You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કમલનાથની સરકારમાંથી રાજીનામું આપનારા કૉંગ્રેસના 13 ધારાસભ્યને નોટિસ : TOP NEWS
મધ્ય પ્રદેશ વિધાનસભાના અધ્યક્ષ નર્મદા પ્રસાદ પ્રજાપતિએ કૉંગ્રેસમાંથી રાજીનામું આપનારા 22 ધારાસભ્યમાંથી 13ને નોટિસ પાઠવી છે.
એનડીટીવીના અહેવાલ પ્રમાણે ધારાસભ્યોને શુક્રવારે અને શનિવારે તેમની સમક્ષ રૂબરૂમાં હાજર રહેવા જણાવાયું છે.
વિધાનસભાના પ્રિન્સિપાલ સેક્રેટરી એ. પી. સિંહે આ વાતની પુષ્ટિ કરી છે.
તેઓએ કહ્યું કે ધારાસભ્યોને હાજર રહીને એ સ્પષ્ટ કરાવવા કહેવાયું છે કે તેઓએ સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે કે કોઈના દબાણમાં આવીને આપ્યું છે.
તો 16 માર્ચે મધ્ય પ્રદેશ વિધાનસભાનું બજેટસત્ર શરૂ થવાનું છે અને સત્રના પહેલા દિવસે ભાજપ વિધાનસભામાં બહુમત સાબિત કરવાની માગ કરી શકે છે.
પ્રદેશના ભાજપ નેતા નરોત્તમ મિશ્રાએ ગુરુવારે ભોપાલમાં સંવાદદાતાઓને સાથે વાત કરતાં કહ્યું કે કૉંગ્રેસના 22 ધારાસભ્યોએ પાર્ટી છોડી દીધી છે અને તેના કારણે કૉંગ્રેસ સરકાર લઘુમતીમાં આવી ગઈ છે.
તેઓએ કહ્યું કે રાજ્યપાલ અને વિધાનસભાના સ્પીકરને તેઓ વિનંતી કરશે કે તેઓ પાર્ટીને સદનમાં બહુમત સાબિત કરવાનો મોકો આપે.
ઉલ્લેખનીય છે કે જ્યોતિરાદિત્ય સિંધિયા કૉંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થઈ ગયા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જેના કારણે મધ્ય પ્રદેશમાં કમલનાથની સરકાર પર સંકટનાં વાદળો ઘેરાયાં છે.
ગુજરાતમાં કૉંગ્રેસના ઉમેદવારજાહેર
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી માટે કૉંગ્રેસે પણ પોતાના બે ઉમેદવારના નામ જાહેર કરી દીધા છે.
ગુરુવારે કૉંગ્રેસે ગુજરાત કૉંગ્રેસ પ્રદેશના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલની પસંદગી કરી છે.
ભાજપ દ્વારા પણ અગાઉ બે ઉમેદવારોના જાહેર કયા હતા.
ભાજપે રાજકોટમાં રહેતા જાણીતા વકીલ અને પાર્ટી સાથે સંકળાયેલા અભય ભારદ્વાજ અને ખેડબ્રહ્માનાં પૂર્વ ધારાસભ્ય અને આદિવાસી નેતા રમિલાબહેન બારા પર પસંદગી ઉતારી છે.
શુક્રવારે ફૉર્મ ભરવાનો છેલ્લો દિવસ છે અને ઉમેદવારો આજે 12.39 કલાકે ઉમેદવારી નોંધાવશે.
ચેલ્સીને જેલમાંથી છોડવાનો આદેશ
અમેરિકાની એક કોર્ટે પૂર્વ ઇન્ટેલિજન્સ ઍનાલિસ્ટ ચેલ્સી મૈનિંગને જેલમાંથી તાત્કાલિક છૂટા કરવાનો આદેશ આપ્યો છે.
ગત વર્ષે મે મહિનામાં વિકિલીક્સ વેબસાઇટની તપાસ સાથે જોડાયેલા એક કેસમાં કોર્ટમાં હાજર થવાનો ઇન્કાર કરતાં કોર્ટની અવમાનનાના આરોપસર તેમની અટકાયત કરાઈ હતી.
વર્ષ 2013માં ચેલ્સીને ઇરાક અને અફઘાનિસ્તાન યુદ્ધ સાથે સંકળાયેલા સેનાના જાસૂસી દસ્તાવેજો વિકિલીક્સને આપવાના મામલે દોષી ઠેરવ્યાં હતાં.
આ અઠવાડિયે શુક્રવારે ચેલ્સીને કોર્ટમાં હાજર થવા જવાનું હતું, પરંતુ જજે કહ્યું કે હવે તેઓએ કોર્ટમાં હાજર થવાની જરૂર નથી.
ચેલ્સીના વકીલોનું કહેવું છે કે આપઘાતની કોશિશ બાદ ચેલ્સી હાલમાં હૉસ્પિટલમાં દાખલ છે અને તેમનો ઇલાજ ચાલી રહ્યો છે.
'NPR માટે કોઈ દસ્તાવેજની જરૂર નહીં'
રાજ્યસભામાં ગુરુવારે દિલ્હી હિંસા પર ચર્ચા થઈ હતી. ચર્ચા દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટ કર્યું કે નેશનલ પૉપ્યુલેશન રજિસ્ટર એટલે કે એન.પી.આર. માટે નાગરિકો કોઈ દસ્તાવેજ દેખાડવા નહીં પડે. તેમજ કોઈ નાગરિકને સંદિગ્ધની શ્રેણીમાં પણ રાખવામાં નહીં આવે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે ચર્ચામાં ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષોના સવાલો જવાબો પણ આપ્યા.
વિપક્ષના આરોપ પર અમિત શાહ બોલ્યા કે "24 ફેબ્રુઆરીથી અગાઉ સરકાર પાસે માહિતી આવી ગઈ હતી કે દિલ્હી હિંસા માટે વિદેશથી પૈસા આવ્યા છે."
"દિલ્હીમાં પૈસા વહેંચાયા હતા. પૈસાને મુદ્દે તપાસ પણ શરૂ કરી દીધી હતી. જોકે તપાસ દરમિયાન જ દિલ્હીમાં હિંસાની શરૂઆત થઈ ગઈ હતી."
શાહે કહ્યું કે હિંસા માટે ફન્ડિંગ કરવાવાળાને અમે ઝડપથી પકડી લેશું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો