સુરતમાં કોરોનાના સંકટ સમયે 'વંદે માતરમ'નો વિવાદ શું છે?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

સુરત મહાનગરપાલિકાએ કાપડના વેપારીઓને દુકાન ખોલતાં અને બંધ કરતી વખતે વંદે માતરમ્ ગાવા કહ્યું છે.

કોરોના મહામારીના સમયમાં એકઠા થઈને વંદે માતરમ અને રાષ્ટ્રગાન ગાવાની ફરજ પાડતાં લોકો વેપારીઓ તેનો વિરોધ કરી રહ્યા છે.

જોકે કેટલાક વેપારીઓ તેને હકારાત્મક ઊર્જા અને દેશભક્તિ સાથે જોડીને પણ જુએ છે.

ઉલ્લેખનીય છે કે સુરત જિલ્લામાં અને શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાઇરસના કેસમાં વધારો થયો છે.

એવામાં આ નિર્ણયથી કેટલાક વેપારીઓ નારાજ પણ થયા છે.

'મહામારીમાં એકઠા થવું યોગ્ય નથી'

સુરતના એક વેપારી કહે છે કે "રાષ્ટ્રગાન સમૂહમાં ગવાય ત્યારે સારું લાગે છે. આ સમયે જે મહામારી છે, તેમાં લોકોનું નજીક આવવું એ બીમારીને વધુ ફેલાવશે."

તેમનું માનવું છે કે રાષ્ટ્રગાન ગાવું જોઈએ, ઘરમાં ગાવું જોઈએ. પણ સામૂહિક રીતે આ મહામારીમાં ન ગાવું જોઈએ. કેમ કે તેનાથી સંક્રમણ ફેલાશે. આથી આ મહામારીમાં આ બાબત યોગ્ય નથી.

શનિવારે કાપડમાર્કેટને ફરી ખોલવા માટે તેની ગાઇડલાઇન જાહેર કરતાં મહાનગરપાલિકાના વહીવટીતંત્રે આ દિશાનિર્દેશ આપ્યા છે.

સુરત મહાનગરપાલિકાના અધિકારી દેવીધર પાટિલ કહે છે, "વંદે માતરમનું કારણ એવું છે કે માર્કેટનો સમય શરૂ થાય અને પૂરો થાય એ બંને સમયે જે વ્યક્તિઓ ઉપસ્થિત હોય જે તે દિવસે કોરોનાની અપડેટ ગાઇનલાઇન હોય, જે સૂચનો હોય જેની જાણકારી સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે આપી શકાય."

માર્કેટના પ્રમુખ અરુણભાઈ કહે છે, "એક તરફ સરકાર કહે છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો, માસ્ક પહેરો, બીજી તરફ અમને કહે છે કે બધા એકઠા થઈને રાષ્ટ્રગાન કરો. હું તો માનું છું કે રાષ્ટ્રગાન લોકો કરે તો પણ પોતાની દુકાનમાં રહીને કરે. એ જ સારું રહેશે."

કોરોના કેસ વધતાં વહીવટીતંત્ર હરકતમાં

સુરતમાં કોરોનાના કેસની સંખ્યા વધતાં વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યો છે.

લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના પાલન માટે જાગૃતિ પણ ફેલાવાઈ રહી છે.

કોવિડ-19 મહામારીને કાબૂમાં કરવા માટેની કવાયતના ભાગરૂપે કર્મચારીઓ અને કામદારોએ 'હારશે કોરોના, જીતશે સુરત' અને 'એક લક્ષ્ય હમારા હૈ, કોરોના કો હરાના હૈ', જેવાં પ્રેરકસૂત્રો પણ રોજ ઉચ્ચારવા જણાવાયું છે.

ગાઇડલાઇનમાં કાપડના વેપારીઓએ એક પ્રતિજ્ઞા લેવા માટે પણ કહેવાયું છે.

જે પ્રમાણે "હું મહામારીને અટકાવવા માટે સરકાર દ્વારા નક્કી કરાયેલા તમામ દિશાનિર્દેશોનું પાલન કરીશ અને સુરક્ષાનાં તમામ પગલાં લઈશ તથા મહામારીને કાબૂમાં લેવા મારી ભૂમિકા અદા કરીશ."

સુરતના એક વેપારી રાજીવભાઈ કહે છે કે "રાષ્ટ્રગાનથી સારા વિચારો, હકારાત્મકતા, ભારતીય હોવાનો ગર્વ અનુભવાય છે અને આ સવાર-સાંજ થવું જોઈએ. તેમાં કશું ખોટું નથી. તેનાથી એક સુવિચાર મળે છે. માર્કેટમાં એક પૉઝિટિવિટી આવે છે. આ લડાઈ કોઈ એક વ્યક્તિની નથી. દેશની છે."

વેપારી હિતેશભાઈ કહે છે કે રાષ્ટ્રગાનમાં જે છે એટલી ઊર્જામાં કોઈમાં નથી.

રાજ્યમાં સૌથી વધુ સુરતમાં વધતું સંક્રમણ

અગાઉ રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેર અને જિલ્લામાં નોંધાતા હતા.

જોકે રાજ્ય સરકારના આંકડા અનુસાર હવે અમદાવાદ બીજા નંબરે છે અને સુરતમાં સૌથી વધુ કેસ નોંધાય છે.

સુરતમાં અત્યાર સુધીમાં આઠ હજારથી વધુ કોરોનાના પૉઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે.

અનલૉકમાં સુરતમાં વેપારધંધા શરૂ તો થયા છે, પણ કોરોના કેસ વધતાં સ્થિતિ વિકટ જણાઈ રહી છે.

ખાસ કરીને સુરતના હીરાઉદ્યોગમાં કેસો વધી રહ્યા છે અને લોકો પાછા વતન તરફ પાછા ફરી રહ્યા છે.

મજૂરો કહે છે કે રોજગારી ન મળવાને કારણે લોકો ઘરનું ભાડું પણ ભરી શકે એમ નથી એટલે સુરત છોડવા સિવાય એમની પાસે કોઈ વિકલ્પ નથી.

'વંદે માતરમ્'નો ઇતિહાસ

રામકૃષ્ણ પરમહંસના સમકાલીન અને તેમની નજીકના મિત્ર રહેલા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે આનંદમઠની રચના કરી, જેમાં બાદમાં 'વંદે માતરમ્'નો સમાવેશ કરાયો.

આ ગીત તેમણે 1875માં લખ્યું હતું જે બંગાળી અને સંસ્કૃત ભાષામાં હતું. આ જ ગીત તેમણે બાદમાં પોતાની વિવાદાસ્પદ કૃતિ 'આનંદમઠ'માં જોડી દીધું.

ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે આ માટે ધૂન તૈયાર કરી અને વંદે માતરમની લોકપ્રિયતા ઝડપથી વધવા લાગી.

જોતજોતાંમાં વંદે માતરમ્ સમગ્ર દેશમાં રાષ્ટ્રવાદનું પ્રતીક બની ગયું.

એપ્રિલ 1894માં બંકિમચંદ્રનું નિધન થયું અને તેનાં 12 વર્ષ બાદ જ્યારે ક્રાંતિકારી બિપિનચંદ્ર પાલે એક રાજકીય પત્રિકા પ્રકાશિત કરવાનું નક્કી કર્યું તો નામ 'વંદે માતરમ્' રાખ્યું હતું.

લાલા લાજપત રાય પણ આ જ નામથી એક રાષ્ટ્રવાદી પત્રિકાનું પ્રકાશન કરી ચૂક્યા છે.

જ્યારે સ્વતંત્ર ભારતનું નવું બંધારણ લખાઈ રહ્યું હતું ત્યારે ત્યારે વંદે માતરમ્ ન તો રાષ્ટ્રગાન તરીકે સ્વીકારાયું કે ન તો રાષ્ટ્રગીતનો દરજ્જો મેળવી શક્યું.

જોકે, બંધારણસભાના અધ્યક્ષ અને ભારતના પહેલા રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે 24 જાન્યુઆરીએ જાહેરાત કરી કે 'વંદે માતરમ્'ને રાષ્ટ્રગીતનો દરજ્જો અપાઈ રહ્યો છે.

બંકિમચંદ્રે 'વંદે માતરમ્' ગીતમાં ભારતને દુર્ગા સ્વરૂપ ગણતાં દેશવાસીઓને એ માતાનાં સંતાન ગણાવ્યાં હતાં.

આ ગીતના વિવાદને કારણે ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ 'વંદે માતરમ્...'ને સ્વતંત્ર ભારતના રાષ્ટ્રગીત તરીકે સ્વીકારવા તૈયાર નહોતા.

મુસ્લીમ લીગ અને મુસલમાનોએ 'વંદે માતરમ્'નો એવા માટે વિરોધ કર્યો હતો કે તેઓ દેશને ભગવાનનું સ્વરૂપ ગણી તેની પૂજા કરવાના વિરોધી હતા.

અહીં એ વાત પણ મહત્ત્વની બની રહે છે કે નહેરુએ ખુદ રવીન્દ્રનાથ ટાગોર પાસેથી 'વંદે માતરમ્'ને સ્વતંત્રતાના આંદોલનનો મંત્ર ગણાવાયો.

રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્રની કવિતા અને રાષ્ટ્રભક્તિના પ્રશંસક હતા અને તેમણે નહેરુને કહ્યું હતું કે 'વંદે માતરમ્'ના પ્રથમ બે છંદને જાહેરમાં ગાવામાં આવે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો