4200 ગ્રેડ-પે : ગુજરાત સરકારે શિક્ષકોના ગ્રેડ-પેનો પરિપત્ર રદ કર્યો

    • લેેખક, સુરેશ ગવાણિયા
    • પદ, બીબીસી ગુજરાતી

ગુજરાતના શિક્ષકોએ સોશિયલ મીડિયા પર કરેલા વિરોધ પછી સરકારે ગ્રેડ-પેનો 25 જૂનનો પરિપત્ર રદ કરવાની જાહેરાત કરી છે.

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે શિક્ષકોની લાગણીને ધ્યાનમાં રાખી આ નિર્ણય લીધો છે.

ગુજરાતમાં કોરોના વાઇરસના કપરા કાળ વચ્ચે શિક્ષકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી એક આંદોલન ઉપાડ્યું હતું.

શિક્ષકોએ 4200 ગ્રેડ પે માટે ફેસબુક, ટ્વિટર વગેરે પર અનેક પોસ્ટ શૅર કરી હતી.

તેમણે કોરોના વાઇરસના સમયમાં એક દિવસના પ્રતીક ઉપવાસ પણ શરૂ કર્યા અને પોતાની માગને સરકાર સામે મૂકવાનો પ્રયાસ કર્યો હતો.

એટલું જ નહીં શિક્ષકોએ મુખ્ય મંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને ટપાલ પણ લખી હોવાની વાત ફેસબુકમાં શૅર કરી હતી.

ફેસબુક પર 4200 ગ્રેડ પે અમારો અધિકાર નામે એક પેજ બનાવ્યું અને તેમાં ગુજરાતભરના શિક્ષકો ફોટો, વીડિયો શૅર કરી રહ્યા હતા.

શિક્ષકો તરફથી જાણવા મળ્યું કે સરકાર સાથે આ મામલે બે વાર મુલાકાત થઈ છે અને સરકાર તરફથી હકારાત્મક પ્રતિભાવ મળ્યો છે.

આખરે સરકારે પરિપત્ર રદ કરવાની જાહેરાત કરી છે.

શું છે આખો વિવાદ?

ગુજરાત પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ અને જામનગર જિલ્લામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા દિગ્વિજયસિંહ જાડેજાએ બીબીસી સાથે વાત કરીને સમગ્ર મામલો સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

તેમણે કહ્યું કે "પ્રાથમિક શિક્ષકનો નિમણૂક વખતે 2400 ગ્રેડ હોય છે અને નવ વર્ષે 4200 ગ્રેડ થાય છે. અગાઉ નક્કી થયેલા પરિપત્ર પ્રમાણે આ રીતે અમને પગાર મળતો હતો. એટલે કે કેળવણી નિરીક્ષકના પગારધોરણ પ્રમાણે અમારું પગારધોરણ હતું."

"31-01-2019ના રોજ કેળવણી નિરીક્ષકનું પ્રમોશન છે એની જગ્યાએ બે નવી પોસ્ટ ઊભી કરાઈ. એચ-ટાટ અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી. એચ-ટાટને કેળવણી નિરીક્ષકનું અને કેળવણી નિરીક્ષકને ટીપીઓ (તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી)નું પ્રમોશન આપવાનું અને પ્રાથમિક શિક્ષકને એચટાટનું આપવાનું."

તેઓ વધુમાં કહે છે કે કેળવણી નિરીક્ષક અને એચ-ટાટ બંનેનું પગારધોરણ સરખું જ છે. આથી આ વિસંગતતા ઊભી થઈ છે.

જૂનાગઢ જિલ્લામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં હરદાસ રામ કહે છે, "પહેલાં 4200 ગ્રેડ પે નવ વર્ષની નોકરી થાય ત્યારે મળતો હતો. 2010 પહેલાં જે શિક્ષકો નોકરીએ લાગ્યા હતા તેમને એ ગ્રેડ પે મળી ગયો છે."

તેઓ કહે છે કે પાંચ વર્ષની નોકરી પૂર્ણ થાય પછી 2400 અને નવ વર્ષ થાય પછી 4200 મળતા હતા, જે હવે 2800 રૂપિયા કરી દીધા છે.

પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાની શાળાના શિક્ષક લાખાભાઈ સુંડાવદરાએ વીડિયોના માધ્યમથી કહ્યું કે "પ્રાથમિક શિક્ષકોને પહેલાં કેળવણી નિરીક્ષકનું પ્રમોશન મળતું હતું. ગુજરાત સરકારે મુખ્ય શિક્ષકની અલગથી ભરતી શરૂ કરી છે. તેના લીધે HTAT શિક્ષકોને બઢતી મળે છે. અને જૂના પ્રાથમિક શિક્ષકોને કેળવણી નિરીક્ષકનું પ્રમોશન મળતું નથી. આથી 4200નો ગ્રેડ પે આપવાની નાણાવિભાગે ના પાડી છે."

આ મામલે ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે અનેક વાર ફોન પર વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, તેઓ ઉપલબ્ધ થઈ શક્યા નહોતા.

તો ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે ફોન પર આ મામલે કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો.

તો 'હું શિક્ષક સાથે'ના સૂત્ર સાથે કૉંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ શિક્ષકોની 4200 વાજબી ગ્રેડ પેની માગના સમર્થનમાં ગુરુવારે પોતાના નિવાસસ્થાને પ્રતીક ઉપવાસ શરૂ કર્યા હતા.

ડૉ. મનીષ દોશીએ જણાવ્યું છે કે, ગુજરાતના કથળતા શિક્ષણના સ્તરથી ચિંતિત અને શિક્ષકોની 4200 પે ગ્રેડની વાજબી માગને સમર્થન આપવા વર્તમાન પરિસ્થિતિઓને ધ્યાને રાખીને મારા નિવાસસ્થાને ઉપવાસ શરૂ કર્યા છે.

તેઓએ કહ્યું કે ગુજરાતમાં સરકાર શિક્ષણ વ્યવસ્થા સુધારવા ધ્યાન કેન્દ્રિત કરે. ટેટ-ટાટ પાસ થયેલા હજારો યુવાનો, યુવતી ભરતીની રાહ જોઈને બેઠા છે ત્યારે સરકાર તાત્કાલિક ભરતી પ્રક્રિયા હાથ ધરે.

'સરકાર ખાતાકીય પરીક્ષાની વાત કરે છે'

દિગ્વિજયસિંહ જાડેજા કહે છે, "પહેલાં કેળવણી નિરીક્ષકની સીધી ભરતી થતી અને પ્રાથમિક શિક્ષકોને પ્રમોશન આપતા. હવે એચ-ટાટને કેળવણી નિરીક્ષકનું પ્રમોશન અને પ્રાથમિક શિક્ષકને એચ-ટાટનું આપવાનું. અને જે કેળવણી નિરીક્ષક થાય એને ટીપીઓનું પ્રમોશન આપવાનું."

એચ-ટાટથી ઉપરની પોસ્ટ કેળવણી નિરીક્ષકની હોય છે અને તેનાથી ઉપરની પોસ્ટ ટીપીઓની હોય છે.

આ મામલે શિક્ષક સંઘ અને સરકાર વચ્ચે મુલાકાત થઈ હતી અને વચ્ચેનો કોઈ ઉકેલ લાવવાની વાત થઈ હતી.

દિગ્વિજયસિંહ કહે છે કે અમારી સરકાર સાથે મુલાકાત થઈ હતી અને તેઓ 4200 ગ્રેડ માટે ખાતાકીય પરીક્ષા લેવા માગે છે.

તેમણે કહ્યું કે "સરકાર સાથે અમારે બે વાર મિટિંગ થઈ છે અને બંને વખતે હકારાત્મક પરિણામની વાત થઈ છે. જે વિસંગતતા છે, નાણાવિભાગની ટેકનિકલ બાબતો છે, તે અંગે ચર્ચા કરીને ઝડપથી નિર્ણય કરવા અંગે વાત થઈ છે."

'65000 શિક્ષકોને નુકસાન'

શિક્ષક લાખાભાઈ સુંડાવદરા બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે, "શિક્ષકોની માગ એવી છે કે 2010 પછી જેની નિમણૂક થાય છે તેને 4200નો ગ્રે પેડ મળવો જોઈએ."

"છેલ્લા દોઢ વર્ષથી ગુજરાતનાં વિવિધ સંગઠનોના માધ્યમથી સરકાર સાથે વાતો કરી છે, જિલ્લા અને તાલુકા લેવલે આવેદનપત્રો પણ આપ્યાં છે. સોશિયલ મીડિયામાં પણ અભિયાન ચાલે છે. પ્રતીક ઉપવાસ પણ શરૂ કર્યા છે."

લાખાભાઈ કહે છે કે આ પરિપત્રથી ગુજરાતના 65,000 જેટલા શિક્ષકોને મહિને આઠથી દસ હજાર જેટલું નુકસાન થાય છે.

લાખાભાઈ વીડિયોના માધ્યમથી કહે છે કે "શિક્ષકો કોરોનાના સમયમાં અને એ સિવાય પણ અન્ય કામગીરી કરી રહ્યા છે. આથી 4200માંથી જે 2800 કર્યા છે, એ અન્યાય છે. અને ટૂંક સમયમાં કોઈ નિરાકરણ નહીં આવે તો શિક્ષકો સ્વયં એક આંદોલન ઉપાડશે."

ભણાવવા સિવાય શિક્ષકો શું-શું કામગીરી કરે છે?

તો સુરેન્દ્રનગર જિલ્લામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં મહેશ વાણિયા બીબીસી સાથે વાત કરતાં કહે છે કે સરકારનો આ નિર્ણય શિક્ષકો માટે અન્યાય છે.

તેઓ કહે છે કે શિક્ષકોને શિક્ષણ સિવાયનાં અનેક પ્રકારની કામગીરી કરવી પડે છે.

"આ સરકાર કર્મચારીને કશું આપવા માગતી નથી, ગ્રેડ વધારવાની જગ્યાએ ઘટાડી રહી છે. સાતમું પગારપંચ અપનાવ્યું છે પણ પૂરેપૂરું અપનાવ્યું નથી. એમાં પણ પગાર ઓછો મળે છે."

મહેશ વાણિયાએ બીબીસી ગુજરાતીને એક લિસ્ટ પણ આપ્યું છે, જેમાં શિક્ષકોને કઈકઈ કામગીરી કરવી પડે છે એનો ઉલ્લેખ છે.

- મતદાર યાદી, શૌચાલય ગણતરી, વસતીગણતરી

- આર્થિક ગણતરી, તીડ ઉડાડવાં, વિવિધ ચૂંટણીઓ, પોલિયો બૂથ

- કલ્યાણ મેળા, તમામ મહોત્સવની ઉજવણી, રથ ફેરવવા, નેતાઓના સ્વાગત કાર્યક્રમો

- કોરોના મહામારી, રૅશનકાર્ડ કામગીરી, આધાર કાર્ડ કામગીરી, બીમાર વ્યક્તિનો સર્વે

- લૉકડાઉન ચેકપોસ્ટ, અનાજ વિતરણ, દર્દીઓને રોજ 3 વાર ફોન કરવા, ડોર ટુ ડોર સઘન સર્વે

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે શિક્ષણ સિવાયના કરવાં પડતાં ફરજિયાત કામો અને અન્ય પડતર પ્રશ્નોને લઈને રાજ્યભરના શિક્ષકોએ વિધાનસભાને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે પોલીસ અને શિક્ષકો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. ત્યારે હવે ફરી 4200 ગ્રેડ પેને લઈને શિક્ષકોએ એક અભિયાન આદર્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો