ગુજરાતની પેટાચૂંટણીમાં ભાજપ ક્યાં ચૂકી ગયો?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ગુજરાતમાં પેટાચૂંટણીનાં પરિણામો ભાજપ માટે ચોંકાવનારાં છે. રાધનપુર, બાયડ, ખેરાલુ, થરાદ, લુણાવાડા અને અમરાઈવાડી બેઠક પર પેટાચૂંટણી યોજાઈ.

છ બેઠકમાંથી ભાજપ અને કૉંગ્રેસ બન્નેને ફાળે ત્રણ-ત્રણ બેઠકો આવી છે. રાધનપુર, થરાદ અને બાયડ બેઠક કૉંગ્રેસે જીતી લીધી છે. જ્યારે અમરાઈવાડી, ખેરાલુ અને લુણાવાડામાં ભાજપનો વિજય થયો છે.

રાધનપુર બેઠક પરથી કૉંગ્રેસના રઘુ દેસાઈએ ભાજપના અલ્પેશ ઠાકોરને હરાવ્યા છે. થરાદ બેઠક પરથી કૉંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતે ભાજપના જીવરાજ પટેલને હરાવ્યા છે. તો બાયડ બેઠક પરથી ભાજપના ધવલસિંહ ઝાલાને કૉંગ્રેસના જશુભાઈ પટેલે પરાજય આપ્યો છે.

અમરાઈવાડી બેઠકની વાત કરીએ તો અહીં કૉંગ્રેસના ધર્મેન્દ્ર પટેલને ભાજપના જગદીશ પટેલે પરાજીત કર્યા છે. ખેરાલુ બેઠકમાં કૉંગ્રેસના બાબુજી ઠાકોરને ભાજપના અજમલજી ઠાકોરે પરાજય આપ્યો છે. જ્યારે લુણાવાડા બેઠક પર કૉંગ્રેસના ગુલાબસિંહ ચૌહાણ ભાજપના જિજ્ઞેશ સેવક સામે હારી ગયા છે.

આ છ બેઠકોમાં રાધનપુર અને બાયડની બેઠકે ખાસ ચર્ચા જગાવી હતી.

આ બન્ને બેઠક પર કૉંગ્રેસમાંથી છેડો ફાડીને ભાજપનો હાથ પકડનારા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ચૂંટણી લડી રહ્યા હતા અને બન્ને હારી ગયા છે.

ભાજપના આયાતી ઉમેદવારોની હાર

રાધનપુર બેઠક પર કૉંગ્રેસના રઘુ દેસાઈ સામે ભાજપના અલ્પેશ ઠાકોરનો પરાજય થયો છે.

હાર સ્વીકારતાં અલ્પેશ ઠાકોરે કહ્યું, "ઠાકોર સમાજે મત આપ્યા, પરંતુ જાતિવાદનું રાજકારણ રમાયું, જેથી હું હારી ગયો. લોકશાહી માટે આ ખતરારૂપ છે. આવનારા સમયમાં ઠાકોર સમાજના હક માટે જ્યાં લડવાનું થાય ત્યાં લડીશ, જે કામ કરવાનું થાય તે કરીશ."

"જે સપનાં રાધનપુરના વિકાસ માટે લઈને આવ્યો હતો તે કદાચ રાધનપુરને પસંદ નહોતાં. હવે રાધનપુરનો વિકાસ ભગવાન કરશે એવું લાગી રહ્યું છે. હવે તેમનો વિકાસ કેવી રીતે થશે તે સવાલ છે."

તો બાયડ બેઠક પરના ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલાને પણ પરાજયનો અંદેશો આવી ગયો હતો અને તેઓ મતગણતરીના કેન્દ્રમાંથી બહાર નીકળી ગયા હતા.

તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે જો તેમની હાર થાય તો પણ તેઓ સ્વીકારી લેશે.

તેમણે કહ્યું, "કદાચ મારી હાર થશે તો પણ હું સ્વીકારી લઈશ, પક્ષપલટાથી મને કોઈ ફરક પડ્યો નથી. 2022ની વિધાનસભાની ચૂંટણી માટે હું કામે લાગીશ."

નોંધનીય છે કે અલ્પેશ અને ધવલસિંહ અનુક્રમે રાધનપુર અને બાયડ બેઠક પર વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી જીત્યા હતા.

જ્ઞાતિનું ફેક્ટર અને વિકાસની વિભાવના

પેટાચૂંટણીનાં આ પરિણામોમાં ભાજપ અને કૉંગ્રેસ બન્ને માટે અણધાર્યાં છે. આ અંગે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં રાજકીય વિશ્લેષક વિદ્યુત જોષી જણાવે છે કે પરિણામો મૂલવવાં માટે જ્ઞાતિનું સમિકરણ સમજવું ઘટે.

જોષી કહે છે, "આ પરિણામોમાં જ્ઞાતિના ફૅક્ટરે કામ કર્યું છે. સવર્ણ મતદારો ભાજપનો જનાધાર છે, જ્યારે કૉંગ્રેસ એ પારંપરિક રીતે અન્ય પછાત વર્ગો (ઓબીસી)ને આકર્ષે છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા કૉંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા, એ આ વખતે ભાજપ વતી લડ્યા અને પરિણામ તમારી સામે છે."

નોંધનીય છે કે રાધનપુર અને બાયડ, બન્ને બેઠકો પર ઠાકોર અને અન્ય ઓબીસી મતદારો પ્રભુત્વ ધરાવે છે.

આ ઉપરાંત સંબંધિત બેઠકો પર વિકાસની વિભાવના પણ પ્રભાવક રહી હોવાનો જોષીનો મત છે.

જોષી જણાવે છે, "ઉત્તર ગુજરાતમાં હજુ મધ્ય ગુજરાત કે અન્ય વિસ્તારો જેટલો વિકાસ નથી થયો. આ વાત એ રીતે સમજવી પડે કે જ્યાં સુધી તમને 'વિકાસનો કીડો ન કરડે' ત્યાં સુધી તમે ભાજપ તરફ આકર્ષાતા નથી."

"80ના દાયકા સુધી કૉંગ્રસના સાથે રહેલા પાટીદારો ભાજપનો મતાધાર કઈ રીતે બની ગયા? એ જ થિયરી અહીં (ઉત્તર ગુજરાતમાં) પણ લાગુ પડી છે."

આયાતી ઉમેદવારોને જાકારો

અપવાદોને બાદ કરતા ગુજરાતમાં આયાતી ઉમેદવારો રાજકારણમાં લાંબું ખેચી શકતા નથી.

વરિષ્ઠ પત્રકાર નરેશ ચૌહાણ આ અંગે જણાવે છે, "અલ્પેશ ઠાકોરના કિસ્સામાં 'સમાજના દ્રોહ'ની ભાવના કામ કરી ગઈ છે. ઠાકોર સમાજે અલ્પેશ ઠાકોરને નેતા બનાવ્યા હતા."

"ભાજપની વિરુદ્ધમાં રાજકારણ રમીને કૉંગ્રેસમાંથી ચૂંટાયેલા અલ્પેશ ઠાકોરે ભાજપનો હાથ પકડી લીધો એટલે ઠાકોર સમાજમાં છેતરાયાની લાગણી વ્યાપી હતી."

વરિષ્ઠ પત્રકાર જગદીશ આચાર્યે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું, "અલ્પેશ ઠાકોરની બડાઈએ પણ તેમને નુકસાન પહોંચાડ્યું હોવાનું જણાઈ રહ્યું છે. ચૂંટણી જીત્યા બાદ કૅબિનેટમંત્રી બનવાનો દાવો અલ્પેશના વિરોધમાં ગયો હોય એવું બની શકે. વર્ષોથી ભાજપમાં રહેલા અને મંત્રીપદ માટે કતારમાં ઊભેલા નેતાઓને આ વાત ન ગમી હોય એ પણ સહજ છે."

અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની હાર પાછળ જ્ઞાતિવાદી રાજકારણ અને શંકર ચૌધરીના ફૅક્ટરે પણ કામ કર્યું હોવાનું નરેશ ચૌહાણનું માનવું છે.

તેઓ જણાવે છે, "વિધાનસભાની ચૂંટણીઓમાં સ્થાનિક કક્ષાએ જ્ઞાતિનું રાજકારણ અસરકારક બનતું હોય છે. વળી આ વખતે શંકર ચૌધરી પણ નિષ્ક્રિય રહ્યા હોય એવું બની શકે. જે રીતે નોટાના મત પડ્યા છે, એ જોતાં અલ્પેશ ઠાકોર વિરુદ્ધ આવેલા જનમતમાં શંકર ચૌધરીની ભૂમિકા પણ વર્તાઈ રહી છે."

નોંધનીય છે કે રાધનપુર, થરાદ અને બાયડમાં સાત હજાર કરતાં વધુ નોટાના મતો પડ્યા છે.

રાધનપુર બેઠક પરથી અલ્પેશ ઠાકોરને ટિકિટ મળતાં ભાજપના નેતા અને પૂર્વ મંત્રી શંકર ચૌધરી નારાજ થયા હોવાની ચર્ચા પણ શરૂ થઈ હતી.

જોકે, બીબીસી સાથે વાત કરતાં શંકર ચૌધરીએ અલ્પેશ ઠાકોરના વિજયની આશા વ્યક્ત કરી હતી.

તકલાદી રાજકારણને જાકારો

પેટાચૂંટણીનાં પરિણામો બાદ ગુજરાત કૉંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે અહંકારે ભાજપને હરાવ્યો છે.

તેમણે કહ્યું, "વિશ્વાસઘાત કરનારને લોકોએ પરાજય આપ્યો છે અને ભાજપની નીતિઓને લોકોએ નકારી દીધી છે."

તેમણે 'લોકશાહી બચાવવા, બંધારણની રક્ષા અને મૂલ્ય આધારિત રાજકારણની રાહ ચીંધવા માટે' લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

તો ગુજરાત ભાજપના અધ્યક્ષ જિતુ વાઘાણીએ કહ્યું કે ચૂંટણીમાં હાર-જીત થતી રહી છે અને ભાજપને 6 બેઠકોમાંથી 3 બેઠકો પર વિજય હાંસલ કરવામાં સફળતા મળી છે.

તેમણે કહ્યું, "ગયા વખત કરતાં કૉંગ્રેસની લીડ ઘટી છે અને કૉંગ્રેસે પણ વિચારવું જોઈએ. અમે જનતા પર વિશ્વાસ મૂક્યો અને અમને ત્રણ બેઠક મળી."

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે બહારના પક્ષના નેતાઓ લાવવાથી કાર્યકરો નિરાશ થાય છે?

આ અંગે જવાબ આપતાં તેમણે કહ્યું, "ભારતીય જનતા પક્ષ દ્વારા લેવાતો નિર્ણય પક્ષનો કાર્યકર સ્વીકારી લેતો હોય છે જનતાએ જે ચુકાદો આપ્યો તે અમે માથે ચડાવીએ છીએ."

જોકે, તકલાદી રાજકારણ અને વધુ પડતો આત્મવિશ્વાસ ભાજપને ભારે પડ્યો હોવાનું સરદાર પટેલ યુનિવર્સિટીમાં પૉલિટિકલ સાયન્સના વિભાગના વડા ડૉ. બલદેવ આગજાનું માનવું છે.

આગજા જણાવે છે, "ગુજરાતની પેટાચૂંટણીનાં પરિણામો જોતાં મતદારોએ આયાતી ઉમેદવારોને જાકારો આપ્યો છે."

"પક્ષપલટું ઉમેદાવારો પર પ્રજા સામાન્ય રીતે વિશ્વાસ નથી કરતી અને વાત આ વખતે પણ સાબિત થઈ ગઈ છે. આ જનાદેશ સ્પષ્ટ કરે છે કે તકલાદી રાજકારણ લાંબું નથી ચાલતું"

આયાતી ઉમેદાવારોએને ટિકિટ આપવાની રણનીતિએ ભાજપના વિરુદ્ધમાં કામ કર્યું હોવાનું વરિષ્ઠ પત્રકાર જગદીશ આચાર્યનું પણ માનવું છે.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં આચાર્યે જણાવ્યું, "ગુજરાતીની પેટાચૂંટણીમાં મતદારોએ સ્પષ્ટ ચુકાદો આપ્યો છે. જે લોકો કાલ સુધી કૉંગ્રેસમાં હતા, કૉંગ્રેસની નીતિને વરેલા હતા, કૉંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી જીત્યા હતા, એમણે કરેલો પક્ષપલટો એ માત્ર તેમના પક્ષનો જ નહીં, મતદારોનો પણ દ્રોહ હતો એવી લોકોમાં સમજણ વિકસી હતી."

લોકશક્તિનો પરચો

આયાતી ઉમેદવારો ઉપરાંત બેરોજગારી અને મોંઘવારી જેવા મુદ્દા પણ આ વખતે ભાજપને ભારે પડ્યા હોવાનું રાજકીય વિશ્લેષકોનું માનવું છે.

ડૉ. બલદેવ આગજા બીબીસી ગુજરાતીને જણાવે છે, "આયાતી ઉમેદવારો ઉપરાંત પ્રજાના પોતાના પ્રશ્નો પણ ઊભા છે. બેરોજગારી અને મોંઘવારીના મુદ્દાએ પણ આ પરિણામ પર અસર કરી છે. વળી, ભાજપનો વધુ પડતો આત્મવિશ્વાસ પણ આ વખતે તેને ભારે પડ્યો હોય એવું લાગી રહ્યું છે."

જગદીશ આચાર્યનો મત છે, "કેટલાક એવા મુદ્દા પણ છે, જે આ વખતે પ્રભાવક રહ્યા છે. મોંઘવારી, બેરોજગારી જેવી બાબતો મતદારોમાં 'બૅક ઑફ માઇન્ડ' તરીકે પણ કામ કરી ગઈ છે. "

આચાર્ય ઉમેરે છે, "ગુજરાતમાં કૉંગ્રેસનું ખાસ અસ્તિત્વ ન હોવા છતાં, કૉંગ્રેસની આટલી નબળાઈ હોવા છતાં અને ભાજપનું આટલું વિશાળ કદ હોવા છતાં આયાતી ઉમેદવારોને કારણે લોકોએ સ્પષ્ટ રીતે ભાજપવિરોધી ચુકાદો આપ્યો છે."

"આ પરિણામ ભાજપ માટે ખૂબ ચોંકાવનારાં છે. લોકોએ ઠંડા કલેજે જનમત આપ્યો છે અને ભાજપ, અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાના તકલાદી રાજકારણને જાકારો આપ્યો છે."

"ભાજપને એ સમજવું જોઈએ કે તકવાદી રાજકારણ લાંબો સમય નથી ચાલતું. લોકશાહી માટે ગુજરાતની પેટાચૂંટણીનાં પરિણામ આશાવાદી બની રહેશે. આ પરિણામ થકી લોકોએ પોતાની તાકાતનો પણ પરિચય આપ્યો છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો