ગુજરાત પેટાચૂંટણી : અલ્પેશ ઠાકોરને ઠાકોરસેના કેમ જિતાડી ન શકી?

    • લેેખક, અર્જુન પરમાર
    • પદ, બીબીસી ગુજરાતી

ગત અઠવાડિયે ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં અલ્પેશ ઠાકોરનો પરાજય થયો. જેઓ ભાજપના નેતાની સાથે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના આગેવાન પણ છે.

ઠાકોરસેના અને ભાજપના સંગઠનનું પીઠબળ હોવા છતાં રાધનપુર વિધાનસભા બેઠક પર અલ્પેશ ઠાકોરના પરાજયે ભલભલાને ચોંકાવી દીધા હતા.

ઠાકોરસેના અને ભાજપે પૂરું જોર લગાવી દીધું, એ છતાં પણ અલ્પેશ ઠાકોરને હરાવવા માટે કયાં પરિબળોએ ભાગ ભજવ્યો છે એ મુદ્દે ચર્ચાઓ થઈ રહી છે.

2017માં કૉંગ્રેસના ઉમેદવાર તરીકે રાધનપુર બેઠક પરથી જીત્યા બાદ કેમ અલ્પેશ ઠાકોરને તાજેતરમાં યોજાયેલી પેટાચૂંટણીમાં પરાજયનો સામનો કરવો પડ્યો, એ વિશે માહિતી મેળવવા માટે બીબીસી ગુજરાતીએ ઠાકોરસેનાના આગેવાનો અને સ્થાનિક પત્રકારો સાથે વાત કરી હતી.

કેમ ઠાકોરસેના અલ્પેશને ન જિતાડી શકી?

રાધનપુર વિધાનસભા બેઠક પરની હાર બાદ પોતાના સંગઠન અને કાર્યકર્તાઓની નિષ્ઠા માટે વખણાતી ઠાકોરસેના આ ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરને જિતાડવામાં ચૂક કરી ગઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

આ વિશે જ્યારે બનાસકાંઠા જિલ્લાના ગુજરાત ક્ષત્રિય ઠાકોરસેનાના પ્રમુખ ડી.ડી. ઝાલેરા સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે કહ્યું, "અલ્પેશ ઠાકોરને જિતાડવામાં ઠાકોરસેના કે ઠાકોર સમાજના લોકોએ ક્યાંક ચૂક કરી હોય એવું મને નથી લાગતું."

"પેટાચૂંટણીમાં પ્રચાર સમયે ગુજરાતના તમામ જિલ્લામાંથી ઠાકોરસેનાના હજારો કાર્યકર્તા અને આગેવાનો રાધનપુર પહોંચી ગયા હતા અને બૂથ લેવલે અલ્પેશ ઠાકોરને વધુમાં વધુ મત મળે તે માટે કાર્યરત થઈ ગયા હતા."

તેઓ આગળ જણાવે છે કે "પેટાચૂંટણી દરમિયાન ભાજપના સ્થાનિક કાર્યકર્તા અને અન્ય સમાજોમાં નારાજગીનો માહોલ હોય તેવું લાગી રહ્યું હતું."

જો કે, રાધનપુરના સ્થાનિક ઠાકોર આગેવાન દિનેશજી ઠાકોરે રાધનપુર વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના પ્રયત્નો અંગે સંતોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે "રાધનપુરમાં મતદારોને અલ્પેશ ઠાકોરને મત આપવા માટે મનાવવાના તમામ પ્રયત્નોમાં અમને ભાજપના કાર્યકર્તાઓનો પૂરતો સાથ મળ્યો હતો."

પરંતુ આનાથી વિરુદ્ધ અલ્પેશ ઠાકોરના સચિવ અને પેટાચૂંટણી સમયે પ્રચાર-અભિયાનની કમાન સંભાળનારા હાર્દિકભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું, "ઠાકોરસેનાના કાર્યકરો ઉત્સાહપૂર્વક અલ્પેશ ઠાકોરને જિતાડવા માટે સતત પરિશ્રમ કરી રહ્યા હતા."

"પરંતુ ભાજપના કેટલાક આગેવાનો દ્વારા અલ્પેશ ઠાકોરને મદદ નહીં કરવાની નીતિને કારણે તેમની હાર થઈ છે."

આ અંગે વધુ વાત કરતા હાર્દિકભાઈ ત્રિવેદી જણાવે છે, "ભાજપના મોટા નેતાઓની સૂચના અનુસાર અલ્પેશ ઠાકોરને ચૂંટણીમાં મદદ કરવામાં નહોતી આવી."

રાધનપુરના સ્થાનિક પત્રકાર મનુભાઈ ઠક્કર કે જેમણે આ પેટાચૂંટણીમાં પ્રચાર-અભિયાનથી લઈને પરિણામો સુધી સતત રાધનપુર વિધાનસભા બેઠક પર પોતાની નજર માંડી રાખી હતી.

તેઓ જણાવે છે, "ઠાકોરસેના અને ભાજપના પ્રયત્નો વિશે મારા મનમાં ક્યારેય શંકા ઊપજી નથી, પરંતુ ઠાકોર સમાજ કરતાં બીજા સમાજના લોકોમાં પક્ષપલટાને કારણે અલ્પેશ ઠાકોરની વિપરીત છાપ ઊભી થઈ જેથી તેમની હાર થઈ છે."

ઠાકોરસેનાના કારણે અન્ય સમાજો દૂર થયા?

આ અંગે સ્થાનિક પત્રકાર નરેન્દ્ર ઠાકોરે જણાવ્યું હતું, "ઠાકોરસેના અને ઠાકોર સમાજે તો અલ્પેશ ઠાકોરને ચૂંટણીમાં જિતાડવા માટે ભરપૂર મદદ કરી હતી, પરંતુ પક્ષપલટાને કારણે અન્ય સમાજના લોકો અલ્પેશ ઠાકોરથી દૂર થઈ ગયા હતા."

આ વિશે વાત કરતાં ડી.ડી. ઝાલેરા જણાવે છે, "રાધનપુર વિધાનસભામાં ઠાકોર વિરુદ્ધના દુષ્પ્રચાર અને અલ્પેશ ઠાકોરની છબિ ખરડાય એ પ્રકારનો પ્રચાર થયો."

"જેનાથી અન્ય સમાજના લોકો જે ભાજપની પરંપરાગત વોટબૅન્ક ગણાતા હતા તેમના મત પણ અલ્પેશ ઠાકોરને ન મળ્યા."

મનુભાઈ ઠક્કર જણાવે છે, "ઠાકોરસેનાની છાપ કરતાં પણ વધારે ભાજપના કાર્યકરો દ્વારા પૂરતા પ્રયત્નોનો અભાવ આ પેટાચૂંટણીમાં પ્રત્યક્ષપણે જોઈ શકાતો હતો."

"અન્ય ચૂંટણીઓમાં જેમ ભાજપના બૂથ સ્તરના કાર્યકર્તાઓ મતદારોને મતદાનમથકો સુધી લઈ જતા હતા તેવું કંઈ જ આ ચૂંટણીમાં દેખાયું નહોતું."

અલ્પેશ દ્વારા ઠાકોરસેનાના નામનો ઉપયોગ

આ વખતે ચૂંટણીમાં હાર થઈ એ પછી અલ્પેશ ઠાકોરે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે હું ઠાકોર સમાજ માટે કામ કરતો આવ્યો છું અને આગામી દિવસોમાં પણ કરતો રહીશ.

રાજકારણમાં અલ્પેશ ઠાકોરનો ઉદય તયો ત્યારેથી માંડીને ચૂંટણીમાં વિજય અને ત્યારબાદની ચૂંટણીમાં થયેલી હાર સુધી ઠાકોરસેનાનું નામ જોડાયેલું રહ્યું છે.

દારૂબંધી અને બેરોજગારી મુદ્દે ગુજરાત સરકાર સામેનાં તેમનાં આંદોલનો પણ ગુજરાત ક્ષત્રિય ઠાકોરસેનાના ઝંડા તળે જ યોજાયાં હતાં.

ત્યાર પછી ગુજરાતમાં જ્યારે પાટીદાર સમાજને અનામત આપવાની માગ ઊઠી ત્યારે એસસી, એસટી અને ઓબીસી એકતા મંચની સ્થાપનામાં પણ ગુજરાત ક્ષત્રિય ઠાકોરસેનાના કાર્યકરોએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હોવાનું કહેવાય છે.

વર્ષ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પોતે કૉંગ્રેસમાં ઠાકોરસેનાના કાર્યકરો અને સમર્થકોના આગ્રહને કારણે જોડાયા હોવાની વાત પણ તેઓ કરી ચૂક્યા છે.

એ સમયે ઠાકોરસેનાના સમર્થનના કારણે જ તેમને રાધનપુર વિધાનસભા બેઠક પર વિજય મળ્યો હોવાનું કહેવાય છે.

ત્યાર બાદ હાલ 2019માં જ્યારે તેઓ કૉંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા ત્યારે પણ તેમણે પોતાના સમાજ સાથે કૉંગ્રેસ પક્ષ અન્યાય કરી રહ્યો હોવાની વાત જ આગળ ધરી હતી.

આમ, અસંખ્ય કિસ્સામાં તેઓ ઠાકોરસેનાના નામનો ઉપોયગ કરતા જોવા મળ્યા છે.

ઠાકોર રાજકારણ અને ઠાકોરસેના

ગુજરાતના રાજકારણમાં ઠાકોર પૉલિટિક્સનો ઉદય અચાનક નથી થયો, એનાં મૂળિયાં 36 વર્ષ પહેલાં નખાવાનાં શરૂ થઈ ગયાં હતાં

રાજકીય વિશ્લેષક ડૉ. બિનોદ અગ્રવાલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "1981માં પહેલીવાર વિદ્યાર્થીઓ દ્વારા અનામત આંદોલન થયું હતું. જેને તત્કાલીન મુખ્ય મંત્રી માધવસિંહ સોલંકીએ દબાવી દીધું હતું."

"એ આંદોલન બાદ સોલંકીએ પટેલો પરની નિર્ભરતાને ઘટાડવા માટે ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમને સાથે લઈને KHAM સમીકરણ ઊભું કર્યું."

"આમ તો ઠાકોર સમુદાયનો સમાવેશ અન્ય પછાત જ્ઞાતિઓ (ઓબીસી)માં થાય છે, પરંતુ એ ગણતરીમાં ઠાકોરને ક્ષત્રિયો ગણી લેવાયા હતા. ઠાકોરો ગુજરાતના નવ જિલ્લામાં નિર્ણાયક હતા."

KHAM સમીકરણની મદદથી 1985ની કૉંગ્રેસને 182માંથી 149 બેઠક પર વિજય મળ્યો હતો, ગુજરાત વિધાનસભામાં આ એક રેકર્ડ છે, જે હજુ સુધી કોઈ પક્ષ તોડી નથી શક્યો.

અગ્રવાલ કહે છે, "સોલંકીથી નારાજ પાટીદારોને સાથે લઈને 1990માં જનતા દળ સાથે મળીને ભાજપે ગુજરાતમાં યુતિ સરકાર બનાવી. 1995 અને 1998માં પણ ભાજપ વિજેતા થયો.

"2006માં નરેન્દ્ર મોદીએ પહેલીવાર અમદાવાદના મેયર તરીકે ઠાકોર નેતાની નિમણૂક કરી. અનેક જિલ્લા તથા તાલુકા પંચાયતોમાં ઠાકોર નેતાઓની નિમણૂકો કરી, જેના કારણે કૉંગ્રેસની પરંપરાગત વોટબૅન્કમાં મોટું ગાબડું પડ્યું."

"આ સાથે ગુજરાતમાં ફરી એક વખત 'ઠાકોર પૉલિટિક્સ'નો ઉદ્દભવ થયો. 2007 અને 2012ની વિધાનસભા તથા 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપને તેનો લાભ થયો."

ઠાકોર સમાજની આર્થિક સ્થિતિ સુધારવા માટે તથા સમાજમાં પ્રવર્તમાન સામિજક તથા આર્થિક દૂષણોને નાબૂદ કરવાના તથા સમાજમાં એકતા સ્થાપિત કરવાના હેતુથી 2011માં અલ્પેશ ઠાકોરે 'ગુજરાત ક્ષત્રિય ઠાકોરસેના'ની સ્થાપના કરી હતી. તેનું વડું મથક અમદાવાદમાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો