ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને રાજ્યની બહાર જવાની મંજૂરી નહીં - Top News

ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની ગુજરાત બહાર જવાની મંજૂરી માગતી અરજી અમદાવાદની સ્થાનિક કોર્ટે ફગાવી દીધી છે.

પટેલના વકીલોએ દલીલ આપી હતી કે જામીનની શરતમાં હરફરનિયંત્રણ લાદવામાં આવ્યાં છે, જેનો લાભ પટેલના રાજકીય વિરોધીઓને મળી રહ્યો છે.

જેનો વિરોધ કરતા સરકારી પક્ષે દલીલ આપી હતી કે પટેલ અગાઉ પણ જામીનની શરતોનો ભંગ કર્યો છે અને કોર્ટની સુનાવણી સમયે હાજર ન રહેવાનું વલણ દાખવ્યું છે, એટલે તેમને રાજ્યની બહાર જવા દેવાની મંજૂરી આપવામાં ન આવે. વર્ષ 2015માં હાર્દિક પટેલના પાટીદાર અનામત આંદોલન કાર્યક્રમ બાદ રાજ્યભરમાં હિંસા ફાટી નીકળી હતી તેના સંદર્ભમાં તેમની સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

જો તેમને મંજૂરી મળી હોત તો બિહાર વિધાનસભાની ચૂંટણી દરમિયાન ત્યાંના કુર્મી મતોને પ્રભાવિત કરવાનો પ્રયાસ તેમણે કર્યો હોત. આગામી સમયમાં ગુજરાતની આઠ બેઠક ઉપર કૉંગ્રેસને વિજય અપાવવાનો તેમની સામે પડકાર હશે.

ઉલ્લેખનીય છે કે માર્ચ 2019માં તેઓ કૉંગ્રેસમાં જોડાયા હતા અને બે વર્ષથી વધુ સમયની સજા થઈ હોઈ, હાલમાં તેઓ ચૂંટણી લડી શકે તેમ નથી.

1100 વર્ષ જૂની શિવની મૂર્તિ ભારત આવશે

શિવની 9મી શતાબ્દીની મનાતી એ મૂર્તિ જે 1998માં ચોરી થઈ હતી તે યુકેથી ભારત પરત લાવવામાં આવશે એવા સમાચાર છે.

હિન્દુસ્તાન ટાઇમ્સ અખબારના અહેવાલ પ્રમાણે ફેબ્રઆરી 1998માં રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લાના ઘટેશ્વર મંદિરમાંથી આ દુર્લભ પ્રાચીન મૂર્તિ ચોરી થઈ ગઈ હતી અને બાદમાં લંડનમાં તે મળી આવી હતી. આ મૂર્તિ અંદાજે 1100 વર્ષ પ્રાચીન ગણાવાય છે.

અહેવાલ પ્રમાણે લંડનમાં ભારતીય અધિકારીઓએ જણાવ્યું કે જ્યારે એવી જાણકારી બહાર આવી કે આ મૂર્તિ બ્રિટનમાં દાણચોરીથી લઈ જવાઈ છે તો બ્રિટિશ સત્તાધીશોને 2003માં સચેત કરવામાં આવ્યા હતા.

તેમણે એક ખાનગી સંગ્રાહક સાથે સંપર્ક કર્યો હતો જેના કબ્જામાં આ મૂર્તિ હતી. 2005માં આ મૂર્તિ મેળવી તેને ભારતીય દૂતાવાસને પરત કરવામાં આવી હતી. ત્યારે આ મૂર્તિ લંડનમાં ઇન્ડિયા હાઉસમાં રાખવામાં આવી હતી.

2017માં આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાની એક ટીમ લંડન ગઈ હતી અને એને તપાસી ખાતરી કરી હતી કે આ એ જ મૂર્તિ છે જે ઘટેશ્વર મંદિરમાંથી ચોરાઈ હતી.

લંડનમાં ભારતીય મિશન બ્રિટિશ સરકારના કાયદા વિભાગ સાથે સંપર્કમાં રહી ભારતમાંથી ચોરાયેલી અને યુકેમાં દાણચોરીથી લઈ જવાયેલી આવી અનેક કલાકૃતિઓને પરત મેળવવા પર કામ કરે છે અને એ જ પ્રયાસનું આ તાજું ઉદાહરણ છે.

ગુજરાત હાઈકોર્ટનો કૉન્ટ્રૅક્ટ પરના કર્મચારીઓ વિશેનો મહત્ત્વનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક ચુકાદામાં કહ્યું છે કે કોઈ કર્મચારીને નિશ્ચિત પગારના કૉન્ટ્રૅક્ટ પર રાખવામાં આવ્યા હોય તો પણ પૂર્ણસ્તરની ખાતાકીય તપાસ વિના તેમને નોકરીમાંથી દૂર કરી શકાય નહીં.

અમદાવાદ મિરરના અહેવાલ પ્રમાણે હાઈકોર્ટની બે જજની બૅંચે આ ચુકાદો આપતા કહ્યું કે જ્યારે પણ કર્મચારી સામે કોઈ આરોપ મૂકાયો હોય તેવા સંજોગોમાં તે ફિક્સ-પે કૉન્ટ્રૅક્ટ પરનો કર્મચારી હોય તો પણ સરકાર તપાસ બાદ જ કોઈ નિર્ણય કરી શકે.

ગુજરાત હાઈકોર્ટનો આ ચુકાદો રાજ્યમાં ફિક્સ પે કૉન્ટ્રૅક્ટ સિસ્ટમ પર કામ કરતા લાખો કર્મચારીઓને સ્પર્શે છે.

કોર્ટે રાજ્યમાં બે અલગ અલગ ચૅકપોસ્ટ પર ફરજ પર રહેલા અને ફરજ દરમિયાન ભ્રષ્ટાચારના આરોપ હેઠળ નોકરીમાંથી દૂર કરવામાં આવેલા બે આસિસ્ટન્ટ મોટર વિહિકલ ઇન્સ્પેક્ટર ચેતન રાજગોર અને ધવલ પ્રજાપતિના કેસ સંબંધે આ ચુકાદો છે. બંને કર્મચારીઓ ઍન્ટિ કરપ્શન બ્યૂરોની તપાસમાં ઝડપાયા અને બાદમાં 2015માં તેમને નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા હતા.

રાજસ્થાનમાં 14 ઑગસ્ટે વિધાનસભા સત્ર

રાજસ્થાનમાં રાજ્યપાલ કલરાજ મિશ્રાએ વિધાનસભા સત્ર બોલાવવાના અશોક ગહેલોત સરકારના પ્રસ્તાવે આખરે સ્વીકાર્યો છે. રાજ્યપાલે 14 ઑગસ્ટથી વિધાનસભાનું સત્ર બોલાવવાના આદેશ બહાર પાડ્યા છે.

ઇન્ડિયન ઍક્સપ્રેસના અહેવાલ પ્રમાણે બુધવારે રાત્રે રાજ્યપાલે વિધાનસભા સત્ર બોલાવવા માટેનું સમન બહાર પાડતા કહ્યું કે, રાજ્યના મંત્રી મંડળના નવા પ્રસ્તાવ ઉપર હું 14 ઑગસ્ટથી ગૃહ બોલાવવા માટે સમન જાહેર કરું છું.

વિધાનસભા સત્ર બોલાવવાની મુખ્યમંત્રી અશોક ગહેલોતની માગ સાથે એક અઠવાડિયાથી રાજ્યપાલને પત્રો લખાયા, વિરોધપ્રદર્શન થયાં બાદ હવે રાજ્યપાલે વિધાનસભા સત્ર આયોજિત કરવાનો સ્વીકાર કર્યો છે.

રાજ્યપાલે વિધાનસભા સત્રમાં થયેલા વિલંબ બદલ રાજ્યના મંત્રીમંડળને જવાબદાર ઠેરવ્યું અને કહ્યું કે રાજ્યનું મંત્રીમંડળ એ કારણો સમજાવતું ન હતું કે આવી રાજકીય પરિસ્થિતિમાં અને મહામારીના આવા સમયમાં આટલી ટૂંકી સૂચનામાં તે કેમ નિયમિત ચોમાસુ સત્ર બોલાવવા માગે છે.

રાજ્યપાલે આટલી ટૂંકી અરજીમાં વિધાનસભા સત્ર બોલાવવા માટે ફ્લૉર ટેસ્ટ જેવા ઍજન્ડા જણાવવાની માગ કરી હતી જ્યારે કે રાજ્ય સરકારનું કહેવું હતું કે રાજ્યપાલને એ જાણવાનો અધિકાર નથી.

રફાલ ફાઇટર જેટ ડીલ પર રાહુલ ગાંધીએ ફરી કર્યા સવાલ

રફાલ જેટ ફાઇટર વિમાનો બુધવારે બપોરે હરિયાણાના અંબાલામાં ઉતરાણ થયાના કલાકો બાદ કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ફરી રફાલ ડીલને લઈને મોદી સરકારને ઘેરતા સવાલો પૂછ્યા છે.

એનડીટીવીના અહેવાલ પ્રમાણે રાહુલ ગાંધીએ ટ્વીટ કરી રફાલ ડીલને લઈને મોદી સરકાર પર ફરી આરોપ મૂકતા પાછલા વર્ષે સામાન્ય ચૂંટણી પહેલાં પૂછેલા સવાલો ફરી ઊભા કર્યા છે.

રાહુલ ગાંધીએ તેમના ટ્વીટમાં ત્રણ સવાલો પૂછ્યા છે કે શા માટે એરક્રાફ્ટની કિંમત 526 કરોડની જગ્યાએ 1670 કરોડની થઈ ગઈ? શા માટે 126 ઍરક્રાફ્ટની જગ્યાએ 36 ઍરક્રાફ્ટ ખરીદવામાં આવ્યા અને શા માટે એચએએલની જગ્યાએ 30,000 કરોડ રૂપિયાનો કૉન્ટ્રૅક્ટ દેવાદાર અનિલ અંબાણીને આપવામાં આવ્યો?

રફાલ ડીલને લઈને અનેક વિવાદ થઈ ચૂકયા છે અને સુપ્રીમ કોર્ટે પણ આ સોદાને લઈને સરકારને કલીન ચિટ આપી છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો