You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુનિતા યાદવ વિવાદ : અઠવાડિયા બાદ મામલો ક્યાં પહોંચ્યો?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ગત બુધવાર રાત્રે 10.30 આજુબાજુનો સમય. સ્થળ મિનિ બજાર, વરાછા, સુરત. લોકરક્ષકદળનાં હથિયારધારી કૉન્સ્ટેબલ સુનિતા યાદવે મોડીરાત્રે બહાર નીકળવા બદલ કેટલાક શખ્સોને અટકાવ્યા.
આ શખ્સોએ તેમના મિત્ર પ્રકાશ કાનાણીને ફોન કર્યો. પ્રકાશ પોતાની કાર લઈને આવ્યા, જેની ઉપર 'MLA GUJARAT'નું બોર્ડ મૂકેલું હતું. આગંતુકે તેનો પરિચય રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી કુમાર કાનાણીના પુત્ર તરીકે આપ્યો.
યાદવે મિત્રોને છોડાવવા માટે રાત્રે 10 વાગ્યા પછી બહાર નીકળવા બદલ તથા ધારાસભ્ય સાથે ન હોવા છતાં તેમનું બોર્ડ મારવા ઉપર સવાલ ઉઠાવ્યા.
આ સમગ્ર ઘટના વિશે સુનિતા યાદવે તેમના ઉપરી અધિકારીઓને વીડિયો રેકર્ડિંગ કરીને રજૂઆત કરી, કથિત રીતે તેનો સંતોષકારક ઉકેલ ન આવતા, હતાશ સુનિતાએ પોલીસદળમાંથી રાજીનામું આપી દીધું.
જ્યારે સમગ્ર ઘટના બહાર આવી ત્યારે સોશિયલ મીડિયા યૂઝર્સે તેમને 'લેડી સિંઘમ' અને 'મર્દાની'ની ઉપમા આપી અને તેમને '#ISupportSunitaYadav' ટ્રૅન્ડ થવા લાગ્યું.
સુરત પોલીસ કમિશનરે આ કેસમાં તપાસના આદેશ આપી દીધા છે. બીજી બાજુ, મંત્રી કુમાર કાનાણીનું કહેવું છે કે તેમના પુત્ર સામે કાયદેસરની કાર્યવાહી થતી હોય તે કરવી જોઈએ.
તેમણે મહિલા કૉન્સ્ટેબલ ઉપર ગાળો બોલવાનો તથા અસભ્ય વર્તન કરવાનો આરોપ મૂક્યો છે.
કાનાણીનું કથન અને કહાણી
મંગળવારે મંત્રી કાનાણીએ તેમના સત્તાવાર ફેસબુક એકાઉન્ટ ઉપર એક વીડિયો મૂક્યો, જેમાં તેમણે કહ્યું :
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"સુરત શહેર અત્યારે કોરોનાના ખૂબ જ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. સરકાર સમગ્ર વહીવટી તંત્ર તથા આરોગ્યવિભાગે લોકોને મદદરુપ થવા માટે તમામ શક્તિઓ કામે લાગડી છે અને કામ કરી રહ્યાં છે."
"દુર્ભાગ્યપૂર્ણ અને ખેદની વાત કરવાની જગ્યાએ અમુક તત્વો છેલ્લા કેટલાય સમયથી પ્રજા સમક્ષ વ્યક્તિગત મને બદનામ કરવાનું ષડયંત્ર કરી રહ્યા છે. સરકારની, ભારતીય જનતા પાર્ટીની અને મારી છબિ ખરડાય તેવા પ્રયાસો થઈ રહ્યા છે."
કાનાણીએ 'ઘટના'ના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરવા બદલ મીડિયાનો આભાર માન્યો હતો. કાનાણીએ આ વાત કયા સંદર્ભમાં કરી તે સ્પષ્ટતાપૂર્વક ન જણાવ્યું, પરંતુ તેને સુનિતા યાદવ રાજીનામાના વિવાદ સાથે જોડીને જોવામાં આવે છે.
આ સિવાય તાજેતરમાં તેઓ સોશિયલ ડિસ્ટન્સિંગ ન જાળવવું, કપરા સમયમાં સુરતમાંથી ગેરહાજર રહેવું, સોશિયલ મીડિયા યૂઝરને જવાબ આપવામાં મર્યાદાભંગ કરવો જેવા વિવાદમાં સપડાયા હતા.
કાનાણીનું આખું નામ કિશોરભાઈ શીવાભાઈ કાનાણી છે, પરંતુ કાર્યકરો, મિત્રવર્તુળ તથા સામાજિક જીવનમાં તેઓ 'કુમાર કાનાણી' તરીકે જ ઓળખાય છે.
2017ની વિધાનસભા ચૂંટણી દરમિયાન તેઓ વરાછા રોડ (બેઠક નંબર 161) ઉપરથી ભાજપની ટિકિટ ઉપર ચૂંટાઈ આવ્યા હતા.
'પાટીદાર અનામત આંદોલન' સમયે સુરત અને તેમાં પણ વરાછા વિસ્તાર કેન્દ્રબિંદુ ગણાતો હતો. આંદોલનના નેતા અને હાલ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કમિટીના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે કૉંગ્રેસના ઉમેદવાર ધીરુભાઈ ગજેરાના સમર્થનમાં રોડશો કર્યો હતો.
પરંપરાગત રીતે ભાજપનો ગઢ ગણાતી આ બેઠક ઉપર કપરાં ચઢાણ જણાતાં હતાં, છતાં કાનાણી આ બેઠક જીતી શક્યા હતા.
એ બાદ તેમને રાજ્યકક્ષાના પ્રધાન બનાવવામાં આવ્યા. તેઓ ધો. નવ પાસ છે અને આરોગ્યખાતાના પ્રધાન છે.
'અતા માજી સટકલી'
બીબીસી ગુજરાતી સાથે વાત કરતી વખતે સુનિતા યાદવે કહ્યું, "પહેલાં મેં તેમની સાથે સારી રીતે જ વાત કરી હતી, પરંતુ પછી તેમણે મારી સાથે એવી રીતે વાત કરી કે અતા માજી સટકલી."
ફિલ્મ 'સિંઘમ'માં પોલીસ અધિકારીની ભૂમિકા ભજવનાર અજય દેવગણ 'પિતો ગયો'ના સંદર્ભમાં આ સંવાદ બોલે છે.
યાદવના કહેવા પ્રમાણે, તેમને '365 દિવસ ઊભા રાખવા'ની તથા 'બદલી કરાવી નાખીશ' એવી ધમકી આપવામાં આવી હતી.
'મારો છોકરો છે, મારી ગાડી છે, કેમ ન ફરે ? ધારાસબ્યનું બૉર્ડ રાખીને ફરે......કાયદેસર જે કાર્યવાહી કરવી હોય તે કરી શકો છો. મને કાયદો ન બતાવો બહેન. આખું ગામ ફરે છે, હું એક જ કરું છું.'
વાઇરલ વીડિયોમાં જોઈ શકાય છે કે પ્રકાશ કોઈ વ્યક્તિ સાથે સુનિતાની ફોન ઉપર વાત કરાવે છે, કથિત રીતે સામે મંત્રી કુમાર કાનાણી છે. જેઓ કહે છે કે, 'મારો છોકરો છે, મારી ગાડી છે, બોર્ડ લ ગાવીને કેમ ન ફરે?', 'મને કાયદો ન બતાવો બહેન', 'આખું ગામ ફરે છે, હું એક જ કરું છું?' અને 'કાયદેસર રીતે કાર્યવાહી કરવી હોય તો કરી શકો છો.'
રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી કુમાર કાનાણીએ 'મંતવ્ય ન્યૂઝ'ને ઇન્ટરવ્યૂમાં કહ્યું કે 'ફોન ઉપર વાત થઈ ત્યારે મેં કાયદેસરની કાર્યવાહી કરવા માટે કહ્યું હતું.'
વાઇરલ ઓડિયોના સંવાદ મુજબ ઉશ્કેરાયેલા યાદવે 'વળતો જવાબ' પણ આપ્યો હતો. પરંતુ બીબીસી સ્વતંત્ર રીતે આ સંવાદની પુષ્ટિ નથી કરતું.
સુનિતાનું કહેવું છે કે તેમને મામલો થાળે પાડવા માટે રૂ. 50 લાખની ઓફર કરવામાં આવી હતી, જોકે, આ ઓફર કોણે કરી હતી, તે વિશે તેમણે સ્પષ્ટતા નથી કરી.
તેમણે કહ્યું, "અત્યાર સુધી ઉચ્ચ અધિકારીઓને રાજીનામા અંગે મૌખિક જાણકારી આપી છે, ટૂંક સમયમાં લેખિત રાજીનામુ આપીશ."
'મોટી ઘટના બનતા રહી ગઈ'
સુનિતા યાદવનું કહેવું છે, "એ દિવસે બહુ મોટી ઘટના બનતાંબનતાં રહી ગઈ. એ સમયે FoPના (ફ્રેન્ડ ઑફ પોલીસ) એક ભાઈ ત્યાં હતા, જો તેઓ ન હોત તો કદાચ હું તમારી સાથે ન હોત."
મીડિયા ઇન્ટરવ્યુ તથા ફેસબુક લાઇવ મારફત પોતાની વાત રજૂ કરનાર સુનિતાનું કહેવું છે કે "હું પોલીસ ડિપાર્ટમેન્ટમાં એલ.આર. ઓફિસર છું, એટલે જે ડિસિપ્લિન છે તે મારે જાળવવી પડે. એટલે અત્યારે હું તમને કંઈ ન જળાવી શકું."
સુનિતાનું કહેવું છે કે તેમણે જે કોઈ વાત રજૂ કરી છે, તે માત્ર ટ્રેલર જ છે ને ફિલ્મ બાકી છે, તથા તે સમગ્ર ઘટનાના માત્ર 10 ટકા જ છે, 90 ટકા બાકી છે. રાજીનામું સ્વીકારાઈ ગયા બાદ તેઓ દરેક મુદ્દે વાત કરશે.
એ રાતની ઘટના બાદ સુનિતા માંદગીસબબ રજા ઉપર ઊતરી ગયાં હતાં, બાદમાં મૌખિક રીતે રાજીનામું ધરી દીધું અને હવે સત્તાવાર રીતે જાણ કરશે. દરમિયાન તેમની બદલી સુરતના અન્ય એક પોલીસ સ્ટેશનમાં કરી દેવામાં આવી છે.
સુનિતાનું કહેવું છે કે એ રાત્રે માત્ર પ્રધાનપુત્ર તથા તેમના મિત્રના જ નહીં, પરંતુ રાત્રિકર્ફ્યુનો ભંગ કરનારા અન્ય લોકોના પણ લગભગ 100 જેટલા વીડિયો છે. આ ઘટનામાં 'ન્યાય અપાવવા માટે' અંગત મિત્રે વીડિયો વાઇરલ કર્યો હોવાનું સુનિતાનું કહેવું છે.
કૉલેજકાલ દરમિયાન સુનિતા એન.સી.સી. (નેશનલ કૅડેટ કૉર) સાથે જોડાયેલાં હતાં અને તેમણે પ્રતિષ્ઠિત રિપબ્લિક-ડે પરેડમાં ભાગ લીધો હતો.
તેઓ આગળ જતાં આઈ.પી.એસ. (ઇન્ડિયન પોલીસ સર્વિસ)નાં અધિકારી બનવા માગે છે. અભ્યાસની બાબતમાં તેમણે એલ.એલ.બી. કરવાની કે પત્રકારત્વનો અભ્યાસ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
કાયદો, કલમ અને કાર્યવાહી
બુધવારની ઘટનાની ઓડિયો-વીડિયો ક્લિપ વિકઍન્ડમાં વાઇરલ થઈ હતી, જે પછી પોલીસ હરકતમાં આવી હતી.
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ મુજબ, પ્રધાનપુત્ર પ્રકાશ કાનાણી તથા તેમના બે મિત્ર દીપક ગોધાણી તથા સંજય કાકડિયા વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 188, 269, 270 તથા 144 અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી હતી. તેમની ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં તેમને જામીન ઉપર છોડી દેવામાં આવ્યા હતા.
અહેવાલ મુજબ, સુરત એન.સી.પી. (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી)ના પૂર્વ અધ્યક્ષ રાજુભાઈ ગોધાણીએ વરાછા પોલીસમાં સુનિતા યાદવ સામે અરજી આપી છે, જેમાં તેમની ઉપર અપશબ્દ બોલવાનો તથા રાત્રિ કર્ફ્યુનો ભંગ કરનારાઓ પાસે ઉઠકબેઠક કરાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
સુરત પોલીસના જનસંપર્ક અધિકારી પી. એલ. ચૌધરીના કહેવા પ્રમાણે, "વાઇરલ ઓડિયો સુરતના પોલીસ કમિશનર (આર. બી. બ્રહ્યભટ્ટ)ના ધ્યાને આવ્યો છે અને આ કેસમાં એ.સી.પી. દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે."
એક ફેસબુક લાઇવ દરમિયાન યાદવે પોતાના જીવ ઉપર જોખમ હોવાની વાત કહી હતી. તેમને તથા તેમના પિતાને ધમકીભર્ય ફોન અને સંદેશ મળતા હોવાનો તેમણે આરોપ મૂક્યો છે.
હાલ તેમને હથિયારધારી પોલીસ કૉન્સ્ટેબલનું સંરક્ષણ આપવામાં આવ્યું છે અને યાદવનું કહેવું છે કે પોલીસદળ તેમને સમર્થન કરી રહ્યું છે.
સોશિયલ મીડિયા પર સ્વાગત
સોશિયલ મીડિયા ઉપર આ ઘટના બહાર આવ્યા બાદ સુનિતા યાદવની ફરજનિષ્ઠા તથા હિંમતની ચોમેરથી પ્રશંસા થઈ રહી છે.
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે ટ્વીટ કર્યું, "અમે બધા કર્તવ્યનિષ્ઠ કૉન્સ્ટેબલ સુનિતા યાદવ સાથે ઊભા છીએ. આવા કર્તવ્યનિષ્ઠ લોકોને કારણે જ પોલીસનું માન વધે છે. ગુજરાતની ભાજપ સરકાર સુનિતાને સન્માનિત કરે."
ગુજરાત પોલીસના ભૂતપૂર્વ અધિકારી ડી.જી. વણઝારાએ સુનિતા યાદવનાં સમર્થનમાં ટ્વીટ કરીને લખ્યું કે કાયદો તોડનારાઓ સામે વહેલામાં વહેલી તકે ગુનો, દાખલ કરવો જોઈએ.
તેમણે ટ્વિટર પર લખ્યું, "મેં કેટલાક એસ.પી. (સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ) જોયા છે, જેમની પ્રતિભા કૉન્સ્ટેબલ કરતાં પણ ઓછી હતી અને કેટલાક એવા કૉન્સ્ટેબલોને જોયા છે જેમણે અવસર મળતા સારું પ્રદર્શન કર્યું છે. હું સુનિતા યાદવનું સમર્થન કરું છું."
ફિલ્મ અભિનેત્રી તાપસી પન્નુએ લખ્યું, "અમે ઘણા સમયથી ફિલ્મ બનાવવાનું બંધ કરી દીધું છે એટલે વાસ્તવિક ઘટનાઓ તેની ખોટ પૂરી રહી છે."
ફિલ્મ અભિનેત્રી ગૌહરખાને લખ્યું, "ઑનડ્યૂટી હીરો"
જાણીતા કવિ કુમાર વિશ્વાસે પણ આ અંગે ટ્વીટ કરીને મુખ્ય મંત્રી વિજય રૂપાણીને પ્રશ્ન કર્યો હતો કે 'સત્તાનું ચરિત્ર પણ બદલાશે કે માત્ર દર વખતે સરકાર જ બદલાશે? સીનિયરને જુનિયર અને આ બહાદુર જુનિયરને સીનિયર બનાવો.'
વિવાદ બાદ ફેસબુક તથા ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઉપર સુનિતા યાદવ તથા તેમને ભળતા નામવાળી અનેક પ્રોફાઇલ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળી હતી, જેની ઉપર સમગ્ર ઘટનાક્રમ સંદર્ભના અપડેટ્સ તથા સમાચાર પોસ્ટ કરવામાં આવી રહ્યા છે તથા રિટ્વીટ થઈ રહ્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો