કચ્છમાં ભૂકંપ : 'એટલા ડર્યા કે 2001ની યાદ આવી ગઈ'

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

"અમે બહુ ડરી ગયાં હતાં. અમને 2001ના ભૂકંપની યાદ આવી ગઈ. એવું લાગ્યું કે એ જ માહોલ ફરીથી સર્જાઈ ગયો છે. નાના બાળકો સહિત આખી સૉસાયટીના લોકો બહાર દોડી આવ્યાં હતાં. એવું લાગ્યું કે 2020નું આ વર્ષ શું કરી જશે?"

"એક બાજું વરસાદ વરસી રહ્યો હતો. ઘરમાં વીજળી નહોતી. બહાર કોરોના વાઇરસનો ભય છે ને એવામાં ભૂકંપ આવ્યો. અડધો કલાક થઈ ગયો તો પણ હજુ બધા જ બહાર જ ઊભા છે. માહોલ એટલો બિહામણો છે કે હજુ પણ ઘરની અંદર જવા માટે કોઈ તૈયાર નથી."

ઉપરના શબ્દો જાહ્વવીબહેન જાડેજાના છે. ગાંધીધામમાં રહેતાં જાહ્નવીબહેને બીબીસી ગુજરાતીના સહયોગી પ્રશાંત ગુપ્તા સાથેની વાતચીતમાં કચ્છમાં આવેલા ભૂકંપે કઈ રીતે વર્ષ 2001ના ભૂકંપની યાદ અપાવી દીધી એની વાત કરી હતી.

જાહ્વવીબહેન જેવો જ અનુભવ ગાંધીધામમાં રહેતા અનિલ વર્માએ પણ કર્યો.

'બાળકોને હાક પાડવાનું પણ ભૂલી ગયા'

વર્માએ પ્રશાંત ગુપ્તાને જણાવ્યું, "અમે બહુ જ ગભરાઈ ગયા હતા. ભયના માર્યા એવા બહાર નીકળ્યા હતા કે બાળકોને હાક પાડવાનું પણ ભૂલી ગયા હતા. બસ એક જ અવાજ નીકળ્યો હતો કે બચો…બચો…ભૂકંપનો જૂનો ઝટકો અમને યાદ છે."

"2001નો ભૂકંપ અમે જોયો છે. અમારી અંદર હજુ પણ ગભરાટ છે. કારણ કે અમે એ દુ:ખ જોયું છે."

ગુજરાતમાં રવિવારે સાંજે 8.13 વાગ્યે ભૂકંપના આંચકા નોધાયા છે. કચ્છ, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, પોરબંદર સહિતના વિસ્તારોમાં લોકોએ આંચકા અનુભવ્યા છે.

સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર રાજ્યમાં 5.5 મૅગ્નિટ્યુડનો ભૂકંપ નોંધાયો છે અને કચ્છના ભચાઉ નજીક ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે.

મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ રાજ્યના વિવિધ જિલ્લાના અધિકારીઓએ સાથે વાત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. તો ઉપ મુખ્ય મંત્રી નીતિન પટેલે હજુ સુધી જાનમાલનું કોઈ નુકસાન ન થયું હોવાની જાણકારી આપી છે.

પ્રશાંત ગુપ્તા જણાવે છે, "કચ્છમાં અત્યારે વરસાદ ચાલુ છે. ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને કેટલાય વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં આવેલા ભૂકંપે પગલે લોકો ભહુ ડરી ગયા હતા અને ઘરોની બહાર નીકળી ગયા હતા."

ગુપ્તાએ આ મામલે સ્થાનિક અધિકારીઓ સાથે વાત કરવા પ્રયાસ કર્યો પણ સંપર્ક સાધી શકાયો નહોતો. જોકે, જાનમાલનના નુકસાનના કોઈ સમાચાર ન હોવાનું તેમણે જણાવ્યું છે.

2001નો ભૂકંપ

કચ્છમાં 26 જાન્યુઆરી 2001ના રોજ રિક્ટર સ્કેલ પર 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને ભચાઉમાં એનું કેન્દ્રબિંદુ હતું.

કચ્છનો ભૂકંપ ભારતની તાજેતરની સ્મૃતિનો સૌથી ભયાનક ભૂકંપ હતો, જેમાં 20 હજારથી વધુ લોકો માર્યા ગયા હતા અને લગભગ દસ લાખ લોકો બેઘર બની ગયા હતા.

આ ભૂકંપમાં ભૂજ સહિત કચ્છનાં કેટલાંય શહેરોમાં ભારે વિશાન વેરાયો હતો. તો 8000થી વધુ ગામડાંમાં મોટા પાયે નકુસાન થયું હતું.

એ વખતે એવું લાગ્યું હતું કે ભૂકંપની મારથી બહાર નીકળવામાં કચ્છને દાયકાઓ લાગી જશે. જોકે, કચ્છીમાડુઓ પ્રયાસને પગલે ગણતરીના વર્ષમાં કચ્છ બેઠું થઈ ગયું હતું.

…અને કચ્છ બેઠું થયું

કચ્છ દેશની સરહદ પર આવેલો જિલ્લો છે. 2011ની વસતિગણતરી પ્રમાણે, તે દેશનો સૌથી મોટો જિલ્લો છે, પરંતુ ત્યાં કિલોમીટરદીઠ વસતિ બહુ ઓછી હતી.

પાણીના અભાવે કચ્છીમાડુઓ નોકરીની શોધ તથા વેપાર-ધંધાના અર્થે મુંબઈ સહિત વિદેશમાં હિજરત કરી જતા. જોકે, આપત્તિના સમયે આ બાબત આશીર્વાદરૂપ બની.

દેશવિદેશમાં વસતાં ગુજરાતીઓએ સહાયની સરવાણી વહાવી દીધી અને લગભગ 13 કરોડ ડૉલર (આજના સમય પ્રમાણે લગભગ રૂ. એક હજાર કરોડ) વતન મોકલ્યા.

કચ્છના વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા બે અબજ ડૉલરની ફાળવણી કરવામાં આવી.

મોટાભાગે ઉપેક્ષિત રહેલો કચ્છ જિલ્લો દેશ સહિત દુનિયાભરના નક્શા ઉપર ધ્યાને આવી ગયો હતો. આશંકાથી વિપરીત સહાયમાં ખાયકી ન થઈ અને લગભગ બે વર્ષમાં લગભગ તમામ ગામડાંઓનું પુનઃનિર્માણ થઈ ગયું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો