રોહિત શર્માને રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર તો દુતી ચંદને અર્જુન ઍવૉર્ડ, જાણો કયા ખેલાડીને શું સન્માન?

ભારત સરકાર દ્વારા દેશના પાંચ ખેલાડીઓને રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.

આ વર્ષે ક્રિકેટર રોહિત શર્મા, પૅરા ઍથ્લેટ મરિયપ્પન ટી, ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રા, કુસ્તીમાં વિનેશ અને હૉકીના ખેલાડી રાનીને રાજીવ ગાંધી ખેલરત્ન ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત દુતી ચંદને અર્જુન ઍવૉર્ડ એનાયત કરાયો છે. ક્રિકેટર ઇશાંત શર્મા અને મહિલા ક્રિકેટર દીપ્તિ શર્માને પણ અર્જુન ઍવૉર્ડ એનાયત કરાયો છે.

આ વર્ષે પાંચ ખેલાડીઓને રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર, 13 કૉચને દ્રોણાચાર્ય ઍવૉર્ડ, 27 ખેલાડીઓને અર્જુન ઍવૉર્ડ, 15 ખેલાડીઓને ધ્યાનચંદ ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

અદાણી સમૂહને કેરળના ઍરપૉર્ટનું સંચાલન સોંપવા સામે વિરોધ

કેરળની રાજ્ય સરકારે તિરુવનંતપુરમ ઍરપોર્ટને પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપમાં અદાણી ઍન્ટરપ્રાઇસીઝને 50 વર્ષ માટે લીઝ પર આપવાના નિર્ણયની સામે વિરોધ નોંધાવ્યો હતો, જે અંગે દેશના નાગરિક ઉડ્ડયનમંત્રી હરદીપસિંહ પુરીએ ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી હતી.

તેમણે ટ્વીટ કરીને લખ્યું હતું કે આંતરરાષ્ટ્રીય બિડિંગ પ્રક્રિયામાં ભાગ લેવા માટે કેરળ સરકાર યોગ્યતા નથી ધરાવતી.

આ પહેલાં કેરળના તિરુવનંતપુરમ ઍરપોર્ટના સંચાલન માટે જાહેર-ખાનગી ભાગીદારીમાં અદાણી ઍન્ટરપ્રાઇઝીસને પસંદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

એનડીટીવીના અહેવાલ મુજબ તેમણે લખ્યું હતું કે, "એવું કહેવામાં આવ્યું હતું કે જો કેરળ સ્ટેટ ઇન્ડસ્ટ્રિયલ ડૅવલપમેન્ટ કૉર્પોરેશન (કેએસઆઈડીસી)ની બોલી વિજેતાની બોલી કરતાં દસ ટકા ઉપર-નીચે હશે તો તેને આ કામ સોંપી દેવામાં આવશે. પરંતુ જ્યારે બિડ ખુલ્લી મૂકવામાં આવી ત્યારે તેની વચ્ચે 19.64 ટકાનું અંતર હતું."

ઍરપૉર્ટના ખાનગીકરણ પ્રક્રિયા વિશે હરદીપ પુરીએ કહ્યું હતું કે "પટ્ટો મેળવનાર કંપનીએ બોલીમાં પ્રતિ યાત્રી 168 રૂપિયા શુલ્કનો ઉલ્લેખ કર્યો હતો જ્યારે કેએસઆઈડીસીએ પ્રતિ યાત્રી 135 રૂપિયા અને બોલી લગાવનાર ત્રીજી કંપનીએ 63 રૂપિયા પ્રતિ યાત્રીની બોલી લગાવી હતી."

એનડીટીવીના અહેવાલ મુજબ મુસાફર દિઠ શુલ્ક 2019ની શરૂઆતમાં થયેલી છ ઍરપૉર્ટની બોલી પ્રક્રિયાનો માપદંડ છે. આ છ ઍરપૉર્ટ-લખનૌ, અમદાવાદ, મેંગલોર, જયપુર, ગૌહાટી અને તિરુવનંતપુરમ હતાં. અદાણી ઍન્ટરપ્રાઇસીઝે આ છ ઍરપોર્ટ માટે સૌથી વધારે બોલી લગાવી હતી.

કેરળ સરકારે તિરુવનંતપુરમ ઍરપૉર્ટનાં પ્રબંધન અને સંચાલનનું કામ અદાણી સમૂહને આપવાના કેન્દ્ર સરકારના નિર્ણયનો વિરોધ નોંધાવા અને તેની પર ચર્ચા માટે ગુરુવારે એક સર્વદળીય બેઠક બોલાવી હતી.

રાજ્યના નાણામંત્રી ડૉ. થૉમસ ઇસાકે ટ્વીટ કરીને કહ્યું હતું, "અદાણી સરખી જ બોલી લગાવવા છતાં કેરળ સરકારના દાવાને નકારી દેવામાં આવ્યો અને તિરુવનંતપુરમ ઍરપોર્ટને અદાણી સમૂહના હાથમાં આપી દેવામાં આવ્યું હતું. કેરળના પ્રસ્તાવને સ્વીકાર કરવાનો પીએમઓનો વાયદો તોડી દેવામાં આવ્યો હતો. કેરળના લોકો આનો સ્વીકાર નહીં કરે. "

ગણેશ વિસર્જન માટે વ્યવસ્થા નહીં કરાય?

અમદાવાદમાં મ્યુનિસિપલ કૉર્પોરેશને નક્કી કર્યું છે કે ગણેશોત્સવ દરમિયાન નદી અથવા સાબરમતી રિવર ફ્રન્ટ નજીક બનેલાં અસ્થાયી તળાવોમાં ગણેશ વિસર્જનની પરવાનગી નહીં આપવામાં આવે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ શહેરમાં ગણેશોત્સવ દરમિયાન સર્વશ્રેષ્ઠ પંડાલની પ્રતિસ્પર્ધામાં આપવામાં આવતી 'લોકમાન્ય ટીળક ટ્રૉફી'ને પણ આ વર્ષે કોરોના મહામારીને જોતાં રદ કરવામાં આવી છે.

આ અંગેની સ્ટૅન્ડિંગ કમિટીના પ્રમુખ અમૂલ ભટ્ટે લોકોને અપીલ કરી છે કે લોકો માટીથી બનેલી ગણેશ નાની મૂર્તિની સ્થાપના કરે જેથી ઘરની બહાર જ વિસર્જન કરી શકાય.

દર વર્ષે ગણેશવિસર્જન માટે શહેરમાં 60થી વધારે અસ્થાયી તળાવોનું નિર્માણ કરવામાં આવે છે પરંતુ અમદાવાદના મેયરે જણાવ્યું કે રાજ્ય સરકારે કોરોના મહામારીને જોતાં તહેવારોની જાહેરમાં ઉજવણી અને મેળાવડા પર લગાવેલા પ્રતિબંધને પગલે આ વર્ષે આ તળાવોનું નિર્માણ કરવામાં નહીં આવે.

ફેસબુક પર ભારતમાં રાજકીય ઘમસાણ

ફેસબુક પર ભારતીય જનતા પાર્ટીના નેતાઓના નફરત ફેલાવનારાં કથિત નિવેદનોની અવગણના કરવાના આરોપ વચ્ચે રાજકીય ચડસાચડસી નવા તબક્કામાં પહોંચી ગઈ છે.

પહેલાં કૉંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યા પછી હવે ભાજપે કૉંગ્રસના નેતા શશિ થરૂર પર નિશાન તાક્યું છે.

હિંદસ્તાન ટાઇમ્સના અહેવાલ મુજબ શશિ થરૂરે ઇન્ફૉર્મેશન ટેકનૉલૉજી પર સંસદની સમિતિની સામે સવાલ-જવાબ માટે ફેસબુકના અધિકારીઓને સમન મોકલવાની વાત કરી હતી.

સંસદીય સમિતિએ ફેસબુકના પ્રતિનિધિઓને બીજી સપ્ટેમ્બરે સમિતિ સમક્ષ નાગરિકોના અધિકારોની સુરક્ષા અને સોશિયલ મીડિયાના દુરુપયોગ અંગે જવાબ આપવા કહ્યું હતું.

ભારતીય જનતા પાર્ટી આ વાત પર નારાજ છે અને તેનું કહેવું છે કે મીડિયામાં આ વિશે વાત કરવાને બદલે શશિ થરૂરે પહેલા સમિતિમાં આ બાબતે ચર્ચા કરવાની જરૂર હતી.

ભાજપે શશિ થરૂરને સંસદની આ સ્થાયી સમિતિના પ્રમુખપદેથી હઠાવવાની માગ કરી છે.

ભાજપના સાંસદ શશિકાંત દૂબેએ આ વિશે લોકસભા સ્પીકર ઓમ બિરલાને એક પત્ર લખ્યો છે .

નિશિકાંત દૂબેએ સમાચાર એજન્સી એએનઆઈને કહ્યું, "મેં લોકસભા સ્પીકરને અનુરોધ કર્યો છે કે તેઓ શશિ થરૂરને આઈટી સંબંધી સ્થાયીની બેઠકમાં ન બોલાવે. સાથે જ તેમને સ્થાયી સમિતાના પ્રમુખપદેથી હઠાવવાની પણ માગ કરી છે. "

ભાજપના સાંસદ દૂબેએ કહ્યું કે તેમણે પોતે સંસદમાં કહ્યું હતું કે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાની જેમ સોશિયલ મીડિયા પ્લૅફૉર્મને પણ રેગ્યુલેચ કરવાની જરૂર છે. તેઓ પણ આ સમિતિના સભ્ય છે.

કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોરે પણ શશિ થરૂરે પણ નિયમોના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો હતો. થરૂર અને દૂબેએ એક બીજાની સામે વિશેષાધિકાર હનનની નોટિસ પણ પાઠવી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો