રિલાયન્સ જિયોમાં જનરલ ઍટલાન્ટિક 6598 કરોડનું રોકાણ કરશે

રિલાયન્સ જિયોએ એક મહિનાથી પણ ઓછા સમયમાં ચોથા મોટા રોકાણની જાહેરાત કરી છે.

અમેરિકાની પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ જનરલ ઍટલાન્ટિક કંપની રિલાયન્સ જિયોમાં 6,598 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

આ રોકાણ 1.34 ટકાના ઇક્વિટી સ્ટૉક મારફતે કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે 1980માં સ્થાપિત જનરલ ઍટલાન્ટિક કંપની 34 અબજ ડૉલરની સંપત્તિનું સંચાલન કરે છે અને અગાઉ તે ઍરબીએનબી, ફેસબુક, સ્નૅપચૅટ, ઉબર અને બૉક્સ જેવી કમ્પનીઓમાં રોકાણ કરી ચૂકી છે.

આ પહેલા રિલાયન્સ જિયોમાં ફેસબુક, સિલવર લેક અને વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સે પણ રોકાણ કર્યું છે.

સમાચાર એજન્સી પીટીઆઈ મુજબ મુકેશ અંબાણી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે એક મીડિયા રિલીઝમાં આ બાબતે જાણકારી આપી હતી.

આમા જણાવવામાં આવ્યું હતું કે કંપનીને ચાર અઠવાડિયાથી ઓછા સમયમાં ટેક્નોલૉજી ઇન્વેસ્ટર્સ મારફતે 67,194.175 કરોડ રૂપિયાનું રોકાણ મળ્યું છે.

આ રોકાણથી જિયો પ્લૅટફૉર્મની ઇક્વિટીનું મૂલ્ય 4.91 લાખ કરોડ રૂપિયા અને ઍન્ટર્પ્રાઇઝનું મૂલ્ય 5.16 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે.

આ પહેલા 22 એપ્રિલે સોશિયલ મીડિયા સાઇટ ફેસબુકે રિલાયન્સ જિયોમાં 43,574 કરોડ રૂપિયાનું રાકણ કર્યું હતું. ત્યાર બાદ દુનિયામાં સૌથી મોટી ટેક્નોલૉજી કંપની સિલવર લેકે પણ જિયોમાં 5,665.75 કરોડ રોકાણ કર્યું. એ પછી વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સે 11,367 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું.

પીટીઆઈ મુજબ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણીએ કહ્યું કે હું દાયકાઓથી જનરલ ઍટલાંટિકને જાણું છે અને ભારતમાં વિકાસની સંભાવનાઓ પર તેમના ભરોસાને હું વખાણું છે.

તાલિબાનને અફઘાનિસ્તાનમાં માન્યતા આપવા સામે ભારતને ચેતવણી

અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ઘની અને તેમના પ્રતિસ્પર્ધી અબ્દુલ્લા અબ્દુલ્લાએ સત્તામાં ભાગીદારી અંગે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે ત્યારે ભારતને તાલિબાનને માન્યતા આપવા સામે ચેતવણીનો સૂર ઉઠ્યો છે.

ધ હિંદુના એક અહેવાલ મુજબ તાલિબાન સાથેની વાતચીન અંગે ભારતના રાષ્ટ્ર સુરક્ષા સલાહકાર બોર્ડના સભ્ય અને અફઘાનિસ્તાનમાં ભારતના ભૂતપૂર્વ રાજદૂત અમર સિન્હાએ ભારતે તાલિબાનને માન્યતા આપવાને મુદ્દે ચેતવણી આપી છે.

તાલિબાન સાથેની વાતચીન અંગે ભારતના રાષ્ટ્ર સુરક્ષા સલાહકાર બોર્ડના સભ્ય અને અફઘાનિસ્તાનમાં ભારતના ભૂતપૂર્વ રાજદૂત અમર સિન્હાએ સાથે વાત કરતા કહ્યું કે "તાલિબાન એક વિધ્વંસકારી શક્તિ છે. જો તે અફઘાનિસ્તાનની આંતરિક વાતચીતમાં સામેલ થશે તો તે એક રાજકીય શક્તિ બનશે. જો એવું નહીં થાય તો તાલિબાન દોહામાંથી નિર્વાસિત સરકાર ચલાવતા હોવાનો પણ દેખાડો કરી શકે છે પરંતુ અફઘાનિસ્તાનના લોકો સામે તેને આવું કરવાની તક નહીં મળે. ભારતે પોતાના પાડોશમાં આવી શક્તિને માન્યતા આપવાની શું જરૂર છે."

તેમનું કહેવું છે કે અફઘાનિસ્તાનમાં હિંસા વધી રહી છે છતાં અમેરિકા તાલિબાન સાથે સમજૂતી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

તેમણે કહ્યું કે ભારતે ત્યાર સુધી તાલિબાન સાથે વાતચીત ન કરવી જોઈએ જ્યાં સુધી તે અફઘાનિસ્તાનની આંતરિક વાતચીતમાં સામેલ નથી થતું.

2018માં રશિયામાં તાલિબાનને સામેલ કરતી વાતચીતમાં ભારતના હાજર રહેવા અંગેના પ્રશ્ન પર તેમણે કહ્યું કે "રશિયાએ અફઘાનિસ્તાનની આંતરિક વાતચીતનું આયોજન કર્યું હતું અને તેમાં આ ક્ષેત્રના દેશોને આમંત્રિત કર્યા હતા. તાબિલાનના પ્રતિનિધિઓ તેમાં સામેલ હતા. અમે અનાધિકારિક રીતે ત્યાં હાજર હતા. તાલિબાન સાથે વાતચીત કરતી વખતે આપણા લક્ષ્ય સ્પષ્ટ હોવા જોઈએ. તાલિબાનને માન્યતા જોઈએ છે. પરંતુ ભારતે પોતાની ઇચ્છાઓ પણ સ્પષ્ટ કરવી જોઈએ."

ઉલ્લેખનીય છે કે શાંતિમંત્રણાઓ અફઘાનિસ્તાનમાં મહિનાઓથી ચાલી રહેલી રાજકીય અસ્થિરતાનો અંત આવ્યો છે.

અશરફ ઘની અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ રહેશે પરંતુ હવે મંત્રીમંડળમાં તેમના અને અબ્દુલ્લા અબ્દુલ્લાના મંત્રીઓની સંખ્યા એક સરખી હશે.

જો તાલિબાન સાથે શાંતિ વાર્તા થશે તો તેનું નેતૃત્વ ડૉ અબ્દુલ્લા કરશે.

ગત વર્ષે અફઘાનિસ્તાનમાં રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને વિવાદ થયો હતો ત્યાર બાદ રાજકીય સંકટની પરિસ્થિતિ ઊભી થઈ હતી.

ભારત સહિત 62 દેશોએ કોરોના વાઇરસના સ્રોતની તપાસની માગ

ભારત સહિત 62 દેશોએ કોરોના વાઇરસનો સ્રોત શોધવા અંગે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનમાં એક પ્રસ્તાવ મૂક્યો છે.

અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ આ દેશોએ કોરોના વાઇરસ કયા પશુમાંથી મનુષ્યમાં આવ્યો તેની તપાસ માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનમાં એક પ્રસ્તાવ મૂક્યો છે અને કોવિડ-19 મહામારી સામે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રતિભાવની નિષ્પક્ષ, સ્વતંત્ર અને વિસ્તારપૂર્વક મૂલ્યાંકન કરવાની પણ માગ કરી છે.

અમેરિકા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની અને ચીનની ટીકા કરે છે પંરતુ તે હજી આ દેશોમાં સામેલ નથી.

35 દેશો અને યુરોપિયન યુનિયનના 27 સભ્ય દેશોના આ પ્રસ્તાવ પર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનમાં સોમવારે ચર્ચા થશે.

આ માગ સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદના પાંચ સ્થાયી સભ્ય દેશો, યુકે, રશિયા અને ફ્રાન્સની સાથે ઑસ્ટ્રેલિયા, જાપાન, ન્યૂઝીલૅન્ડ, દક્ષિણ આફ્રિકા, તુર્કી અને અન્ય દેશોએ કરી છે.

ભારતના પાડોશી દેશો પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકા અને અફઘાનિસ્તાને આ પ્રસ્તાવ પર હસ્તાક્ષર નથી કર્યા. સાર્ક દેશોમાંથી માત્ર બાંગ્લાદેશ અને ભૂતાન જ એવા દેશ છે જેમણે આ પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા છે.

કચ્છમાં ક્વોરન્ટીન સેન્ટરમાં ભોજન માટે રોજના 300 રૂપિયા ચૂકવવા આદેશ

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ મુજબ અન્ય રાજ્યોમાંથી ગુજરાતના કચ્છ આવી રહેલા લોકોને સાત દિવસ માટે ક્વોરૅન્ટીન સેન્ટરમાં રાખવામાં આવે છે.

આ દરમિયાન તેમને પોતાના ભોજન માટે દરરોજના 300 રૂપિયા આપવાનો આદેશ આપવામાં આવ્યો છે.

તામિલનાડુથી પાછા આવેલા 20 જેટલા લોકોને શનિવારે પરવાનગી હોવા છતાં સૂરજબારી ચેકપોસ્ટ પર રોકવામાં આવ્યા. ભોજન વગર તેમને કલાકો સુધી હાઈવે પર રાહ જોવી પડી.

આ પહેલા કચ્છ આવી રહેલા લોકોને હોમ ક્વોરૅન્ટીનમાં રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા પરંતુ હવે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

હવે બહારથી આવેલા લોકોને પહેલા સાત દિવસ સુધી સરકારી ક્વોરૅન્ટીનમાં અને પછી સાત દિવસ હોમ ક્વોરૅન્ટીનમાં રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

અન્ય રાજ્યમાંથી આવેલા લોકોનું કહેવું છે કે તેઓ મુશ્કેલીથી કચ્છ પાછા આવી શક્યા છે પરંતુ હવે તેમની પાસે દરરોજના 300 રૂપિયા માગવામાં આવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે તેમને હોમ ક્વોરૅન્ટીનમાં રહેવા દેવામાં આવે જેથી તેઓ પૈસા ભરવાની મુશ્કેલીમાંથી બચી શકે.

કચ્છના કલેક્ટરનું કહેવું છે કે શ્રમિક ટ્રેનો મારફતે આવી રહેલા મજૂરોને જ મફત સેવા આપવામાં આવે છે બાકીના લોકોને જો હોટલમાં રહેવું હોય તો પોતાનો ખર્ચ ઉપાડવો પડશે.

કોરોનાને પગલે મનરેગાના બજેટમાં 65 ટકાનો વધારો

આત્મનિર્ભર ભારત પૅકેજના પાંચમા ભાગની જાહેરાત કરતા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે મનરેગા સ્કીમના બજેટમાં 65 ટકાનો ધરખમ વધારો કરવામાં આવ્યો છે.

નિર્મલા સીતારમણે દેશમાં રોજગાર વધારવા માટે અતિરિક્ત 40 હજાર કરોડ રૂપિયા ફાળવવાની જાહેરાત કરી હતી.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ આ પગલું, લૉકડાઉનને લીધે પોતાના ગામ પાછા જઈ રહેલા પ્રવાસી મજૂરોને કારણે ગ્રામ્ય વિસ્તારમાં કામની માગ વધવા તરફ ઇશારો કરે છે. અખબાર લખે છે કે તેમના પાછા શહેર આવવાની શક્યતા ઓછી છે.

એ સિવાય રાજ્યોને જીએસડીપીના પાંચ ટકા જેટલું ધિરાણ લેવાની પરવાનગી આપવામાં આવી છે. આ પહેલા રાજ્યો તેમના ગ્રૉસ સ્ટેટ ડૉમેસ્ટિક પ્રૉડક્ટના ત્રણ ટકા જ ધિરાણ લઈ શકતા હતા.

2020-2021ના બજેટ અનુમાનમાં સરકારે મનરેગા સ્કીમ માટે ફાળવણની ઘટાડીને 61,500 કરોડ હજાર રૂપિયા કરી હતી, આ પહેલા મનરેગા માટે સરકારે 2019-20ના વર્ષમાં 71,002 કરોડ રૂપિયા ફાળવ્યા હતા.

2006માં 200 જિલ્લાઓથી શરૂ થયેલી આ યોજના હેઠળ 2019-20માં કામની માગમાં નવ વર્ષનો રૅકર્ડ વધારો જોવા મળ્યો હતો, આ વર્ષમાં 5.47 કરોડ પરિવારોએ આ યોજના હેઠળ કામ મેળવ્યું હતું.

આ પહેલા 2010-11 પછી 5.5 કરોડ પરિવારોએ મનરેગા હેઠળ કામ મેળવ્યું હતું. ત્યારે 2018-19માં 5.27 કરોડ પરિવારોએ મનરેગાનો લાભ લીધો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો