નરેન્દ્ર મોદી સરકારે કાશ્મીરમાંથી 10 હજાર સૈનિકોને હઠાવવાનો નિર્ણય કેમ કર્યો?

    • લેેખક, માજિદ જહાંગીર
    • પદ, શ્રીનગરથી, બીબીસી ગુજરાતી માટે

ગત વર્ષે ભારત પ્રશાસિત કાશ્મીરને વિશેષ અધિકાર આપતા આર્ટિકલ 370ને હઠાવ્યા પછી સુરક્ષાદળોના હજારો સૈનિકો કેન્દ્રશાસિત પ્રદેશ કાશ્મીરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તહેનાત હતા.

એક વર્ષ પછી કેન્દ્ર સરકારે બુધવારે 10 હજાર સૈનિકોને પરત બોલાવવાનો આદેશ જાહેર કર્યો છે.

કેન્દ્ર સરકારના ગૃહમંત્રાલયના આદેશમાં કહેવામા આવ્યુ છે કે 'કેન્દ્રિય પોલીસબળની 100 કંપનોને જમ્મુ-કાશ્મીરમાંથી પરત બોલાવીને તેમને તેમની સંબંધિત જગ્યાઓ પર મોકલવાનો આદેશ આપવામાં આવ્યો છે.'

આ આદેશ એવા સમયે આવ્યો છે, જ્યારે કાશ્મીરમાં સતત ઉગ્રવાદી હુમલા, ઍન્કાઉન્ટર અને રાજકીય કાર્યકર્તાઓની હત્યાનો સિલસિલો ચાલુ છે.

વિશેષ દરજ્જો પરત લીધા પછી ભારત સરકારે જમ્મુ-કાશ્મીરમાં મહિનાઓ સુધી આકરા પ્રતિબંધ, કર્ફ્યૂ લગાવી રાખ્યા અને સંચારનાં તમામ સાધનો કાપી નાખ્યાં હતાં.

હજારો અલગાવવાદી નેતાઓ, મુખ્ય પક્ષોના રાજનેતાઓની ધરપકડ કરવામાં આવી છે અને સરકારની સામે વિરોધપ્રદર્શનો પર પ્રતિબંધ મૂકવા માટે અનેક લોકો પર પબ્લિક સૅફ્ટી ઍક્ટ (પીએસએ) લાગુ કરવામાં આવ્યો છે.

જોકે આમાં અનેક એવા લોકો છે જેમને હવે મુક્તિ આપવામાં આવી રહી છે, પરંતુ હાલ પણ જમ્મુ-કાશ્મીરનાં પૂર્વ મુખ્ય મંત્રી મહબૂબા મુફ્તીની ધરપકડ કરવામાં આવી છે.

10 હજાર જવાનોને પરત બોલાવવા બદલ લોકો ખુશ છે?

10 હજાર સુરક્ષાકર્મીઓને પરત બોલાવ્યા પછી અનેક તબકાઓમાં ઘણી ચર્ચા છે. જોકે, સ્થાનિક રાજકીય પક્ષોમાં આને લઈને કાંઈ ખાસ ઉત્સાહ નથી.

નેશનલ કૉન્ફરન્સના અધ્યક્ષ અને સંસદસભ્ય ડૉક્ટર ફારૂક અબ્દુલ્લાહનું કહેવું છે કે આ માત્ર લોકોને બેવકૂફ બનાવવા માટે છે.

તેમણે બીબીસીને કહ્યું, "અહીં લાખો સુરક્ષાકર્મી છે જો 10 હજારને પરત બોલાવી લેવામાં પણ આવે છે તો તેનો શું અર્થ? મને લાગે છે કે આ દુનિયાને બેવકૂફ બનાવવા માટે કામ કરવામાં આવ્યું છે."

જમ્મુ-કાશ્મીર અપની પાર્ટીના અધ્યક્ષ અલ્તાફ બુખારી કહે છે કે આ એક સામાન્ય એક્સરસાઇઝ જેવું લાગે છે.

તે કહે છે, "મને આમાં કાંઈ ખાસ લાગતું નથી. કદાચ સરકાર સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરી રહી હશે. આ એક ચાલતી પ્રક્રિયા છે. જમીન પર લોકોને ક્યાંય રાહત જોવા મળી રહી નથી. જ્યારે લોકો કહેશે કે રાહતનો અહેસાસ થઈ રહ્યો છે તો અમને પણ અહેસાસ થશે. આને સામાન્ય પરિસ્થિતિઓ સાથે કોઈ લેવા-દેવા નથી."

એક બીજા સ્થાનિક રાજકીય પક્ષ પીપલ્સ ડૅમોક્રૅટિક પાર્ટી (પીડીપી)નું કહેવું છે કે ભારત સરકાર એ દેખાડવા માગે છે કે તમામ વસ્તુઓ સામાન્ય છે.

કાશ્મીરમાં હવે સ્થિતિ કેવી છે?

પીડીપીના પ્રવક્તા તાહિર સૈયદ કહે છે, "પ્રાથમિક રીતે આ એક ધારણા બનાવવાની રીત છે. સરકાર દાવો કરે છે કે પરિસ્થિતિ સામાન્ય છે જે યોગ્ય નથી. આર્ટિકલ 370 હઠાવ્યાની પહેલી વરસી પર સરકારે કહ્યું કે જમ્મુ-કાશ્મીર હવે સામાન્ય સ્થિતિનું સાક્ષી બની રહ્યું છે. પરંતુ એક વર્ષ પછી સ્થિતિ વધારે ખરાબ છે. સુરક્ષાકર્મીઓને હઠાવવા એક રૂટિન કસરત છે. હજારો કંપનીઓ આવે છે અને જાય છે. કાલે તે (સરકાર) 2 હજારથી વધારે કંપનીઓ મોકલી શકે છે. તો આને સામાન્ય સ્થિતિ કહેવી જૂઠાણું છે."

તેમણે કહ્યું, "લોકોની વચ્ચે અલગાવની ભાવના વધી ગઈ છે. આ સમયે સરકારી સંસ્થાઓમાં લોકોને ભરોસો નથી. લોકો આને અસ્તિત્વના એક સંકટના રૂપમાં જોવા મળી રહ્યા છે. આર્ટિકલ 370 હઠાવ્યા પછી જમ્મુ-કાશ્મીરના લોકો પાસે જૂઠ બોલાવવા માટે રાજભવન બનાવામાં આવ્યું."

ત્યાં સુધી કે સામાન્ય કાશ્મીરી પણ સુરક્ષાકર્મીઓને હઠાવવાને મોટા બદલાવ તરીકે જોઈ રહ્યા નથી.

શ્રીનગરના એક દુકાનદાર મુદસ્સિર અહમદ કહે છે, "વાસ્તવિક સ્થિતિ બદલાઈ નથી. લોકો ડરનો અહેસાસ કરી રહ્યા છે. મને લાગે છે કે 10 હજાર સુરક્ષાદળોને હઠાવવા સામાન્ય લોકો માટે કોઈ મોટી વાત નથી. ઉગ્રવાદીઓના હુમલાઓ ચાલુ છે, સતત ઍન્કાઉન્ટર થઈ રહ્યા છે."

પથ્થરમારો ઓછો થયો?

એક ઉચ્ચ સુરક્ષા અધિકારીએ નામ ન જાહેર કરવાની શરત પર બીબીસીને કહ્યું કે કાશ્મીરની હાલતમાં બદલાવ આવ્યો છે.

તેમણે કહ્યું, "જો જુઓ કે પથ્થરમારાની ઘટનાઓમાં ઘટાડો થયો છે. ઍન્કાઉન્ટરની જગ્યા પર લોકોને આવવાની ઘટના બદલાઈ ગઈ છે."

ઉગ્રવાદીઓની સામે અભિયાન સતત ચાલુ છે, આ સવાલ પર તેમણે કહ્યું કે આ ચાલુ છે અને આમાં કોઈ અવરોધ આવ્યો નથી.

તેમણે એમ પણ કહ્યું કે સુરક્ષાદળોને હઠાવવા એક પ્રક્રિયા છે, જે કાશ્મીરની સાથે જમ્મુ વિસ્તારમાં પણ અપનાવવામાં આવી રહી છે.

તો વિશ્લેષકનું કહેવું છે કે સુરક્ષાદળોને હઠાવવા એક પબ્લિસિટી સ્ટંટ છે.

શ્રીનગરથી છપાતા ઉર્દૂ અખબાર ચટ્ટાનના સંપાદક અને વિશ્લેષક તાહિર મોહિદ્દીન કહે છે, "સરકાર કહી રહી છે કે પથ્થરમારાની ઘટનાઓ ઓછી થઈ છે, પરંતુ એમાં કોઈ સામાન્ય સ્થિતિ જોઈ રહ્યો નથી. અને અમે કોઈ મોટા સુરક્ષાદળોને હઠાવવાને નથી જોઈ રહ્યા. સરકાર પબ્લિસિટી માટે આ કામ કરી રહી છે. લોકો હાલ પણ ધરપકડમાં છે. તે હાલ પણ કર્ફ્યૂ લગાવી રહ્યા છે અને બીજી વસ્તુઓ પણ થઈ રહી છે."

જોકે, જમ્મુ-કાશ્મીરના પ્રદેશ ભાજપનું કહેવું છે કે સુરક્ષાકર્મીઓને હઠાવવા સ્થિતિ ઠીક હોવા તરફ ઇશારો કરે છે.

ભાજપ જમ્મુ-કાશ્મીરના ઇન્ચાર્જ અવિનાશ ખન્નાએ બીબીસીને કહ્યું, "જમ્મુ-કાશ્મીર સામાન્ય સ્થિતિ તરફ જઈ રહ્યું છે. આની તમે ગત વર્ષ સાથે તુલના કરો."

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે સુરક્ષાદળો અને રાજકીય કાર્યકર્તા હાલ પણ મરી રહ્યા છે તો તેમણે કહ્યું, "લોકો અને સુરક્ષાકર્મીઓને નિરાશા હેઠળ મારવામાં આવી રહ્યા છે. તે એટલા માટે કરી રહ્યા છે, જેથી તેમના આકા ખુશ થાય. તેમના હાથમાં હવે કાંઈ બચ્યું નથી. પથ્થરમારાની ઘટનાઓ ઘટી ગઈ છે. આ એક શરૂઆત છે, અમે હવે ખૂબ આગળ જઈશું."

કોરોના વાઇરસના કારણે પ્રદર્શન નથી થઈ રહ્યાં?

જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો જ્યારે ગત વર્ષે પરત ખેંચી લેવામાં આવ્યો, તો કાશ્મીરના અલગાવવાદી અને મુખ્ય પક્ષોના નેતા એક જ નાવમાં સવાર હતા અને તેમનું માનવું હતું કે આનાથી જનસાંખ્યિકીમાં પરિવર્તન આવશે.

શ્રીનગરમાં રહેતાં એક અન્ય વિશ્લેષક હારૂન રેશીનું કહેવું છે કે કોરોના વાઇરસે ઘણું બધું બદલી નાખ્યું છે એટલા માટે લોકો કોઈ જલસામાં જવા માગતા નથી.

તેમણે કહ્યું, "મને લાગે છે કે જો સ્થિતિ સામાન્ય હોત તો લોકો ભારત સરકારની નીતિઓની સામે નારાજગી વ્યક્ત કરેત. લોકો હાથ મિલાવતા પણ ડરી રહ્યા છે તો પછી કેવી રીતે લોકોના કોઈ પ્રદર્શન અથવા રાજકીય રેલીનો ભાગ બનવાની સંભાવના છે."

રેશી કહે છે, "10 હજાર સુરક્ષાકર્મીઓને પરત બોલાવવા પાછળ કોઈ આંતરિક કારણ છે. આપણે કહી શકીએ તેમ નથી કે આ સૈનિકોને ઘટાડવાની કોઈ પ્રક્રિયા છે, આ ભ્રમ ઊભો કરી રહ્યા છે. ગત વર્ષે સંભવિત હિંસાને ધ્યાનમાં લેતા વધારે સુરક્ષાકર્મીઓ તહેનાત કરવામાં આવ્યા હતા. પરંતુ બંધારણીય ફેરફાર પછી કોઈ હિંસા થઈ નહીં અને હવે સરકાર વિચાર રહી છે કે વધારે સુરક્ષાકર્મીઓની જરૂર નથી. અમે ગત વર્ષની સરખામણીમાં હાલ સ્થિતિ સામાન્ય છે, પરંતુ એનો અર્થ તમામ મુદ્દાઓનો ઉકેલ આવી ગયો છે."

આ અંગે બીબીસીએ સરકારના પ્રવક્તા રોહિત કંસલ સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમણે ફોન ઉઠાવ્યો ન હતો. બીબીસીએ તેમને વૉટ્સઍપ પર મેસેજ મૉકલ્યો. તેમનો જવાબ આવશે ત્યારે આ સ્ટોરીને અપડેટ કરવામાં આવશે.

2004માં પાકિસ્તાનના સૈન્યશાસક પરવેઝ મુશર્રફ જ્યારે કાશ્મીર સમાધાનની ફૉર્મ્યુલા લાવ્યા હતા તો તેમના ચાર મુદ્દામાં પહેલો મુદ્દો જમ્મુ-કાશ્મીરના વસતિવાળા વિસ્તારોમાંથી લોકોની સંખ્યા ઘટાડવાનો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો