કોરોના વાઇરસ : પ્રવાસી મજૂરોને સૅનિટાઇઝ કરવા કેરળમાં પણ યુપીની જેમ કેમિકલ છાંટવામાં આવ્યું?

    • લેેખક, કીર્તિ દુબે
    • પદ, બીબીસી સંવાદદાતા

કોરોના વાઇરસના સંક્રમણને રોકવા માટે 24 માર્ચથી 21 દિવસ માટે ભારતમાં લૉકડાઉન છે અને આ લૉકડાઉનમાં સૌથી વધારે ભોગ બન્યા હોય તે છે ગામડાંમાંથી શહેરોમાં આવનારા પ્રવાસી મજૂરો.

25 માર્ચથી લોકડાઉનને કારણે રોજીરોટીનું સંકટ ઊભું થતા દિલ્હી, મુંબઈ, ગુજરાત સહિત દેશના મોટા શહેરોથી હજારો-લાખોની સંખ્યામાં આ મજૂરોએ પોતાના ગામ તરફ પલાયન શરૂ કર્યું હતું.

આવો જ મજૂરોનો એક વીડિયો ઉત્તર પ્રદેશના બરેલીથી સામે આવ્યો હતો.

જ્યાં દિલ્હીથી બરેલી પહોંચેલા આ મજૂરોને બેસાડીને, તેમના પર ડિસઇન્ફૅક્ટૅન્ટ છાંટવામાં આવ્યું હતું. આ સ્પ્રેમાં સોડિયમ હિપોક્લોરાઇટ જેવા રસાયણ હતા.

વીડિયો સામે આવ્યો તેની થોડી વાર પછી બરેલીના જિલ્લાધિકારીએ ટ્વીટ કર્યું, “આ વીડિયોની તપાસ કરવામાં આવી છે, સીએમઓના નિર્દેશન હેઠળ અસરગ્રસ્ત લોકોની સારવાર કરવામાં આવી રહી છે. બરેલી નગરનિગમ તથા ફાયર બ્રિગેડની ટીમને બસોને સૅનિટાઇઝ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો, પરંતુ અતિ સક્રિયતાને કારણે આવું કરવામાં આવ્યું. સંબંધિત કર્મીઓ વિરુદ્ધ પગલાં લેવાનું કહેવામાં આવ્યું છે.”

પરંતુ ત્યાર પછી તુરંત જ ભાજપ આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયે એક વીડિયો ટ્વિટર પર પોસ્ટ કર્યો અને લખ્યું, “આવા જ રસાયણ કેરળમાં લોકો ઉપર છાંટવામાં આવ્યા, તો કોઈએ તેના પર કોઈ આપત્તિ કેમ ન દર્શાવી.”

ભાજપ આઈટી સેલનું ટ્વીટ

અમિત માલવીયે આ વીડિયો સાથે લખ્યું, “આ કેરળ છે, જ્યાં પ્રશાસન સીમા પાર કરીને આવેલા લોકો પર આ સ્પ્રે કરી રહ્યું છે, પરંતુ બધો વિરોધ ઉત્તર પ્રદેશ સામે જ થઈ રહ્યો છે કારણ કે ત્યાં ભાજપના એક ભગવાધારી સંત મુખ્યમંત્રી છે જે બહુ સારું કામ કરી રહ્યા છે.”

ત્યાર બાદ કેરળનો આ વીડિયો વાઇરલ થયો અને દાવો કરવામાં આવ્યો કે કેરળના પિનરઈ વિજયનની સરકાર લોકો પર કેમિકલનો છંટકાવ કરાવી રહી છે.

આ ટ્વીટ પછી બરેલીના જિલ્લાધિકારીએ એક વધુ ટ્વીટ કર્યું જેમાં તેમણે કહ્યું, "જોકે માસ સૅનિટાઇઝેશનની આ રીત દુનિયાના અનેક દેશોમાં વાપરવામાં આવી રહી છે."

આ કરતી વખતે સાવચેતી રાખવાની જરૂર હતી અને સુરક્ષાનું પણ ધ્યાન રાખવાની જરૂર હતી જેનાથી લોકોને તકલીફ ન થાય.”

શું છે સત્ય?

બીબીસીએ સૌથી પહેલાં આ દાવાની તપાસ શરૂ કરી કે શું કેરળમાં આવા કોઈ કેમિકલ લોકો પર સ્પ્રે કરવામાં આવ્યા છે? અને સાથે જ દુનિયામાં કયા દેશોમાં આ રસાયણનો વપરાશ લોકો પર કરવામાં આવી રહ્યો છે.

સૌથી પહેલાં અમે કેરળના વીડિયો વિશે માહિતી એકઠી કરી. અમને જાણવા મળ્યું કે આ વીડિયો કેરળના વાયનાડ જિલ્લાનો છે.

બીબીસીએ કેરળ પ્રશાસનનો સંપર્ક કર્યો તો ફાયર ફોર્સના વરિષ્ઠ અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે કહ્યું, “આ વીડિયો લગભગ એક અઠવાડિયા જૂનો છે અને આમાં જે સ્પ્રે દેખાઈ રહ્યો છે તે પાણી અને સાબુનું ડાયલ્યૂટેડ સૉલ્યૂશન છે જે અમે વાયનાડમાં વાપર્યું હતું.”“આમાં સોડિયમ હાઇપોક્લોરાઇટ જેવા રસાયણ નહોતા કારણ કે અમે આવા કેમિકલ લોકો પર નથી વાપરતા. સાબુનું આ મિશ્રણ કોઈ પણ પ્રકારના સંક્રમણને દૂર કરવા માટે છાંટવામાં આવ્યું હતું.”

હવે વાત કરીએ બીજા દાવાની કે દુનિયાના કેટલાય દેશોમાં આ કેમિકલ મનુષ્યો પર છાંટીને સૅનિટાઇઝ કરવામાં આવી રહ્યા છે?

આ વર્ષે ફેબ્રુઆરીના છેલ્લા દિવસોમાં ચીનના ચૉન્ગકિંગ પ્રાન્તમાં એક કંપનીએ 360 ડિગ્રી વાળી ડિસઇન્ફૅક્ટૅન્ટ ટનલ બનાવી. આ ટનલમાં એવા સૅન્સર લગાવવામાં આવ્યા કે કોઈ પણ વ્યક્તિ આમા દાખલ થાય એટલે તેમાં ડિસઇન્ફૅક્ટૅન્ટ કેમિકલ સ્પ્રે થવા લાગે છે. ચીન આ સ્પ્રે માટે ક્લોરીન બ્લીચ અને પાણીનું સૉલ્યૂશન વાપરે છે. ચીનના અન્ય શહેરોમાં પણ આ પ્રકારની ટનલો વપરાશમાં છે.

શું આ કેમિકલ મનુષ્યો પર છંટકાવ માટે ઉચિત છે?

સૌથી પહેલાં વાત સોડિયમ હાઇપોક્લોરાઇટની, જે બરેલીમાં મજૂરો પર વાપરવામાં આવ્યું હતું.

અમેરિકા પ્રમાણે, સોડિયમ હાઇપોક્લોરાઇટનો વપરાશ પીવાના પાણીમાં અને સ્વિમિંગ પૂલના પાણીને સાફ કરવા માટે કરવામાં આવે છે.

તેની સાથે જ આ એક ડિસઇન્ફૅક્ટૅન્ટ એજન્ટ છે જેનો વપરાશ કોઈ સપાટી, ધાતુના સામાનોને સાફ કરવા માટે પણ થાય છે.

પરંતુ જો મનુષ્યના શરીરના સંપર્કમાં આવે તો આંખમાં તીવ્ર બળતરા સિવાય ત્વચા પર પણ બળતરા થઈ શકે છે.

જો મનુષ્યના શરીર પર વધારે માત્રામાં સ્પ્રે થઈ જાય તો શ્વાસ લેવામાં મુશ્કેલી અને ટિશ્યૂ બર્ન જેવી સમસ્યા આવી શકે છે. એટલે તેને મનુષ્ય પર બિલ્કુલ વાપરવું ન જોઈએ.

હવે વાત કરીએ ક્લોરીન બ્લીચ અથવા કૅલ્શિયમ હાઇપોક્લોરાઇટની. ચીનના ડિસઇન્ફૅક્શન ટનલમાં પાણી સાથે આ કેમિકલ વપરાય છે. આમાં પણ એક ઑક્સિડાઇઝિંગ એજન્ટ છે. સોડિયમ હાઇપોક્લોરાઇટની સરખામણીમાં પાણીને સાફ કરવા માટે આનો વધારે વપરાશ હોય છે.

બ્લીચ એજન્ટ

આ એક વધારે સારું ડિસઇન્ફૅક્શન કેમિકલ છે. પરંતુ આને પણ મનુષ્ય પર ન વાપરવું જોઈએ કારણકે આનાથી પણ શરીરમાં બળતરા વધી શકે છે. ખાસ કરીને આંખ, મોઢું અને નાકમાં આ પ્રવેશે તો તકલીફ થઈ શકે છે.

અમે સમજવા માટે દિલ્હીના મૅક્સ સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલ, સાકેતના ઇન્ફૅક્શિયસ ડિઝીસના સિનિયર ડૉક્ટર જતિન આહૂજા સાથે વાત કરી. ડૉક્ટર આહૂજા કહે છે, “આ બંને બ્લીચિંગ એજન્ટ છે અને અમે રોજિંદી કામગિરીમાં તેનો વપરાશ કરીએ છીએ. ખાસ કરીને દર્દીના માસ્ક અને કેટલીક નળીઓ દરરોજ ન બદલી શકાય એટલે તેનાથી સાફ કરવામાં આવે છે. પરંતુ મનુષ્યો પર તેને બિલ્કુલ ન વાપરવું જોઈએ.”

“મનુષ્યોને સૅનિટાઇઝ કરવા માટે તેમને સારા સાબુથી નવડાવવા જોઈએ અને તેમના કપડાંને ગરમ પાણી અને ડિટર્જન્ટથી સાફ કરવા જોઈએ. હા જો તેમના બૅગ કે બૉક્સ જેવા સામાન પર આ બ્લીચનો છંટકાવ કરવામાં આવે તો તેનાથી કોઈને તકલીફ નહીં થાય, પરંતુ મનુષ્ય પર તેનો વપરાશ બિલ્કુન ન થવો જોઈએ.”

સાબુ-પાણીના મિશ્રણનો છંટકાવ

ડૉક્ટર જતિન આહૂજા આગળ કહે છે,” આલ્કોહૉલ વાળા સૅનિટાઇઝર પણ હાથ અને ઝાડી ત્વચા વાળા ભાગમાં જ વાપરવા જોઈએ. આંખ, ચેહરા, નાક, મોઢા જેવી સંવેદનશીલ જગ્યા ઉપર બજારમાં મળતા સૅનિટાઇઝર પણ નહીં વાપરવા તાકીદ કરવામાં આવેલી હોય છે.”

શું આ ડિસઇન્ફૅક્ટૅન્ટ સ્પ્રેથી લોકો વાઇરસથી બચી જશે?

બિઝનસ ઇન્સાઇડરના એક રિપોર્ટ પ્રમાણે, આ વાતના કોઈ ચોક્કસ પુરાવા નથી કે ડિસઇન્ફૅક્શન સ્પ્રેથી કોરોના વાઇરસના સંક્રમણથી મનુષ્યો બચી જશે. જો વાઇરસ કોઈ મનુષ્યના શરીરમાં પહોંચી ચૂક્યો છે તો આ બ્લીચિંગ એજન્ટ તેના લોહી કે બૉડી ફ્લુઇડ સુધી પહોંચીને ખતમ નહીં કરી શકે.

બીબીસીએ પોતાની તપાસમાં જાણ્યું કે કેરળમાં લોકો પર સ્પ્રે તો કરવામાં આવ્યો, પરંતુ ત્યાં સાબુ-પાણીનું મિશ્રણ છાંટવામાં આવ્યું જે મનુષ્યોના શરીરને નુકસાન ન પહોંચાડી શકે, ત્યાં જ ઉત્તર પ્રદેશના બરેલીમાં સોડિયમ હાઇપોક્લોરાઇટનું મિશ્રણ છાંટવામાં આવ્યું જે માનવ શરીર માટે યોગ્ય નથી.

ચીનમાં પણ કેટલીક જગ્યા પર મનુષ્ય પર ક્લોરીન બેસ્ડ બ્લીચ વાપરવામાં આવે છે જેને મેડિકલ સંસ્થાઓ ન વાપરવાની સલાહ આપે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો