હંસા મહેતા : એ ગુજરાતી મહિલા જેમણે બંધારણસભામાં મહિલા અનામતનો વિરોધ કર્યો હતો

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

મંગળવારે સંસદસભ્યોએ નવનિર્મિત સંસદભવનમાં પ્રવેશ કર્યો. જૂની ઇમારત હવે 'સંવિધાન સદન' તરીકે ઓળખાશે. આયોજન પ્રમાણે તેને સંગ્રહાલયમાં રૂપાંતરિત કરવામાં આવશે.

અપેક્ષા પ્રમાણે જ ચૂંટણીવર્ષમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે 33 ટકા મહિલા અનામત આપતું બિલ લોકસભામાં પસાર કરાવ્યું છે. આ ખરડો છેલ્લાં 27 વર્ષથી અટકેલો હતો.

જોકે, મહિલાઓને અનામત આપવાની ચર્ચા બંધારણસભાની ચર્ચા જેટલી જ જૂની છે. જેમાં મહિલાઓને અનામત (સંખ્યાને આધારે) કે ક્વોટા (ટકાને આધારે) આપવા વિશે ચર્ચા કરવામાં આવી હતી.

તેમાં ગુજરાતનાં પ્રતિનિધિ હંસાબહેન મહેતાએ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો અને મહિલાઓની લાગણી વ્યક્ત કરી હતી. તેમની માગ પુરુષ સમાન અધિકાર અને ફરજની હતી.

આઝાદી પહેલાં હંસાબહેન સ્વતંત્રતાસેનાની, વિદ્યાર્થીનેતા, મહિલાઅધિકાર કાર્યકર્તા અને સમાજસુધારક હતાં. સ્વતંત્રતા પછી તેમણે માનવઅધિકાર, મહિલાઅધિકાર, શિક્ષણ અને લેખનક્ષેત્રે પોતાનું પ્રદાન આપ્યું હતું.

બંધારણસભાના કુલ 389 સભ્યોમાંથી માત્ર 15 મહિલાસભ્યો હતી. છતાં તેમણે મહિલાઓને અલગ મતદાતા તરીકે જોવાના પ્રસ્તાવનો વિરોધ કર્યો પણ હતો.

શિક્ષણ, સ્વાતંત્ર્યસંગ્રામ, સમાજસુધાર

ત્રીજી જુલાઈ, 1897ના રોજ હંસાબહેનનો જન્મ સુરતના ધનાઢ્ય નાગર પરિવારમાં થયો હતો. તેઓ ગુજરાતી સાહિત્યની પ્રથમ ઐતિહાસિક નવલકથા લખનારા નંદશંકર મહેતાનાં પૌત્રી હતાં. તેમના પિતા તત્કાલીન ગાયકવાડ સરકારમાં દીવાન હતા.

ઉચ્ચકુલીન, શિક્ષિત અને સમૃદ્ધ પરિવારમાંથી આવતાં હોવાને કારણે ઉચ્ચઅભ્યાસ કરવામાં તેમને ખાસ મુશ્કેલી નહોતી પડી. છતાં પરણીને ઠરીઠામ થઈ જવાનાં યુવતીઓમાં પ્રવર્તમાન ચલણની સામે તેમણે નવો ચીલો ચાતરવાનો કામ કર્યું હતું.

વર્ષ 1913માં મૅટ્રિકની પરીક્ષા આપી અને બહેનોની શ્રેણીમાં પ્રથમ આવ્યાં. વર્ષ 1918માં તત્ત્વજ્ઞાન વિષય સાથે સ્નાતક થયાં. વર્ષ 1919માં પત્રકારત્વનું શિક્ષણ મેળવવા તેઓ લંડન ગયાં, જ્યાં તેમની મુલાકાત સરોજિની નાયડુ અને રાજકુમારી અમૃતકૌર સાથે થઈ.

હંસાબહેન એક કૉન્ફરન્સમાં ભાગ લેવા માટે અમેરિકા ગયાં હતાં. ત્યાંથી તેઓ જાપાન ગયાં, જ્યાં તેઓ ભૂકંપમાં ફસાયાં, પરંતુ તેમનો ચમત્કારિક બચાવ થયો હતો. એ પછી શાંઘાઈ, સિંગાપોર અને કૉલંબોનું ભ્રમણ કરીને વતન પરત ફર્યાં. સ્વદેશમાં સરોજિની નાયડુ મારફત ગાંધીજી સાથે થયેલી મુલાકાત તેમનું જીવન બદલી દેનારી હતી.

વર્ષ 1922માં ગાંધીજીના રંગે રંગાઈને તેઓ દેશ સેવિકા સંઘમાં જોડાયાં હતાં અને વિદેશી કપડાં તથા દારૂની દુકાનની બહાર પિકૅટિંગ (કોઈ કામ થતું રોકવા માટેનો પહેરો) કરતાં. સ્વતંત્રતાની ચળવળ દરમિયાન તેમણે જેલવાસ પણ વેઠ્યો હતો.

રાજકીય કારકિર્દી દરમિયાન હંસાબહેન બૉમ્બે મ્યુનિસિપલ કૉર્પોરેશન અને પ્રાંતીય સભાના સભ્ય પણ બન્યાં હતાં.

'અનામત નહીં ન્યાય ખપે'

સભ્યો તરીકે પ્રાંતિકસભામાંથી ચૂંટાયેલા સભ્યો ઉપરાંત તત્કાલીન રજવાડાંના પ્રતિનિધિઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સિવાય મુસ્લિમ અને શીખ સમુદાયને પ્રતિનિધિત્વ મળી રહે તે માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી હતી.

કુલ 389માંથી માત્ર 15 મહિલા સભ્યો હતાં, જેમાંથી માત્ર 10એ જ ચર્ચામાં ભાગ લીધો હતો, ચર્ચામાં તેમનો કુલ ફાળો માત્ર બે ટકા જેટલો હતો. હંસાબહેનના નામે કુલ 1837 શબ્દ નોંધાયેલા છે.

રાજ્યસભા સચિવાલય દ્વારા બંધારણસભામાં મહિલા સભ્યોનાં ભાષણો વિશે પુસ્તક સંકલિત કરવામાં આવ્યું છે, જેની ઉપર નજર કરતા તેમણે દેશમાં મહિલાઓની સ્થિતિ, રાષ્ટ્રધ્વજ અર્પિત કરતી વેળાએ તથા બંધારણ સફળ બને તે માટે (પૃષ્ઠક્રમાંક 67-72) પોતાના વિચારો રજૂ કર્યા હતા.

સદીઓથી કાયદા, રિવાજ અને પરંપરાના નામે નિયંત્રણો લાદવામાં આવ્યાં છે. પડદાપ્રથાના નામે તેમને ઘરની ચાર દીવાલોમાં કેદ કરીને થતા શોષણ અને સમાજમાં મહિલાઓના દરજ્જામાં થયેલા ઘટાડા વિશે ચિંતા રજૂ કરી હતી અને સ્વતંત્ર દેશમાં મહિલાઓને સમાન દરજ્જા અને તક મળશે એ વાતની તેમણે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું :

'મહાત્મા ગાંધીએ ભારતીય મહિલાઓ માટે જે કંઈ કર્યું છે, તેનો ઋણસ્વીકાર ન કરું તો એ મારી નગુણાઈ હશે. આ બધાં છતાં અમને કોઈ વિશેષાધિકાર નથી જોઈતા. મને જે કોઈ મહિલાસંગઠનો સાથે જોડાવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, તેમાંથી અમે ક્યારેય અનામત બેઠકો, ક્વૉટા કે અલગ મતદાતા (ગણવા) તરીકેની માગ નથી કરી. અમે હંમેશા સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાયની જ માગ કરી છે.'

'મહિલા અને પુરુષ વચ્ચે પરસ્પર સન્માન અને સમજણનો આધાર માત્ર સમાનતા જ હોઈ શકે જેના વગર બંને વચ્ચે સહકાર શક્ય નથી. મહિલાઓ દેશની પચાસ ટકા વસતી છે અને તેમને સાથે લીધા વગર પુરુષો ખાસ દૂર જઈ શકે તેમ નથી. આ પ્રાચીન ધરા મહિલાઓના સહકાર વગર વિશ્વમાં ઉચિત અને સન્માનજક સ્થાન નહીં મેળવી શકે.'

તારીખ 15મી ઑગસ્ટ 1947ના દિવસે હંસાબહેને 'દેશની મહિલાઓ વતી' ભારતનો રાષ્ટ્રધ્વજ રાષ્ટ્રપતિને સુપ્રત કર્યો હતો અને વિશ્વમાં દેશની મહાન પરંપરાઓનું પાલન કરવા મહિલાઓ અને પુરુષોને આહ્વાન કર્યું હતું.

જ્ઞાતિપ્રથાની નાબૂદીના હિમાયતી હંસાબહેને ચર્ચા દરમિયાન શિડ્યુલ્ડ કાસ્ટને અનામતની તરફેણ કરી હતી. અન્ય એક ચર્ચા દરમિયાન તેમણે યુનિફૉર્મ સિવિલ કોડની અને દેશભરમાં દારૂબંધીની હિમાયત કરી હતી. તેમણે મુસ્લિમસમાજને ધર્મનો ભાગ હોય તો પણ પડદાને ત્યજી દેવા આહ્વાન કર્યું હતું.

બંધારણસભામાં ગુજરાતી દંપતી

ઈ.સ. 1924માં હંસાબહેને પોતાની પસંદગીથી ડૉ. જીવરાજ મહેતા સાથે લગ્ન કર્યું હતું. ડૉ. જીવરાજ મહેતા તત્કાલીન ગાયકવાડ સરકારમાં ચીફ મેડિકલ ઑફિસર હતા, જ્યારે હંસાબહેનના પિતા મનુભાઈ દીવાન હતા.

શરૂઆતમાં પિતા આ સંબંધની વિરૂદ્ધ હતા. અંતે તત્કાલીન શાસક સયાજીરાવ ગાયકવાડ તૃતીયની દરમિયાનગીરીથી ડૉ. જીવરાજ મહેતાનો સ્વીકાર શક્ય બન્યો હતો. એ પછીના વર્ષે દંપતી વર્તમાન બૉમ્બેમાં સ્થાયી થયું.

હંસાબહેન મહેતા ઉપરાંત તેમના પતિ જીવરાજ મહેતા પણ બંધારણસભાના સભ્ય હતા. બંધારણસભામાં તેઓ કદાચ એકમાત્ર દંપતી હતાં. બંધરણઘડતર દરમિયાન જીવરાજભાઈએ કોઈ ચર્ચામાં ભાગ લીધો ન હતો.

વર્તમાન ગુજરાતમાંથી હંસાબહેન અને જીવરાજ મહેતા ઉપરાંત સરદાર વલ્લભભાઈ પટેલ, કનૈયાલાલ મુનશી, ખંડુભાઈ દેસાઈ, કનૈયાલાલ દેસાઈ અને ગણેશ માવળંકર પણ હતા.

આઝાદીની ચળવળના રંગમાં રંગાયેલા જીવરાજ મહેતાએ 'અસહકારના આંદોલન' અને 'હિંદ છોડો' આંદોલન દરમિયાન જેલવાસ ભોગવ્યો હતો. તેઓ ગાંધીજીના અંગત ડૉક્ટર પણ હતા. આગળ જતા મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ થતા જીવરાજભાઈ ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી બનવાના હતા.

આઝાદી પછી

સમગ્ર વિશ્વમાં માનવાધિકારોના રક્ષણાર્થે સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા સૌપ્રથમ વખત 'માનવહકોનું સાર્વત્રિક ઘોષણાપત્ર'ની જાહેરાત કરવામાં આવી હતી. યુએનની સામાન્ય સભા દ્વારા 10 ડિસેમ્બર, 1948ના રોજ તેનો સ્વીકાર કરાયો હતો.

હંસાબહેનના સૂચનથી ઘોષણાપત્રના પ્રથમ અનુચ્છેદમાં સુધાર કરવામાં આવ્યો હતો, જેમાં 'તમામ નર જન્મથી મુક્ત અને સમાન' એવો શબ્દપ્રયોગ કરવાને બદલે 'તમામ જન જન્મથી મુક્ત અને સમાન' એવો સુધાર કરવામાં આવ્યો હતો.

બરોડા કૉલેજમાંથી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનું ગઠન થયું ત્યારે હંસાબહેન મહાવિદ્યાલયનાં પ્રથમ મહિલા ઉપકુલપતિ બન્યાં. આજે તેમના નામથી પરિસરમાં લાઇબ્રેરી ઊભી છે. વર્ષ 1959માં તેમને 'પદ્મભૂષણ'થી નવાજવામાં આવ્યાં. સ્ત્રીસશક્તિકરણ અને શિક્ષણક્ષેત્રે તેમની પ્રવૃત્તિ અવિરત ચાલુ રહેવા પામી હતી.

તેમણે 16 ગુજરાતી અને ચાર અંગ્રેજી મળીને કુલ 20 જેટલાં પુસ્તક લખ્યાં હતાં. જેમાં શેક્સપિયરના નાટકોના ગુજરાતી તરજુમાનો પણ સમાવેશ થાય છે. તારીખ ચાર એપ્રિલ 1995ના દિવસે તેમનું અવસાન થયું.

બંધારણસભામાં ચર્ચા દરમિયાન મહિલાસભ્યોએ અનામતના બદલે સમાનતા અને સન્માનની માગ કરી હતી. એ પછીનાં 72 વર્ષમાં મહિલા સંસદસભ્યોની ઘટતી જતી સંખ્યા અને ટકાવારીને જોતા કદાચ અનામત જરૂરી બની ગઈ હતી.