You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રૂપાણી સરકારનો 'ગુંડા ઍક્ટ' શું છે અને એની જરૂર કેમ પડી?
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ હાલમાં જ જાહેરાત કરી છે કે આવનારા વિધાનસભાના સત્રમાં પાસાના કાયદાનો વ્યાપ વધારવામાં આવશે.
જોકે તેની સાથે-સાથે ગુજરાત સરકારના મંત્રીઓનું એવું પણ કહેવું છે કે આવનાર સત્રમાં રાજ્ય સરકાર ઉત્તર પ્રદેશની જેમ 'ગુંડા ઍક્ટ' પણ લાવી શકે છે.
કહેવાય છે કે સમાજમાં પ્રવર્તી રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે આ કાયદામાં પોલીસને વિશેષ સત્તા આપવામાં આવશે.
ઘણા લોકો એવું માને છે કે જ્યારે પાસા જેવો કાયદો હોય અને તેનો વ્યાપ વધારવાની પણ વાત હોય તો પછી 'ગુંડા ઍક્ટ' જેવા નવા કાયદાની વાત કરવાની જગ્યાએ સરકારે હાલના કાયદાના કડક અમલીકરણ પર ધ્યાન આપવું જોઈએ.
ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી મંગળવારે આ અંગે વાત કરતાં કહ્યું હતું કે 'ગુજરાત ગુંડા ઍન્ડ ઍન્ટિ-સોશિયલ ઍક્ટિવિટી (પ્રિવેન્શન) ઍક્ટ' માટે દરખાસ્ત મૂકવામાં આવશે.
ઍક્ટ અનુસાર, ગુંડાગીરી કરનારને 10 વર્ષ સુધીની જેલની સજા અને રૂપિયા 50 હજાર સુધીના દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે.
મુખ્ય મંત્રી વિજય રૂપાણી આગામી કૅબિનેટની બેઠકમાં એ અંગે વટહુકમ બહાર પાડશે.
આ કાયદા હેઠળ રાજ્યમાં દારૂ, જુગાર, ગૌહત્યા, માનવ અને બાળવેપાર, નકલી દવાઓનું વેચાણ, ડ્રગ્સ જેવા પદાર્થોનું વેચાણ, અપહરણ, ગેરકાયદે શસ્ત્રોનું વેચાણ વગેરેમાં લોકો સામે કડક હાથે કામ લેવામાં આવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાજ્ય સરકારની પ્રેસ રિલીઝ અનુસાર, ઉપરોક્ત તમામ કિસ્સાઓમાં સાક્ષીઓને સરકારી સુરક્ષા આપવામાં આવશે. ઉપરાંત સરકાર સાક્ષીની સંપૂર્ણ ગુપ્તતાની ખાતરી કરશે. તેમના નામ અને સંપર્કની અન્ય વિગતોનો ઉલ્લેખ કરવામાં આવશે નહીં.
લોકોને ઝડપથી ન્યાય મળે તે માટે સંબંધિત કેસોની કાર્યવાહી કરવા માટે વિશેષ અદાલતોની રચના કરવામાં આવશે.
1985નો કાયદો
પ્રિવેન્શન ઑફ ઍન્ટિ-સોશિયલ ઍક્ટિવિટી નામનો કાયદો 1985માં પસાર કરવામાં આવ્યો હતો, જેમાં મુખ્યત્વે દારૂનો ગેરકાયદેસર વ્યવસાય કરતા લોકો, કેરોસીનની કાળાબજારી કરતા લોકો, સરકારી કે પ્રાઇવેટ જમીનો પર ગેરકાયદેસર કબજો મેળવનારા લોકો, વગેરે પર આ કાયદાનો અમલ કરવામાં આવતો હતો.
જોકે વિજય રૂપાણીએ જાહેરાત કરી છે કે "હવેથી સાયબર ક્રાઇમના ગુનેગારો, શારીરિક હિંસા કરનાર લોકો, નબળા વર્ગને પરેશાન કરનાર લોકો, ઊંચા વ્યાજદરે પૈસા આપનારા લોકો, જાતીય સતામણી કરનારા લોકો વગેરે પર પણ પાસાનો કાયદો લાગુ કરવામાં આવશે."
ગુજરાત સરકાર 'ગુંડા ઍક્ટ' લાવવાનો પ્રસ્તાવ તૈયાર કરી રહી છે.
ઉત્તર પ્રદેશમાં 'ધ ઉત્તર પ્રદેશ ગુંડાનિયંત્રણ અધિનિયમ' નામનો કાયદો 1970થી અમલમાં છે.
આ કાયદા પ્રમાણે કોઈ ગૅંગનો સભ્ય, કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલી વ્યક્તિ વગેરેને આ કાયદા હેઠળ સજા કરી શકાય છે. ગુજરાતમાં પણ આ જ પ્રકારનો કાયદો લાવવાની તૈયારી સરકાર કરી રહી છે.
'ગુંડા' ઍક્ટની જરૂર કેમ?
આ વિશે બીબીસી ગુજરાતીએ ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ સાથે વાત કરી હતી.
તેમણે કહ્યું કે "આજના સમયમાં નવી ટેકનૉલૉજી આવી છે, ગુનો કરવાની પદ્ધતિ બદલાઈ ચૂકી છે માટે આ પ્રકારના કાયદાની જરૂરિયાત છે."
તેમણે કહ્યું હતું કે "સમય જતાં દરેક કાયદામાં ફેરફાર કરવાની જરૂર પડે છે અને હાલમાં અમે આ વિષય પર સંશોધન કરી રહ્યા છીએ કે ગુંડા ઍક્ટ જેવા કાયદામાં શું-શું ઉમેરી શકાય."
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે પાસાનો કાયદો હોવા ઉપરાંત ગુંડા ઍક્ટની શું જરૂર છે, ત્યારે તેમણે કહ્યું હતું કે નવા પ્રકારના ગુનાઓ માટે નવા કાયદાની જરૂરિયાત પડે છે.
આ વિષય પર બીબીસી ગુજરાતીએ ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા સાથે વાત કરી હતી.
તેમણે કહ્યું હતું કે "હજી અમે ગુંડા ઍક્ટ માટેના ઑબ્જેક્ટિવ પર વિચાર કરી રહ્યા છીએ અને તમામ સંશોધન બાદ અમને જરૂરિયાત લાગશે તો જ અમે આગળ વધીશું અને તેનું બિલ વિધાનસભામાં મૂકીશું."
'સરકાર નિષ્ફળતા છુપાવવા કાયદો લાવી રહી છે'
જોકે ઘણા રાજકીય લોકો તેમજ કાયદાના નિષ્ણાતો માને છે કે ગુજરાતને 'ગુંડા ઍક્ટ' પ્રકારના કોઈ નવા કાયદાની જરૂરિયાત નથી.
આ સંદર્ભે બીબીસી ગુજરાતીએ વિપક્ષના નેતા પરેશ ધાનાણી સાથે વાત કરી હતી.
તેમણે કહ્યું હતું કે "સામાન્ય રીતે લોકશાહીમાં કાયદો એ લોકોમાં વિશ્વાસ પેદા કરતો હોય છે, પરંતુ ગુંડા ઍક્ટ જેવા કાયદા લોકોમાં ભય ફેલાવશે."
ધાનાણી કહે છે કે સરકારની સામે ઊભા થઈ રહેલા અવાજોને બંધ કરવા માટે તેમજ તમામ વિરોધને દાબી દેવા માટે સરકાર આ પ્રકારનો કાયદો લાવવાની વાત કરી રહી છે.
તેમનું માનવું છે કે કોઈ પણ નવા કાયદાની જગ્યાએ જે હાલમાં કાયદાઓ છે તેનું યોગ્ય અમલીકરણ થવું જોઈએ.
વિપક્ષના નેતા તરીકે તેમણે અનેક વખત ગુજરાત રાજ્યમાં ચાલતા ગેરકાયદેસર દારૂના અડ્ડા, તેમજ અસામાજિક પ્રવૃત્તિઓ માટે પ્રશ્નો કર્યા છે.
જોકે તેઓ માને છે કે, આ કાયદો સરકારની નિષ્ફળતાઓ છુપાવવા માટે લાવવામાં આવી રહ્યો છે.
"છેલ્લાં 25 વર્ષથી ગુજરાતમાં જ્યારે ભાજપની જ સરકાર છે, ત્યારે એવું કેમ બની રહ્યું છે કે ભૂમાફિયાઓ માટે સરકારે એક અલગ કાયદો લાવવાની જરૂર પડી રહી છે."
કાયદાના નિષ્ણાત એવા ધારાશાસ્ત્રી આનંદ યાજ્ઞિકે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે "હાલમાં રાજ્યમાં પાસા ઉપરાંત ગુજરાત કંટ્રોલ ઑફ ઑર્ગેનાઇઝ્ડ ક્રાઈમ જેવો કાયદો પણ અમલમાં છે. તેમ છતાં જો સરકારને નવા કાયદાની જરૂર હોય તો કહેવાય કે અહીંયાં કાયદો અને વ્યવસ્થાની હાલત ખૂબ ખરાબ થઈ ચૂકી છે."
"હું માનું છું કે નવા કાયદાની જગ્યાએ હાલના કાયદાના અમલીકરણની પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવીને લોકોને એવો વિશ્વાસ અપાવવાની જરૂર છે કે તેઓ બધા જ સુરક્ષિત છે."
યાજ્ઞિકે માને છે કે 'ગુંડા ઍક્ટ' બીજું કંઈ નહીં પરંતુ લોકોના અવાજને દબાવવા, સરકાર સામેના વિરોધને ખતમ કરવાનો એક પ્રયાસ છે.
તેઓ કહે છે કે, તેમાંની જોગવાઈઓ સરકાર સામે બોલતા લોકોને ચૂપ કરવા માટે દુરુપયોગ થઈ શકે છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો