં હતા, તે સમયે પંજાબમાં તેમના ફોઈના ઘરે બદમાશોએ હુમલો કર્યો હતો, જેમાં તેમના ફુઆનું મૃત્યુ થયું હતું, જ્યારે તેમનાં ફોઈ અને તેમના દીકરાઓને ગંભીર ઈજા પહોંચી હતી.

હવે સુરેશ રૈનાએ આના પર પોતાનું મૌન તોડ્યું છે. સુરેશ રૈનાએ ટ્વીટ કરીને કહ્યું કે સોમવારે તેમના એક ભાઈનું મૃત્યુ થઈ ગયું છે જ્યારે તેમના ફોઈની સ્થિતિ હાલ પણ ગંભીર છે.

સુરેશ રૈનાએ પંજાબ પોલીસ પર પણ સવાલ ઉઠાવ્યા છે.

સુરેશ રૈનાએ પોતાના ટ્વીટમાં લખ્યું છે - "પંજાબમાં મારા પરિવાર સાથે જે થયું તે ઘણું ભયાનક હતું. મારા ફુઆને મારી નાખવામાં આવ્યા. જ્યારે મારાં ફોઈ અને બંને ભાઈઓને ગંભીર ઈજા પહોંચી. દુર્ભાગ્યથી મારા ભાઈનું ગઈ કાલ રાત્રે મૃત્યુ થયું. મારાં ફોઈ હાલ પણ ઘણી ગંભીર સ્થિતિમાં સપોર્ટ સિસ્ટમ પર છે."

રૈનાએ આગળ લખ્યું છે, "આજ સુધી અમને એ ખબર નથી પડી કે તે રાત્રે શું થયું હતુ અને કોણે કર્યું હતું. હું પંજાબ પોલીસને વિનંતી કરું છું કે આ મામલે ધ્યાન આપે. ઓછામાં ઓછું એટલું જાણવાની તો આશા રાખું છું કે કોણે આ કામ કર્યું. તે ગુનેગારોને છોડી મૂકવા ન જોઈએ જેથી તેઓ ફરીથી ગુનો કરે."

રૈનાએ પોતાના ટ્વીટમાં પંજાબના મુખ્ય મંત્રી કાર્યાલય અને મુખ્ય મંત્રી અમરિન્દર સિંહને પણ ટૅગ કર્યા છે. જોકે તેમણે પોતાના ટ્વીટમાં આઈપીએલ છોડીને આવવા વિશે કાંઈ લખ્યું નથી.

પંજાબના પઠાણકોટમાં રહેતા તેમનાં ફોઈ અને ફુઆના ઘરે ડાકુઓએ 19 ઑગસ્ટની રાત્રે લૂંટફાટનો પ્રયત્નો કર્યો હતો.

આ દરમિયાન લૂંટારાઓએ સુરેશ રૈનાનાં ફોઈ અને ફુઆને ધારદાર હથિયારથી ઘાયલ કર્યાં હતાં. 58 વર્ષના ફુઆ અશોક તરાલનું મૃત્યુ તે દિવસે રાત્રે થઈ ગયું હતું. જ્યારે ફોઈ હૉસ્પિટલમાં ભરતી છે. તેમનો ઇલાજ ચાલી રહ્યો છે, પરંતુ તેમની સ્થિતિ ગંભીર છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ અને આઈપીએલ વિવાદ

સુરેશ રૈનાએ 15 ઑગસ્ટે મહેન્દ્રસિંહ ધોનીની સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. પરંતુ તેઓ આઈપીએલમાં રમતા રહેશે. આઈપીએલમાં તેઓ ચેન્નાઈ સુપરકિંગ્સ ટીમનો ભાગ છે, જેના કૅપ્ટન મહેન્દ્રસિંહ ધોની છે.

સુરેશ રૈનાએ ભારત માટે 18 ટેસ્ટ મૅચ અને 226 વન ડે સિવાય 78 ટી-20 રમી છે. 226 વન ડે મૅચમાં રૈનાએ પાંચ સદીની મદદથી 5615 રન બનાવ્યા છે. ટી-20 ક્રિકેટમાં તેમણે એક સદીની સાથે 1605 રન બનાવ્યા હતા. 18 ટેસ્ટ મેચમાં રૈનાએ 768 રન બનાવ્યા હતા.

સુરેશ રૈનાને કૅપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના નજીકની વ્યક્તિ માનવામાં આવે છે. 15 ઑગસ્ટે ધોનીએ સંન્યાસની જાહેરાત કરી તેના થોડાક જ કલાકો પછી રૈનાએ પણ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને નિવૃત્તિની જાહેરાત કરી હતી.

આ પછી રૈનાએ ચેન્નાઈ સુપરકિંગ્સની ટીમને જોઇન કરી અને દુબઈ પહોંચી ગયા. ટીમ હાલ ત્યાં પ્રૅક્ટિસ કરી રહી છે. આ વચ્ચે એકાએક ચેન્નાઈ સુપરકિંગ્સે ટ્વીટ કરીને જાણકારી આપી કે વ્યક્તિગત કારણસર રૈના સ્વદેશ પરત ફરી રહ્યા છે અને આ વર્ષે તેઓ આઈપીએલ નહીં રમી શકે.

આ દરમિયાન દુબઈમાં અનેક ખેલાડીઓ અને અધિકારીઓ કોરોના સંક્રમિત હોવાના સમાચાર આવ્યા. ત્યારબાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે બીસીસીઆઈએ માન્યું કે ટુર્નામેન્ટમાં ભાગ લેવા પહોંચેલા 13 લોકો કોરોના પૉઝિટિવ આવ્યા છે, જેમાં બે ખેલાડી પણ છે.

બીસીસીઆઈના કહેવા પ્રમાણે, તમામ અસરગ્રસ્ત લોકો અને તેમની નજીકમાં આવેલા લોકોમાં કોઈ લક્ષણ નથી અને તેમને ટીમના બીજા સભ્યોથી અલગ કરવામાં આવ્યા છે. આઈપીલ મેડિકલ ટીમ તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે.

આ વચ્ચે સુરેશ રૈનાના પરિવારની સાથે થયેલી ઘટનાના સમાચાર આવ્યા. જોકે કેટલાક મીડિયા અહેવાલમાં દુબઈમાં હોટલના રૂમને લઈને સુરેશ રૈનાની સાથે વિવાદના સમાચાર આવ્યા હતા. જોકે ચેન્નાઈ સુપરકિંગ્સના માલિક એન. શ્રીનિવાસને કહ્યું કે ચેન્નાઈ સુપરકિંગ્સ હંમેશાં રૈનાની સાથે છે.

શ્રીનિવાસને કહ્યું કે સુરેશ રૈનાએ ચેન્નાઈ સુપરકિંગ્સ તરફથી જે યોગદાન આપવામાં આવ્યુ છે, તે અદ્દભુત છે અને આ સમયમાં ટીમ તેમની સાથે છે. સુરેશ રૈનાએ ચેન્નાઈ તરફથી આઈપીએલમાં 189 ઇનિંગ્સમાં 5368 રન બનાવ્યા છે. તેમાં એક સદી અને 38 અર્ધસદી છે. તેમનો સ્ટ્રાઇક રેટ 137.14 રહ્યો છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો