Corona: અમેરિકામાં કોરોનાની દહેશતનો આંખે દેખ્યો અહેવાલ

    • લેેખક, વિનીત ખરે
    • પદ, બીબીસી સંવાદદાતા, વૉશિંગ્ટનથી

કોરોના વાઇરસની મહામારીને પગલે અમેરિકાના રક્ષા મંત્રીએ 15-16 માર્ચનો એમનો ભારત પ્રવાસ રદ કરી દીધો છે. એમનો આ નિર્ણય કોરોનાને લઈને અમેરિકામાં તેનો સૂચક છે.

ઝડપથી ગાયબ થતી પાણીની બૉટલો. દુકાનોની બહાર ગ્રાહકોની લાંબી કતાર. હૅન્ડ સૅનિટાઇઝર તથા ટૉઇલૅટ પેપર જેવી ચીજોની અછત.

ખાવા-પીવાનો જરૂરી સામાન એકઠો કરી રહેલા લોકો. અમેરિકાનાં અનેક શહેરોમાંથી આવી તસવીરો જ આવી રહી છે.

ગયા અઠવાડિયે હું એક સ્ટોરમાં પાણીની બૉટલ ખરીદવા ગયો હતો. મને એ જોઈને આશ્ચર્ય થયું હતું કે સ્ટોર ખાલી હતો. અગાઉ એવું મેં ક્યારેય જોયું ન હતું.

મોટા સ્ટોરની મોટી ટ્રૉલીઓ સંપૂર્ણપણે ખાલી હતી. બટાટા અને ગાજર સુદ્ધાં વેચાઈ ચૂક્યા હતા. સ્ટોરની બહાર માસ્ક પહેરીને ઉભેલા સલામતી રક્ષકો ટ્રૉલીઓનાં હૅન્ડલ સાફ કરી રહ્યા હતા.

બીજા દિવસે સવારે વહેલા આવવાની સલાહ આપતાં સ્ટોરના એક કર્મચારીએ જણાવ્યું હતું, "માલસામાન જલદી ખલાસ થઈ જાય છે. મારા ઘરમાં પણ પાણીની બોટલો ખતમ થઈ ગઈ હતી અને સવારે ફરી આવવા સિવાય કોઈ વિકલ્પ ન હતો."

બીજા દિવસે સવારે પણ સ્ટોરની બહાર લાંબી લાઈન હતી. માલસામાન ઝડપથી ખતમ થઈ રહ્યો હતો.

ચીન પછી ઈટાલીમાં લૉકડાઉનના સમાચારો અને અમેરિકામાં કોરોના સંક્રમણના મામલાઓની ઝડપથી વધતી સંખ્યાએ અમેરિકાના અનેક હિસ્સાઓમાં અફરાતફરી મચાવી દીધી છે.

એક સ્ટોર પર પરિસ્થિતિ એટલી વણસી હતી કે વહીવટીતંત્રે દરમિયાનગીરી કરવી પડી હતી.

ટૉઇલૅટ પેપર, સૅનિટાઇઝર અને પાણી વગેરે ખરીદવા લોકો સ્ટોર પર આવ્યા હતા અને ધમાલ કરવા લાગ્યા હતા.

અમેરિકામાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 26 લોકો મૃત્યુ પામ્યા છે અને ચેપ લાગ્યાના 650થી વધુ કેસ બહાર આવી ચૂક્યા છે.

અમેરિકાના લોકોમાં કોરોનાનો ડર વધી રહ્યો છે. મારા જેવા ઘણા લોકો વાઇરસના ભયથી ઘરની બહાર નીકળતાં ખચકાય છે.

ભયભીત છે લોકો

કૅલિફોર્નિયામાં એક ટેક્નૉલૉજી કંપની સાથે સંકળાયેલા અને ઈન્ડિયા કમ્યુનિટી સૅન્ટર(આઈસીસી)ના ચીફ ઍક્ઝીક્યુટિવ ઑફિસર રાજ દેસાઈ કહે છે, "અમેરિકામાં પણ ઈટાલી જેવું લૉકડાઉન થવાનો લોકોને ભય છે."

રાજ દેસાઈના જણાવ્યા મુજબ, "કૅલિફોર્નિયાના બે એરિયામાં લગભગ બે લાખ ભારતીયો કામ કરે છે અથવા વસવાટ કરે છે."

રાજ દેસાઈ કહે છે, "લોકો જરૂરિયાતનો સામાન એકઠો કરી રહ્યા છે. અમે પણ અમારા સભ્યોને સૅનિટાઇઝર ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. સૅનિટાઇઝર જેવી સામગ્રીની બજારમાં અછત છે."

આઈસીસીના ચાર પરિસર સાથે લગભગ 600 વૃદ્ધ લોકો પણ જોડાયેલા છે. વૃદ્ધોમાં કોરોનાનો ચેપ લાગવાની શક્યતા વધુ હોય છે.

અમેરિકામાં 'કટોકટી'

ચૂંટણીના વર્ષમાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ માટે આ ખરાબ સમાચાર છે.

તેમણે આર્થિક ક્ષેત્રમાંની તેમની સિદ્ધિઓને તેમના સમગ્ર ચૂંટણી અભિયાનમાં મહત્વનો મુદ્દો બનાવી છે.

કોરોના વાઇરસને કારણે અમેરિકન નાગરિકોનાં મોતની અસર સ્ટૉક માર્કેટ પર પણ થઈ છે અને શૅરબજાર તૂટ્યું છે.

વહીવટીતંત્રે વાઇરસનો પ્રસાર રોકવામાં આરંભે બેદરકારી દાખવી હોવાનો અને હવે શક્ય તેટલા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવાનો દેખાડો કરાતો હોવાનો આક્ષેપ છે.

વહીવટીતંત્ર વાઇરસની દવા બનાવવા અને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે આઠ અબજ ડૉલરના ઇમરજન્સી ફંડનો ઉપયોગ કરી રહ્યું છે.

રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, ઉપરાષ્ટ્રપ્રમુખ અને ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે જોડાયેલા અન્ય લોકો ટૅલિવિઝન પર સતત જોવા મળી રહ્યા છે અને તેઓ કોરોના વાઇરસ સામેની લડાઈ સંબંધી અપડેટ લોકોને સતત આપી રહ્યા છે.

અલબત, વાઇરસને લીધે થતાં મોત અને સંક્રમણના નવા કેસની સંખ્યા વધતી જ જાય છે.

આ ખતરનાક વાઇરસને રોકવા માટે વૉશિંગ્ટન, કૅલિફોર્નિયા, ફ્લૉરિડા અને ન્યૂ યોર્ક જેવાં રાજ્યો કટોકટી જાહેર કરી ચૂક્યાં છે.

મોંઘી છે સારવાર

અમેરિકામાં આ વાઇરસનો ચેપ, ચીન ન ગયા હોય અથવા વાઇરસગ્રસ્ત ક્ષેત્રમાંથી આવેલી કોઈ વ્યક્તિના સીધા સંપર્કમાં ન આવ્યા હોય એવા લોકોને પણ લાગ્યો છે.

કટોકટીની જાહેરાત થવાથી પ્રદેશને અનેક પ્રકારની સત્તા મળી જતી હોય છે અને તેઓ કટોકટીની પરિસ્થિતિ માટે તૈયાર યોજનાઓનો અમલ કરી શકે છે.

કોરોનાનો ચેપ લાગ્યો હોય એવા લોકો રાજધાની વૉશિંગ્ટન તથા તેની આસપાસના વિસ્તારોમાંથી પણ મળી આવ્યા છે. કૉંગ્રેસ એટલે કે અમેરિકન સંસદના સભ્યો સુદ્ધાંએ ખુદને અલગ રાખવા પડ્યા છે.

અમેરિકામાં કોરોના વાઇરસ કેટલો ફેલાયો છે તેનાં સાચા પ્રમાણની ખબર પડી નથી અને એ માટે અહીંની પરીક્ષણોની મોંઘી ફીને જવાબદાર માનવામાં આવે છે.

કોરોના વાઇરસને કારણે અર્થતંત્રને થયેલા નુકસાનનો તાગ મેળવવામાં આવી રહ્યો છે.

જોકે, ઈટાલી કે ચીન જેવા લૉકડાઉનની કોઈ સ્તરે હજુ સુધી કશી વાત થઈ નથી.

રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક ટ્વીટમાં જણાવ્યું હતું, "ગયા વર્ષે સામાન્ય ફ્લૂને કારણે 37,000 અમેરિકન નાગરિકો મૃત્યુ પામ્યા હતા. પ્રતિવર્ષ સરેરાશ 27થી 30 હજાર લોકો આ કારણસર મૃત્યુ પામતા હોય છે. કશું બંધ થયું નથી. જિંદગી અને અર્થતંત્ર આગળ વધતાં રહેશે."

ન રમાઈ હોળી, પાકિસ્તાન દિવસ પણ રદ

રાજ દેસાઈ કહે છે, "વૃદ્ધો સંબંધી યોગ, ચર્ચા, ડાન્સ વગેરેના બધા કાર્યક્રમ બે સપ્તાહ માટે રદ કરવામાં આવ્યા છે. આગળની પરિસ્થિતિ બાબતે અમે વિચારણા કરી રહ્યા છીએ."

તેઓ ઉમેરે છે, "અમે હોળીનો કાર્યક્રમ પણ રદ કર્યો હતો. સાન ફ્રાન્સિસ્કો, સ્ટૅનફર્ડ વગેરેમાં હોળીના સામુદાયિક કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા. હવે માત્ર પારિવારિક કાર્યક્રમો યોજાશે."

કૅલિફૉર્નિયાના બે એરિયામાંના પાકિસ્તાન અમેરિકન સૅન્ટરે પણ આ વર્ષે 23 માર્ચે યોજાનારો પાકિસ્તાન દિવસનો કાર્યક્રમ રદ કર્યો છે.

સૅન્ટરે બહાર પાડેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાન દિવસ અને પાકિસ્તાન સ્વાતંત્ર્ય દિવસની ઊજવણી હવે ઑગસ્ટમાં એક સાથે કરવામાં આવશે.

પાકિસ્તાનની રચનાની દરખાસ્ત 1940માં લાહોરમાં મુસ્લિમ લીગના અધિવેશનમાં પસાર કરવામાં આવી તેની સ્મૃતિમાં પાકિસ્તાન દિવસની ઊજવણી કરવામાં આવે છે.

પાકિસ્તાન સૅન્ટર સાથે સંકળાયેલા એક વૃદ્ધ અય્યુબ (નામ બદલ્યું છે) કહે છે, "અમે સામૂહિક કાર્યક્રમ રદ કર્યા છે. જીમ્નેશ્યમમાં અને રસ્તાઓ પર પણ ઓછા લોકો જોવા મળી રહ્યા છે."

તેઓ ઉમેરે છે, "સામાન્ય રીતે પાકિસ્તાન દિવસના કાર્યક્રમમાં 200થી 250 લોકો એકઠા થતા હોય છે. સૅન્ટરમાં યોજાતા સાપ્તાહિક કાર્યક્રમોમાં 25થી 30 લોકો જ આવે છે. એ પૈકીના મોટાભાગના 50 વર્ષથી વધુની વયના છે. દરેક વ્યક્તિ ચિંતિત અને સાવધ છે."

આ વિસ્તારમાં રહેતા મોટાભાગના ભારતીયો અને પાકિસ્તાનીઓ ટૅક્નોલૉજી કંપનીઓમાં કામ કરે છે. એ બધા હાલ ઘરેથી જ કામ કરી રહ્યા છે.

અય્યુબ કહે છે, "હું ઘરમાં જ રહું છું અને જિમ્નેસિયમના દરેક ઉપકરણને સૅનિટાઇઝ કરું છું. ચીનથી આવતા લોકોની સંખ્યા ઘટી ગઈ છે. લોકો પોતપોતાની કારમાં પણ સૅનિટાઇઝર રાખી રહ્યા છે."

અય્યુબ પોતે ટેક્નૉલૉજી કંપનીમાંથી રિટાયર થયેલા છે અને તેમનાં સંતાનો ટેક્નૉલૉજી કંપનીમાં જ હાલ ઘરેથી કામ કરી રહ્યા છે.

અય્યુબ કહે છે, "ઘરમાં અમે બે જ જણ છીએ. અમે ફ્રીઝરમાં અમારું ખાવાનું રાખીએ છીએ. અમારી પાસે બહુ બધી દાળ, ચિકન અને બીફ છે. ખાવાની સામગ્રી સામાન્ય રીતે અમે એકસાથે જ ખરીદીએ છીએ. અમારે માત્ર શાકભાજી ખરીદવાં પડે છે."

વેપારીઓ અને ફિસ કર્મચારીઓનો ભય

એક ઉદ્યોગ સંગઠન સાથે સંકળાયેલાં સુચિતા સોનાલિકા કહે છે, "લોકોએ કામ કરવા માટે બીજી વ્યક્તિના સીધા સંપર્કમાં ન આવવું પડે એવી વ્યવસ્થા અનેક કંપનીઓ કરી રહી છે."

સુચિતા સોનાલિકા એમ પણ કહે છે, "લોકોને ઘરેથી કામ કરવાનું કહેવામાં આવ્યું છે. એક જ બિલ્ડિંગમાં હોવા છતાં વાતચીત માટે ઇન્ટરનેટ આધારિત સેવાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કામ સમયસર થતું રહે, લોકો એકમેકની સાથે જોડાયેલા રહે એવા પ્રયાસ અમે કરીએ છીએ."

કોરોના વાઇરસનો પ્રભાવ સમગ્ર વિશ્વની સપ્લાય ચેન પર પડ્યો છે અને તેને કારણે થયેલા નુકસાનનો તાગ વેપારજગતના લોકો મેળવી રહ્યા છે.

સુચિતા સોનાલિકા કહે છે, "અમે લોકો આવી હાલતમાં રહેતાં હોઈએ એવું આ પહેલીવાર બન્યું છે."

સુચિતા સોનાલિકા આજકાલ ઑફિસે તો જાય છે, પરંતુ એમની ઑફિસમાં પણ કર્મચારીઓ પાસે ઘરેથી જ કામ કરાવવાની વિચારણા ચાલી રહી છે.

સમલૈંગિક સમુદાય પર પણ ખતરો

દક્ષિણ એશિયા અને ભારતીય-કૅરેબીયન દ્વીપોમાંથી આવેલા ગે, લૅસ્બિયન, બાયસૅક્સુઅલ, ટ્રાન્સજૅન્ડર અને ક્વિયર (એલજીબીટીક્યૂ) સમુદાયના લોકો માટે કાર્યરત સંસ્થાના 'દેસીક્યૂ ડાયસ્પોરા 2020' કાર્યક્રમ પર પણ અનિશ્ચિતતાનાં વાદળ ઘેરાયાં છે.

આ કાર્યક્રમ 15 મેના રોજ યોજાવાનો છે અને તેમાં લગભગ 300 મહેમાનો ભાગ લેશે એવી આશા છે.

'દેશીક્યૂ ડાયસ્પોરા 2020'ની આયોજન સમિતિના સભ્ય ખુદાઈ તનવીર કહે છે, "અમને પૂછવામાં આવી રહ્યું છે કે અમે મહેમાનોને સલામત કઈ રીતે રાખીશું?"

નેશનલ એલજીબીટીક્યૂ કૅન્સર નેટવર્કનું કહેવું છે કે કોરોના વાઇરસનો ચેપ લાગવાનું જોખમ આ સમુદાયના લોકો પર વધુ છે, કારણ કે એલજીબીટીક્યૂ સમુદાયના લોકો ધુમ્રપાન વધારે કરતા હોય છે અને તેમાં એચઆઈવીના ચેપનો ખતરો પણ વધુ હોય છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો