TOP NEWS: ‘મહા’ વાવાઝોડાના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ

ગુજરાત સમાચારમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ અનુસાર અરબ સાગરમાં ઉદ્ભવેલા 'મહા' વાવાઝોડાના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ત્રણથી ચાર ઇંચ વરસાદ પડ્યો છે.

વાવાઝોડાના કારણે શુક્રવાર રાતથી જ પોરબંદર, સોમનાથ, દીવ, દ્વારકા તેમજ અમરેલી જિલ્લાનો દરિયો તોફાની બન્યો છે અને ગુજરાતના કાંઠાળા વિસ્તારોમાં વરસાદનો સિલસિલો શરૂ થઈ ગયો છે.

તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં શુક્રવાર મોડી રાતથી શનિવારના દિવસ દરમિયાન છૂટોછવાયો વરસાદ પડ્યો છે. 

અખબારના જણાવ્યા અનુસાર શનિવારે નવસારીના ખેરગામમાં સૌથી વધુ 3.30 ઈંચ વરસાદ પડ્યો છે. તેમજ લીંબડીમાં 2.63 ઇંચ, ધરમપુરમાં 2.44 ઇંચ, ખેડબ્રહ્મા અને કપરાડામાં 1.37 ઇંચ, વઘઈમાં 1.33 ઇંચ, સગબરામાં 1.25 ઇંચ, ચુડા ખાતે 1.22 ઇંચ, મુલીમાં 1.18 ઇંચ અને ચીખલી તેમજ વિજયનગરમાં 0.98 ઇંચ વરસાદ પડ્યો છે. 

આ સિવાય હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હજુ બે દિવસ સુધી છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

વરસાદને પગલે પહેલાંથી જ કમોસમી વરસાદનો માર સહન કરી રહેલા ખેડૂતોની ચિંતામાં વધારો થઈ ગયો છે. 

'મહા' વાવાઝોડાના કારણે હવામાનમાં આવેલા પલટાના કારણે દરિયો તોફાની બન્યો હોવાથી તંત્ર દ્વારા માછીમારોને પણ દરિયો ન ખેડવાનું સૂચન કરાયું છે. સાથે જ અરબ સાગરમાં માછીમારી કરવા ગયેલાં વાહણોને પાછાં બોલાવી લેવાયાં છે.

નાસાએ ફોટોગ્રાફરને સન્માનિત કર્યા

અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ મિલ્કી વે(આકાશગંગા)ની તસવીર માટે પેરૂના ફોટોગ્રાફર હ્યૂર્ટાને સન્માનિત કર્યા છે. હ્યૂર્ટાએ બોલીવિયામાં ઉયૂના મીઠાના મેદાનમાં આકાશગંગાની તસવીર ખેંચી હતી.

નોંધનીય છે કે આ તસવીર ખેંચવામાં હ્યૂર્ટાને 3 વર્ષનો સમય લાગ્યો હતો. તેમણે પહેલી વાર વર્ષ 2016માં આ મીઠાના મેદાનમાં જઈને તસવીર લેવાનું વિચાર્યું હતું.

હ્યૂર્ટાના જણાવ્યાનુસાર ત્યાં જઈને તેમના મનમાં જે છબિ આવી તેને સાકાર કરવામાં 3 વર્ષનો સમય લાગી ગયો.

તેમના મનમાં ઉદ્ભવેલી છબિમાં માત્ર મિલ્કી વે જ નહીં, પરંતુ મીઠાના મેદાનમાં પથરાયેલા પાણીમાં પડતું તેનું પ્રતિબિંબ પણ સામેલ હતું.

પ્રથમ પ્રયાસમાં તેમને નિષ્ફળતા હાથ લાગી હતી અને અંતે 3 વર્ષ બાદ તેઓ આ શાનદાર તસવીર ખેંચી શક્યા હતા.

ભારતીય મહિલા હોકી ટીમ ટોકિયો ઑલિમ્પિક માટે કવૉલિફાય થઈ

ભારતીય મહિલા હોકી ટીમે આવતા વર્ષે ટોકિયોમાં યોજાનારી ઑલિમ્પિક રમતોમાં ક્વૉલિફાય કર્યું છે.

મહિલા ટીમે અમેરિકા વિરુદ્ધ ઑલિમ્પિક ક્વૉલિફાયરમાં જીત હાંસલ કરીને વર્ષ 2020માં યોજાનાર ટોકિયો ઑલિમ્પિક માટે ક્વૉલિફાય કર્યું છે.

પ્રથમ ચરણની મૅચમાં અમેરિકાને 5-1થી હરાવ્યા બાદ, શનિવારે રમાયેલી બીજા ચરણની મૅચમાં અમેરિકા સામે ભારતીય ટીમને 4-1થી હારનો સામનો કરવો પડ્યો હતો.

જોકે, બંને મેચોમાં ગોલના આધારે ભારતીય ટીમ 6-5ના સ્કોરથી આગળ રહી હતી.

ભારતીય ટીમને ઑલિમ્પિકમાં પ્રવેશ અપાવવા માટેની આ મૅચમાં કૅપ્ટન રાની રામપાલે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

તેમણે 48મી મિનિટે ગોલ નોંધાવી ભારતને વિજય અપાવ્યો હતો.

તીસ હજારી કોર્ટમાં વકીલો ને પોલીસ વચ્ચે ઘર્ષણ

શનિવારે દિલ્હીની તીસ હજારી કોર્ટમાં પાર્કિંગના મુદ્દે વિવાદ થવાના કારણે પોલીસ અને વકીલો વચ્ચે ઘર્ષણ થયું હતું.

પરિસ્થિતિ ત્યારે વણસી જ્યારે વકીલોએ એવો દાવો કર્યો કે ઘર્ષણ દરમિયાન પોલીસ તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું પરંતુ પોલીસે આ વાતને નકારી દીધી.

આ ઘર્ષણમાં કેટલાંક વાહનોની તોડફોડ કરી, આગ ચાંપી દેવાઈ હતી.

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર વકીલો અથડામણ બાદ લૉક-અપ તોડીને અંદર જવા માગતા હતા. જ્યારે તેઓ પોતાના આ પ્રયત્નમાં સફળ નહોતા થઈ શક્યા અને ગેટ પાસે પડેલી બે બાઇકને આગ ચાંપી દેવાઈ હતી.

જ્યારે વકીલો આ આખી ઘટનામાં પોલીસનો વાંક કાઢી રહ્યા છે.

વકીલોએ સરકારને માગ કરી છે કે વકીલો પર ફાયરિંગ કરનાર પોલીસકર્મીઓ પર કાર્યવાહી કરવામાં આવે. જો આવું નહીં થાય તો પરિસ્થિતિ વણસવાની આશંકા પણ વકીલોએ વ્યક્ત કરી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો