હરિયાણામાં સત્તાની ચાવી જેમના હાથમાં છે તે દુષ્યંત ચૌટાલા કોણ છે?

હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં મતગણતરી ચાલુ છે, પરંતુ વલણો પરથી લાગી રહ્યું છ કે ત્યાં કોઈ પણ પક્ષને બહુમતી નહીં મળે.

દુષ્યંત ચૌટાલાની જનનાયક જનતા પાર્ટી (જેજેપી) કિંગમેકરની ભૂમિકા ભજવી શકે છે. શરૂઆતના વલણ અંગે દુષ્યંત ચૌટાલા કહ્યું કે હરિયાણાની સત્તાની ચાવી તેમની પાસે હશે.

90 સભ્યોવાળી હરિયાણા વિધાનસભામાં ભાજપ બહુમતીની નજીક છે, પરંતુ જો ભાજપને બહુમતી મળે એવી શક્યતા ઓછી છે. જેથી ચૌટાલાની ભૂમિકા મહત્ત્વપૂર્ણ બની જશે.

દુષ્યંત ચૌટાલાની પાર્ટી વિશે કહેવાઈ રહ્યું છે કે તેમની પાર્ટીને 7 થી 10 બેઠકો મળી શકે છે.

દેવીલાલના વંશજ છે દુષ્યંત ચૌટાલા

અત્યાર સુધી દુષ્યંતે એ વાતની સ્પષ્ટતા નથી કરી કે તેઓ ખંડિત જનાદેશની પરિસ્થિતિમાં કોનો સાથ આપશે.

દુષ્યંતે કહ્યું કે, "નિર્ણય દુષ્યંત ચૌટાલાએ નથી લેવાનો. અમે ધારાસભ્યદળના નેતાની બેઠક કરીશું અને એ બાદ જ કોઈ પણ નિર્ણય લઈશું."

દુષ્યંત ચૌટાલા કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટીના સ્નાતક છે. ઓમપ્રકાશની પાર્ટી ઇન્ડિયન નેશનલ લોકદળ (આઈએનએલડી)માં પારિવારિક વિવાદ બાદ દુષ્યંતને પાર્ટીમાંથી બહાર કરી દેવાયા હતા.

દુષ્યંતના દાદા ઓમ પ્રકાશ ચૌટાલા ચાર વખત હરિયાણાના મુખ્ય મંત્રી રહી ચૂક્યા છે.

ઓમપ્રકાશ ચૌટાલાના બે દીકરા અજય અને અભય વચ્ચેના ઝઘડાના કારણે પાર્ટી તૂટી ગઈ હતી.

આ મામલામાં તેમણે પોતાના નાના દીકરા અભયનો સાથ આપવાનો નિર્ણય કર્યો હતો.

ચૌટાલા પરિવારમાં અંદરોઅંદર વિવાદ

આ પરિવારનાં મૂળ રાજસ્થાન સાથે જોડાયેલાં છે, પરંતુ હરિયાણામાં સિરસાનું ચૌટાલા ગામ આ પરિવારના નામથી જ ઓળખાય છે.

આઇએનએલડી હરિયાણા વિધાનસભામાં મુખ્ય વિપક્ષી પાર્ટી છે. તેની સ્થાપના ઓમ પ્રકાશ ચૌટાલાના પિતા દેવી લાલે કરી હતી.

દેવીલાલ 1971 સુધી કૉંગ્રેસમાં રહ્યા હતા. તેઓ બે વખત હરિયાણાના મુખ્ય મંત્રી રહ્યા.

1977માં દેવી લાલ જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા અને 1987માં લોકદળમાં જતા રહ્યા. 1989માં દેવી લાલ ભારતના નાયબ વડા પ્રધાન બન્યા હતા.

દેવી લાલની ગ્રામીણ મતદારો પર સારી પકડ હોવાનું મનાય છે. આગળ ચાલીને દેવી લાલના મોટા પુત્ર ઓ.પી. ચૌટાલા પણ હરિયાણાના ચાર વખત મુખ્ય મંત્રી બન્યા હતા. ઓ.પી. ચૌટાલા આઈએનએલડીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે.

ઓ.પી. ચૌટાલા અને તેમના મોટા પુત્ર અજય સિંહ જૂનિયર બેઝિક ટ્રેનિંગ ટીચર ભરતીમાં ગોટાળાના આરોપમાં 10 વર્ષની જેલની સજા કાપી રહ્યા છે.

ઓ.પી. ચૌટાલા જેલમાંથી જ પાર્ટીના તમામ મહત્ત્વના નિર્ણય લે છે.

જોકે, કૉંગ્રેસ પણ હરિયાણામાં પોતાની સરકાર બનશે તેવો દાવો કરી રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો