મધ્યપ્રદેશમાં દલિત વિરુદ્ધ પોલીસની બર્બરતા, પોલીસકર્મીઓ સસ્પેન્ડ

    • લેેખક, શુરૈહ નિયાઝી
    • પદ, ભોપાલથી, બીબીસી ગુજરાતી માટે

મધ્યપ્રદેશના ગુનામાં એક દલિત ખેડૂત દંપતીને પોલીસે બેરહમીથી માર માર્યો. આ ઘટના જેના પર પરિવારનો પાક ઉભો હતો એ સરકારી જમીન પરથી એમને હઠાવવાને લઈને બની છે. પોલીસની બર્બરતા અને ઊભો પાક નષ્ટ કરી દેવામાં આવ્યા બાદ દંપતીએ જંતુનાશક દવા ખાઈ પોતાનું જીવન ટૂંકાવી દેવાની કોશિશ કરી અને મામલો બદથી બદતર બની ગયો.

પતિ-પત્ની હાલ હૉસ્પિટલમાં છે અને ત્યાં પત્નીની હાલત ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે.

મંગળવારે બનેલી આ ઘટનાનો વીડિયો વાઇરલ થયા પછી આ કેસ સામે આવ્યો છે. વાઇરલ વીડિયોમાં દેખાય છે કે દંપતીના સાત બાળકો પણ આ ઘટનામાં રડી રહ્યાં છે અને ચીસો પાડી રહ્યાં છે. જોકે, તંત્ર અને પોલીસને આ બાબતે કોઈ દયા નથી આવતી અને બાળકો ચીસો છતાં દંપતી પર પોલીસનો જુલમ ચાલુ જ રહેતો વીડિયોમાં દેખાય છે.

વીડિયો વાઇરલ થયા પછી મોડી રાતે મધ્યપ્રદેશના મુખ્ય મંત્રી શિવરાજ ચૌહાણે જિલ્લા અધિકારી અને પોલીસ અધિક્ષકને પદ પરથી હઠાવી દીધા છે. આ ઉપરાંત છ પોલીસકર્મીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

જિલ્લા અધિકારી એસ. વિશ્વનાથન અને પોલીસ અધિક્ષક તરૂણ નાયકને પદ પરથી હઠાવી દેવામાં આવ્યા પછી મુખ્ય મંત્રીએ તપાસની ઘોષણા પણ કરી છે.

આ ઘટના શહેરના કૅન્ટ પોલીસ સ્ટેશનની હદમાં બની છે. શહેરના ડિવિઝનલ મૅજિસ્ટ્રેટની આગેવાનીમાં એક ટીમ જમીન પરનો કબજો હઠાવવા માટે ત્યાં પહોંચી હતી. જે જમીનને લઈને વિવાદ થયો એ જમીન પર રાજકુમાર અહિરવારે ખેતી કરી હતી. પોલીસની ટુકડીએ જેસીબી મશિન દ્વારા એને હઠાવવાનું શરૂ કર્યું.

મધ્યપ્રદેશ સરકાર પર સવાલો

આ ઘટનાને લઈને પૂર્વ મુખ્ય મંત્રી કમલનાથે શિવરાજ સિંહની સરકારની ટીકા કરી છે. એમણે ટ્વીટમાં કહ્યું કે, ''આ શિવરાજ સરકાર પ્રદેશને ક્યાં લઈ જઈ રહી છે? આ કેવું જંગલરાજ છે? ગુનામાં એક દલિત ખેડૂત દંપતી પર મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ દ્વારા બર્બરતાપૂર્ણ લાઠીચાર્જ.''

એમણે કહ્યું કે જો પીડિત યુવક સાથે જમીન સંબંધિત કોઈ શાસકીય વિવાદ હોય તો એને કાનૂની રીતે હલ કરી શકાય છે પરંતુ આ રીતે કાયદો હાથમાં લઈને એની, એના પત્નીની, પરિવારજનોની અને ત્યાં સુધી કે માસુમ બાળકોની આવી બેરહમીથી મારપીટ. આ ક્યાંનો ન્યાય છે? શું આ બધુ એટલા માટે કે તે એક દલિત પરિવારમાંથી છે, ગરીબ ખેડૂત છે?

કમલનાથે કહ્યું કે આવી ઘટનાઓ બરદાશ ન કરી શકાય. આ દોષીઓ પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે નહીંતર કૉંગ્રેસ ચૂપ નહીં બેસે.

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઘટનાનો વીડિયો ટ્વીટ કરીને લખ્યું અમારી લડાઈ આ જ વિચારધારા અને અન્યાય સામે છે.

બસપા પ્રમુખ માયાવતીએ પણ સોશિયલ મીડિયા પર લખ્યું, એક તરફ ભાજપ અને એમની સરકાર દલિતોને વસાવવાનો ઢંઢેરો પીટે છે અને બીજી તરફ એમને તબાહ કરવાની ઘટનાઓ કૉંગ્રેસ પાર્ટીના શાસનમાં હતી એટલી જ સામાન્ય બની ગઈ છે, તો પછી બેઉ પાર્ટીઓમાં શું ફરક છે? ખાસ કરીને દલિતોએ આ બાબતે જરૂર વિચારવું જોઈએ.

શું છે સમગ્ર મામલો?

અધિકારીઓનું કહેવું છે કે આ જમીન પહેલાંથી જ આદર્શ મહાવિદ્યાલયને ફાળવવામાં આવેલી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ જમીન પર એક પૂર્વ કાઉન્સિલરનો કબજો હતો અને તેણે આ જમીન રાજકુમાર અહિરવારને ખેતી કરવા માટે પૈસા લઈને આપી હતી.

સ્થાનિક લોકોનું કહેવું છે કે આ જમીન પર ખેતી કરવા માટે રાજકુમારે આશરે બે લાખ રૂપિયા ઉઘાર લીધા હતા. પરિવારને ગુજરાન માટે આ જમીનમાંથી મળનારો પાક જ સહારો હતો.

આ ઘટનામાં પતિ-પત્નીએ દવા પી લીધી એ પછી પણ પોલીસ કે તંત્રે એમની દરકાર કરી નહીં. એમનાં બાળકો જ પતિ-પત્નીને ઉઠાડવાંની કોશિશ કરી રહ્યાં હતાં. જ્યારે રાજકુમારના ભાઈ ઘટનાસ્થળે પહોંચ્યા તો પોલીસે એમની પણ મારપીટ કરી.

પોલીસે રાજકુમાર અને એના પત્ની સાવિત્રી વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરી છે. પોલીસે ઘટના સ્થળે એ વખતે હાજર અનેક લોકો પર ફરિયાદ દાખલ કરી છે.

ઘટનાસ્થળે હાજર તાલુકાદાર નિર્મલ રાઠૌરનો આરોપ છે કે પહેલાં પરિવારના લોકોએ મહિલા પોલીસ સાથે ગેરવર્તન કર્યું અને એ પછી એમની પર થોડો બળપ્રયોગ કરવામાં આવ્યો.

વાઇરલ થયેલો વીડિયો ટ્વિટર સહિત અનેક સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવ્યો છે અને લોકો મુખ્ય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણના રાજીનામાંની પણ માગ કરી રહ્યા છે.

જોકે, કોઈ ખેડૂત પર પોલીસે બર્બર કાર્યવાહી કરી હોય એવી આ પહેલી ઘટના નથી. આવા અનેક વીડિયો સામે આવતા રહે છે પરંતુ પોલીસ કે જવાબદાર તંત્ર સામે નક્કર કાર્યવાહી કરવામાં આવી હોય તેના ઉદાહરણો ભાગ્યે જ મળે છે.

સામાન્ય રીતે થોડીક ચર્ચા પછી આવા કેસ રફેદફે થઈ જયા હોય છે. જોકે, આ વીડિયો વાઇરલ થયા પછી આ કેસમાં કાર્યવાહી થશે એવી સ્થાનિક લોકોને આશા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો