કોરોના વાઇરસ રસી : પહેલી વૅક્સિનમાં અમેરિકાને શું સફળતા મળી?

અમેરિકામાં ટેસ્ટ કરવામાં આવેલી પહેલી કોવિડ-19 વૅક્સિનથી લોકોની રોગપ્રતિકારક શક્તિને એવો જ ફાયદો થયો, જેવી અપેક્ષા વૈજ્ઞાનિકો કરી રહ્યા હતા.

હવે આ વૅક્સિનની મહત્ત્વની ટ્રાયલ કરવામાં આવવાની છે. અમેરિકાના અગ્રણી વિશેષજ્ઞ ડૉ. ઍન્થોની ફાઉચીએ સમાચાર એજન્સી ઍસોસિયેટેડ પ્રેસને કહ્યું, "તમે આની ઇચ્છો એટલી છણાવટ કરો પણ તે એક સારા સમાચાર છે."

સમાચારને ન્યૂયૉર્ક ટાઇમ્સે પણ પ્રકાશિત કર્યા છે. આની ટ્રાયલ સાથે જોડાયેલી માહિતી clinicaltrials.gov પર પોસ્ટ કરવામાં આવી છે. આ અંગે અભ્યાસ ચાલુ છે, જે 2022 સુધી ચાલશે.

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ અને મોડેરના ઇંક માં ડૉ. ફાઉચીના સહકર્મીઓએ આ વૅક્સિન વિકસિત કરી છે.

હવે 27 જુલાઈએ આ વૅક્સિનનો સૌથી મહત્ત્વનો તબક્કો શરૂ થશે. 30 હજાર લોકો પર પરીક્ષણ કરાશે અને જાણકારી મેળવાશે કે શું આ વૅક્સિન ખરેખર કોવિડ-19થી માનવશરીરને બચાવી શકે છે.

મંગળવારે સંશોધકોએ 45 લોકો પર કરવામાં આવેલાં પરીક્ષણનાં પરિણામો જાહેર કર્યાં. જેની ખૂબ જ આતુરતાથી રાહ જોવાતી હતી.

આ વૉલન્ટિયર્સના શરીરમાં ન્યૂટ્રલાઇઝિંગ ઍન્ટિ-બૉડીઝ વિકસિત થયાં છે. ઍન્ટિબૉડી ઇન્ફૅક્શનને રોકવા માટે મહત્તત્વનાં હોય છે.

રિસર્ચ ટીમે 'ન્યૂ ઇંગ્લૅન્ડ જર્નલ ઓફ મેડિસિન'માં લખ્યું છે કે વૅક્સિન લેવાવાળા વૉલન્ટિયર્સનાં લોહીમાં એટલાં જ ઍન્ટિબૉડીઝ મળ્યાં છે, જેટલાં કોવિડ-19માંથી સ્વસ્થ થયેલા દર્દીઓનાં શરીરમાં મળે છે.

સંશોધનનું નેતૃત્વ કરનારા સિએટલના કૅન્સર પરમેનન્ટ વૉશિંગ્ટન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સાથે જોડાયેલા ડૉ. લીસા જૅક્સન કહે છે, "પરીક્ષણમાં આગળ વધવા માટે અને શું આ વૅક્સિન ખરેખર સંક્રમણથી બચાવી શકે છે, એ જાણકારી મેળવવા માટે આ મહત્ત્વનું છે."

હાલ કોઈ ગૅરંટી નથી કે અંતિમ પરિણામો ક્યારે મળશે, પરંતુ સરકારને આશા છે કે વર્ષના અંત સુધીમાં ટ્રાયલ પૂર્ણ કરી લેવાશે.

વૅક્સિન બનાવવાની દૃષ્ટિએ જોઈએ તો આ વિક્રમી ઝડપ છે.

આ વૅક્સિનના બે ડોઝ આપવામાં આવશે, જેની વચ્ચે એક મહિનાનું અંતર હશે. આ વૅક્સિનની કોઈ ગંભીર આડઅસર નથી.

સંશોધનમાં સામેલ અડધાથી વધુ લોકોને ફ્લૂ જેવું રિએક્શન નોંધાયું છે. આવું અન્ય વૅક્સિન સાથે થવું એ અસામાન્ય વાત નથી.

રસીકરણ પછી માથું દુખવું, ઠંડી લાગવી, તાવ આવવો અથવા રસી મુકાયેલી જગ્યા પર દુખાવો થવો એ સામાન્ય બાબતો છે.

જે ત્રણ વૉલન્ટિયર્સને વધુ માત્રામાં ડોઝ અપાયા હતા, એમનામાં આ રિએક્શન વધુ ગંભીર હતા. હવે એટલી માત્રાનું પરીક્ષણ કરવામાં નથી આવી રહ્યું.

કેટલાંક રિઍક્શન કોરોના વાઇરસના સંક્રમણનાં લક્ષણો જેવાં જ છે. પરંતુ તે અસ્થાયી છે.

તે એક દિવસ રહે છે અને રસી લગાવવાના તુરંત પછીથી દેખાય છે.

વંડરબિલ્ટ યુનિવર્સિટી મેડિકલ સેન્ટર સાથે જોડાયેલા સંશોધક ડૉ. વિલિયમ શાફનર કહે છે કે આ કોરોના જેવી મહામારી સામે સુરક્ષાની નાની કિંમત છે. શાફનર આ સંશોધન સાથે જોડાયેલા નથી.

તેમણે વૅક્સિનનાં શરૂઆતી પરિણામોને આવકાર્ય ગણાવ્યાં છે. તેમને આશા છે કે દવાના અંતિમ ટ્રાયલથી જણાશે કે તે સુરક્ષિત અને અસરકારક છે કે નહીં. આ પરિણામો આગામી વર્ષની શરૂઆત સુધી મળી જશે.

ડૉ. શાફનર કહે છે, "એ શાનદાર હશે. મંગળવારે શરૂઆતી પરિણામો આવ્યાં પછી અમેરિકી શૅરબજારમાં મોડેર્ના ઇંક.ના શૅરના ભાવ 15 ટકા સુધી વધી ગયા.

અમેરિકાના મૅસાચ્યુસેટ્સના કૅમ્બ્રિજ સ્થિત આ કંપનીના શૅરની કિંમત આ વર્ષે ચાર ગણા સુધી વધી ગયા છે. મંગળવારે સંશોધનનાં જે પરિણામો જાહેર થયાં છે, એમાં ફક્ત યુવાનો સામેલ હતા.

હવે આગળ થનારા પરીક્ષણમાં વયસ્કોને પણ સામેલ કરાઈ રહ્યા છે. કોવિડ-19 મહામારીથી સૌથી વધુ અસર ઉંમરલાયક વ્યક્તિઓને થઈ છે.

સમાચાર એજન્સી ઍસોસિયેટેડ પ્રેસના અનુસાર સંશોધનનાં પરિણામો હજી જાહેર થયાં નથી અને નિયામક એનું વિશ્લેષણ કરી રહ્યા છે.

ફાઉચીનું કહેવું છે કે અંતિમ તબક્કાનાં પરીક્ષણોમાં વૃધ્ધોને પણ સામેલ કરવામાં આવશે. આ ઉપરાંત ગંભીર બીમારીઓથી પીડિત લોકો પર પણ પરીક્ષણ કરવામાં આવશે.

આ વાઇરસની સૌથી વધુ અસર એ લોકો પર થઈ છે, જેઓ પહેલાંથી કોઈને કોઈ બીમારીથી પીડાતા હતા.

એટલું જ નહીં અમેરિકામાં અશ્વેત અને લૅટિન મૂળના લોકો પણ આ સંક્રમણથી વધુ પ્રભાવિત થયા છે.

વિશ્વભરમાં લગભગ બે ડઝન વૅક્સિન તેની ટ્રાયલના અંતિમ ચરણમાં છે. ચીન અને બ્રિટનની ઑક્સફર્ડ યુનિવર્સિટીની વૅક્સિન પણ જલદી જ પરીક્ષણના અંતિમ તબક્કામાં આવી રહી છે.

30 હજાર લોકો પર થવા જઈ રહેલી આ વૅક્સિનની ટ્રાયલ, અત્યાર સુધીની કરોના માટેની વૅક્સિનની સૌથી મોટી ટ્રાયલ હશે.

જો કે આ વૅક્સિન એક માત્ર એવી વૅક્સિન નથી જેનું આટલા મોટાપાયે પરીક્ષણ થશે.

સરકાર દ્વારા ઑક્સફર્ડની વૅક્સિન અને જૉહ્નસન ઍન્ડ જૉહ્નસનની વૅક્સિન પર પણ મોટું પરીક્ષણ કરવાની તૈયારીઓ કરાઈ રહી છે.

આ ઉપરાંત ફાઇઝર કંપનીની વૅક્સિનનો પણ મોટા પાયે અભ્યાસ થશે.

લોકો આ સંશોધન માટે સ્વયંસેવક તરીકે પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે. ડૉ. ફાઉચી કહે છે કે લોકોને લાગે છે કે આ દોડમાં કોઈ એક વૅક્સિન જીતશે. પરંતુ હું સૌનો ઉત્સાહ વધારી રહ્યો છું.

તેઓ કહે છે કે આપણને અનેક વૅક્સિન જોઈએ છે, આપણને સમગ્ર વિશ્વ માટે વૅક્સિન જોઈએ છે ન કે કોઈ એક જ દેશ માટે.

વિશ્વભરમાં સરકારો વૅક્સિનમાં રોકાણ કરી રહી છે. જેથી વૅક્સિનનાં અસરકારક સાબિત થવા સાથે સમય પર રસીકરણ કરાવી શકાય.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો