બિટકૉઇન સ્કૅમ: બિલ ગેટ્સ, ઝેફ બેઝોસ, એલન મસ્ક સહિત અનેક ટ્વિટર ઍકાઉન્ટ હૅક

અબજપતિમાં જેમની ગણતરી થાય છે એવા એલન મસ્ક, ઝેફ બેઝોસ અને બિલ ગેટ્સ સહિત દુનિયાના અનેક બિઝનેસમૅન, નેતાઓના ટ્વિટર ઍકાઉન્ટ હૅક કરી લેવામાં આવ્યાં છે.

આ કિંગ બિટકૉઇન સ્કૅમ છે. હૅક કરવામાં આવેલા ઍકાઉન્ટ્સ પરથી કરવામાં આવેલી પોસ્ટ્સમાં બિટકૉઇન દાનમાં માગવામાં આવ્યા છે.

બિલ ગેટ્સના ઍકાઉન્ટ પરથી કરવામાં આવેલા ટ્વીટમાં કહ્યું છે, "મને દરેક વ્યક્તિ સમાજને પરત આપવા વિશે કહેતી હોય છે, હવે એ સમય આવી ગયો છે. તમે મને એક હજાર ડૉલર મોકલો, હું તમને બે હજાર ડૉલર પરત મોકલીશ."

ટેસ્લા અને સ્પેસ એક્સના પ્રમુખ એલન મસ્કના ઍકાઉન્ટ પરથી કરાયેલા ટ્વીટમાં લખ્યું છે કે આગામી એક કલાક સુધી બિટકૉઇનમાં મોકલવામાં આવેલા પૈસાને બમણા કરીને પરત આપવામાં આવશે.

બિટકૉઇનના ઍડ્રસની લિંક સાથે ટ્વીટમાં લખ્યું છે, "હું કોવિડ મહામારીના કારણે દાન કરી રહ્યો છું."

થોડી મિનિટોમાં જ આ ટ્વીટ્સ ડિલીટ પણ થઈ ગયાં હતાં.

અમેરિકાના જાણીતા રૅપર કાનયે વેસ્ટ, પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને ડેમોક્રૅટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બાઇડન ઉપરાંત દુનિયાની મોટી કંપનીઓ પૈકી શામિલ ઉબર અને ઍપલના ઍકાઉન્ટ્સ પણ હૅક કરવામાં આવ્યાં હતાં.

થોડી જ વારમાં સેંકડો લોકોએ એક લાખ ડૉલર કરતાં વધારે રકમ મોકલી દીધી. જે ઍકાઉન્ટ્સને નિશાન બનાવવામાં આવ્યાં છે, એમના મિલિયન્સમાં ફૉલોઅર્સ છે.

ટ્વિટરે કહ્યું છે કે તેઓ આ ઘટનાની તપાસ કરી રહ્યા છે અને જલદી જ નિવેદન જાહેર કરશે.

અન્ય એક ટ્વીટમાં ટ્વિટર લખે છે કે આ ઘટનાની તપાસ કરાઈ રહી છે, જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી પાસવર્ડ રિસેટ કરી નહીં શકાય અને ટ્વીટ પણ નહીં કરી શકાય.

ઉલ્લેખનીય છે કે અનેક ટ્વિટર યૂઝર્સ અન્ય સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર લખી રહ્યા છે કે તેઓ ટ્વીટ નથી કરી શકી રહ્યા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો