JNU હિંસા : અભિનેત્રી દીપિકા પાદુકોણ વિદ્યાર્થીઓને સમર્થન આપવા JNU પહોંચ્યાં

દીપિકા પાદુકોણ જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયમાં થયેલી હિંસાના વિરોધમાં આયોજિત પ્રદર્શનમાં વિદ્યાર્થીઓને સમર્થન આપવા પહોંચ્યાં હતાં.

અત્યાર સુધી બોલીવૂડના અનેક સ્ટાર્સ JNUમાં થયેલી હિંસાનો વિરોધ કરી ચૂક્યા છે અને વિદ્યાર્થીઓને સમર્થન પણ આપી રહ્યા છે.

આ વચ્ચે મંગળવારે મોડી સાંજે દીપિકા પણ વિદ્યાર્થીઓને સમર્થન આપવા માટે પહોંચ્યાં હતાં.

જેએનયુ પરિસરમાં રવિવારે બુકાનીધારી શખ્સોએ હુમલો કર્યો હતો. આ હિંસામાં જેએનયુના ઘણા વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઘાયલ થયા છે.

દિલ્હીની સાથોસાથ મુંબઈ, કોલકાતા, પુણેમાં પણ જેએનયુની ઘટનામાં વિરોધમાં વિદ્યાર્થીઓએ પ્રદર્શન કર્યાં હતાં.

ત્યારે હવે આ ઘટના પર ફિલ્મજગતના લોકો પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

કોણે-કોણે શું કહ્યું?

અભિનેતા મનોજ બાજપેયીએ હિંસાની તસવીર પોસ્ટ કરતાં લખ્યું, "આ તસવીરો ક્રૂર, ભયાવહ અને ડરામણી છે. કોઈ પણ લોકતંત્રમાં કૉલેજ અને વિશ્વવિદ્યાલય આટલી અસુરક્ષિત ન હોવી જોઈએ, જ્યાં ગુંડાઓ પ્રવેશીને નુકસાન કરે, ખૌફ પેદા કરે."

કોંકણા સેન શર્માઃ વિદ્યાર્થીઓ પર હુમલો કરનારા આ ડરપોક કોણ છે? પોલીસ વિદ્યાર્થીઓની સુરક્ષા કેમ નથી આપતી?? વિશ્વાસ નથી થતો.

શબાના આઝમીઃ આ તો હદ છે. માત્ર નિંદા પૂરતી નથી. ગુનેગારો સામે તાત્કાલિક કાર્યવાહીની જરૂર છે.

અનુરાગ કશ્યપઃ હવે ભાજપનો નિંદા કરવાનો વારો છે. તેઓ કહેશે કે જેઓએ કર્યું છે એ ખોટું કર્યું છે. પણ સાચું એ છે કે જે થયું એ ભાજપ અને ABVPએ કર્યું છે. @narendramodi અને @AmitShahની છત્રછાયા નીચે કરાયું. @DelhiPoliceની સાથે મળીને કર્યું. આ જ સાચું છે.

રીચા ચડ્ઢાઃ દિલ્લી પોલીસ યાદ રાખજો. 1922માં 'ચૌરાચૌરી'માં શું થયું હતું. આજે કોઈ આંદોલન હિંસક થઈ જાય તો આંદોલનને પરત લેનારા કોઈ મહાત્મા નથી. તમારો મહોરાંની જેમ ઉપયોગ કરાઈ રહ્યો છે.

સોનમ કપૂરઃ જ્યારે તમે માસૂમો પર હુમલો કરો છો ત્યારે કમસે કમ તમારો ચહેરો દેખાડો. આ એકદમ ઘૃણાસ્પદ છે.

તાપસી પન્નુઃ એ જગ્યા જ્યાં આપણું ભવિષ્ય તૈયાર થાય છે, ત્યાંની આ સ્થિતિ છે. તેના પર બધી બાજુથી લોકો ડાઘ લગાવી રહ્યા છે. આ એવું નુકસાન છે જેની ભરપાઈ ન થઈ શકે. દુઃખદ છે.

જેનેલિયા દેશમુખઃ બુકાનીધારી ગુંડાઓનાં દૃશ્યો જોઈને બહુ દુઃખી છું. જેએનયુમાં ઘૂસીને વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર હુમલો- બહુ ક્રૂરતા. ગુનેગારોની ઓળખ કરીને અને તેમને (પીડિતો) ન્યાય અપાવવા માટે પોલીસને વિનમ્ર અપીલ કરું છું.

રિતેશ દેશમુખઃ તમને તમારો ચહેરો ઢાંકવાની જરૂર કેમ પડે છે? કેમ કે તમે જાણો છો કે કંઈક ખોટું, અવૈધ અને દંડનીય કામ કરી રહ્યા છો. તેમાં કોઈ સન્માન નથી- જેએનયુની અંદર બુકાનીધારી ગુંડાઓ દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકો પરનો હુમલો, તેની ભયાવહતા અને હિંસાને સાંખી ન લેવી જોઈએ.

દિયા મિર્ઝાઃ ક્યાં સુધી તેને ચાલુ રાખવાની પરવાનગી અપાશે? ક્યાં સુધી આંખો બંધ કરશો? રાજકારણ કે ધર્મના નામે કેટલા દિવસો સુધી માસૂમ લોકો પર હુમલો કરાશે? હવે બહુ થયું.

સ્વરા ભાસ્કરઃ જેએનયુમાં કાલ રાતે થયેલો હુમલો છેલ્લાં ત્રણ વર્ષથી જેએનયુના વિદ્યાર્થીઓ, તેના શિક્ષકો અને આ સંસ્થા સામે સરકાર, ગોદી મીડિયા, ભાજપ આઈટી સેલ અને જેએનયુના વીસી, જેએનયુ પ્રસાશન તરફથી ચલાવાઈ રહેલા દુષ્પ્રચારનું પરિણામ છે.

કુણાલ કામરાઃ ભારત લોકતંત્રનું નકલી એકાઉન્ટ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો