ગુજરાતમાં ફરી ભૂકંપના આંચકા, ભચાઉમાં 4.1ની તીવ્રતાથી ધરા ધ્રૂજી

રવિવાર રાત્રે ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા બાદ આજે ફરી એક વખત આંચકા અનુભવાયા હતા.

કચ્છ જિલ્લામાં ભચાઉની આસપાસના વિસ્તારમાં ફરી ભૂકંપ આવ્યો છે. ફરી વાર 4.1ની તીવ્રતાનો આંચકો આવતાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો.

સાંજે 3.56 મિનિટ આ આંચકો આવ્યો હોવાનું સરકારના સીસ્મોલૉજી વિભાગ દ્વારા જાણવા મળ્યું છે.

આ પહેલાં આજે બપોરે 12.57 વાગ્યે પહેલી વખત અને બપોરે 1.01 વાગ્યે બીજી વખત, એમ પાંચ મિનિટની અંદર બે વખત ભૂકંપના આંચકા આવ્યા હતા.

સરકારના સીસ્મોલૉજી વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે બંને આંચકાનું એપી સેન્ટર કચ્છના ભચાઉ નજીક હોવાનું જાણવા મળે છે

આ અગાઉ રવિવારે રાત્રે આવેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ પણ ભચાઉ પાસે જ હતું. રવિવારે રાત્રે 8.13 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, કચ્છ, પોરબંદર, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં આંચકા અનુભવાયા હતા અને અનેક જગ્યાઓએ લોકો ઘરોમાંથી બહાર આવી ગયા હતા.

રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ રાજકોટ, કચ્છ, પાટણ ઉપરાંત વિવિધ જિલ્લાના અધિકારીઓ સાથે ફોન પર વાતચીત કરીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

રાજ્યના ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલનું કહેવું છે કે રાજ્યમાં વર્ષો પછી આંચકો આવ્યો છે. વર્ષ 2001 જેટલી તીવ્રતાનો નથી.

આ મામલે ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ વિભાગને ઍલર્ટ કરી દેવામાં આવ્યો છે.

સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે નેશનલ સેન્ટર ફૉર સીસ્મોલૉજી જણાવે છે કે 5.5 મૅગ્નિટ્યુડનો ભૂકંપ નોંધાયો હતો.

કચ્છમાં ઘરોમાં તિરાડો પડી

ભૂકંપનો આંચકો અનુભવાયો ત્યારે કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો હતો.

ભૂકંપના ઝાટકા બાદ કચ્છના ભચાઉના કેટલાંક મકાનોમાં તિરાડો પડી હતી, તો ક્યાંક-ક્યાંક ઘરોની છતમાંથી પોપડા તૂટી પડ્યા હતા.

આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ કેટલાંક મકાનોમાં તિરાડો પડી હોવાની વિગતો મળે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો