ભારત-ચીન સીમાવિવાદના મહત્ત્વપૂર્ણ સવાલોના જવાબો

ઇમેજ સ્રોત, TWITTER/ NARENDRA MODI
ભારત-ચીન વચ્ચેના સંબંધો આ સમયે નાજુક સ્થિતિમાં છે. બંને દેશ વચ્ચે 1962માં એક વાર યુદ્ધ થયું હતું, જેમાં ચીનની જીત થઈ હતી અને ભારતની હાર. ત્યારબાદ 1965 અને 1975માં પણ બંને દેશો વચ્ચે હિંસક ઘર્ષણ થયું હતું. આ તારીખો પછી ફરી એક વાર ભારત-ચીન સીમા પર સ્થિતિ આટલી તણાવભરી છે. 15-16 જૂનની રાતે ગલવાન ઘાટીમાં ભારત-ચીન સીમા પર બંને દેશ વચ્ચે જે કંઈ થયું, એ અંગે તમારા મનમાં અનેક સવાલો હશે. એ તમામ સવાલોના જવાબ તમે અહીં એકસાથે મેળવી શકો છો.
સવાલ 1 : ગલવાનમાં 15-16 જૂનની રાતે શું થયું?
15-16 જૂને લદ્દાખની ગલવાન ઘાટીમાં એલએસી પર થયેલા ઘર્ષણમાં ભારતીય સેનાના એક કર્નલ સહિત 20 સૈનિકોનાં મૃત્યુ થયાં હતાં. ભારતનો દાવો છે કે ચીની સૈનિકોને પણ નુકસાન થયું છે, પરંતુ ચીન તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
ચીને પોતાની સેનાને કોઈ પણ નુકસાન થયાની વાત માની નથી. ત્યારબાદ બંને દેશો વચ્ચે પહેલાં કરતાં વધુ તણાવ થયો છે. બંને દેશો એકબીજા પર પોતાના વિસ્તારના અતિક્રમણનો આરોપ લગાવે છે.
કહેવાય છે કે ગલવાન ઘાટીમાં ભારત-ચીન લાઇન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) પર બંને સેનાઓ વચ્ચે થયેલા ઘર્ષણમાં હથિયાર તરીકે લોખંડના સળિયાનો ઉપયોગ થયો છે, જેના પર ખીલીઓ લાગેલી હતી.
ભારત-ચીન સીમા પર મોજૂદ ભારતીય સેનાના એક વરિષ્ઠ અધિકારીએ બીબીસીને એ તસવીર મોકલી છે અને કહ્યું કે આ હથિયારથી ચીની સૈનિકોએ ભારતીય સૈનિકો પર હુમલો કર્યો હતો.

સવાલ 2 : હિંસક ઘર્ષણ અત્યારે કેમ થયું? તેની શરૂઆત ક્યારે અને કેવી રીતે થઈ?

ભારત-ચીન સીમા પર વિવાદની શરૂઆત એપ્રિલના ત્રીજા અઠવાડિયામાં થઈ હતી, જ્યારે લદ્દાખ બૉર્ડર એટલે કે લાઇન ઑફ એક્ચ્યુલ કંટ્રોલ પર ચીન તરફથી સૈનિક ટુકડીઓ અને ભારે ટ્રકોની સંખ્યામાં વધારો થયો હતો, આવું રક્ષા વિશેષજ્ઞ જણાવે છે.
બાદમાં મે મહિનામાં સીમા પર ચીની સૈનિકોની ગતિવિધિઓ રિપોર્ટ કરાઈ હતી. ચીની સૈનિકો લદ્દાખમાં સીમાનું નિર્ધારણ કરનારા તળાવમાં પણ પેટ્રોલિંગ કરતાં દેખાયા હોવાની વાત સામે આવી હતી.
વર્ષ 2018-19ની વાર્ષિક રિપોર્ટમાં ભારત સરકારના રક્ષા મંત્રાલયે કહ્યું હતું કે સરકારે ભારત-ચીન સીમા પર 3812 કિલોમીટરનો વિસ્તાર રોડનિર્માણ માટે રેખાંકિત કર્યો છે. તેમાં 3418 કિલોમીટરનો એક રોડ બનાવવાનું કામ બૉર્ડર રોડ્સ ઑર્ગેનાઇઝેશન એટલે કે બીઆરઓને આપવામાં આવ્યું છે. તેમાંની મોટા ભાગની પરિયોજનાઓ પૂરી થઈ ગઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારત-ચીન સીમાવિવાદના જાણકારોનું માનવું છે કે આ નિર્માણકાર્ય બંને દેશ વચ્ચેના વિવાદનું અસલી કારણ છે, પરંતુ તેઓ એ પણ માને છે કે આ એકમાત્ર કારણ નથી. કેટલાક જાણકારો ભારત-ચીન સીમાવિવાદને ઘણી પરિસ્થિતિઓ સાથે જોડીને જુએ છે.
ભારતમાં જાણકારોના મંતવ્ય પ્રમાણે તેને ગત વર્ષે ઑગસ્ટમાં ભારત સરકાર દ્વારા કલમ 370ને દૂર કરવી, ભારતની વિદેશનીતિમાં છેલ્લા દિવસોમાં થયેલા ફેરફારો, ચીનની આંતરિક રાજનીતિ અને કોરોના સમયમાં વિશ્વની રાજનીતિમાં પોતાને જાળવી રાખવાના ચીનના પ્રયાસોને પણ જોડીને જોવું જોઈએ.

સવાલ 3 : આ હિંસક ઘર્ષણ આટલું મહત્ત્વપૂર્ણ કેમ?

ઇમેજ સ્રોત, PIB
45 વર્ષ બાદ બંને દેશો વચ્ચે સંઘર્ષ આટલો હિંસક થયો છે, જેમાં ભારતના 20 સૈનિકોના જીવ ગયા છે. ચીની સૈનિકોના ઘાયલ થવાનો કોઈ સત્તાવાર આંકડો નથી.
આ અગાઉ 1975માં ભારતીય સેનાની પેટ્રોલિંગ ટીમ પર અરુણાચલ પ્રદેશમાં એલએસી પર ચીની સેનાએ હુમલો કર્યો હતો. તેમાં પણ ભારતીય સૈનિકોનાં મૃત્યુ થયાં હતાં. દરમિયાન બંને દેશોના રાષ્ટ્રાધ્યક્ષો વચ્ચે ઘણી મુલાકાતો થઈ. તેનાથી એવું લાગ્યું કે વેપારની સાથેસાથે સીમા પર બધું યોગ્ય ચાલી રહ્યું છે.
નરેન્દ્ર મોદી જ્યારથી ભારતના વડા પ્રધાન બન્યા ત્યારથી ચીનના રાષ્ટ્રપતિ સાથે છેલ્લાં છ વર્ષમાં 18 વાર મુલાકાત થઈ છે. જોકે આ હિંસક ઘર્ષણ બાદ બંને દેશ વચ્ચે તણાવ વધતો જોઈ શકાય છે.
સવાલ 4 : ગલવાન ઘાટીમાં ભારતના કેટલા સૈનિક માર્યા ગયા?
ચીન અને ભારતની સેના વચ્ચેના ઘર્ષણમાં ભારતીય સેનાના 20 જવાનનાં મૃત્યુ થયાં છે. આ બધા 16 બિહાર રેજિમેન્ટના જવાન હતા. પહેલાં ત્રણ જવાનનાં મૃત્યુના સમાચાર આવ્યા હતા, પણ પછી ભારતીય સેનાએ જાતે નિવેદન જાહેર કરીને જણાવ્યું કે 17 અન્ય જવાનો પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતા અને તેમનું મૃત્યુ થયું છે.
ભારતીય સેનાના સૂત્રો અનુસાર, 18 સૈનિકોની લેહની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, બાકી 58 સામાન્ય ઈજા થઈ છે. તેમાં કોઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત નથી.

સવાલ 5 : આ સંઘર્ષમાં કેટલા ચીની સૈનિકો માર્યા ગયા?

ઇમેજ સ્રોત, Reuters
ચીન કોઈ પણ યુદ્ધમાં માર્યા ગયેલા સૈનિકોની સંખ્યા ક્યારેય નથી કહેતું.
17 જૂને આ જ સવાલ ચીની વિદેશ મંત્રાલયની પત્રકારપરિષદમાં સમાચાર એજન્સી પીટીઆઈએ પૂછ્યો કે ભારતીય મીડિયામાં ચીની સૈનિકો ઈજાગ્રસ્ત થયાની વાત કહેવાઈ રહી છે, શું તમે તેની પુષ્ટિ કરો છો?
આ સવાલના જવાબમાં ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને કહ્યું, "મેં કહ્યું એ રીતે બંને દેશના સૈનિકો ગ્રાઉન્ડ લેવલે ખાસ મુદ્દાઓને ઉકેલવાની કોશિશ કરી રહ્યા છે. મારી પાસે એવી કોઈ જાણકારી નથી, જેને અહીં રજૂ કરું. મારું માનવું છે અને તમે પણ જોયું હશે કે જ્યારથી આ વિવાદ શરૂ થયો ત્યારથી બંને પક્ષ વાતચીતના માધ્યમથી વિવાદને ઉકેલવાના પ્રયાસો કરી રહ્યા છે, જેથી સરહદ પર શાંતિ જળવાઈ રહે."

સવાલ 6 : ભારતીય સૈનિકોએ હથિયારોનો ઉપયોગ કેમ ન કર્યો?
ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે ટ્વીટ કરીને કહ્યું, "સીમા પર તહેનાત બધા જવાનો હથિયાર લઈને ચાલે છે. ખાસ કરીને પોસ્ટ છોડતી વખતે પણ તેમની પાસે હથિયાર હોય છે. 15 જૂને ગલવાનમાં તહેનાત જવાનો પાસે પણ હથિયાર હતાં, પરંતુ 1996 અને 2005ની ભારત-ચીનની સંધિને કારણે લાંબા સમયથી આ પ્રૅક્ટિસ ચાલી રહી છે કે ફેસ-ઑફ દરમિયાન જવાન ફાયરઆર્મ્સ (બંદૂક)નો ઉપયોગ નથી કરતા."

સવાલ 7 : ગલવાન ઘાટી બંને દેશ માટે મહત્ત્વની કેમ છે?

ઇમેજ સ્રોત, Getty Images
ગલવાન ઘાટી વિવાદિત ક્ષેત્ર અક્સાઈ ચીનમાં છે. ગલવાન ઘાટી લદ્દાખ અને અક્સાઈ ચીન વચ્ચે ભારત-ચીન સીમા પાસે આવેલી છે. અહીં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) અક્સાઈ ચીનને ભારતથી અલગ કરે છે.
અક્સાઈ ચીન પર ભારત અને ચીન બંને પોતપોતાનો દાવો કરે છે. આ ઘાટી ચીનના દક્ષિણ શિનજિયાંગ અને ભારતના લદ્દાખ સુધી ફેલાયેલી છે. આ ક્ષેત્ર ભારત માટે સામરિક રીતે બહુ મહત્ત્વનું છે, કેમ કે પાકિસ્તાન, ચીનના શિનજિયાંગ અને લદ્દાખની સીમા સાથે જોડાયેલું છે.
1962ના યુદ્ધમાં પણ ગલવાન નદીનું આ ક્ષેત્ર જંગનો મુખ્ય કેન્દ્રસ્થાન રહ્યું હતું. આ ઘાટીના બંને તરફના પહાડો રણનીતિ રૂપે સેનાને ફાયદો કરાવે છે. અહીં જૂનની ગરમીમાં પણ તાપમાન શૂન્ય ડિગ્રીથી ઓછું રહે છે.
ઇતિહાસકારોનું માનીએ તો આ સ્થળનું નામ એક સાધારણ લદ્દાખી વ્યક્તિ ગુલામ રસૂલ ગલવાનના નામ પરથી પડ્યું. ગુલામ રસૂલે જ આ સ્થળની શોધ કરી હતી.
ભારત તરફથી એ દાવો કરવામાં આવે છે કે ગલવાન ઘાટીમાં પોતાના વિસ્તારમાં ભારત રસ્તો બનાવી રહ્યું છે, જેને રોકવા માટે ચીને આ હરકત કરી છે.
દારબુક-શ્યોક-દૌલત બેગ ઓલ્ડી રોડ ભારતને આ આખા વિસ્તારમાં મોટો ફાયદો કરાવશે. આ રોડ કારાકોરમ પાસે તહેનાત જવાનોને સપ્લાય પહોંચાડવામાં મહત્ત્વનો છે.

સવાલ 8 : વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) શું છે? નિયંત્રણ રેખા (LoC)થી કેટલી અલગ છે?

ભારતની જમીનસીમા (લૅન્ડ બૉર્ડર)ની કુલ લંબાઈ 15,106.7 કિલોમીટર છે, જે કુલ સાત દેશો સાથે જોડાયેલી છે. આ સિવાય 7516.6 કિલોમીટર લાંબો સમૃદ્રીમાર્ગ છે. ભારત સરકાર અનુસાર આ સાત દેશ છે- બાંગ્લાદેશ (4,096.7 કિમી), ચીન (3,488 કિમી), પાકિસ્તાન (3,323 કિમી), નેપાળ (1,751 કિમી), મ્યાનમાર (1,643 કિમી), ભુતાન (699 કિમી) અને અફઘાનિસ્તાન (106 કિમી).
ભારતની ચીન સાથે 3,488 કિલોમીટર લાંબી સીમા જોડાયેલી છે. આ સીમા જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશથી પસાર થાય છે.
આ ત્રણ સૅક્ટરોમાં વિભાજિત છે- પશ્ચિમી સૅક્ટર એટલે કે જમ્મુ-કાશ્મીર, મિડિલ સૅક્ટર એટલે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ, અને પૂર્વી સૅક્ટર એટલે કે સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ.
જોકે બંને દેશો વચ્ચે હજુ સુધી પૂરી રીતે સીમાંકન થયું નથી, કેમ કે ઘણા વિસ્તારોને લઈને બંને વચ્ચે સીમાવિવાદ છે.
આ વિવાદને કારણે બંને દેશો વચ્ચે ક્યારેય સીમાનિર્ધારણ ન થઈ શક્યું. જોકે યથાસ્થિતિ રાખવા માટે લાઇન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ એટલે કે એલએસી ટર્મનો ઉપયોગ થવા લાગ્યો.
સાત દશક પછી પણ જમ્મુ-કાશ્મીર ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવનો મુદ્દો બનેલું છે. આ ક્ષેત્ર હાલમાં એક નિયંત્રણ રેખાથી વહેંચાયેલું છે, જેનો એક તરફનો ભાગ ભારત પાસે અને બીજા ભાગ પાકિસ્તાન પાસે છે. તેને ભારત પાકિસ્તાન નિયંત્રણ રેખા કહે છે.

સવાલ 9 : આ વર્તમાન વિવાદ પછી હવે બંને દેશ આગળ શું કરશે?

ઇમેજ સ્રોત, AFP
ચીને 17 જૂને ગલવાન ઘાટી ક્ષેત્રમાં સ્વાયત્તતાનો દાવો કર્યો છે, જેને ભારતે બોલકો અને ખોખલો દાવો ગણાવ્યો છે.
ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને કહ્યું, "ગલવાન ઘાટીની સંપ્રભુતા હંમેશથી ચીન પાસે રહી છે. ભારતીય સૈનિકોએ બૉર્ડર પ્રોટોકૉલ અને અમારા કમાન્ડર સ્તરની વાતચીતમાં થયેલી સહમતીનું ગંભીર ઉલ્લંઘન કર્યું."
ચીની પ્રવક્તાએ એમ પણ કહ્યું કે ચીન હવે વધુ સંઘર્ષ ઇચ્છતું નથી.
બીજી તરફ ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે બુધવારે જણાવ્યું કે બંને દેશના વિદેશમંત્રીઓએ ફોન પર વાતચીત કરી છે અને એ વાતે સહમતી સધાઈ છે કે આખી પરિસ્થિતિને જવાબદારી સાથે સંભાળવામાં આવશે.
ભારતીય પ્રવક્તાએ કહ્યું કે ચીની સેનાએ એલએસીના ભારતીય ભાગમાં નિર્માણકાર્ય કરવાની કોશિશ કરી હતી. હાલમાં બંને દેશો વચ્ચે કૂટનીતિક અને સૈનિક સ્તરે વાતચીત ચાલી રહી છે.

સવાલ 10 : ભારત અને ચીન અગાઉ ક્યારે-ક્યારે સામે આવ્યા?

ઇમેજ સ્રોત, Getty Images
1962- ભારત-ચીન યુદ્ધ અંદાજે એક મહિનો ચાલ્યું હતું અને તેનો વિસ્તાર લદ્દાખથી લઈને અરુણાચલ પ્રદેશ સુધી ફેલાયેલો હતો. તેમાં ચીનની જીત થઈ હતી અને ભારતની હાર. જવાહરલાલ નહેરુએ પણ ખેદપૂર્વક સંસદમાં કહ્યું હતું, "આપણે આધુનિક દુનિયાની સચ્ચાઈથી દૂર થઈ ગયા હતા અને આપણે એક બનાવટી માહોલમાં રહેતા હતા, જેને આપણે જ તૈયાર કર્યો હતો."
આ રીતે તેઓએ આ વાતને લગભગ સ્વીકારી લીધી હતી કે તેઓએ વિશ્વાસ કરવામાં મોટી ભૂલ કરી હતી કે ચીન સીમા પર ઘર્ષણો, પેટ્રોલિંગ ટીમ સાથે અથડામણ અને તૂ-તૂ મૈં મૈંથી વધુ કંઈ નહીં કરે.
1962ની લડાઈ બાદ ભારત અને ચીને બંનેએ એકબીજાને ત્યાંથી પોતાના રાજદૂત પાછા બોલાવી લીધા હતા. બંને રાજધાનીઓમાં એક નાનું મિશન ચોક્કસ કામ કરતું હતું.
1967- નાથુ લામાં ચીન અને ભારત વચ્ચે ઘર્ષણ થયું હતું. બંને દેશના ઘણા સૈનિકો માર્યા ગયા હતા. સંખ્યાને લઈને બંને દેશ અલગઅલગ દાવો કરે છે. આ ઘર્ષણ ત્રણ દિવસ સુધી ચાલ્યું હતું.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
નાથુ લામાં તહેનાત મેજર જનરલ શેરૂ થપલિયાલે 'ઇન્ડિયન ડિફેન્સ રિવ્યૂ'ના 22 સપ્ટેમ્બર, 2014ના અંકમાં આ ઘર્ષણ અંગે વિસ્તારથી લખ્યું છે.
તેમના અનુસાર, નાથુ લામાં બંને સેનાઓનો દિવસ કથિત સીમા પર પેટ્રોલિંગ સાથે શરૂ થાય છે અને આ દરમિયાન બંને દેશના ફોજીઓ વચ્ચે કંઈકને કંઈક બોલાચાલી શરૂ થઈ જાય છે.
6 સપ્ટેમ્બર, 1967માં ભારતીય સૈનિકોએ ચીનના રાજનીતિક કમિસાર (ચીનના લશ્કરમાં એક હોદ્દેદાર) ને ધક્કો મારીને પાડી દીધા, તેમનાં ચશ્માં તૂટી ગયાં. વિસ્તારમાં તણાવ ઓછો કરવા ભારતીય સૈનિક અધિકારીઓએ નક્કી કર્યું કે તેઓ નાથુ લાથી સેબુ લા સુધી ભારત-ચીન સીમાને નક્કી કરવા તારની એક વાડ બનાવશે.
જેવું થોડા દિવસો પછી વાડ બનાવવાનું કામ શરૂ થયું કે ચીનના રાજનીતિક કમિસાર(ચીનના લશ્કરમાં એક હોદ્દેદાર) પોતાના કેટલાક સૈનિકો સાથે એ સ્થળે પહોંચી ગયા અને તાર પાથરવાનું બંધ કરવા કહ્યું.
ભારતીય સૈનિકોએ તેમની વિનંતી સ્વીકાર ન કરી ત્યારે અચાકન ચીનીઓએ મશીનગન ફાયરિંગ શરૂ કરી દીધું.
1975- ભારતીય સેનાની પેટ્રોલિંગ ટીમ પર અરુણાચલ પ્રદેશમાં એલએસી પર ચીની સેનાએ હુમલો કર્યો હતો.

સવાલ 11 : આ તણાવથી બંને દેશના આંતરિક સંબંધો પર શું અસર થશે?
આનો સીધો જવાબ આપવો થોડો મુશ્કેલ છે. બંને દેશો વચ્ચે હાલમાં પણ વાતચીત ચાલી રહી છે. આવનારા કેટલાક મહિનાઓ બંને દેશ માટે નિર્ણાયક હશે. જાણકારો માને છે કે વર્તમાન સ્થિતિના ઉકેલ માટે સેના સ્તરે નહીં, પરંતુ રાજનીતિક સ્તરે પણ વાતચીત થવી જોઈએ.
અગાઉની પરિસ્થિતિમાં પાછા ફરવા કે બંને દેશોને તણાવથી છુટકારો મેળવવાને ડિસઍન્ગેજમેન્ટ પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. બંને દેશોએ આમ તો સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ મામલાને ઉકેલવા માગે છે.


- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














