ભીમા કોરેગાંવ કેસ : વરવરા રાવને ખાનગી હૉસ્પિટલમાં કોરોનાની સારવાર અપાવવા NHRCનો આદેશ

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ડાબેરી કવિ તથા લેખક વરવરા રાવને જેલવાસ દરમિયાન કોરોના વાઇરસનો ચેપ લાગ્યો છે, જેના કારણે તેમને જે.જે. હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે રાવને સારવાર અર્થે ખાનગી હૉસ્પિટલમાં ખસેડવાના નિર્દેશ આપ્યા છે.

આ પહેલાં જે. જે. હૉસ્પિટલના ડીને તેમને કોરોના થયો હોવાની વાતની પુષ્ટિ કરી છે અને તેમને કોવિડ હૉસ્પિટલમાં ખસેડવાની વાત કરી છે.

સોમવારે સાંજે 80 વર્ષીય રાવને તેમની તબિયત નાજૂક હોઈ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

મે મહિનામાં પણ રાવની તબિયત કથળી હતી ત્યારે તેમને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેને આધાર બનાવીને કોર્ટમાં જામીનની અરજી કરી હતી, જેને કાઢી નાખવામાં આવી હતી.

રાવ પૂણે નજીક ભીમા-કોરેગાંવ ખાતે ફેલાયેલી હિંસાના કેસ સંદર્ભે બે વર્ષથી જેલમાં બંધ છે. આ કેસની તપાસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા કરવામાં આવી રહી છે.

NIAએ કોર્ટમાં રાવને મહત્ત્વપૂર્ણ આરોપી ઠેરવીને તેમની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. બાદમાં કોર્ટે તેમને જામીન આપ્યા ન હતા અને જેલતંત્રને જરૂરી વ્યવસ્થા કરવા આદેશ આપ્યા હતા.

ખાનગી હૉસ્પિટલમાં ખસેડવા આદેશ

માનવ અધિકાર સંરક્ષણ માટે સંયુક્ત રાષ્ટ્રના વિશેષ પ્રતિનિધિ મેરી લાવલોરે ટ્વિટર ઉપર રાવની સ્થિતિ અંગે ચિંતા પ્રગટ કરી હતી અને તેમને કોરોના થયો હોવાની માહિતી આપી હતી.

પરિવારની રજૂઆતને આધારે નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન (એન.એચ.આર.સી., રાષ્ટ્રીય માનવાધિકાર પંચ)એ રાવને સારવાર અર્થે ખાનગી હૉસ્પિટલમાં ખસેડવાના આદેશ આપ્યા છે.

સાથે જ પંચે આદેશ આપ્યો છે કે રાવ અંડર-ટ્રાયલ કેદી છે એટલે તેમની સારવારનો સંપૂર્ણખર્ચ રાજ્યસરકારે ભોગવવો.

આ પહેલાં જે. જે. હૉસ્પિટલના ડીન ડૉ. રણજીત માણકેશ્વરે બી.બી.સી.ને માહિતી આપતા જણાવ્યું, "વરવરા રાવની તબીબી તપાસ દરમિયાન તેમનો કોવિડ-19 રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો, જેનાથી તેમને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું જણાયું હતું."

"સર જે. જે. હૉસ્પિટલમાં કોવિડ-19ની સારવાર ઉપલબ્ધ નથી એટલે તેમને સૅન્ટ જ્યોર્જ હૉસ્પિટલમાં કોવિડ-19ની સારવાર અર્થે દાખલ કરવામાં આવશે. રાવની તબિયત સ્થિર છે તથા તેમનામાં કોઈ લક્ષણ જણાયા ન હતા."

આ પહેલાં રાવના પરિવારે હૉસ્પિટલમાં તેમની મુલાકાત લીધી હતી. પરિવારના કહેવા પ્રમાણે, રાવે પથારીમાં જ પેશાબ કરી લીધો હતો, તેઓ ભીંજાયેલા હતા અને તેમની સારવાર કરવા માટે આજુબાજુમાં કોઈ હાજર ન હતું. સ્થાનિક મીડિયાના રિપોર્ટ્સ મુજબ, રાવ તેમનાં પત્ની અને પુત્રીઓને ઓળખી શક્યા ન હતા. દેશ

જે. જે. હૉસ્પિટલના ના ડીન ડૉ. માણકેશ્વરે આ આરોપોને નકારી કાઢ્યા હતા અને જણાવ્યું હતું કે, 'હૉસ્પિટલમાં દરેક દરદીની યોગ્ય કાળજી લેવામાં આવે છે.'

પરિવારની ફિકર

વરવરા રાવનાં પુત્રી પવનાએ 'ઝૂમ' ઍપ ઉપર રવિવારે પત્રકારપરિષદ સંબોધી હતી, જેમાં તેમણે કહ્યું, "ગત બે કૉલ દરમિયાન તેમને વાતચીતમાં તકલીફ પડી રહી હતી. તેમને જાણનારાઓને ખબર છે કે તેઓ ઉત્તમ વકતા છે, છતાં તેઓ વાતચીત કરવામાં તકલીફ અનુભવી રહ્યા હતા."

"તેમને ભ્રમ થઈ રહ્યા હતા. તેઓ પુરાણા સમયની વાત કરી રહ્યા હતા. મારાં માતાની માગ છે કે તેમની સ્થિતિ ખરાબ હોઈ તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે. અમે મહારાષ્ટ્ર સરકાર સમક્ષ માગ કરીએ છીએ કે તેમને તબીબી સારવાર અપાવવામાં આવે."

એ પહેલાં 40 દિવસ દરમિયાન રાવ પરિવારની તેમની સાથે ત્રણ વખત ફોન ઉપર વાત થઈ હતી. રાવના ભત્રીજા વી. વેણુગોપાલના કહેવા પ્રમાણે, છેલ્લે જ્યારે તેમની સાથે વાત થઈ, ત્યારે તેઓ ખૂબ જ બીમાર જણાતા હતા.

કેટલાક લેખકો તથા યુવા સાહિત્યકારોએ તબિયત અને ઉંમરને ધ્યાને લઈને વરવરા રાવને છોડી મૂકવા કેન્દ્ર તથા રાજ્ય સરકારને અપીલ કરતાં જાહેરપત્ર લખ્યા છે.

"વરવરા રાવની જેલમાં હત્યા ન કરો!"

"વરવરા રાવની જેલમાં હત્યા ન કરો!" એવા શિર્ષક સાથે નિવેદન બહાર પાડ્યું હતું. રાવ પરિવારે સપ્તાહની શરૂઆતમાં પ્રેસનોટ બહાર પાડીને તેમની કથળતી સ્થિતિનું વર્ણન કર્યું હતું. જે મુજબ :

"તા. 28મી મેના બેભાનાવસ્થામાં તેમને તલોજા જેલથી જે.જે. હૉસ્પિટલ મોકલી દેવામાં આવ્યા હતા. ત્યાર બાદના છ અઠવાડિયાં દરમિયાન તેમની સ્થિતિ વધુ કથળી છે. સ્થિતિમાં સુધાર ન થયો હોવા છતાં સારવારની જરૂર હોવા છતાં તેમને જેલ મોકલી દેવાયા હતા."

પરિવારનું કહેવું છે, "શનિવારે આવેલો નિયમિત ફોનકૉલ અમારી ચિંતાનું કારણ બન્યો છે. અગાઉના બે કૉલ દરમિયાન પણ તેમનો અવાજ નબળો અને અસ્પષ્ટ હતો, જેને સાંભળીને અમને ચિંતા થઈ હતી."

"વારંવાર તેઓ હિંદીમાં બોલવા લાગતા હતા. ચાર દાયકાથી તેલુગુ ભાષાના લેખક વરવરા રાવ પાંચ દાયકાથી તેલુગુ ભાષાના શ્રેષ્ઠ વક્તામાં સામેલ છે. પોતાની યાદશક્તિ માટે ચર્ચિત રાવ બોલતા-બોલતા ભૂલી જતા હતા, જે અજબ તથા ડરામણું હતું. આરોગ્ય અંગેના સવાલના જવાબ તેઓ સ્પષ્ટપણે આપી શકતા ન હતા."

જેલમાં વરવરા રાવના સાથીને ટાંકતાં પરિવાર ઉમેરે છે, "તેમના સાથીઓએ અમને ફોન ઉપર જણાવ્યું કે તેઓ હરીફરી નથી શકતા, શૌચાલય નથી જઈ શકતા તથા બ્રશ સુદ્ધાં નથી કરી શકતા."

"તેમની સાથે જેલમાં બંધ વ્યક્તિએ જણાવ્યું કે તેમને હંમેશાં એવું લાગે છે કે તેઓ છૂટી જવાના છે અને જેલની બહાર પરિવાર તેમની રાહ જોઈ રહ્યો છે. સાથી કેદીએ તેમને તત્કાળ સારવાર તથા ન્યૂરૉલૉજિકલ ટ્રીટમેન્ટની જરૂર હોવાનો મત વ્યક્ત કર્યો હતો."

માનવાધિકાર કાર્યકર્તાઓની માગ

રાવ સહિત અન્યોની ધરપકડ બાદ માનવાધિકાર માટે કામ કરતી સંસ્થા ઍમ્નેસ્ટી ઇન્ટરનેશનલે તેમને મુક્ત કરવા માટે અનેક નિવેદન બહાર પાડ્યાં છે.

તાજેતરના એક નિવેદનમાં સંગઠને લખ્યું છે, "ભારતના અમુક કચડાયેલા લોકોના અને દલિતો તથા આદિવાસીઓના અધિકારોના રક્ષણ માટે આ 11 કાર્યકર્તાઓ સતત અવાજ ઉઠાવ્યો છે."

હ્યુમન રાઇટ્સ વૉચે વૉચે આ કાર્યકર્તાઓ સામેની કાર્યવાહીને 'અયોગ્ય' તથા 'રાજકીય ઇરાદાથી પ્રેરિત' ગણાવી છે, સાથે જ ભીમા-કોરેગાંવ કેસમાં હિંદુ નેતાઓ સામેના આરોપોની તપાસ નહીં કરવા ઉપર પણ સવાલ ઉઠાવ્યા હતા.

મે મહિનામાં માનવઅધિકાર સંદર્ભે યુરોપિયન સંસદની પેટા સમિતિએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને જણાવ્યું હતું કે સત્તાધીશો દ્વારા "માનવઅધિકાર-કાર્યકર્તાઓની ડરામણી અને સતામણી"થી તેઓ ચિંતિત છે.

કોરોના મહામારીની વચ્ચે જેલમાં બંધ કેદીઓને તત્કાળ છોડી મૂકવા માટે પત્રમાં માગ કરવામાં આવી હતી. કારણ કે મોટા ભાગના અટકાયતીઓ ઉંમરલાયક છે અને તેમને આરોગ્યલક્ષી સમસ્યા છે, જેના કારણે ક્ષમતાથી વધુ ભરાયેલી જેલોમાં તેમને ચેપ લાગવાની સંભાવના વધુ છે.

શું છે ભીમાકોરેગાંવ કેસ?

ભીમા કોરેગાંવમાં 1 જાન્યુઆરી, 2018 ના રોજ હિંસા ફાટી નીકળી હતી.

પૂણે નજીક આવેલા ભીમા કોરેગાંવમાં 200 વર્ષ પહેલાં પેશ્વાઓ સામે દલિતોની જીત થઈ હતી, તેની ઉજવણીના કાર્યક્રમ વખતે તોફાનો ફાટી નીકળ્યાં હતાં. એ કાર્યક્રમનું આયોજન 'એલગાર પરિષદ' દ્વારા કરવામાં આવ્યું હતું.

તોફાનોમાં એકનું મોત થયું હતું અને કેટલાક લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાં કેટલાક પોલીસ કર્મચારીઓ પણ હતા.

તોફાનો પછી શરૂઆતમાં, હિંદુ સંગઠનોના હોદ્દેદારો સંભાજી ભીડે અને મિલિંદ એકબોટે સામે હિંસા ભડકાવવાનો કેસ દાખલ થયો હતો.

રાવ ઉપર આઈ.પી.સી.ની કલમ 153-અ, 505 (1) (B), 117, 120 (B) ઉપરાંત UAPAની કલમ 13,16,17,18 (B), 20, 38, 39 અને 40 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

રાવે પોતાની ઉપરના આરોપોને નકાર્યા છે અને હજુ સુધી ઔપચારિક રીતે તેમની ઉપર કોઈ આરોપ મૂકવામાં નથી આવ્યા.

બી.બી.સી. સંવાદદાતા સૌતિક બિશ્વાસના કહેવા પ્રમાણે, "રાવ માટે જેલમાં જવું એ કોઈ નવી વાત નથી. 1973થી અત્યારસુધી લગભગ 10 વર્ષ જેલમાં ગાળી ચૂક્યા છે. અલગ-અલગ સરકારોએ તેમને જેલમાં ધકેલ્યા છે."

"લખાણ અને ભાષા દ્વારા માઓવાદીઓને ઉશ્કેરવા તથા ચૂંટાયેલી સરકારને ઉથલાવવાના પ્રયાસ કરવાના આરોપ લાગ્યા છે. જોકે, હજુ સુધી તેમની સંડોણી મુદ્દે કોઈ પુરાવા નથી મળ્યા કે ક્યારેય તેમની ઉપરના આરોપ સાબિત નથી થયા. તેમણે ક્યારેય ભૂગર્ભમાં રહીને કામ નથી કર્યું."

"રાવ પ્રતિબંધિત માઓવાદી પક્ષને સરિયામ તેને સમર્થન આપે છે અને સમર્થકો વિચારધારા પ્રત્યે તેમના સમર્પણની પ્રશંસા કરે છે."

"ટીકાકારો તેમના રાજકારણને ઉદ્દામવાદી, આઉટડેટેડ તથા ઉશ્કેરણીજનક માને છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો