You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના : કચ્છીમાંડુઓ બહારથી આવી રહેલા લોકોનો આટલો વિરોધ કેમ કરી રહ્યા છે?
- લેેખક, સુરેશ ગવાણિયા
- પદ, બીબીસી ગુજરાતી
ગુજરાતની છેડે આવેલા કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના વાઇરસના વધતા કેસ કચ્છની ચિંતાનું કારણ બન્યા છે.
20 મે સુધી કચ્છમાં કુલ 57 કેસ નોંધાયા છે જે પૈકી 1 વ્યક્તિનું મૃત્યુ થયું છે 6 લોકો સાજા થયા છે અને હાલ 50 ઍક્ટિવ કેસ છે.
કચ્છ જિલ્લામાં બહારથી લોકો આવતાં ટ્વિટર પર #SaveKutch ટ્રેન્ડમાં આવ્યું હતું.
લોકોએ મુખ્ય મંત્રી વિજય રૂપાણી, કચ્છ કલેક્ટર, કચ્છના ભાજપના સાંસદ વિનોદ ચાવડાને ટેગ કરીને કચ્છમાં આવતાં લોકોને રોકવા અપીલ કરી હતી.
સેતુ ચૌહાણે લખ્યું કે બહારથી આવતા લોકોને કચ્છમાં આવતાં રોકવા જોઈએ. કચ્છનું પ્રવેશદ્વાર બંધ કરી દો.
તો કાસમ જુનેજાએ કચ્છ કલેક્ટર, ડીડીઓ વગેરેને ટેગ કરીને લખ્યું, “કચ્છમાં કોરોના કોવિડ-19ના વધી રહેલા પૉઝિટિવ કેસો જોઈ આપશ્રી નમ્ર વિનંતી કરીએ છે કચ્છની સરહદ બંધ કરી કચ્છને બચાવી લ્યો. ગરીબ પ્રજા હવે આ લૉકડાઉન નહીં સહન કરી શકે.”
તો કચ્છના ડીડીઓ કહે છે કે હરવાફરવાનો અધિકાર એ મૂળભૂત અધિકાર છે. સરકારે એમને મંજૂરી પણ આપી છે. તો અમે પણ સરકારના નિયમોને અનુસરીને કામ કરીએ છીએ.
20 મેના રોજ ગુજરાત સરકારના આરોગ્ય અને કલ્યાણ વિભાગના હેલ્થ બુલેટિન અનુસાર, કચ્છમાં નવા પાંચ કેસ નોંધાયા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તંત્ર કોરોના સામે લડવા કેટલું તૈયાર?
વિસ્તારની દૃષ્ટિએ સૌથી મોટા કચ્છ જિલ્લામાં હજુ પણ લોકો મુંબઈથી આવી રહ્યા છે.
બીબીસીના સહયોગી પ્રશાંત ગુપ્તાએ આપેલી માહિતી અનુસાર કચ્છના પ્રવેશદ્વાર એવા સૂરજબારી ચેકપોસ્ટ પર વાહનોની અંદાજે ચાર-પાંચ કિમી સુધી લાઇનો લાગી છે. આ બધા લોકો કચ્છમાં પ્રવેશ માટે નોંધણી કરાવી રહ્યા છે.
બીબીસી સાથે વાત કરતા કચ્છના ડીડીઓ પ્રભાવ જોશી કહે છે કે કોરોના વાઇરસના સંક્રમણને રોકવા અમે સંપૂર્ણ સજ્જ છીએ.
તેઓ કહે છે, "ખાસ કરીને છેલ્લા 10-15 દિવસથી અમે ચેકપોસ્ટ પર ઑનલાઇન પોર્ટલ વિકસાવેલું છે. ત્યાં બહારથી કચ્છમાં પ્રવેશતાં મુસાફરોનું સ્ક્રિનિંગ થાય છે, ડેટાઍન્ટ્રી થાય, મુસાફરે ક્યાં જવાનું છે તેની વિગત ઉમેરાય છે."
"ત્યારબાદ મુસાફરની વિગત જે તે પ્રાથમિક આરોગ્ય અધિકારી પાસે પહોંચી જાય છે. અને લોકોને હોમ ક્વોરૅન્ટીન કરવામાં આવે છે."
તેઓ કહે છે કે કચ્છમાં વધતા કોરોના વાઇરસના કેસોને પહોંચી વળવા અમે તૈયાર છીએ. અમારી ટીમ રાતદિવસ કામ કરી રહી છે.
"અમે અગાઉથી આઇસોલેશન વૉર્ડ ઊભા કર્યા છે. ઘણા લોકોને હોટલમાં આઇસોલેશનમાં રાખીએ છીએ અને જરૂર પડે તો ત્યાં જ સારવાર આપીએ છીએ."
સરકારે રાજ્યમાં પ્રવેશવાની મંજૂરી આપતાં છેલ્લા કેટલાક દિવસથી કચ્છમાં બહારથી આવતાં લોકોની સંખ્યા વધી છે.
કચ્છમાં આવનારા લોકો અંગે પ્રભાવ જોશી કહે છે કે "અત્યાર સુધીમાં 50 હજાર જેટલા લોકો મુંબઈથી કચ્છમાં આવ્યા છે."
કોરોના વાઇરસ અંગેની જાગૃતિ અંગે તેઓ કહે છે કે લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખે. વૃદ્ધોનું ખાસ ધ્યાન રાખે. બિનજરૂરી મુસાફરી ટાળે અને ચહેરા પર માસ્ક પહેરી રાખે.
શું બહારથી આવેલા લોકોએ કોરોના ફેલાવ્યો?
ગુજરાત સરકારની કોવિડ-19 માટેની વેબસાઇટ મુજબ 20 મે સુધીમાં કચ્છ જિલ્લામાં 2087 ટેસ્ટ થયા છે.
ગાંધીધામ ચેમ્બર્સ ઑફ કૉમર્સના પ્રમુખ અનિલ જૈન કહે છે કે બહારથી આવતા લોકોને કચ્છમાં પ્રવેશ ન આપવો જોઈએ.
અનિલ જૈન બીબીસી સાથે વાત કરતાં કહે છે કે, "મુંબઈમાં અંદાજે 10 લાખથી વધુ કચ્છીઓ વસે છે. અમારું માનવું છે કે કોઈ પણ રેડ ઝોનમાંથી આવતાં વ્યક્તિઓને કચ્છમાં એન્ટ્રી ન આપવી જોઈએ. તેમને રોકવા જોઈએ."
"કચ્છમાં અત્યાર સુધીમાં જેટલા પણ પૉઝિટિવ કેસ આવ્યા છે એ બહારથી આવ્યા છે. કર્ણાટકની જેમ ગુજરાતે પણ બહારથી અને ખાસ કરીને રેડ ઝોનમાંથી આવતા લોકોને રોકવા જોઈએ, જેથી કોરોના વાઇરસનું સંક્રમણ વધુ ન ફેલાય."
તેઓ કહે છે કે બહારથી આવતા લોકોને ક્વોરૅન્ટીન કરવાના સરકારે જે નિયમ કર્યા છે એને અમે આવકારીએ છીએ.
"અત્યાર સુધીમાં કચ્છમાં સ્થિતિ સારી હતી અને કેસ પણ નહોતા વધતા, પરંતુ આંતરરાજ્ય મુસાફરીને મંજૂરી આપતાં ધીમેધીમે ડબલ ફિગરના આંકડા આવવા લાગ્યા છે."
કચ્છનાં ગામડાંમાં શું સ્થિતિ છે?
અંજાર તાલુકાના વરસામડીના ગામના 42 વર્ષીય સરપંચ રૂપાભાઈ રબારી બીબીસી સાથે વાત કરતાં કહે છે બહારથી આવતા લોકોને ગામમાં પ્રવેશવા દેવાતા નથી. અમે તેમને સરકારી ક્વોરૅન્ટીન સેન્ટરમાં રાખીએ છીએ.
તેઓ કહે છે, "અમારા ગામમાં અંદાજે 50 માણસો બહારથી આવ્યા હશે. તેમને અલગઅલગ જગ્યાએ ક્વોરૅન્ટીનમાં રાખેલા છે. હાલ ગામમાં કોઈ કેસ નથી. ગામમાં થોડો ભય છે, પણ જાગૃતિને લીધે સ્થિતિ સારી છે."
તો મસ્કા ગામમાં એક કેસ પૉઝિટિવ આવ્યો છે જેઓ મુંબઈથી આવ્યા હતા.
મસ્કા ગામના 34 વર્ષીય સરપંચ કીર્તિભાઈ ગોર બીબીસી સાથે વાત કરતાં કહે છે, "ગામમાં એક કેસ પૉઝિટિવ આવ્યો છે. એ વ્યક્તિ મુંબઈથી આવી હતી, પણ તેઓને ગામની બહાર જ રાખેલા હતા."
"ગામમાં 100 જેટલા લોકો મુંબઈથી આવેલા છે. પણ કોઈને ગામમાં પ્રવેશતા દેવાતા નથી. ગામની બહાર જે ક્વોરૅન્ટીન સેન્ટર બનાવેલાં છે તેમાં તેમને રાખવામાં આવે છે."
મસ્કા ગામમાં બહારથી આવતા લોકોનો કોઈ વિરોધ નથી
કીર્તિ ગોર કહે છે "એ લોકો મંજૂરી લઈને આવે છે. આ તેમની માતૃભૂમિ છે, માદરે વતન છે, તેઓ આ સંકટની ઘડીમાં અહીં નહીં આવે તો ક્યાં જશે?"
"અમે એવા લોકો માટે વ્યવસ્થા પણ કરી છે. આવા સંકટના સમયમાં આપણે તેમની મદદ કરવી જોઈએ."
રાપરના સિંગરપર ગામમાં પણ ત્રણ કુટુંબ મુંબઈથી આવ્યા છે. ગામની વસતી અંદાજે 2200ની છે.
સિંગરપર ગામના 24 વર્ષીય સરપંચ વિજયભાઈ આહીર કહે છે, "અમારા ગામમાં ત્રણ કુટુંબ મુંબઈથી આવ્યાં છે અને તેમને હોમ ક્વોરેન્ટીનમાં રાખ્યાં છે.
તેઓ કહે છે કે બહારથી આવતાં લોકોનું સતત મેડિકલ ચેકઅપ પણ કરાય છે.
સરકાર પર શું છે આરોપ?
કચ્છ જિલ્લા કૉંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા કહે છે કે સરકાર કોરોના વાઇરસના સંક્રમણને રોકવામાં સંપૂર્ણ નિષ્ફળ નીવડી છે.
તેઓ સરકાર પર આરોપ લગાવે છે કે બહારથી આવતાં લોકોનું યોગ્ય રીતે સ્ક્રિનિંગ કરાયું નથી. લોકોને યોગ્ય રીતે હોમ ક્વોરૅન્ટીન કર્યા નથી. એટલે કચ્છમાં કોરોના વાઇરસનું સંક્રમણ વધ્યું છે.
સરકાર પર બેદરકારીનો આરોપ મૂકતા કચ્છ કૉંગ્રેસ પ્રમુખ કહે છે કે "જે જગ્યાએ લોકોને ક્વોરૅન્ટીન કરવામાં આવે છે ક્યાં પૂરતી સુવિધા નથી. લોકોને ખાવાપીવાનું મળતું નથી. પાણીની પણ અપૂરતી વ્યવસ્થા છે."
સરકાર પર કોરોનાના આંકડા છુપાવાનો આરોપ લગાવતાં યજુવેન્દ્રસિંહ જાડેજા કહે છે કે "કચ્છમાં અત્યાર સુધીમાં બહુ ઓછા ટેસ્ટ થયા છે. આથી સંક્રમણને રોકવા માટે સરકારે ટેસ્ટ વધારવા જોઈએ."
"બીજું કે કચ્છમાં કોરોનાના ટેસ્ટ માટે અલગ લૅબોરેટરી ફાળવવામાં આવી છે, જેમાં અંદાજે ચાર કલાકમાં પરિણામ મળી જાય છે."
કચ્છમાં બહારથી આવતાં લોકો અંગે યજુવેન્દ્રસિંહ જાડેજા કહે છે કે વતન આવતાં લોકોનો કોઈ વાંધો નથી. પણ સરકારે ક્વોરૅન્ટીન સહિતની વ્યવસ્થા કડક રાખી નથી.
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો