You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ : શું માત્ર તબલીગી સમાજમાં જ અંધશ્રદ્ધા પ્રવર્તી રહી છે?
- લેેખક, ફૈસલ મોહમ્મદ અલી
- પદ, બીબીસી સંવાદદાતા, દિલ્હી
તબલીગી જમાતની ઘટનાનો હાહાકાર ચાલુ જ છે ત્યાં ઉત્તર પ્રદેશના કન્નોજમાં જુમાની નમાજ સાથે મળીને પઢવાની જીદ પકડીને બેઠેલા કેટલાક મુસલમાનો અને પોલીસ વચ્ચે ઝપાઝપીના સમાચાર આવ્યા છે.
દિલ્હી નજીકના નોઇડામાં સામૂહિક નમાજ પઢવા અગાસી પર એકઠા થયેલા લોકોને પોલીસે હટાવ્યા હતા અને એ કાર્યક્રમના આયોજક સામે ગુનો નોંધ્યો હતો.
દેશમાં 21 દિવસનો લૉકડાઉન ચાલુ છે, ત્યારે અમૃતસરનું સુવર્ણ મંદિર તથા બીજાં ગુરુદ્વારા શ્રદ્ધાળુઓ માટે ખુલ્લાં છે. પંજાબમાં જનતા કર્ફ્યુના પછીના એટલે કે 23 માર્ચથી જ કર્ફ્યુનો અમલ ચાલુ છે.
શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધન કમિટી(એસજીપીસી)ના વરિષ્ઠ ઉપાધ્યક્ષ રાજિન્દર સિંહ મેહતાએ બીબીસીને જણાવ્યું હતું કે સુવર્ણ મંદિરમાં "મર્યાદા ક્યારેય બંધ થઈ નથી અને થશે પણ નહીં."
એસ.જી.પી.સી. સુવર્ણ મંદિર સહિતનાં શીખ ધાર્મિક સ્થળોની સારસંભાળનું કામ કરતી સર્વોચ્ચ સંસ્થા છે. એસ.જી.પી.સી. પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને ચંડીગઢનાં 90 મોટા ગુરુદ્વારાની સારસંભાળ માટે સીધી જવાબદાર છે.
તાક પર તબલીગ
જોકે, ભારતીય મીડિયાના એક મોટા હિસ્સાનું ફોકસ, જમાતની મીટિંગ દરમિયાન આપવામાં આવેલું 'અલ્લાહના સંતાનો પર વાઇરસનો ખતરો હોતો નથી' એવા નિવેદન પર છે.
લૉકડાઉનના બરાબર એક દિવસ પહેલાં ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે અયોધ્યામાં ભગવાન રામની પ્રતિમાને અસ્થાયી મંદિરમાંથી હટાવીને નવી જગ્યાએ સ્થાપિત કરવાના રામ જન્મભૂમિ ટ્રસ્ટના કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 24 માર્ચની સાંજે સમગ્ર દેશમાં 21 દિવસના એટલે કે 14 એપ્રીલ સુધી સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
22 માર્ચે દેશભરમાં એક દિવસના જનતા કર્ફ્યુનો અમલ થઈ ચૂક્યો હતો.
રામ જન્મભૂમિ ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયના જણાવ્યા અનુસાર, કાર્યક્રમ પહેલેથી જ નક્કી હતો.
આવી જ દલીલ તબલીગી જમાતના દિલ્હી મુખ્યાલયમાં માર્ચના બીજા સપ્તાહમાં યોજાયેલા કાર્યક્રમ સંબંધે પણ કરવામાં આવી રહી છે.
ચંપત રાય રાષ્ટ્રીય સ્વયંસેવક સંધ(આરએસએસ)ની સંસ્થા વિશ્વ હિન્દુ પરિષદના ઉપાધ્યક્ષ છે અને પરિષદે તબલીગી જમાત પર પ્રતિબંધ લાદવાની માગણી કરી છે.
ધાર્મિક સમૂહો સામે સવાલ
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી? જાણવા માટે અહીં ક્લિક કરો
- ગુજરાત કોરોના સામે લડવા માટે કેટલું તૈયાર છે?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે અહીં ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે અહીં ક્લિક કરો
- 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં? જાણવા માટે અહીં ક્લિક કરો
ભારતીય બંધારણના જાણકાર ફૈઝાન મુસ્તફા માને છે કે ધર્મ અને આંધળા વિશ્વાસ વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે. તેઓ કહે છે:
"ધર્મ અને વિજ્ઞાન, ધર્મ અને તાર્કિકતા વચ્ચે એક પ્રકારનો ઝઘડો હંમેશા ચાલતો રહ્યો છે."
અજબ યોગાનુયોગ છે કે જે વાઇરસનો ચેપ માણસને લાગવાનું મૂળ કૉમ્યુનિસ્ટ ચીનમાં હોવાનું માનવામાં આવે છે એ જ ઘાતક કોરોના વાઇરસનો 'સૌથી મોટો વાહક' એક ધાર્મિક સમૂહને ગણવામાં આવી રહ્યો છે.
દક્ષિણ કોરિયામાં આ વાઇરસના ફેલાવા માટે ખ્રિસ્તી સમુદાયના શિયોજી ચર્ચ તરફ આંગળી ચિંધવામાં આવી, એટલે ચર્ચના વડાએ માફી માગી લીધી હતી.
ફેબ્રુઆરીના અંતમાં રાજધાની કુઆલાલમ્પુર નજીક યોજાયેલા મુસ્લિમ સમૂહના એક કાર્યક્રમને મલેશિયામાં કોરોના કેસોમાં વધારા સાથે જોડવામાં આવી રહ્યો છે.
બીજી તરફ બ્રિટનના હિન્દુ ધાર્મિક સંગઠન ઈસ્કોને સ્વીકાર્યું હતું કે ધાર્મિક કાર્યક્રમોમાં સામેલ થયા બાદ કમસેકમ 21 શ્રદ્ધાળુઓને ચેપ લાગ્યો હતો.
ખ્રિસ્તી સંગઠન અખિલ ભારતીય કૅથલિક યુનિયનના ભૂતપૂર્વ અધ્યક્ષ જોન દયાલ કહે છે:
"દરેક ધર્મમાં તાર્કિક વિચારો ધરાવતા લોકોથી માંડીને રૂઢિચુસ્ત વિચારો ધરાવતા એમ દરેક પ્રકારના લોકો હોય છે. ધર્મના મૂળમાંની તમારી શ્રદ્ધા રૂઢિવાદના અંતિમ પર પહોંચી જવાય એટલી ન હોવી જોઈએ."
કોરોના વાઇરસનો પ્રસાર દેશના જે રાજ્યમાં સૌથી વધારે જોવા મળ્યો છે એ કેરળના ચાલાકુડી ચર્ચમાં 22 માર્ચે યોજાયેલા ધાર્મિક કાર્યક્રમ માટે પાદરીની ધરપકડ કરવામાં આવી હતી.
તેમની સાથે પોલીસે 50 શ્રદ્ધાળુઓ સામે કેસ પણ નોંધ્યો હતો.
સોશિયલ મીડિયા પર અફવાનો દૌર
એ સમયે કેરળમાં સંક્રમિત કેસોની સંખ્યા 55 હતી, જ્યારે 50,000 લોકો પર નજર રાખવામાં આવતી હતી. ધાર્મિક કાર્યક્રમો, સ્પૉર્ટ્સ ટુર્નામેન્ટ અને બીજા પ્રકારના સામૂહિક કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.
જોન દયાલ કહે છે, કેરળના હોય કે ઓડિશાના કે પછી કર્ણાટકના. જે ખ્રિસ્તીઓ એવું વિચારતા હોય કે એક ઇમારતમાં એકઠા થઈને તેઓ ભગવાનનું સન્માન કરી રહ્યા છે તો ધાર્મિક ગ્રંથો વિશેની તેમની સમજ બહુ મર્યાદિત છે.
ફૈઝાન મુસ્તફાના જણાવ્યા અનુસાર, નિઝામુદ્દીનના તબલીગી મરકઝ(વડામથક)માં જે થયું 'એ કોઈ કાવતરું નહીં, પણ રૂઢિચુસ્ત વિચારધારાનું પરિણામ હતું.'
જોકે, ફૈઝાન એમ પણ કહે છે કે સંક્રમણનું જોખમ તોળાઈ રહ્યું હોય, ત્યારે મોટું ધાર્મિક આયોજન કરવાની જવાબદારીમાંથી જમાતના પ્રમુખ મૌલાના સાદ કંધાલવીને નિર્દોષ ઠરાવી શકાય નહીં.
દિલ્હી પોલીસે મૌલાના સાદ કંધાલવી અને છ અન્ય લોકો સામે સંક્રમણ કાયદા અને ભારતીય દંડ સંહિતાની અનેક કલમો હેઠળ કેસ નોંધ્યો છે.
તાળી અને થાળી
આઈ.આઈ.ટી. મુંબઈના ભૂતપૂર્વ પ્રોફેસર રામ પુનયાની માને છે કે રોગચાળા દરમિયાન ધાર્મિક માન્યતાઓને પ્રોત્સાહન આપવાના પ્રયાસ - ખાસ કરીને તે સત્તાધારી પક્ષ કે તેની સાથે જોડાયેલા લોકો દ્વારા કરવામાં આવતા હોય તો તે કોરોના વિરુદ્ધના ભારતના તથા વિશ્વના યુદ્ધમાં મુશ્કેલી વધારશે.
સ્વાસ્થ્ય કર્મચારીઓ, પોલીસ અને રોગચાળા દરમિયાન ફરજ બજાવતા બીજા લોકો પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતા કર્ફ્યુ વખતે લોકોને તાળી, થાળી કે વાસણ વગાડવા જણાવ્યું હતું.
ત્યારે ભારતીય જનતા પાર્ટી(બીજેપી)નાં નેતા શાઈના એનસી એવી ટ્વીટ કરી હતી કે 'પુરાણોમાં જણાવ્યા અનુસાર, ઘંટડી અને શંખના અવાજથી બૅક્ટેરિયા, વાઇરસ વગેરે મરી જાય છે.'
એ ટ્વીટની ઝાટકણી કાઢવામાં આવી ત્યારે શાઈના એનસીએ તેને ડિલિટ કરી નાખી હતી, પણ એ પ્રકારની વાતો સોશિયલ મીડિયા તથા વૉટ્સઍપ પર ફરતી રહી હતી.
ગોબર અને ગૌમૂત્ર
અખિલ ભારતીય હિન્દુ મહાસભાના અધ્યક્ષ સ્વામી ચક્રપાણી મહારાજે કોરોના સામે લડવા માટે આપેલી ગૌમૂત્ર પાર્ટી અને ગાયના છાણ વડે કોરોના વાઇરસના ઇલાજની વાત કહેનારાં આસામ બીજેપીનાં વિધાનસભ્ય સુમન હરિપ્રિયાનો ઉલ્લેખ પણ પુનયાનીના 'કોરોના સામે જંગઃ અંધવિશ્વાસને કોઈ સ્થાન નથી' શિર્ષક ધરાવતા લેખમાં છે.
કોલકાતામાં એક વ્યક્તિ ગૌમૂત્ર પીધા બાદ બીમાર પડી, ત્યારે પોલીસે નારાયણ ચેટર્જી નામના બીજેપીના એક કાર્યકરની ધરપકડ કરી હતી.
જોકે, બીજેપીના નેતા અને હિન્દુ ધર્મગુરુ રામવિલાસ વેદાંતી કહે છે કે લોકો બીમાર પડે છે, કારણ કે તેમણે તે ગૌમૂત્ર અને છાણનું સેવન કર્યું હતું એ શુદ્ધ ભારતીય નસલની ગાયના ન હતા.
આયાતની ઓડિયો
એ બધાની વચ્ચે મુસ્લિમ સમૂહોના પર્સનલ વૉટ્સઍપ ગ્રૂપ્સ પર એવી કથિત આયાતોના ઓડિયોઝ સર્ક્યુલેટ થતા રહ્યા હતા, જેને સાંભળવાથી વાઇરસનો હુમલો ટળી જવાનો દાવો કરવામાં આવતો હતો.
અમેરિકાની રાઈસ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રના પ્રોફેસર ક્રેગ કોનસિડિને અંગ્રેજી સામયિક 'ન્યૂઝવિક'માં લખ્યું હતું કે માત્ર પ્રાર્થના વડ કોરોના જેવા રોગચાળાને રોકી શકાય?
એ લેખમાં રોગચાળા વિશે ઇસ્લામના આખરી પયગંબર મોહમ્મદના મંતવ્યનો પણ ઉલ્લેખ છે.
ચિત્રકૂટની તુલસી પીઠના જગતગુરુ રામભદ્રાચાર્યના જણાવ્યા અનુસાર, ભાગવતગીતાના બીજા તથા છઠ્ઠા અધ્યાયના 22મા શ્લોકમાં રોગચાળા જેવી આફતો તથા તેનો સામનો કરવાની રીતોનો ઉલ્લેખ છે.
બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના આચાર્યની પદવી હાંસલ કરી ચૂકેલા ભોપાલસ્થિત એન. ડી. શર્મા પણ 'આપાત કાલે મર્યાદા નાસ્તિ'નું વિવરણ શાસ્ત્રોમાં હોવાનું જણાવે છે.
ધર્મની સ્થાપિત માન્યતાઓને પડકારવાની તરફેણ કરતા રાજનીતિ શાસ્ત્રના પ્રોફેસર જગરૂપ શેખોં કહે છે કે ધર્મોમાં જે માનવતાવાદ, ભાઈચારા અને બધાની ભલાઈની વાતો કહેવામાં આવી છે એ ધર્મને ઘણી બાબતોમાં વિજ્ઞાનથી આગળ લઈ જાય છે.
ધર્મને કારણે વાઇરસ ફેલાયાની વારંવાર થઈ રહેલી વાતોને દિલ્હી વક્ફ બોર્ડના ભૂતપૂર્વ સેક્રેટરી જફર જંગ 'પૂર્વગ્રહ' માને છે, જ્યારે વકીલ અને તબલીગી જમાતના પ્રવક્તા મુજીબુર રહમાન તેને 'મોદી સરકારની નિષ્ફળતા પર પડદો ઢાંકવાની અને બીજેપીની રાજનીતિને આગળ વધારવાની વ્યૂહરચના' ગણે છે.
બીજેપીના રાજકીય કાર્યક્રમનો મુદ્દો
લૉકડાઉન દરમિયાન પગપાળા પોતાના ગામ જવા નીકળેલા ગરીબ વર્ગના લોકોની વાત ભૂલાઈ ગઈ તો એવો સવાલ પણ કરવામાં આવી રહ્યો છે કે ઍરપૉર્ટ્સ પર સ્ક્રિનિંગના દાવા છતાં વાઇરસ સંક્રમિત લોકો ત્યાંથી બહાર કેવી રીતે નીકળી ગયા?
જનતા કરફ્યૂના એલાન છતાં મધ્ય પ્રદેશમાં 20 માર્ચે યોજાયેલા બીજેપીના રાજકીય કાર્યક્રમનો મુદ્દો તો ચર્ચાનો હિસ્સો બની શક્યો નથી અને કોરોનાના ફેલાવામાં અભિજાત વર્ગની ભૂમિકાની વાત તો થતી જ નથી.
સોમવાર સુધી નોઈડામાં કોરોનાના 38 કેસ નોંધાયા હતા. સિઝફાયર નામની એક કંપનીના લગભગ 16 લોકોને ચેપ લાગ્યાનું પુરવાર થયું હતું. પોલીસે કંપની સામે, કેટલાક કર્મચારીઓની માર્ચની વિદેશયાત્રાની વિગત તથા બહારથી આવેલા ઓડિટર્સની વિગત છૂપાવવા બદલ કેસ નોંધ્યો છે.
ભોપાલમાં બુધવાર સુધીમાં જે 85 દર્દીઓ નોંધાયા હતા તેમાં બે આઈ.એ.એસ. અધિકારી સહિત સ્વાસ્થ્ય વિભાગના 40 કર્મચારીઓનો સમાવેશ થાય છે.
સવાલ એ છે કે ટોચના અધિકારીઓને કોરોનાનો ચેપ લાગ્યો હતો છતાં તેમને પહેલાં હૉસ્પિટલે શા માટે મોકલવામાં આવ્યા ન હતા?
ઝફર જંગ સવાલ કરે છે કે આ અધિકારીઓને કોઈ ધાર્મિક જમાત સાથે સંબંધ હતો?
BARC (બ્રૉડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલ ઇન્ડિયા)ના એક રિસર્ચ અનુસાર, માર્ચના ત્રીજા અને ચોથા સપ્તાહ દરમિયાન ભારતીય ટીવી ચેનલોની ટીઆરપીમાં 200થી 300ગણો ઉઠાળો આવ્યો હતો. દેશના ઘણા વિસ્તારોમાં મુસલમાનોને નિશાન બનાવવામાં આવ્યાના સમાચારો મળી રહ્યા છે.
રાહતની આહટ
અલબત, ધર્મ પર સતત થઈ રહેલા પ્રહારોએ થોડી આશા જગવી છે. કટ્ટર ગણાતા વહાબી ઇસ્લામમાં માનતા સાઉદી અરેબિયાએ મક્કા-મદીનાની તીર્થયાત્રા માટે વિઝા આપવાનું ફેબ્રુઆરીથી જ બંધ કરી દીધું હતું. કૅથલિક ચર્ચના વડામથક ઇટાલીના રોમમાં લોકો રવિવારના સામૂહિક પ્રાર્થનામાં ટેલિવિઝન મારફત સામેલ થઈ રહ્યા છે.
ભારતમાં તિરુપતિ તથા વૈષ્ણો દેવી જેવાં મોટાં ધાર્મિક સ્થળોમાં શ્રદ્ધાળુઓના આવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. મુસ્લિમ પર્સનલ લો બોર્ડે જુમાની નમાજ સામૂહિક રીતે અદા કરવાને બદલે ઘરે બેસીને કરવાની સલાહ આપી છે.
એસજીપીસીએ જણાવ્યું છે કે વૈશાખી નિમિત્તે તલવંડી સાહેબ ખાતે 13-14 એપ્રિલે પ્રતીકાત્મક રીતે કાર્યક્રમ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો