You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નરસિમ્હા રાવને 'ભારતરત્ન' : શું કૉંગ્રેસે જ તેમને 'ભુલાવી દીધા હતા'?
- લેેખક, સૌતિક બિસ્વાસ
- પદ, બીબીસી સંવાદદાતા
ભૂતપૂર્વ વડા પ્રધાન પીવી નરસિમ્હા રાવ સહિત પૂર્વ પીએમ ચૌધરી ચરણસિંહ અને હરિતક્રાંતિના જનક કૃષિ વૈજ્ઞાનિક એમ. એસ. સ્વામીનાથનને ભારતરત્ન સન્માન આપવાની જાહેરાત કરાઈ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ જાણકારી સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર આપી છે.
આ જાહેરાત સાથે જ ભારતરત્ન સન્માન આપવાની જેમને જાહેરાત કરાઈ એવી તમામ હસ્તીઓ સાથે પીવી નરસિમ્હા રાવનું નામ પણ ચર્ચાના કેન્દ્રમાં આવી ગયું હતું.
આ અહેવાલમાં જાણો તેમના રાજકારણ અને જીવન વિશેની કેટલીક અજાણી વાતો.
નરસિમ્હા રાવ સતત આઠ વખત ચૂંટણી જીત્યા અને કૉંગ્રેસ પાર્ટીમાં 50 વર્ષથી વધારે સમય પસાર કર્યા પછી ભારતના વડા પ્રધાન બન્યા.
તેઓ આઠ બાળકોના પિતા હતા, 10 ભાષાઓમાં વાત કરી શકતા હતા અને અનુવાદ કરવામાં પણ ઉસ્તાદ હતા. જ્યારે તેમણે પહેલો વિદેશપ્રવાસ કર્યો ત્યારે તેમની ઉંમર 53 વર્ષ હતી.
તેમણે બે કૉમ્પ્યૂટરની ભાષાઓમાં માસ્ટર કર્યું હતું અને 60 વર્ષની ઉંમર પછી કૉમ્પ્યૂટર કોડ બનાવ્યા હતા, પરંતુ તેમની આ દાસ્તાન અહીં ખતમ થતી નથી.
ખેંચતાણથી ભરપૂર લોકશાહીના દસમાં વડા પ્રધાન બન્યા પહેલાં નરસિમ્હા રાવે ત્રણ ભાષાઓમાં ચૂંટણીપ્રચાર કર્યો હતો. તેમણે ત્રણ સીટ પર જીત મેળવી અને તેઓ આજના નેતાઓની તુલનામાં તળિયા સાથે જોડાયેલા નેતા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ વિદેશ, સંરક્ષણ, ગૃહ, શિક્ષા, સ્વાસ્થ્ય અને કાયદા જેવાં અનેક મંત્રાલયોનાં મંત્રીપદ પર રહ્યા હતા, જ્યાં તેમણે સફળતા હાથ લાગી હતી. આ પછી નરસિમ્હા રાવ વિશે કાંઈ પણ ખાસ ચમકદાર નથી.
નરસિમ્હા રાવ - 'મરેલી માછલી જેવી પ્રતિભા'
તેમની જ પાર્ટીના નેતા અને પૂર્વ મંત્રી જયરામ રમેશના કહેવા પ્રમાણે, નરસિમ્હા રાવની સૌથી મોટી ઉણપ એ હતી કે તેમની પ્રતિભા એક મરેલી માછલી જેવી હતી.
નરસિમ્હા રાવ એક એવા વડા પ્રધાન હતા જેમણે ભુલાવી દેવામાં આવ્યા, ઇમાનદારીથી કહીએ તો કોઈ પણ પ્રકારની સંભાવના વિના નેતા બનેલા રાવ એક આકસ્મિક વડા પ્રધાન હતા.
1991માં રાજીવ ગાંધીના મૃત્યુ પછી કૉંગ્રેસ પાર્ટી શોકમાં ડૂબેલી હતી. સોનિયા ગાંધીએ સત્તા સંભાળવાનો ઇનકાર કરતા નરસિમ્હા રાવ તમામને ચોંકાવીને ઉમેદવાર બન્યા હતા.
રાવનું મૃત્યુ 83 વર્ષની ઉંમરે 2004માં થયું. રાજકીય વિશ્લેષક વિનય સીતાપતિ કહે છે કે નરસિમ્હા રાવ ભારતમાં આર્થિક સુધારાના નેતા હતા. આવું એ સમયે હતું જ્યારે રાવ લધુમતીની સરકાર ચલાવી રહ્યા હતા.
રાવની સરકાર પહેલાંની બે સરકાર અને તેના પછીની ચાર સરકાર પણ બહુતીની સરકાર હતી, પરંતુ આવી દરેક સરકાર માત્ર એક વર્ષ સુધી જ ચાલી શકી હતી.
નરસિમ્હારાવની જીવનકથા
વિનય સીતાપતિએ 'હાફ લાયન : હાઉ પીવી નરસિમ્હા રાવ ટ્રાન્સફૉર્મ્ડ ઇન્ડિયા'ના નામથી નરસિમ્હા રાવની જીવનકથા લખી છે. રાવને સમર્થન કરતી સોશિયાલિસ્ટ પાર્ટી તે સુધારાઓની વિરોધી પણ હતી.
સીતાપતિ લખે છે, "બીજા શબ્દોમાં કહીએ તો નરસિમ્હા રાવે વહેંચાયેલી સંસદ, પરેશાન ઉદ્યોગપતિઓ, આકરા ટીકાકાર બુદ્ધિજીવીઓ અને કૉંગ્રેસના ઘસાયેલા-પિટાયેલા રણનીતિકારોનો સામનો કરવો પડ્યો."
આ માથાકૂટની વચ્ચે આમાં વાસ્તવિકતા એ છે કે રાવ સાચા સમયે સાચી જગ્યાએ હતા. જૂન 1991ની આસપાસ તો તે પોતાના અસ્તિત્વના સંકટ સામે લડી રહ્યા હતા.
રાજીવ ગાંધીની હત્યા પછી ભારતની અર્થવ્યવસ્થા ડગમગી ગઈ હતી. દેશની પાસે આયાતના બદલે ચૂકવણી કરવા માટે માત્ર બે અઠવાડિયાંની વિદેશી મુદ્રા બચી હતી.
નરસિમ્હા રાવ અને ભારતીય અર્થવ્યવસ્થા
1990ના ખાડીયુદ્ધ પછી ઑઇલની કિંમતોમાં ભારે ઉછાળો આવ્યો હતો. જેથી મુખ્યરૂપે ક્રૂડઑઇલની આયાતના ભરોસાને કારણે ભારતની અર્થવ્યવસ્થાની કમર તૂટી ગઈ હતી.
મધ્ય-પૂર્વમાં કામ કરતા ભારતીયોના પૈસા મોકલવામાં ભારે ઘટાડો નોંધાયો હતો. વિદેશોમાં રહેનારા ભારતીયોએ ડરના કારણે ભારતીય બૅન્કોમાંથી પોતાના 90 કરોડ ડૉલર કાઢી લીધા હતા.
નરસિમ્હા રાવ સત્તામાં આવ્યા એનાં બે અઠવાડિયા પછી ભારતે બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડમાં 21 ટન સોનું મોકલ્યું, જેથી ભારતને વિદેશી ડૉલર મળી શકે અને તે દેવાના હપતાઓ ભરવામાંથી બચી શકે.
આ એવો સમય હતો જ્યારે ભારતનાં ત્રણ રાજ્ય પંજાબ, કાશ્મીર અને આસામમાં ઉગ્રવાદી હિંસા થઈ રહી હતી. બીજી તરફ આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું સૌથી નજીકનું સહયોગી સોવિયત સંઘ તૂટી રહ્યું હતું.
પરંતુ આ તમામ વિપરિત પરિસ્થિતિઓમાં પણ નરસિમ્હા રાવે જે સાહસ સાથે આર્થિક સુધારાઓને આગળ વધાર્યા, એવું કોઈ બીજો ભારતીય નેતા કરી શક્યો નહોતો.
તેમણે વિદેશી રોકાણની સીમાને વધારી, લાઇસન્સરાજને ખતમ કર્યું, સરકારી કંપનીઓની મનમાની પર રોક લગાવી, અનેક પ્રકારની ટેરિફમાં ઘટાડો કર્યો, શૅરબજાર અને બૅન્કિંગમાં સુધારા માટે પગલાં વધાર્યાં.
નરસિમ્હા રાવ અને ડૉ. મનમોહન સિંહ
તેમણે આ તમામ કામ મનમોહન સિંહને નાણામંત્રી બનાવીને કર્યું, જે બાદમાં ભારતના વડા પ્રધાન બન્યા હતા.
રાવે કેટલાક ઉદારમતવાળા અધિકારીઓને પણ પસંદ કર્યા, જેમણે સત્તા પર રહીને તેમને સહકાર આપ્યો.
ત્યાં સુધી કે રાવની પાસે પોતાના કેટલાક જાસૂસ પણ હતા, જે આર્થિક સુધારાઓ પર સોનિયા ગાંધી અને બીજા અનેક કૉંગ્રેસીઓના વિચારો રાવ સુધી પહોંચાડતા હતા.
રાવના પ્રયાસોના કારણે 1994માં ભારતનો જીડીપી 6.7 ટકાએ પહોંચ્યો. તેમના કાર્યકાળનાં અંતિમ બે વર્ષમાં આઠ ટકા સુધી પહોંચી શક્યો હોત.
આ દરમિયાન પ્રાઇવેટ કંપનીઓના નફામાં 84 ટકાનો વધારો થયો હતો.
ભારતનું વિદેશી મુદ્રાભંડાર પણ 15 ગણું વધી ગયું હતું. ભારતનું પહેલું પ્રાઇવેટ રેડિયોસ્ટેશન અને હવાઈસેવા પણ આજ સમયે શરૂ થઈ હતી.
સીતાપતિએ લખ્યું છે, "નરસિમ્હા રાવને જે ભારતની જવાબદારી મળી હતી તેની સ્થિતિ ઘણી સારી હતી. રાવે 1994 સુધી એ ભરોસાને તાકાત આપી કે ભારત પોતાની મૂળ ઓળખ ગુમાવ્યા વિના દુનિયાની સામે પણ મુકાબલો કરી શકે છે."
વિનય સીતાપતિએ પોતાના પુસ્તકમાં રાવનાં સારાં-ખરાબ કામોને લઈને સાવધાનીપૂર્વકનું સંશોધન કર્યું છે.
નરસિમ્હા રાવ અને ડેંગ જિયાંગપિંગ
સીતપતિએ લખ્યું છે, "કદાચ ન્યૂયૉર્ક ટાઇમ્સે સૌથી પહેલાં, 72 વર્ષ પહેલાં રાવને ભારતના ડેંગ જિયાંગપિંગ કહ્યા હતા. એક ઘરડો નેતા જે ઢળતી ઉંમર પર હતો, તેને તમામ નહીં તો પણ કેટલાય આર્થિક નિયમોને ઠોકર મારી દીધી."
"એવા નિયમો જેમને પહેલાંની સરકારોએ સહારો આપ્યો હતો. રાવે ન માત્ર જૂના કટ્ટર વિચારોને જ નહીં, અંગત સ્વાર્થના આરોપમાં ઘેરાયેલા એક સમૂહને પણ ચેતવણી આપી હતી."
સીતાપતિના પ્રમાણે, "નરસિમ્હા રાવન ડેંગ જિયાંગપિંગને એક ફિલસૂફ સલાહકાર માનતા હતા. ત્યાં સુધી કે તેમણે ચીનમાં તેમને મળવાના પણ પ્રયત્નો કર્યા હતા, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા."
"સીતાપતિએ લખ્યું છે કે 1988માં રાજીવ ગાંધીની સાથે વિદેશમંત્રીના રૂપમાં નરસિમ્હા રાવ ચીન ગયા હતા, પરંતુ એ વાતનું તેમને ઘણું દુખ થયું હતું કે રાજીવ ગાંધીએ રાવ વિના જ ડેંગને મળવાનો નિર્ણય કર્યો હતો."
પાંચ વર્ષ પછી રાવ જ્યારે વડા પ્રધાન તરીકે ચીન ગયા, ત્યારે તેમણે નિરાશ થવું પડ્યું, કારણ કે નિવૃત થયેલા ચીનના નેતાએ રાવને મળવાનો ઇનકાર કરી દીધો હતો.
સીતાપતિના કહેવા પ્રમાણે આની પાછળ અફવા એ હતી કે ડેંગ માત્ર નહેરુ-ગાંધી પરિવારના જ કોઈ વ્યક્તિને મળવા તૈયાર હતા. તેમની સામે રાવની હેસિયત ઘણી ઓછી હતી.
સીતાપતિએ લખ્યું છે કે નરસિમ્હા રાવના ફેરફારને લઈને ડેંગની ક્ષમતાની પ્રશંસા કરવી યોગ્ય હતી.
નરસિમ્હા રાવના ભાગે આવી નિષ્ફળતાઓ
તેઓ લખે છે, "રાવ તેમના સાગરીત હતા, નહેરુ-ગાંધીના સમાજવાદની પ્રશંસા કરતાં રાવે પણ ઘણી કુશળતાથી તેમની નીતિઓ પર રોક લગાવી."
"એક પાક્કા સમાજવાદી હોવા છતાં રાવે વ્યવહારિક વલણ અપનાવ્યું અને વ્યવહારિક રાજકારણના એક ચતુર ખેલાડી બન્યા."
રાવના ભાગમાં અનેક નિષ્ફળતાઓ આવી, જેમાં સૌથી મોટી 1992માં કટ્ટરવાદી હિંદુઓના હાથે પાડવામાં આવેલી બાબરી મસ્જિદ હતી.
સીતાપતિ લખે છે કે રાવ પોતાના વ્યક્તિગત વિચારોના કારણે અંધ થઈ ગયા હતા, ભાજપના નેતાઓએ તેમને ભરોસો આપ્યો હતો કે મસ્જિદને કોઈ નુકસાન નહીં થાય.
રાવનું હિંદુ સંગઠનોને સમજાવી શકવું એ પોતાની ક્ષમતા પર મિથ્યાભિમાન કરવા જેવું થયું, જે તેમની ગંભીર નાકામયાબી હતી.
નરસિમ્હા રાવને કેમ ભુલાવી દેવામાં આવ્યા?
સીતાપતિના કહેવા પ્રમાણે તેમની ખુદની પાર્ટીએ તેમને છોડી મૂક્યા, જે પાર્ટી નહેરુ-ગાંધી પરિવારની બહારના કોઈ નેતાને આગળ વધતો જોઈ શકતી ન હતી.
આની સાથે જ તેમના શાનદાર આર્થિક રેકર્ડ પર મસ્જિદ પાડવાનો દાગ લાગ્યો હતો. આ ઘટના પછી આઝાદ ભારતમાં સૌથી મોટી ખૂની હિંસામાંથી એક હિંસા થઈ.
સામાન્ય રીતે સારી અર્થવ્યવસ્થા ખરાબ રાજકારણ માટે તૈયાર હોય છે. પરેશાન કરનારી વાત એવી હતી કે રાવની પાર્ટી 1996ની ચૂંટણી હારી ગઈ.
રાવ આર્થિક સુધારાને છળકપટથી કરેલા સુધારા માનતા હતા. એટલા માટે આ મુદ્દે ચૂંટણી પ્રચાર ન કર્યો. નરસિમ્હા રાવે દક્ષિણ ભારતની એક પાર્ટી સાથે ગઠબંધન કર્યું, જે પાર્ટીને ઘણું મોંઘું પડ્યું.
આ બધું ભેગું કરીને સીતાપતિ કહે છે, "રાવ પોતાના સમયથી આગળના માણસ હતા." કેટલાક લોકો આ વાતથી અસંમત પણ થશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો