કોરોના લૉકડાઉન 4.0 દરમિયાન કેટલા પડકારો વધશે?

    • લેેખક, તારેન્દ્ર કિશોર
    • પદ, બીબીસી સંવાદદાતા

18 મે, સોમવારથી ભારતમાં લૉકડાઉનનો ચોથો તબક્કો શરૂ થયો છે. ત્રીજા તબક્કા વખતે ઘણી છૂટછાટ આપવામાં આવી હતી અને તેને બરકરાર રાખવામાં આવી છે.

શરાબની દુકાનોને પણ ખોલવાની મંજૂરી અપાઈ હતી. તેની પાછળ એક કારણ રાજ્ય સરકારોની મહેસૂલમાં થઈ રહેલો ઘટાડો પણ હતો.

ત્રીજા તબક્કાના લૉકડાઉનમાં ઘણા પ્રતિબંધો હઠયા ત્યારે સવાલ એ ઊભો થયો હતો કે શું ચોથા તબક્કાના લૉકડાઉનની જરૂર પડશે ખરી. જોકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 20 લાખ કરોડ આર્થિક પૅકેજની જાહેરાત કરી ત્યારે ચોથું લૉકડાઉન આવશે તેનો અણસાર આપી દીધો હતો.

તેમણે ત્યારે જ કહ્યું હતું કે લૉકડાઉન-4ના રૂપરંગ નવા નિયમો સાથે હશે.

કસોટીનો 'કાળ'

બીજા લૉકડાઉન વખતે જ ઉદ્યોગ જગત તરફથી જીવન સાથે જીવનનિર્વાહની પણ ચિંતા કરવી પડશે તેમ કહેવાયું હતું.

સરકાર માટે ખરી કસોટી પ્રતિબંધો હઠાવી દેવામાં આવે તે પછી શરૂ થવાની છે. શરાબની દુકાનો ખોલવામાં આવી ત્યારે જે પ્રકારની ભીડ જોવા મળી હતી ત્યારે ખ્યાલ આવ્યો હતો કે પૂરતી તૈયાર વિના નિર્ણય લેવામાં આવે ત્યારે શું થઈ શકે.

સરકારે લૉકડાઉન વખતે જે તૈયારીઓ કરી લેવી જોઈએ તે કરી નથી.

લૉકડાઉનના બે હેતુ

આર્થિક બાબતો પર લખતા પત્રકાર પૂજા મહેરા કહે છે, "દુનિયાભરમાં લૉકડાઉન પાછળ બે ઉદ્દેશો હતા. પ્રથમ ઉદ્દેશ લૉકડાઉન ખોલવાનો સમય આવે ત્યાં સુધીમાં આરોગ્ય સુવિધાઓમાં વધારી કરી દેવો."

"બાદમાં પણ ચેપ વધવાનો છે ત્યારે અચાનક વધી જતાં કેસોને કેવી રીતે સંભાળવામાં આવે તેની વ્યવસ્થા કરી લેવાની હોય. તેથી લૉકડાઉનના સમયનો ઉપયોગ આ તૈયારીઓમાં કરવાનો હતો તે ભારતમાં થયું નથી."

"બીજો ઉદ્દેશ એ હોય કે આગળ આવનારી આર્થિક મંદીનો સામનો કેવી રીતે કરવો. આ બંને બાબતોમાં ભારતે બીજા દેશોની જેમ તૈયારીઓ કરી નથી."

મહામારી અને બેકારી

જવહારલાલ નહેરુ યુનિવર્સિટીના સેન્ટર ફૉર ઇકૉનૉમિક સ્ટડીઝ ઍન્ડ પ્લાનિંગના પ્રોફેસર પ્રવીણ ઝા પણ તેમની સાથે સહમત થાય છે.

ઝા કહે છે, "ભારતમાં આરોગ્ય સુવિધાઓ પ્રથમથી જ ખરાબ સ્થિતિમાં હતી. એ વાત પણ સાચી કે રાતોરાત તેમાં સુધારો થઈ શકે નહીં. પરંતુ 50 દિવસથી વધુ ચાલેલા લૉકડાઉન દરમિયાન જે પ્રકારની તૈયારીઓ કરવી જોઈએ તે થઈ નહીં."

"લઘુતમ પાયાની સુવિધાઓ ઊભી કરી દેવાની હતી, પણ તે થયું નહીં. એટલે લાચારી જેવી સ્થિતિ છે. એ જ રીતે આર્થિક સ્થિતિ પણ મહામારી જેવી બની ગઈ છે."

ઝા ઉમેરે છે, "આર્થિક સ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ છે. સી.એમ.આઈ.ઈ. (સેન્ટર ફૉર મૉનિટરિંગ ઇન્ડિયન ઇકૉનૉમી)નો અહેવાલ કહે છે કે માર્ચ સુધીમાં બેરોજગારીનો દર વધીને 23 ટકા થઈ ગયો હતો. એપ્રિલ સુધીમાં તે 27 ટકા પર પહોંચી ગયો."

"આ સિવાય 'આજીવિકા' અને અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન જેવી બીજી સંસ્થાઓની વાત માનીએ તો શહેરોમાં બેરોજગારીનો દર 80 ટકાથી વધી ગયો છે. એટલે કે રોજગારી ગાયબ જ છે. ગ્રામીણ વિસ્તારોમાં પણ 60થી 70 ટકા રોજગારી ઓછી થઈ છે."

લૉકડાઉન-4 પછી સરકાર સામે પડકારો વધવાના છે. આ વિશે પૂજા મહેરા કહે છે, "લૉકડાઉનમાં ઘણા દિવસો આપણે ગુમાવી દીધા છે. આ સમયગાળામાં ઘણું બધું થઈ શકે તેમ હતું, પણ તે થયું નથી.

સાર્વજનિક પરિવહનનો પ્રશ્ન

પૂજા મહેરા કહે છે, "બસો અને ટ્રેનો શરૂ થાય તે પછી ઝોનનો કોઈ મતલબ નથી રહેવાનો. લોકો એક ઝોનમાંથી બીજા ઝોનમાં જવાના."

"ટ્રેનો શરૂ થઈ છે તેમાં પ્રવાસી કામદારો ગામડે પહોંચી રહ્યા છે. ત્યાં ચેપ ફેલાશે તો કાબૂમાં કરવો મુશ્કેલ બનશે. ગ્રામીણ ભારતમાં આપણી પાસે પૂરતી આરોગ્ય સુવિધાઓ નથી."

દિલ્હી સરકારે કેન્દ્રને સૂચન કરેલું કે જાહેર પરિવહન શરૂ કરવું જોઈએ. સિટી બસો અને દિલ્હી મેટ્રો ચલાવવાની પણ ભલામણ કરી. જોકે, હાલ તેનો સ્વીકાર નથી થયો.

સમગ્ર દિલ્હીને રેડ ઝોનમાં ના રાખવા કહ્યું છે. કેન્દ્ર સરકારે નિયમોને આધીન ઝોન મુજબનું વર્ગીકરણ કરવાની સત્તા રાજ્ય સરકારને આપી છે.

2018-19ના આર્થિક સર્વે અનુસાર દિલ્હી મેટ્રોમાં રોજના સરેરાશ 25 લાખ લોકો પ્રવાસ કરે છે.

નાણા પ્રધાન નિર્મલા સીતારમણે 'એક દેશ, એક રૅશન કાર્ડ' યોજનાની જાહેરાત કરતાં કહ્યું હતું કે પ્રવાસી કામદારોને દેશના કોઈ પણ ભાગમાંથી રૅશન મળશે. આગામી ત્રણ મહિનામાં ઑગસ્ટ 2020 સુધીમાં તેનો અમલ 23 રાજ્યો અને 67 કરોડ લાભાર્થીઓ સુધી પહોંચશે.

પૂજા મહેરા આ વિશે કહે છે કે સસ્તા અનાજની દુકાનેથી અપાતા અનાજ માટે સરકારે વધારે સાવધ રહેવું પડશે. તે દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી શકે છે.

લૉકડાઉન સતત લંબાતા ગયા તેથી પ્રવાસી કામદારો ગામડે જઈ રહ્યા છે. લૉકડાઉન-4 પણ આવશે તેમ ધારીને વધુ મજૂરો વતનમાં જવા માટે ફરીથી રસ્તા પર ચાલતા થયા હતા.

ઉપેક્ષાથી ત્રસ્ત શ્રમિક

આ વિશે અર્થશાસ્ત્રી પ્રવીણ ઝા કહે છે કે પ્રવાસી કામદારોનો આ એક પ્રકારનો વિરોધ છે. તેઓ કંઈ રાજી થઈને ગામડે નથી જઈ રહ્યા, પરંતુ સરકારે તેમના પર ધ્યાન જ ના આપ્યું તેથી તેઓ પોતાના રસ્તે નીકળી પડ્યા છે.

તેમના જણાવ્યા અનુસાર વતન જવા ચાલતા નીકળી પડેલા લોકોમાંથી 400થી વધુના ભૂખમરાથી મોત થયા છે. વહિવટી તૈયારીઓ અંગે તેઓ કહે છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે આ બાબતમાં સંકલન નહોતું.

ઝા કહે છે, "કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે વાતચીતનો અભાવ રહ્યો. મોડે મોડે થોડી વાતચીત શરૂ થઈ. તમે જુઓ કે સંકલનનો કેટલો અભાવ છે કે રોજેરોજ કેન્દ્રના અને રાજ્યોના કેસના આંકડા પણ જુદાજુદા હોય છે."

તેઓ કહે છે કે વહીવટી નબળાઈ સાથે આ મક્કમ ઇચ્છાશક્તિનો અભાવ પણ દેખાડે છે.

આવી સ્થિતિ વચ્ચે લૉકડાઉન-4ની જાહેરાત થઈ છે, ત્યારે પડકારો પણ વધ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો