કોરોના વાઇરસ : 'અમારો પંખીનો માળો ખાલી થઈ ગયો હોય એવું લાગે છે'

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

"ઘરડાઘરમાં 153 વડીલો હતા, મોટા ભાગના પોતાનાં દીકરા કે દીકરીને ત્યાં ચાલ્યા ગયા છે. ઘરડાઘરમાં હવે 54 વડીલો રહ્યા છે. અમારો પંખીનો માળો ખાલી થઈ ગયો હોય એવું લાગે છે."

સુરેશભાઈ શુક્લ આ વાત કહેતાં થોડા થંભી જાય છે. તેમના મૌનમાં ભાવુકતા ઊપસી આવે છે.

સુરેશભાઈ અમદાવાદમાં આવેલા 'જીવનસંધ્યા ઘરડાઘર'ના ગૃહપતિ છે. ઘરડાઘરમાં વડીલોની સેવાચાકરી કરે છે.

કોરોના વાઇરસની મહામારીને પગલે નગરનો કોલાહલ શાંત થઈ ગયો છે, રસ્તાઓ સૂમસામ થઈ ગયા છે. ઘરડાઘર પણ ખાલી થઈ રહ્યાં છે. શાંતિ એ જાણે નગરનો સ્વભાવ બની ગઈ એવો માહોલ છે.

અમદાવાદમાં 'જીવનસંધ્યા વૃદ્ધાશ્રમ' આવેલું છે. આ વૃદ્ધાશ્રમ પાસેથી સાંજે પસાર થાવ તો હારબંધ હિંચકે ઝૂલતાં વડીલો જોવા મળે. અત્યારે એ હિંચકા ખાલી પડ્યા છે.

સુરેશભાઈ શુક્લે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું કે "અમારે આ સમયમાં ખૂબ કાળજી રાખવી પડે છે, કારણ કે અમે મોટી ઉંમરના લોકો સાથે કામ કરી રહ્યા છીએ. જે વડીલોની ઇચ્છા હતી તેઓ પોતાનાં દીકરા કે દીકરીને ઘરે ગયા છે."

"લૉકડાઉન પહેલાં એક રૂમમાં ચાર લોકો રહેતા હતા, હવે રૂમદીઠ એક - એક કે વધીને બે જણા રહે છે. સંખ્યા પણ ઓછી થઈ ગઈ છે અને કોરોનાની ગંભીરતાને લીધે પણ અમે એ વાતનું ધ્યાન રાખીએ છીએ કે એક રૂમમાં મોટે ભાગે એક જ વડીલ રહે."

લૉકડાઉનની સ્થિતિને લીધે લોકો બહાર નીકળી શકતા નથી તેથી અહીંના સ્ટાફની પણ અછત છે.

સુરેશભાઈ ઉમેરે છે, "રસોડા માટેના કર્મચારીઓ છે એ સિવાય ઘરડાઘરની સફાઈ, વાસણ માંજનારા, ટૉઇલેટ સાફ કરનારા વગેરે લોકો નથી આવી રહ્યા. અમે દવા વગેરેનો સ્ટૉક કરી લીધો છે. દૂધ, શાકભાજી વગેરે વસ્તુઓ મળી રહે છે, તેથી એની કોઈ ચિંતા નથી."

"કોરોનાની સ્થિતિને લીધે અમે વડીલોના સંબંધીઓને જાણ કરી હતી કે જો તમે આ સંજોગોમાં રાજીખુશીથી વડીલોને વૃદ્ધાશ્રમમાંથી લઈ જતા હો તો લઈ જાવ. "

"તેથી જે વડીલ પણ રાજીખુશીથી જવા માગતા હતા તેમને જવા દીધા છે. ખાસ કરીને જે વડીલોના સંબંધી અમદાવાદ કે નજીકના હોય તેઓ જ ગયા છે. દૂરના હોય તેમને નથી જવા દીધા, કારણ કોઈને તકલીફ શા માટે આપવી?"

'મોટા ભાગનું ઘરડાઘર ખાલી'

આ કપરી સ્થિતિમાં પણ ઘરડાઘરમાં વડીલોનું સારી રીતે ધ્યાન રાખવામાં આવે છે.

સુરેશભાઈ કહે છે, "અમારાથી જેટલું થાય એટલું તો અમે કરીએ જ છીએ. અમે પૂરતી તકેદારી રાખીએ છીએ. દરેકને માસ્ક આપ્યા છે. ઘરડાઘરમાં સૅનિટાઇઝર મૂકવામાં આવ્યા છે. સૅનિટાઇઝરથી કેવી રીતે હાથ ધોવા એનું પણ માર્ગદર્શન આપ્યું છે."

"નાસ્તો કે ભોજન લેતી વખતે પણ એકથી દોઢ મીટરના અંતરે તેમને બેસાડીએ છીએ. કોરોનાને લીધે ખૂબ સતર્કતા રાખવી પડે છે. વડીલો મોટી ઉંમરના હોય છે તેથી નાનીનાની બાબતોમાં રાખવી પડતી તકેદારી તેમને ક્યારેક નથી ગમતી હોતી. તેથી અમારે ખૂબ જાળવીને ધીરજપૂર્વક તેમને શાંતિથી સમજાવવા પડે છે."

"લૉકડાઉનને લીધે ઘરડાઘર મોટા ભાગનું ખાલીખમ થઈ ગયું છે તેથી ખૂબ એકલતા લાગે છે. અહીં જે વયસ્ક લોકો છે એ પણ આ ખાલીપણાને લીધે માનસિક રીતે થોડા પડી ભાંગે છે. તેમની વેદના જોઈને અમને આંખમાં પાણી આવી જાય છે. તેથી જ જે લોકોની આ સમયમાં ઘરે જવાની તૈયારી હોય તેમને અમે પૂરતી મદદ કરીએ છીએ."

જીવનસંધ્યા ઘરડાઘરના ટ્રસ્ટી સુકેતુ નાગરવડિયાએ બીબીસીને જણાવ્યું હતું કે "જે વડીલોનાં દીકરા-દીકરીઓ હતાં તેઓ લઈ ગયાં છે. લૉકડાઉનને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાનો શિકાર ન બને અને આરોગ્ય યોગ્ય રીતે જળવાય તે જરૂરી છે."

જોકે ઘરડાઘરમાં રહેતા વડીલોને લાગે છે કે આ કપરા દિવસો પણ ઝડપથી વીતી જશે.

ઘરડાઘરમાં રહેતા વડીલ સતીષભાઈ ભગતે બીબીસી સાથે વાત કરતાં કહ્યું, "કોરોનાને લીધે આ વિસામો ખાલીખમ લાગે છે. એને લીધે ખાલીપો વર્તાય છે. અમે જે લોકો અહીં છીએ તે પણ ખૂબ કાળજી રાખીએ છીએ."

"બે જણા દોઢથી બે મીટરનું અંતર રાખીને વાતો કરીએ છીએ. અમે લોકો ઘરડાઘરમાં જે થોડીઘણી પ્રવૃત્તિ કરતા હતા તે પણ ખૂબ ઓછી થઈ ગઈ છે. એને લીધે દિવસ ખૂબ લાંબો લાગે છે. અમને આશા છે કે આ સમય પણ જતો રહેશે અને ફરી અમારો માળો ગૂંજવા માંડશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો