BBC TOP NEWS: દિવાળી પર ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ અરબ સાગરમાં લૉ પ્રેશર સર્જાયું છે. જે વાવાઝોડા સ્વરૂપે ઓમાન તરફ આગળ વધી રહ્યું છે.

ઇન્ડિયન એક્સ્પ્રેસના અહેવાલ મુજબ 110 કિલોમિટર પ્રતિ કલાકની ગતિએ આગળ વધી રહેલા આ પવનને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત મુંબઈમાં આવનારા ચાર દિવસમાં વરસાદ પડી શકે છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહીના પગલે દરિયાકિનારાના વિસ્તારો અને ખાસ કરીને દ્વારકા, પોરબંદરમાં માછીમારોને 4 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

આ છૂટાછવાયા કમોસમી વરસાદથી લોકોની દિવાળીની ઉજવણીમાં અસર થઈ શકે છે. ઉપરાંત ખેડૂતોના પાકને પણ અસર થઈ શકે છે.

લોકોએ ફરી નિયંત્રણ પોતાના હાથમાં લેવાનું શરૂ કરી દીધું છે- ચિદમ્બરમ

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે શુક્રવારે કહ્યું કે ભાજપ સરકારે લોકો અને સંસ્થાઓને નિયંત્રણમાં રાખવાનો દૃઢ નિર્ણય કરી લીધો છે. પરંતુ હરિયાણા અને મહારાષ્ટ્રનાં ચૂંટણી પરિણામોએ એ સાબિત કરી દીધું છે કે લોકોએ ફરી નિયંત્રણ પોતાના હાથમાં લેવાનું શરૂ કરી દીધું છે. હવે સંસ્થાઓનો વારો છે કે તેઓ પોતાની સ્વતંત્રતા પર ભાર આપે.

એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ મુજબ ચિદમ્બરમે મહારાષ્ટ્ર અને હરિયાણાની વિધાનસભા ચૂંટણીમાં વિજય હાંસલ કરનારા કૉંગ્રેસ અને રાષ્ટ્રિય કૉંગ્રેસ પાર્ટીના ઉમેદવારોને અભિનંદન પાઠવ્યાં હતાં. તેમણે શરદ પવાર, ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા તેમજ કુમારી શૈલજાનાં વખાણ પણ કર્યાં હતાં.

બ્રિટનની ટ્રકમાં મળેલાં મૃતકોમાં વિયેતનામનો પરિવાર હોવાની શક્યતા

બ્રિટનમાં તાજેતરમાં ટ્રકમાં 39 મૃતદેહો મળી આવ્યા હતા. તેમાં ઓછામાં ઓછા 6 વિયેતનામના નાગરિકો હોવાની શક્યતા છે.

બીબીસીને મળેલી જાણકારી મુજબ વિયેતનામના છ પરિવાર એની આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે મૃતકોમાં તેમના પરિવારજનો હોઈ શકે છે.

તેમાં 26 વર્ષનાં ફામ થી ટ્રે પણ સામેલ છે. તેમણે મંગળવારે અંતિમ મૅસેજ કરેલો, ત્યાર બાદ તેમના કોઈ સમાચાર નથી.

20 વર્ષના વિયન લિન લુઓઁગના સંબંધીઓ પણ શંકા વ્યક્ત કરે છે કે 39 મૃતકોમાંના તેઓ પણ એક હોઈ શકે છે.

માનવતસ્કરીની આ ઘટનામાં ત્રણ લોકોની ધરપકડ થઈ ચૂકી છે.

ફામ ટ્રેના ભાઈ ફામ નોકે જણાવ્યું હતું કે તેમની બહેનને બ્રિટન લઈ જવા માટે માનવ તસ્કરોને 30 હજાર પાઉન્ડ (લગભગ 27 લાખ 35 હજાર રૂપિયા) આપ્યા હતા. તેમનાં બહેન છેલ્લે બેલ્જિયમમાં હોવાની જાણકારી મળી હતી.

તેઓ 23 ઓક્ટોબરથી ગૂમ છે. મંગળવારે રાત્રે તેમનો અંતિમ મૅસેજ મળ્યો હતો. ત્યારે આ ટ્રક બેલ્જિયમના ઝેબ્રુગથી પરલિફ્ટ ટર્મિનલ પહોંચી હતી.

તેમણે મૅસેજમાં લખ્યું હતું કે "હું મરી રહી છું, મારાથી શ્વાસ લેવાતા નથી. મમ્મી અને પપ્પા હું તમને બહુ પ્રેમ કરું છું. મને માફ કરી દેજો."

બીબીસીને વિયેતનામના અન્ય બે નાગરિક -26 વર્ષના પુરુષ અને 19 વર્ષના મહિલાની ગૂમ થવાની પણ માહિતી મળી છે.

રશિયન સૈનિકે 8 સહકર્મીઓની હત્યા કરી, 2 ગંભીર રીતે ઘાયલ

એક રશિયન સૈનિકે પૂર્વ રશિયાના એક બૅઝમાં અંધાધૂંધ ગોળીબાર કરીને પોતાના સાથે રહેલા 8 સૈનિકોની હત્યા કરી નાખી છે. આ ઘટનામાં બે સૈનિક ગંભીર રીતે ઘાયલ થયા છે.

અધિકારીઓના કહેવા મુજબ રામિલ શામ્સુત્દિનોવને પકડી લેવામાં આવ્યા છે, જેઓ માનસિક સમસ્યાઓથી પીડાતા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

શુક્રવારે પૂર્વ રશિયાના છેવાડાના ગોર્નિ ગામના 54160 નંબરના મિલિટરી યૂનિટમાં આ ઘટના બની. આ અંગે વધુ તપાસ ચાલી રહી છે.

સુરક્ષા મંત્રાલયના કહેવા મુજબ ટ્રાન્સબેકલ વિસ્તારમાં ચૅન્જ ઑફ ગાર્ડની પ્રક્રિયા વખતે ફાયરિંગની ઘટના બની.

રશિયામાં 18થી 27 વર્ષના યુવાનો માટે એક વર્ષની મિલિટરી સેવા ફરજિયાત છે. ત્યાર બાદ તેઓ સ્વેચ્છાએ આ સેવા યથાવત રાખી શકે છે.

આ એક વર્ષ દરમિયાન ઘણી વખત યુવાનો સાથે પજવણીની ઘટનાઓ બનતી હોય છે. તેમાં હિંસાની ઘટનાઓ પણ સામે આવી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો