ગુજરાત અનલૉક-3ની જાહેરાત : શું ખુલ્લું રહેશે અને શું રહેશે બંધ, મેળા યોજાશે?

કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાને પગલે રાજ્ય સરકાર દ્વારા નૉન-કન્ટેઇન્મૅન્ટ ઝોનમાં અનલૉકના ત્રીજા તબક્કાની જાહેરાત કરવામાં આવી છે.

જે મુજબ રેસ્ટોરાં, હોટલ તથા ખાણીપીણીની દુકાનો રાત્રે દસ વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે.

મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબમુખ્ય પ્રધાન નીતિન પટેલ તથા અન્ય પ્રધાનો અને અધિકારીઓની બેઠકમાં અપનારી છૂટછાટો વિશે ચર્ચા કરવામાં આવી હતી.

રૂપાણી આ પહેલાં ઑગસ્ટ મહિનાના તહેવારોને ઘરમાં જ ઊજવવાની વાત કહી ચૂક્યા છે.

આ પહેલાં બુધવારે કેન્દ્ર સરકારના ગૃહમંત્રલાયે ત્રીજા તબક્કાના અનલૉકની માર્ગદર્શિકા જાહેર કરી હતી.

અનલૉક-3 દરમિયાન યોગ સંસ્થાનો, જિમ્નૅશિયમ ફરી ખૂલશે, જોકે શાળા-કૉલેજો હાલ નહીં ખૂલે.

કોવિડ-19નો પ્રસાર અટકાવવા માટે માર્ચ મહિનાના ચોથા અઠવાડિયાથી તબક્કાવાર રીતે લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી.

ગુજરાત સરકારની જાહેરાતો

રાજ્ય સરકાર દ્વારા પહેલી ઑગસ્ટથી રાત્રિના કર્ફ્યુમાંથી મુક્તિ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

આ સિવાય પાંચમી ઑગસ્ટથી દુકાનોને સાંજે આઠ વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે.

જીમ તથા યોગકેન્દ્રોને કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજરને આધારે ખોલવાની મંજૂરી અપાશે.

શરતો અને માર્ગદર્શિકાના આધારે સ્વતંત્રતાદિવસની ઉજવણી કરવાની મંજૂરી આપવામાં આવી છે.

સ્કૂલ, કૉલેજ, રાજકીય-ધાર્મિક-સામાજિક-સાંસ્કૃતિ મેળાવડા/સભા, સિનમેહૉલને હાલ છૂટછાટ નહીં.

તહેવારો ન ઊજવવાની જાહેરાત થાય : રૂપાણી

રાજકોટમાં કોરોના વાઇરસના વધી રહેલા કેસને પગલે મુખ્ય મંત્રી વિજય રૂપાણી, નાયબમુખ્ય મંત્રી તથા આરોગ્યમંત્રી નીતિન પટેલ ઉપરાંત મુખ્ય સચિવ, આરોગ્ય સચિવ સહિતના રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ રાજકોટ ધસી ગયા હતા અને સ્થિતિની સમીક્ષા કરી હતી.

બાદમાં પત્રકારપરિષદને સંબોધતાં મુખ્ય મંત્રીએ જાહેરાત કરી હતી કે રાજકોટ તથા વડોદરામાં ટેસ્ટિંગ વધારવામાં આવશે.

રૂપાણીએ કહ્યું હતું કે 'ઑગસ્ટ મહિનાના અંત ભાગ સુધીમાં જે કોઈ તહેવાર આવે છે, તેની ઉજવણી નહીં કરવા જે-તે સમાજે જાહેરાત કરી દેવી જોઈએ. જેમ કે, ભાદરવી પૂનમનો મેળો કે લોકમેળો.'

નવરાત્રિનો તહેવાર ઑગસ્ટ મહિના પછી આવતો હોય તેમણે જે-તે સમયે સ્થિતિની સમીક્ષા કરીને નિર્ણય લેવાની વાત કહી હતી.

ઉલ્લેખનીય છે કે મુસ્લિમોના તાજિયા અને બકરી ઈદ, જૈનાની સંવત્સરી, હિંદુઓની જનમાષ્ટમી તથા લોકમેળા 31 ઑગસ્ટ પહેલાં આવે છે.

નોંધનીય છે કે રૂપાણી પોતે રાજકોટની બેઠક ઉપરથી ધારાસભ્ય છે.

કેન્દ્રીય માર્ગદર્શિકા: શું-શું ખોલી શકાશે?

રાત્રિ દરમિયાન અવરજવર ઉપરના નિષેધો સંપૂર્ણપણે હઠાવી લેવામાં આવ્યા છે.

સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક સહિતની પૂર્વશરતો સાથે 15મી ઑગસ્ટના સ્વતંત્રતાદિવસના કાર્યક્રમો યોજી શકાશે.

જિમ તથા યોગવર્ગને આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ ખોલી શકાશે.

કેન્દ્રીય માર્ગદર્શિકા: શું બંધ રહેશે?

રાષ્ટ્રીય, ધાર્મિક સામાજિક અને શૈક્ષણિક મેળાવડા અને મોટા કાર્યક્રમો ઉપરના નિષેધાત્મક આદેશો લાગુ રહેશે, તેને દૂર કરવાની તારીખો સ્થિતિની સમીક્ષા બાદ જાહેર કરાશે.

કન્ટેઇન્મૅન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં પણ સિનેમા હૉલ, સ્વિમિંગ પુલ, ઍન્ટર્ટેઇનમેન્ટ પાર્ક, થિયેટર, બાર, ઑડિટોરિયમ નહીં ખૂલે.

મેટ્રો હજુ પણ બંધ રહેશે અને મોટી સંખ્યામાં એકઠા થવા પર પ્રતિબંધ લાગુ રહેશે.

રાજ્ય સરકારો તથા કેન્દ્રશાસિત પ્રદેશો સાથે વિચારવિમર્શ કર્યા બાદ 31મી ઑગસ્ટ સુધી શાળા-કૉલેજ અને શૈક્ષણિક સંસ્થાઓને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સ્થાનિક તંત્ર દ્વારા કન્ટેઇન્મૅન્ટ ઝોન વિસ્તારની જાહેરાત કરવામાં આવશે અને રાજ્ય સરકારોએ તેનો અમલ કરાવવાનો રહેશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો