કોરોના વાઇરસ : એ મહિલા જેમણે પ્રસૂતિના આગલા દિવસ સુધી કામ કરી મેડ-ઇન-ઇન્ડિયા કિટ બનાવી

    • લેેખક, ગીતા પાંડે
    • પદ, બીબીસી સંવાદદાતા દિલ્હી

કોરોના વાઇરસ મુદ્દે ભારતની ટેસ્ટિંગ ક્ષમતાની આંતરાષ્ટ્રીય સ્તરે ટીકા થઈ રહી છે. પરંતુ એક મહિલા વાઇરૉલૉજિસ્ટની મદદથી આ મહેણું ભાંગે તેમ છે. જેમણે બાળક ડિલિવર કરવાના ગણતરીના કલાકો પહેલાં કિટ સોપી હતી.

તા. 26મી માર્ચથી 'મેડ-ઇન-ઇન્ડિયા' કોરોના વાઇરસની ટેસ્ટ કિટ બજારમાં આવી ગઈ છે, જેના કારણે દરદીને કોવિડ-19નું ઇન્ફેક્શન છે કે નહીં તેની તપાસ થઈ શકશે.

પુનાની માયલૅબને કોવિડ-19 ટેસ્ટ કિટ બનાવવાની તથા વેચવાની મંજૂરી મળી છે, આવી મંજૂરી મેળવનાર તે ભારતની પ્રથમ કંપની બની છે. લૅબોરેટરીએ ચાલુ સપ્તાહે 150 કિટ્સની પહેલી ખેપ પુના, મુંબઈ, દિલ્હી, ગોવા અને બેંગ્લુરુ રવાના કરી છે.

માયલૅબની તબીબી બાબતોના ડાયરેક્ટર ડૉ. ગૌતમ વાનખેડેએ બીબીસીને જણાવ્યું, "અમારું પ્રોડક્શન યુનિટ વિક-ઍન્ડમાં પણ કાર્યરત રહેશે અને ટેસ્ટ કિટ્સની બીજી બેચ સોમવારે રવાના કરી દેવાશે."

કંપનીનું કહું છે કે તે એક અઠવાડિયામાં કોવિડ-19ની એક લાખ કિટ્સ સપ્લાય કરી શકે તેમ છે અને જરૂર પડ્યે, બે લાખ કિટ પણ ઉત્પાદિત કરી શકે છે. કંપની દ્વારા એચ.આઈ.વી. (ઍઇડ્સ માટે જવાબદાર વાઇરસ) અને હિપેટાઇટિસ B અને Cની કિટ્સ પણ બનાવવામાં આવે છે.

કંપની દ્વારા નિર્મિત પેથોડિટેક્ટ કિટ 100 સૅમ્પલ ટેસ્ટ કરી શકે છે, જે 1200 રૂપિયાની પડે છે. જ્યારે વિદેશથી આયાત થતી કિટ લગભગ રૂ. 4500ની પડે છે.

બેબી પહેલાં કિટ ડિલિવર

કિટની શોધ કરનારી ટીમનાં વડાં તથા માયલૅબના ચીફ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ ઓફિસર મીનલ દાખવે ભોંસલેના કહેવા પ્રમાણે :

"આયાત થયેલી કિટમાં છથી સાત કલાક બાદ રિપોર્ટ મળે છે, જ્યારે અમારી કિટ માત્ર અઢી કલાકમાં નિદાન કરી આપે છે."

સામાન્ય રીતે પેથોડિટેક્ટ કિટ તૈયાર કરવામાં ત્રણથી ચાર મહિનાનો સમય લાગ્યો હોત, પરંતુ તેમણે છ અઠવાડિયાંના 'રેકર્ડ સમયમાં' કિટ તૈયાર કરી આપી.

મીનલ સામે ટેસ્ટ-કિટ જ નહીં, પરંતુ ખુદની પણ ડેડલાઇન હતી. ગત સપ્તાહે તેમણે બાળકીને જન્મ આપ્યો. ગર્ભકાળ દરમિયાન ઊભી થયેલી જટિલતાને કારણે મીનલને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યાં હતાં.

તેઓ કામ પર પરત ફર્યાં તેનાં ગણતરીનાં દિવસોમાં જ ફેબ્રુઆરી મહિનામાં કોવિડ-19 વાઇરસ ની ટેસ્ટ કિટ બનાવવાનો પ્રોજેક્ટ આવ્યો.

મીનલ કહે છે, "ઇમર્જન્સીની સ્થિતિ હતી એટલે મેં પડકાર ઉપાડી લીધો. મારે દેશની પણ સેવા કરવાની છે." સાથે જ ઉમેરે છે કે તેમની 10 લોકોની ટીમે પ્રોજેક્ટને સફળ બનાવવા 'સખત મહેનત' કરી હતી.

ટેસ્ટ કિટની અસરકારકતા ચકાસવા માટે નમુનાની કિટો તા. 18મી માર્ચે પુનાસ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાઇરૉલૉજીને સુપ્રત કરવામાં આવી.

કિટનું વ્યવસાયિક ધોરણે ઉત્પાદન થઈ શકે તે માટેનો પ્રસ્તાવ એ જ સાંજે તેમણે CDSCOને સુપ્રત કર્યો અને બીજા દિવસે તેમણે સિઝેરિયનથી બાળકીને જન્મ આપ્યો.

ડૉ. વાનખેડેના કહેવા પ્રમાણે, "બહુ થોડો સમય હતો. અમારી પ્રતિષ્ઠા દાવ પર હતી, એટલે પ્રથમ પ્રયાસમાં જ બધું પાર ઉતરે તે અમારે માટે જરૂરી હતું અને મીનલ આ પ્રોજેક્ટને લીડ કરી રહ્યાં હતાં."

ટેસ્ટિંગ કિટને પરીક્ષણ માટે મોકલતાં પહેલાં જરૂરી હતું કે ટીમ દ્વારા તમામ પરિમાણો મુજબ ચોક્કસ રિઝલ્ટ મળે છે તેની ખાતરી કરવી.

એક નમુનાનું 10 વખત પરીક્ષણ કરવામાં આવે તો દસેય વખત સમાન પરિણામ મળે તે જરૂરી છે અને ટીમે તે લક્ષ્યાંક હાંસલ કર્યો.

ભારત સરકાર અંતર્ગત કાર્યરત ઇન્ડિયન કાઉન્સિલ ફૉર મેડિકલ રિસર્સ (ICMAR)ના હેઠળ કાર્યરત NIV પણ આ વાત સાથે સહમત છે.

સંસ્થાના કહેવા પ્રમાણે, માત્ર માયલૅબ જ એવી ભારતીય કંપની હતી, જેનાં તમામ પરીક્ષણમાં 100 ટકા ચોકસાઈપૂર્વકનું પરિણામ મળ્યું.

કોરોના વાઇરસ સંદર્ભે ખૂબ જ ઓછા ટેસ્ટ કરાવતાં દેશોમાં ભારતનો સમાવેશ થાય છે. જ્યાં દર 10 લાખ લોકોમાં સરેરાશ માત્ર સાત ટેસ્ટ થઈ રહ્યા છે.

પ્રારંભિક તબક્કામાં ભારત દ્વારા હાઈ-રિસ્કવાળા દેશોની મુસાફરી કરનારા લોકો, તેમના સંપર્કમાં આવેલ, તથા આરોગ્યકર્મચારીઓનાં જ પરીક્ષણ કરવામાં આવતાં હતાં.

બાદમાં શ્વાસની ગંભીર બીમારી સાથે હૉસ્પિટલમાં દાખલ થનારા દરદીઓનાં પરીક્ષણ શરૂ કરવામાં આવ્યા.

જોકે, ઇન્ફૅક્શનનો વ્યાજ દરરોજ વધી રહ્યો હોવાથી દરદીઓની સંખ્યામાં જંગી વૃદ્ધિ થાય તેવી શક્યતા છે.

પ્રારંભિક સમયમાં બહુ થોડાં લોકોનું પરીક્ષણ કરનાર ભારત દ્વારા આગામી દિવસોમાં ટેસ્ટ્સની સંખ્યા વધારવામાં આવે તેવી શક્યતા છે.

શરૂઆતના દિવસોમાં માત્ર સરકારી લૅબોરેટરીમાં જ કોવિડ-19નું પરીક્ષણ થતું હતું, પરંતુ હવે ખાનગી લૅબ્સને પણ આ ટેસ્ટ કરવાની છૂટ આવામાં આવી છે.

ગુરૂવારે કેન્દ્ર સરકારે 15 ભારતીય કંપનીઓને અમેરિકા, યુરોપ તથા અન્ય દેશોમાંથી કિટ મંગાવીને ભારતમાં વેચવા માટેનાં લાઇસન્સ આપ્યાં.

ડૉ. વાનખેડે માને છે કે આગામી દિવસોમાં કિટ સપ્લાય કરનારાઓ તથા લૅબોરેટરીઓની સંખ્યા વધારો થશે એટલે ટેસ્ટની સંખ્યામાં પણ જંગી વૃદ્ધિ થશે.

સંકટનો સમય અને સુવિધા

ટેસ્ટની સુવિધા વધવાને કારણે મદદ તો મળશે, પરંતુ નિષ્ણાતો માને છેકે આરોગ્યક્ષેત્રે માળખાકીય સુવિધા વધારવાની તાતી જરૂર છે. ખાસ કરીને કોરોના વાઇરસ જેવી બીમારીને પહોંચી વળવા ભારતનું માળખું સક્ષમ નથી.

આ અંગે ભારતના પૂર્વ આરોગ્ય સચિવ સુજાતા રાવ કહે છે, "દક્ષિણ કોરિયામાં કોરોના વાઇસ સંબંધિત પરીક્ષણ કરવા માટે 650 જેટલી લૅબોરેટરી છે, સામે ભારતમાં કેટલી છે?"

લગભગ 130 કરોડની વસતિ ધરાવતા ભારતમાં 118 સરકારી તથા 50 ખાનગી મળીને કુલ 200થી ઓછી લૅબોરેટરીમાં કોરોના વાઇરસ સંબંધિત પરીક્ષણો થઈ શકે છે, જે ખૂબ જ અપૂરતી સંખ્યા છે.

રાવ કહે છે, "ભારતે વધુ કેટલીક લૅબોરેટરીમાં પરીક્ષણ થઈ શકે તેવી સવલત ઊભી કરવાની જરૂર છે. ત્યારબાદ તેમના સુધી કિટ પહોંચે તથા તેના ટેકનિશિયનો પરીક્ષણ કરી શકે તે માટેની તાલીમ આપવી પડે, આ બધું સમય માગી લે તેમ છે."

મોટી સંખ્યામાં પરીક્ષણ શરૂ થયા બાદ જો મોટી સંખ્યામાં પૉઝિટિવ રિપોર્ટ્સ આવવા માંડ્યા અને જો દરદીઓને હૉસ્પિટલોમાં દાખલ કરવાની જરૂર ઊભી થઈ તો જે સ્થિતિ ઊભી થશે, તેને પહોંચી વળવા માટે ભારત સક્ષમ નહીં હોય.

રાવ ઉમેરે છે, "ભારતમાં આરોગ્યસેવા માત્ર શહેરી વિસ્તાર પૂરતી જ કેન્દ્રીત છે અને ગ્રામીણ વિસ્તારોમાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે. જે ખૂબ જ મોટો પડકાર છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો