You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રશિયા અને તુર્કી વચ્ચે સીરિયા મામલે 'ઐતિહાસિક સમજૂતી'
તુર્કી અને રશિયા વચ્ચે લાંબી બેઠક બાદ ઉત્તર સીરિયામાં કુર્દો સામે સૈન્ય કાર્યવાહીને લઈને સમજૂતી થઈ છે. બંને દેશોએ તેને 'ઐતિહાસિક સમજૂતી' ગણાવી છે.
આ સમજૂતી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને તુર્કીના રાષ્ટ્રપતિ રચેપ તૈય્યપ અર્દોઆન વચ્ચે થઈ છે.
બંને દેશના રાષ્ટ્રપતિઓ રશિયાના સોચીમાં મળ્યા હતા અને આ મામલે અહીં જ લાંબી બેઠક ચાલી હતી.
તુર્કી-સીરિયા સરહદ પર રશિયા અને તુર્કી બંનેના સૈનિકો તહેનાત છે. અમેરિકાએ આ વિસ્તારમાંથી પોતાના સૈનિકો પરત બોલાવી લીધા છે.
તુર્કી સીરિયાના કુર્દ લડાકુઓ સામે આક્રમક અભિયાન ચલાવી રહ્યું છે. તુર્કી કુર્દોના એક સંગઠનને આતંકવાદી સમૂહ ગણાવે છે.
હવે તુર્કી અને સીરિયા મળીને તુર્કી સીરિયાની સરહદનું સંયુક્ત પેટ્રોલિંગ કરશે. જે આ વિસ્તારના બદલતા શક્તિ સંતુલનને પણ દેખાડે છે.
અમેરિકાએ સૈનિકો પરત બોલાવ્યા અને સંઘર્ષ શરૂ થયો
અમેરિકાએ ગયા સપ્તાહે કુર્દ લડાકુ અને તુર્કી સેના વચ્ચે ચાલી રહેલી લડાઈમાં સંઘર્ષ વિરામ કરાવ્યો હતો.
તેની સમયમર્યાદા પૂર્ણ થાય એ પહેલાં રશિયા અને તુર્કી વચ્ચે નવી સમજૂતી થઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કુર્દ લડાકુઓનું કહેવું છે કે સમજૂતી અનુસાર તેમણે પોતાના લડાકુઓને હઠાવવાનું કામ પૂર્ણ કર્યું છે.
જોકે, તુર્કી અને રશિયા વચ્ચે થયેલી સમજૂતી મુજબ કુર્દોને હઠવાની સમયમર્યાદા લંબાવવામાં આવી છે.
તેમને 32 કિલોમિટર દૂર સુધી લડાકુઓને હટાવવા માટે કહેવામાં આવ્યું છે. તેને 'સેફ ઝોન' એટલે કે સુરક્ષિત વિસ્તાર કહેવામાં આવી રહ્યો છે.
આ વિસ્તારમાંથી કુર્દોને હઠવા માટે 150 કલાકનો વધુ સમય અપાયો છે.
ઉત્તર સીરિયાનાં કુર્દોનાં સંગઠનોમાં કુર્દિશ પીપલ્સ પ્રૉટેક્શન યુનિટ્સ (વાઈપીજી)નો દબદબો છે. તુર્કી કુર્દોના આ સંગઠનને ખતરો ગણે છે.
સમજૂતી અનુસાર આ વિસ્તાર પર સૈન્ય નિયંત્રણને રશિયા અને તુર્કી વચ્ચે વહેંચી દેવામાં આવ્યું છે. કારણ કે અમેરિકાએ અચાનક પોતાના સૈનિકોને પરત બોલાવી લેવાથી ખાલી પડેલી ભૂમિકાની ભરપાઈ થઈ શકે.
રશિયાની ભૂમિકા
અમેરિકન સૈનિકો ઉત્તર સીરિયામાંથી પરત ગયા બાદ રાષ્ટ્રપતિ રચેપ તૈય્યપ અર્દોઆને 9 ઑક્ટોબરના રોજ કુર્દો સામે આક્રમક અભિયાનની શરૂઆત કરી હતી.
રશિયા સીરિયાના રાષ્ટ્રપતિનું સહયોગી છે અને તેણે પોતાના સૈનિકોને સરહદની સાવ નજીક તૈનાત કર્યા છે જેથી સીરિયાના આ વિસ્તારમાં વિદેશી તાકાતો કબ્જો ના જમાવી દે.
રશિયાના સૈનિકો તહેનાત હોવાના કારણે રશિયા અને તુર્કી વચ્ચે સંઘર્ષની શક્યતા રહે છે. આ સ્થિતિને પુતિન અને અર્દોઆન બંને ટાળવા માગે છે.
આ બંને નેતાઓ વચ્ચે સોચીમાં લગભગ છ કલાક સુધી લાંબી બેઠક ચાલી અને જે બાદ બંને દેશો વચ્ચે સમજૂતી થઈ હતી.
રશિયાએ તુર્કીને અભિયાન ચલાવવાની મંજૂરી આપી દીધી છે. આ સાથે બંને દેશો વચ્ચે સંઘર્ષ ખતમ થઈ ગયો છે.
તુર્કી પોતાનું અભિયાન રાસ અલ એનથી તેલ અબ્યાદની વચ્ચે 120 કિલોમિટરના વિસ્તારમાં ચલાવી રહ્યું છે.
જોકે, અર્દોઆન કથિત રીતે સરહદ પર 440 કિલોમિટરના વિસ્તારમાં સેફ ઝોન બનાવવા માગતા હતા.
રશિયા અને તુર્કી તરફથી જારી કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કુર્દોના લડાકુઓને મનબિઝ અને તેલ રિફતનાં શહેરોમાંથી હટાવવામાં આવશે.
કુર્દોનાં આ સંગઠનોએ હજી સુધી એ સંકેત નથી આપ્યો કે શું તેમને આ માગ મંજૂર છે કે નહીં?
કેટલું નુકસાન?
સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા મુજબ વિતેલાં બે સપ્તાહ દરમિયાન 80 હજાર બાળકો સહિત 1 લાખ 76 હજારથી વધુ લોકો ઉત્તર-પૂર્વ સીરિયામાંથી વિસ્થાપિત થયાં છે. અહીં લગભગ 30 લાખ લોકો રહે છે.
બ્રિટનમાં આવેલા સીરિયન ઑબ્ઝર્વેટ્રી ફૉર હ્યુમન રાઇટ્સ પ્રમાણે સંઘર્ષમાં 120 નાગરિકોનાં મોત થયાં છે.
જ્યારે 259 કુર્દ લડાકુઓ, 196 તુર્કી સમર્થિત સીરિયાઈ વિદ્રોહીઓ અને તુર્કીનાં સાત સૈનિકોનાં મોત થયાં છે.
તુર્કીના અધિકારીઓનું કહેવું છે કે તુર્કીના વિસ્તારમાં કુર્દોના હુમલાના કારણે 20 લોકોનાં મોત થયાં છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો