સાયરસ મિસ્ત્રીની ટાટા જૂથના ચૅરમૅન તરીકે વાપસી, NCLATએ આપ્યો ચુકાદો

ટાટા સન્સમાં સાયરસ મિસ્ત્રીના પુનરાગમનનો માર્ગ નેશનલ કંપની લૉ ઍપેલેટ ટ્રિબ્યૂનલે પ્રશસ્ત કર્યો છે.

બ્લૂમબર્ગ ક્વિન્ટેના રિપોર્ટ મુજબ, ટ્રિબ્યૂનલે ઠેરવ્યું છે કે વર્ષ 2016માં ટાટા સન્સમાંથી મિસ્ત્રીની હકાલપટ્ટી ગેરકાયદેસર હતી. આ સિવાય ટાટા સન્સને પબ્લિકમાંથી પ્રાઇવેટ કંપની બનાવવાનો નિર્ણય ગેરકાયદેસર હતો.

ટ્રિબ્યૂનલે ઠેરવ્યું હતું કે રતન ટાટાએ મિસ્ત્રી સામે કરેલી કાર્યવાહી દમનપૂર્ણ હતી.

બીજી બાજુ ટાટા સન્સના વકીલોએ ચાર અઠવાડિયાનો સમય માગ્યો હતો, જેથી કરીને ટ્રિબ્યૂનલના ચુકાદાને સર્વોચ્ચ અદાલતમાં પડકારી શકાય, આ વિનંતીને ટ્રિબ્યૂનલે ગ્રાહ્યા રાખી હતી અને ચાર અઠવાડિયાનો સમય આપ્યો હતો.

ઉલ્લેખનીય છેકે બુધવારથી સર્વોચ્ચ અદાલતનું નાતાલ વૅકેશન શરૂ થઈ રહ્યું છે.

હેલ્મેટ મુદ્દે હંગામો

ગુજરાત સરકારે નગરપાલિકા અને મહાનગરપાલિકામાં ફરજિયાત હેલ્મેટનો કાયદો રદ કરી દેતા સુપ્રીમ કોર્ટે સરકારની ઝાટકણી કાઢી છે અને ખુલાસો માગ્યો છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ સુપ્રીમ કોર્ટની રોડ ઍન્ડ સેફ્ટી કમિટિએ ગુજરાત સરકાર પાસે આ અંગે ખુલાસો માગ્યો છે.

આ કમિટિએ સરકારને ફરીથી બે પૈડાવાળાં વિહિકલો માટે ફરીથી હેલ્મેટ ફરજિયાત કરવાની સુચના આપી છે.

સુપ્રીમ કોર્ટની કમિટિએ પૂછ્યું છે કે એમની માર્ગદર્શિકાને કેમ અવગણવામાં આવી.

અખબારના જણાવ્યા મુજબ આ અંગે હજી ગુજરાત સરકારે કમિટિને કોઈ જવાબ નથી આપ્યો.

વિરોધ કરવો હોય તો કરો, નાગરિકતા કાયદો લાગુ થશે જ - અમિત શાહ

દેશભરમાં નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં થઈ રહેલાં વિરોધપ્રદર્શનો અંગે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે ગમે તે થાય પણ દેશભરમાં આ કાયદો લાગુ કરવામાં આવશે.

નવી દિલ્હી ખાતે આજ તક અને ઇન્ડિયા ટુડે દ્વારા આયોજિત કાર્યક્રમમાં અમિત શાહ હાજર રહ્યા હતા અને આ નિવેદન આપ્યું હતું.

અમિત શાહે કહ્યું, "તમારે રાજકીય વિરોધ કરવો હોય તો કરો, ભારતીય જનતા પાર્ટીની મોદી સરકાર દૃઢ છે."

"આ તમામ શરણાર્થીઓને નાગરિકતા મળશે, તેઓ ભારતના નાગરિક બનશે અને સન્માન સાથે દુનિયામાં રહેશે."

શું વધશે જીએસટીના દર?

લાઇવ મિન્ટના અહેવાલ પ્રમાણે બુધવારે 38મી જીએસટી કાઉન્સિલ બેઠક નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળશે.

અહેવાલમાં નોંધ્યું છે કે આ બેઠકમાં જીએસટીના દરમાં અને સ્લેબમાં વધારો કરવામાં આવી શકે છે.

આ બેઠકમાં વિવિધ ચીજો પરના જીએસટી તથા કૉમ્પેન્સેશન સેસ રેટનો રિવ્યૂ એ મુખ્ય ઍજન્ડા રહેશે.

જોકે આ બેઠક એવા સમયે મળી રહી છે જ્યારે દેશના મોટાભાગના ઉદ્યોગો મંદી જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે.

યુનિવર્સિટીઓમાં પોલીસના બળપ્રયોગનો USમાં વિરોધ

યુનાઇટેડ સ્ટેટ્સની 19 યુનિવર્સિટીઓના 400થી વધારે વિદ્યાર્થીઓએ ભારતની યુનિવર્સિટીઓમાં પોલીસ દ્વારા કરવામાં આવેલા બળપ્રયોગનો વિરોધ કર્યો છે.

ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે આ યુનિવર્સિટીઓમાં ઑક્સફર્ડ, હાર્વર્ડ, સ્ટેન્ફર્ડ સહિતની વિશ્વવિખ્યાત યુનિવર્સિટીઓ સામેલ છે.

ભારતીય યુનિવર્સિટીઓમાં નાગરિકતા સંશોધન બિલનો વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસ દ્વારા કરાયેલા બળપ્રયોગની યૂએસના વિદ્યાર્થીઓએ નિંદા કરી છે.

આ વિદ્યાર્થીઓએ એક નિવેદન જાહેર કર્યું.

જેમાં લખ્યું, "અમે યૂએસની યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ, પૂર્વ વિદ્યાર્થીઓ જામિયા મિલિયા ઇસ્લામિયા અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ થયેલા પોલીસદમનની નિંદા કરીએ છીએ."

"આ પોલીસદમન ભારતીય બંધારણના માનવાધિકાર અને ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ લૉનું ઉલ્લંઘન છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો