ગુજરાતમાં હાલમાં આવેલા ભૂકંપના આંચકા શું સૂચવે છે?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ગુરુવારે સવારે 7.40 કલાકે ગુજરાતના રાજકોટ જિલ્લામાં રિક્ટર સ્કેલ ઉપર 4.8ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો, જેનું કેન્દ્રબિંદુ રાજકોટથી 18 કિલોમીટર દૂર દક્ષિણ-દક્ષિણપૂર્વમાં નોંધાયું હતું. આ ભૂકંપમાં જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ નથી.

પાંચથી 16 જુલાઈની વચ્ચે ગુજરાતમાં 29 જેટલા આંચકા અનુભવાયા છે, જેમાંથી મોટા ભાગની ભૂગર્ભીય હિલચાલ કચ્છ જિલ્લામાં જોવા મળી હતી.

સિસ્મૉલૉજિસ્ટ સૌરાષ્ટ્ર વિસ્તારમાં થઈ રહેલી ભૂગર્ભીય હિલચાલ ઉપર ચાંપતી નજર રાખી રહ્યા છે.

ભૂકંપની સંવેદનશીલતા દૃષ્ટિએ ગુજરાત ઝોન-4માં મૂકવામાં આવે છે.

રાજકોટ આસપાસ નવો ફૉલ્ટ

ગાંધીનગરસ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મૉલૉજિકલ રિસર્ચના (ISR) સિનિયર સાયન્ટિસ્ટ ડૉ. સંતોષ કુમારે બીબીસી ગુજરાતીના સંવાદદાતા જયદીપ વસંત સાથે વાત કરતા જણાવ્યું :

"આજના ભૂકંપનો વિસ્તૃત અભ્યાસ કરવામાં આવી રહ્યો છે અને આગામી મહિનાઓમાં પણ તેના ઉપર વિસ્તૃત અભ્યાસ હાથ ધરવામાં આવશે."

"રાજકોટના દક્ષિણ-દક્ષિણપૂર્વના 40-50 કિલોમીટર વિસ્તારમાં લિનામૅન્ટ હતું, જે ઍક્ટિવ થયું છે અને તેણે ફૉલ્ટનું સ્વરુપ ધારણ કર્યું છે, તેમ ગુરુવારના ભૂકંપ પરથી કહી શકાય."

વર્ષ 2001માં ભૂકંપ બાદ રાજ્યની ભૂગર્ભીય હિલચાલનો અભ્યાસ કરવાની જરૂર જણાય હતી, જેથી ગુજરાતના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રાલય દ્વારા 2003માં સંસ્થાની સ્થાપનાનો ઠરાવ કરવામાં આવ્યો અ 2006માં ISR અસ્તિત્વમાં આવ્યું.

હજુ આ ફૉલ્ટને કોઈ નામ નથી આપવામાં આવ્યું, પરંતુ આગામી બે-ત્રણ મહિના દરમિયાન જિયૉલૉજિલ, ફિઝિકલ તથા સિસ્મૉલૉજિકલ સરવે, તપાસ અને અભ્યાસ બાદ તેને કોઈ નામ આપવામાં આવશે.

નામ આપવા માટે કોઈ પરંપરા નથી હોતી, પરંતુ સામાન્ય રીતે આસપાસના, વિસ્તારમાં કે હિલચાલના ફિચર ઉપરથી તેની ઓળખ આપવામાં આવે છે. જેમ કે, કચ્છમાં વાગડ ફૉલ્ટ, દિલ્હી-હરિદ્વાર રિજ, હિમાલયમાં મેઇન ફ્રન્ટલ થર્સ્ટ ફૉલ્ટ વગેરે.

સૌરાષ્ટ્ર વિસ્તારના રાજકોટ અને જામનગરનો સમાવેશ ઝોન- IVમાં કરવામાં આવે છે, પરંતુ આ વિસ્તારમાં કોઈ મોટા ભૂકંપ નોંધાયા નથી. જિયૉલૉજિકલ સરવે ઑફ ઇન્ડિયા અથવા સરવે ઑફ ઇન્ડિયાના અભ્યાસમાં કોઈ જાણીતી ફૉલ્ટલાઇન નથી.

ગુજરાતનું કયું શહેર કયા ઝોનમાં?

ગુજરાત એ 'હિમાલયન કૉલિશન ઝોન'માં આવેલું છે, પેટાળમાં યુરેશિયન (યુરોપીય અને એશિયન) પ્લેટની નીચે ઇન્ડો-ઑસ્ટ્રેલિયન પ્લેટ સરકી રહી છે, જેના કારણે પેટાળમાં ઍક્ટિવ ફૉલ્ટલાઇન સર્જાય છે.

ISR દ્વારા કરવામાં આવેલા વર્ગીકરણ મુજબ, કચ્છ જિલ્લો ખૂબજ ભારે ઝોખમી વિસ્તારમાં આવે છે એટલે તેને ઝોન-Vમાં મૂકવામાં આવે છે.

જામનગર, રાજકોટ, પાટણ અને બનાસકાંઠાને ઝોન- IVમાં મૂકવામાં આવે છે. ગુજરાતનો 32 ટકા વિસ્તાર ભૂકંપની દૃષ્ટિએ 'વેરીહાઈથી હાઈ રિસ્ક ઝોન'માં આવે છે.

દાહોદને ઓછી સંભાવનાવાળા ઝોન-IIમાં મૂકવામાં આવે છે, ગુજરાતનો બાકીનો લગભગ 66 ટકા વિસ્તાર ઝોન-III હેઠળ આવે છે.

તા. 26મી જાન્યુઆરી 2001ના રોજ ગુજરાતના કચ્છ જિલ્લામાં રિક્ટર સ્કેલ ઉપર 7.7ની તીવ્રતાનો ભૂકંપ ત્રાટક્યો હતો, જેનું કેન્દ્રબિંદુ કચ્છના ભચાઉમાં હતું.

કચ્છનો ભૂકંપ ભારતની તાજેતરની સ્મૃતિનો સૌથી ભયાનક ભૂકંપ હતો, જેમાં 20 હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા અને લગભગ દસ લાખ લોકો બેઘર બની ગયા હતા.

ભચાઉ પાસેની ફૉલ્ટલાઇન જાણીતી છે, તેમાં કે તેની કોઈ ઉપશાખામાં હિલચાલ થતી રહે છે, જે ભૂકંપ સ્વરૂપે નોંધાયછે.

ભૂકંપની આગાહી અને અણસાર

વૈજ્ઞાનિક દૃષ્ટિએ ભૂકંપ કે તેની તીવ્રતાની આગાહી કરવી શક્ય નથી. જોકે અમુક કિસ્સામાં સિસ્મૉલૉજિસ્ટોએ જળસ્તરમાં પરિવર્તન, રેડન ગૅસનું ઉત્સર્જન, પૃથ્વીના ગુરુત્વાકર્ષણીય તથા ચુંબકીયક્ષેત્રમાં અનસાર ફેરફાર નોંધ્યા છે.

સિસ્મૉલૉજીએ ભૂકંપ તથા ભૂગર્ભીય તરંગ અને હિલચાલનો અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખા છે. આ હિલચાલ સિસ્મૉગ્રાફ ઉપર આલેખ સ્વરૂપે નોંધાય છે.

પૃથ્વી દ્વારા પેટાળમાંથી ઊર્જાને મુક્ત કરવામાં આવે ત્યારે અથવા તો સપાટી ઉપર મોટો ધડાકો થાય ત્યારે આ ઊર્જા ભૂગર્ભીય તરંગો સ્વરુપે આગળ વધે છે અને આ હલચલ સિસ્મૉગ્રાફ ઉપર નોંધાય છે.

ભૂકંપ પહેલાં

'ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઑથૉરિટી' દ્વારા ભૂકંપ પહેલાં, ભૂકંપ દરમિયાન અને પછી શું કરવું તથા શું ન કરવું તેની એક માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે, જે મુજબ:

  • પરિવારના તમામ સભ્યોને ભૂકંપને લગતી માહિતી આપો
  • ભૂકંપરોધી ટેકનૉલૉજીથી નવી ઇમારતોનું નિર્માણ કરવું, જ્યારે જૂની ઇમારતોને મજબૂત કરવી
  • ઘરનો, ખુદનો તથા પરિવારજનોનો વીમો લેવો
  • પ્રાથમિક ઉપચાર તથા ફાયર ફાઇટિંગની તાલીમ લેવી
  • કાચની બારી પાસે સૂવાના પલંગ ન રાખવા
  • ભારે તથા તૂટે તેવી ચીજો માળિયા ઉપર ન રાખવી
  • બેડની ઉપર ફોટોફ્રેમ, કાચ કે અરીસા ન લટકાવવા
  • જરૂરી દસ્તાવેજો, રોકડ રકમ તથા અન્ય ચીજવસ્તુઓને બૅગમાં ભરીને હાથવગી રાખવી
  • પાડોશીઓના કૌશલ્યનો સરવે કરો (ટેકનિકલ, મેડિકલ વગેરે), જેથી જરૂર પડ્યે મદદ લઈ શકાય

ભૂકંપ દરમિયાન

  • ભૂકંપ આવ્યે ડરવું કે ગભરાવું નહીં અને સ્વસ્થતા જાળવી રાખવી
  • જો તમે અંદર હો, તો અંદર જ રહો અને કોઈ મજબૂત ટેબલની નીચે આશરો લો
  • જો આગ ફાટી નીકળે તો જમીન પર ઢસડાતાં બહાર નીકળો
  • જો તમે બહારના ભાગમાં હો અને ભૂકંપ આવે તો ઇમારતો, વૃક્ષ, ઇલેક્ટ્રિસિટીની લાઇનથી દૂર રહો
  • સ્વસ્થ રીતે બહાર ખુલ્લામાં આવી જાવ
  • જો આપ ડ્રાઇવિંગ કરી રહ્યા હો, તો કારને ટ્રાફિકથી દૂર લઈ જાવ અને થોભી જાવ
  • કારને બ્રિજ, ફ્લાયઓવર, ઝાડ, લાઇટના થાંભલા, પાવરલાઇન કે સાઇનબોર્ડની નીચે ઊભી ન રાખશો
  • જ્યાં સુધી હિલચાલ અટકે નહીં, ત્યાં સુધી કારમાં જ રહો
  • જો આપ ક્લાસમાં હો તો ડેસ્ક કે ટેબલની નીચે જતા રહો અને તેને મક્કમ રીતે પકડી રાખો

ભૂકંપ પછી

  • આફ્ટરશોક આવવાથી ગભરાશો નહીં
  • ટીવી, રેડિયો કે અન્ય કોઈ માધ્યમથી તંત્ર દ્વારા આપવામાં આવતી માહિતી ઉપર નજર રાખો
  • ખુદને કે આસપાસમાં કોઈને ઈજા નથી પહોંચીને તે ચકાસી લો
  • જો ઈજા પહોંચી હોય, તો જ્યાંથી પ્રાથમિક સારવાર મળે તેમ હોય લઈ લો
  • જો આગ લાગી હોય, તો તેને ઓલવવાની તજવીજ હાથ ધરો
  • દીવાલ, દાદર, ફ્લોર, બારી-બારણાની ચકાસણી કરી તે જોખમી ન હોવાની ખાતરી કરો
  • જોખમી જણાતા ઘર-ઇમારતમાં પ્રવેશ ન કરો
  • જો ગૅસ લીકેજની વાસ આવે કે પાઇપલાઇનમાંથી અવાજ આવતો હોય તો બારી-બારણાં ખોલી નાખો અને બહાર નીકળી જાવ
  • ગૅસ લીકેજની આશંકા જણાય તો સ્ટવ ચાલુ ન કરો ઇલેક્ટ્રિક લાઇન ઑફ કરી દો
  • વગર કારણે ફોનની લાઇનોને વ્યસ્ત ન રાખો

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો