USCIRF : અમેરિકન સંસ્થાએ કહ્યું ભારતમાં વધી રહ્યું છે લઘુમતીઓનું ઉત્પીડન, ભારતે રિપોર્ટ ફગાવ્યો - Top News

અમેરિકાની સરકારની સંસ્થા યુએસ કમિશન ઑન ઇન્ટરનૅશનલ રિલિજિયસ ફ્રીડમે ભારત સહિત 14 દેશોને એ સૂચિમાં મૂકવાની ભલામણ કરી હતી જ્યાં લઘુમતી સમુદાય પર અત્યાચાર વધ્યા છે. ભારતે એ અહેવાલને ફગાવી દીધો છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયા પ્રમાણે ભારતનાં વિદેશ મંત્રાલયે યુએસસીઆઈઆરએફના આ વાર્ષિક રિપોર્ટને વખોડી કાઢ્યો હતો.

આ વાર્ષિક રિપોર્ટમાં ભારતમાં મુસ્લિમો વિરુદ્ધ હિંસા અને ત્રાસ વધવા બદલ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

ભારતનાં વિદેશ મંત્રાલયે કહ્યું છે કે અમેરિકાની આ સંસ્થા દ્વારા ભારતનું ખોટું ચિત્રણ નવા સ્તરે પહોંચી ગયું છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું હતું, ભારત સામે કરવામાં આવેલ ટિપ્પણી ભેદભાવપૂર્ણ અને વિવાદ સર્જનારી છે. આ સિવાય સંસ્થાના બે ડાયરેક્ટરો પણ આ બાબતે ભિન્ન મત ધરાવે છે.

''ભારતે નિગેટિવ ગ્રોથ માટે તૈયાર રહેવું જોઈએ''

ભારતના ભૂતપૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે ઇન્ડિયન એક્સપ્રેસને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે ભારતે નિગેટિવ વિકાસ દર માટે તૈયાર રહેવું જોઈએ અને (આર્થિક) પ્રલય જેવી પરિસ્થિતિને જોતાં વધારાના 10 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવા માટે તૈયારી રાખવી જોઈએ.

તેમણે કહ્યું કે, મુશ્કેલીના સમય માટે બચત કરતા હોઈએ છે અને જ્યારે કપરા દિવસો આવે છે ત્યારે આપણે તે બચતને ખર્ચ કરીએ છીએ. આ કપરો સમય નથી, આ પ્રલય છે જેમ આપણે હિંદુ માન્યતાઓમાં કહીએ છીએ. આર્થિક દૃષ્ટિએ પ્રલય છે. માત્ર કપરા સમય માટે બચાવવાની વાત ન વિચારવી જોઈએ પરંતુ જ્યારે આવો સમય આવે ત્યારે તે ખર્ચ કરવા માટે તૈયાર રહેવું જોઈએ.

તેમણે કહ્યું કે, ભારત પહેલાથી આર્થિક રીતે નબળી પરિસ્થિતિનો સામનો કરી રહ્યું હતું. ત્યારે વિકસિત દેશો કરતા કોવિડ-19 મહામારી સામે કોઈ વિશેષ પગલાં નથી લેવાયા તેવામાં ભારતનો વિકાસ દર 1.9 જેટલો રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું એ વિચિત્ર છે.

તેમનું માનવું છે કે આઈએમએફે જેવી રીતે અન્ય દેશો માટે વિકાસ દરનું અનુમાન લગાવ્યું છે તે સ્તરે ભારતનું પણ આકલન કરવું જોઈએ.

નીરવ મોદી, મેહુલ ચોકસી અને વિજય માલ્યા સહિત 50 કંપનીઓના હજારો કરોડ માફ

હીરા કારોબારી નીરવ મોદી, મેહુલ ચોકસી અને વિજય માલ્યાની કંપનીઓ સહિત બૅન્કો પાસેથી લીધેલું કરજ ન ચૂકવનારી 50 જેટલી કંપનીઓનું 30 સપ્ટેમ્બર 2019 સુધીનું બાકી 68,607 કરોડ રૂપિયાનું કરજ માંડી વાળ્યું છે.

ધ ઇકૉનોમિક ટાઇમ્સ પ્રમાણે ભારતીય રિઝર્વ બૅન્કે માહિતીના અધિકાર હેઠળ પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં આ માહિતી આપી હતી.

આરટીઆઈ કાર્યકર્તા સાકેત ગોખલેએ 50 મુખ્ય ડિફૉલ્ટરો વિશે માહિતી માગી હતી જેમાં પૂછવામાં આવ્યું હતું કે, 16 ફેબ્રુઆરી સુધી તેમને આપવામાં આવેલા ઋણની પરિસ્થિતિ શું છે.

કૉંગ્રેસનો દાવો છે કે સરકારે 2014થી 2019 વચ્ચે 6.66 લાખ કરોડ રૂપિયાનું કરજ માંડી વાળ્યું છે.

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, તેમણે સંસદમાં દેશના 50 ટૉપ ડિફૉલ્ટર્સની યાદી માગી હતી પરંતુ નાણા મંત્રીએ તેનો જવાબ આપ્યો ન હતો.

રાહુલ ગાંધીએ લખ્યું કે નીરવ મોદી, મેહુલ ચોકસી અને વિજય માલ્યા સિવાય ભાજપના કેટલાક મિત્રો જે બૅન્ક ફ્રૉડમાં સંડોવાયેલા છે તેમના નામ સામેલ છે એટલે સંસદમાં માહિતી આપવામાં નહોતી આવી.

કૉંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ આ લિસ્ટ જાહેર કરી અને કહ્યું કે હવે આરટીઆઈમાં આ જવાબ સામે આવ્યો છે તો વડા પ્રધાન જવાબ આપે કે આ લોકોની લોન કેમ માફ કરવામાં આવી હતી.

નવગુજરાત સમય પ્રમાણે આ લિસ્ટમાં રોટોમૅક કંપનીનું નામ પણ સામેલ છે અને ગુજરાતની અનેક કંપનીઓનો પણ આમાં સમાવેશ થાય છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો