કોરોના વાઇરસ : 14 માસની દીકરી સાથે લૉકડાઉનમાં ફરજ બજાવતાં મહિલા પોલીસકર્મીની કહાણી

    • લેેખક, તેજસ વૈદ્ય અને પ્રશાંત ગુપ્તા
    • પદ, બીબીસી ગુજરાતી

કેટલાક કપરા સંજોગો કેટલીક વ્યક્તિની વધુ કપરી કસોટી કરે છે તો એ જ સંજોગોમાં કેટલીક વ્યક્તિ નવીનવી શક્યતા પણ શોધી લેતી હોય છે. આપણે વાત કરીશું ગુજરાત પોલીસનાં બે એવી મહિલા પોલીસકર્મીઓ વિશે કે જેઓ કોરોનાના કપરા સમયમાં જે રીતે કામ કરી રહ્યાં છે એ ઉદાહરણરૂપ છે.

આ બે મહિલા પોલીસકર્મીમાંથી એક ટંકારાનાં મહિલા પીએસઆઈ(પોલીસ સબ-ઇન્સ્પેક્ટર) લલિતાબહેન ભોજાભાઈ બગડા છે અને બીજાં ભુજના કૉન્સ્ટેબલ અલકાબહેન દેસાઈ છે.

લલિતાબહેન ભોજાભાઈ બગડાએ પોલીસ પેટ્રોલિંગનો એક નવો નુસખો અમલમાં મૂક્યો છે.

તેઓ મોઢા પર માસ્ક બાંધીને, સિવિલ ડ્રેસમાં એટલે કે સામાન્ય પોશાકમાં સાઇકલ લઈને રોજ ટંકારા તાલુકાનાં વિવિધ ગામોમાં નીકળી પડે છે. લૉકડાઉનને લીધે અકારણ બહાર નીકળવાની મનાઈ હોઈ જે લોકો ઘરની બહાર લટાર લગાવતા હોય તેમના ફોટા પાડીને તેમના વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધે છે.

પેટ્રોલિંગ કરવા માટે આ નવતર નુસખો તમને કેવી રીતે સૂઝ્યો એ સવાલના જવાબમાં લલિતાબહેને બીબીસીને કહ્યું:

"સામાન્ય રીતે અમે યુનિફોર્મમાં પોલીસની ગાડીમાં પેટ્રોલિંગમાં નીકળીએ છીએ. થાય છે એવું કે લોકો પોલીસની ગાડી જુએ એટલે ઘરમાં અંદર ચાલ્યા જાય છે, ગાડી ચાલી જાય પછી ફરી પાછા ઘરની બહાર ટહેલવા માંડે છે."

"સ્થિતિની ગંભીરતા સમજાવવા ક્યારેક લોકોની વચ્ચે તેમના જેવા બનીને નીકળીએ તો જ તેમને ખબર પડે. તેથી હું પોલીસ-ગણવેશને બદલે સામાન્ય પોશાકમાં પેટ્રોલિંગ કરૂં છું."

"આ બધું અમે લોકોની સુરક્ષા માટે જ કરીએ છીએ. જે લોકો જાહેરનામાનો ભંગ કરે છે તેમના ફોટો પાડું છું અને તેમની સામે ગુનો નોંધું છું. હું છેલ્લા ત્રણ દિવસથી સાઇકલ પર નીકળું છે. ત્રણ દિવસમાં મેં નવ ગુના નોંધ્યા છે. રોજ ટંકારા તાલુકાનું એક ગામ હું સાઇકલ પર ફરીને પેટ્રોલિંગ કરૂં છું. રોજ દસેક કિલોમિટર સાઇકલ ચલાવું છું. અત્યાર સુધી મેં ટંકારા, ઉપરાંત, જબલપુર, લખતીધર જેવાં ગામોમાં સાઇકલ પર પેટ્રોલિંગ કર્યું છે."

તમે પોલીસ-ગણવેશમાં ન હો અને સાઇકલ પરથી કોઈના ફોટોગ્રાફ્સ લો તો કોઈ તમારી સામે માથાકૂટ કરવા માંડે એવું બન્યું છે?

લલિતાબહેને કહ્યું હતું કે "ના, એવું નથી થયું. લોકોને એવું લાગે છે કે હું કોઈ મીડિયાકર્મી છું, તેથી દલીલ કરતા નથી. હવે તો ધીમેધીમે લોકોને ખબર પડી ગઈ કે સિવિલ ડ્રેસમાં આ પોલીસ અધિકારી પેટ્રોલિંગ કરી રહ્યાં છે. હવે હું ફોટો પાડું છું એટલે બહાર લટાર મારીને જાહેરનામાનો ભંગ કરતાં લોકો સીધા ઘરમાં દોડી જાય છે."

લલિતાબહેન દસ કિલોમીટર સાઇકલ પર જઈને ફરજ બજાવે છે તો ભુજનાં પોલીસકર્મી અલકાબહેન અમૃતલાલ દેસાઈ મોઢે માસ્ક પહેરીને પોતાની ચૌદ માસની દીકરી જીયાને સાથે લઈને ફરજ બજાવે છે.

અલકાબહેન પશ્ચિમ કચ્છમાં મહિલા પોલીસદળમાં કૉન્સ્ટેબલ છે અને તેમના પતિ પશ્ચિમ કચ્છમાં જિલ્લા સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસની કચેરીમાં કૉન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. અલકાબહેન જણાવ્યું હતું કે "ઘરમાં બાળકની સંભાળ લઈ શકાય એવું કોઈ નથી. મારાં સાસુ-સસરા દુનિયામાં નથી રહ્યાં."

દીકરી જીયાને ફરજ વખતે ભૂખ લાગે તો શું કરો છો?

અલકાબહેન કહે છે "હું સાથે ફળ તેમજ દૂધ જેવી વસ્તુઓ રાખું છું. જીયાને ભૂખ લાગે ત્યારે ખવરાવી દઉં છું."

કોરોના ખૂબ ચેપી રોગ છે. તમારે પેટ્રોલિંગગ દરમિયાન કોઈ એવા વિસ્તારમાં જવું પડે કે બાળકને ન લઈ જઈ શકાય તો એવા વખતે તમે શું કરો છો?

આ સવાલના જવાબમાં અલકાબહેને કહે છે, "ફરજ દરમિયાન અમુક એવી જગ્યાએ જવું પડતું હોય જ્યાં બાળકોને સાથે લઈ જવું સંભવ હોતું નથી ત્યારે મહિલા પોલીસદળના સહકર્મચારીઓ દીકરીની સારસંભાળ રાખે છે. જીયા પણ સ્ટાફના કર્મચારીઓ સાથે હળીમળીને રહે છે."

ભુજ બૉર્ડર રેન્જના ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ સુભાષ ત્રિવેદીએ અલકાબહેનના કામની નોંધ લીધી હતી અને તેમને બિરદાવ્યાં હતાં.

સુભાષ ત્રિવેદીએ કહ્યું હતું, "બૂથ-પેટ્રોલિંગ અને પૉઈન્ટ ચૅકિંગ દરમિયાન બહેન પોતાના ચૌદ માસના સંતાન સાથે ફરજ બજાવતાં ધ્યાને આવ્યાં છે. તેમની ફરજ નિષ્ઠાને અમે બિરદાવી છે. તેમનું સન્માન કર્યું છે. રિવૉર્ડ આપ્યો છે તેમને રોડ પરની નોકરી આપવાને બદલે પોલીસ સ્ટેશનની ફરજ આપવા માટે એસપી(સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ)ને સૂચના આપી છે."

"તે બહેનને કારણે અમને અમારા પોલીસ પરિવાર અને યુનિફોર્મ માટે ખૂબ ગર્વની લાગણી થઈ છે. ગુજરાત પોલીસનું નામ એ તેમણે ખૂબ ઊંચું કરી આપ્યું છે. "

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો