You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બ્રિટન ચૂંટણી : બોરિસ જોન્સનના પ્રચાર માટેનું હિંદી સૉન્ગ વાઇરલ #SOCIAL
બ્રિટનમાં 12 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાવાની છે અને 13 ડિસેમ્બરના રોજ ચૂંટણીનાં પરિણામો આવવાનાં છે.
પાછલાં પાંચ વર્ષમાં બ્રિટનમાં આ ત્રીજી વખત ચૂંટણી યોજાઈ રહી છે. જેમ-જેમ ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે, તેમ-તેમ પ્રચારઅભિયાન તેજ બની રહ્યું છે.
2011ના વસતિગણતરી પ્રમાણે, બ્રિટનની કુલ જનસંખ્યા લગભગ છ કરોડ છે. જે પૈકી 2.5 ટકા વસતિ ભારતીય મૂળના નાગરિકોની છે.
આ જ કારણે રાજકીય પક્ષો બ્રિટનમાં વસતી ભારતીય પ્રજાને આકર્ષી શકે એ પ્રકારે પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે.
કન્ઝર્વેટિવ પાર્ટીના ભારતીય ઉમેદવાર અને ભૂતપૂર્વ સાંસદ શૈલેશ વારા દ્વારા ટ્વીટ કરાયેલ વીડિયો આ ટ્રૅન્ડનું જ એક ઉદાહરણ છે.
આ વીડિયોમાં હિંદી ગીત સાંભળવા મળે છે, જેમાં બોરિસ જોન્સનને જિતાડવા માટેની અને લેબર પાર્ટીના નેતા જેરેમી કૉર્બિનના વિરોધમાં ઘણી વાતો સાંભળી શકાય છે.
વીડિયોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે બોરિસ જોન્સનની કેટલીક તસવીરો પણ જોઈ શકાય છે. ગીતના બોલ કંઈક આવા છે:
"જાગો... જાગો... જાગો
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચુનાવ ફિર સે આયા હે બોરિસ કો હમે જિતાના હે
ઇસ દેશ કો આજ બચાના હે
કુછ કરકે હમે દિખાના હે"
પ્રચારનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે અને ભારતમાં કેટલાક લોકો આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
જોકે, આ વીડિયો બોરિસ જોન્સન દ્વારા કે કન્ઝર્વેટિવ પાર્ટીના ઑફિશિયલ હૅન્ડલ દ્વારા શેર નથી કરાયો. તેમજ એ પણ સ્પષ્ટ નથી કે આ વીડિયો કોણે બનાવ્યો છે.
શંભુ ઘટકે લખ્યું કે, "બોરિસ જોન્સનનું આ પ્રચારગીત કોઈ લોકલ સ્ટૂડિયોમાં બનાવાયું છે, જેથી સ્થાનિક કલાકારો માટે નોકરીઓ પેદા કરી શકાય."
સિદ્દાક આહુજાએ લખ્યું કે, "કન્ઝર્વેટિવ પાર્ટીએ બૉલિવૂડ જેવું ગીત બનાવ્યું છે.""આ જાહેરાત એટલી ખરાબ છે કે તેને જોઈને બોરિસ જોન્સનને વોટ નહીં મળે."
પ્રફુલ્લ કેતકતે ટ્વીટ કર્યું કે, "બોરિસ જોન્સનનો આ હિંદી વીડિયો ખૂબ જ સર્જનાત્મક છે.""આ વીડિયો એ વાતનો પુરાવો છે કે ભારતીય ભલે ગમે ત્યાં રહે, પરંતુ તેમને ચૂંટણી ખૂબ જ ગમે છે."
ફારૂક યુસુફે લખ્યું કે, "બોરિસ જોન્સનનું હિંદીઅભિયાન ઘણું મજાકી છે, ખાસ કરીને બોરિસનું હિંદી ઉચ્ચારણ."
મંદિર-ગુરુદ્વારા કનેક્ષન...
બ્રિટનની ચૂંટણીમાં ભારતીયો સાથે જોડાયેલો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં એક શખસ મંદિરમાં લોકોને લેબર પાર્ટી વિરુદ્ધ ઘણી વાતો કહેતો દેખાય છે. તે કહે છે કે, "લેબર પાર્ટીના જેરેમી ઍન્ટિ-મોદી, ઍન્ટિ-ઇન્ડિયા છે. જો લેબર પાર્ટી સત્તામાં આવશે તો હિંદુ અને શીખ સુરક્ષિત નહીં રહે."
આ વીડિયો ક્યારનો છે અને આ મંદિર ક્યાં આવેલું છે, એ અંગે કોઈ ખાતરીપૂર્વકની માહિતી ઉપલબ્ધ નથી.
બોરિસ જોન્સન ઘણી વખત મંદિર અને ગુરુદ્વારામાં જાય છે.
જોકે, 2017માં જ્યારે તેઓ વિદેશ મંત્રી હતા, ત્યારે તેમને એક ગુરુદ્વારામાં શીખોની નારાજગીનો ભોગ બનવું પડ્યું હતું.
ચૂંટણીપ્રચાર દરમિયાન ગુરુદ્વારામાં બોરિસે કહ્યું હતું :
"જ્યારે પણ બ્રિટનથી ભારતના લોકો પાછા જાય છે ત્યારે તેઓ ડ્યૂટી ફ્રી વ્હિસ્કીની બોટલ જરૂર લઈ જાય છે. કારણ કે ભારતમાં સ્કૉચ પર 150 ટકા ડ્યૂટી લાગે છે. તેથી જો કન્ઝર્વેટિવ પાર્ટીની સરકાર બનશે ત્યારે ભારતના લોકો વ્હિસ્કીનો આનંદ માણી શકશે,
કારણ કે મુક્ત વેપારની જોગવાઈઓ હેઠળ બ્રિટન સ્કૉચ પર ઇમ્પોર્ટ ડ્યૂટી નહીં લાદે."
ત્યારે જ એક શીખ મહિલાએ આ નિવેદન અંગે આપત્તિ વ્યક્ત કરતાં કહ્યું હતું કે :
"બોરિસે ગુરુદ્વારામાં આવીને શરાબના પ્રચારને લગતી વાત કરી છે, જે ખૂબ જ અયોગ્ય બાબત છે."
નોંધનીય છે કે બોરિસ જોન્સનનાં પત્ની મરીના વ્હિલ છે, જેમના પિતા અંગ્રેજ છે અને માતા દીપ સિંહ છે, જેઓ ભારતીય મૂળનાં શીખ મહિલા છે.
વિદેશી ચૂંટણીઓનું ભારત કનેક્શન
આ પહેલી એવી ઘટના નથી કે જ્યારે વિદેશની ચૂંટણીમાં ભારતની ચર્ચા થઈ રહી હોય.
આ પહેલા ઇઝરાયલની ચૂંટણીમાં પણ બેન્જામિન નેતન્યાહૂએ પણ વડા પ્રધાન મોદી સહિત ઘણા રાષ્ટ્રપ્રમુખો સાથેની તસવીરોનો ઉપયોગ કર્યો હતો.
અમેરિકામાં પણ ચૂંટણીટાણે એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં ડૉનાલ્ડ ટ્રમ્પ 'આઈ લવ હિંદુ' કહેતા દેખાય છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો