You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Jio fiber plan લૉન્ચ, આટલા રૂપિયામાં મળશે ફ્રી ટીવી અને ઇન્ટરનેટ
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ગુરુવારે રિલાયન્સ જિયોએ તેના ફાઇબર પ્લાન જાહેર કર્યા હતા અને કંપનીના આ પ્લાનથી ઇન્ટરનેટ તથા સ્ટ્રિમિંગ સેવા ક્ષેત્રે ધરમૂળથી પરિવર્તન આવશે તેવી આશા રાખવામાં આવી છે.
જિયો ફાઇબરના પ્લાનમાં ફ્રી ટીવી, સેટ-ટોપ બૉક્સ તથા પ્રિમિયમ સ્ટ્રિમિંગ સર્વિસનું લવાજમ મળશે.
જિયોનો દાવો છે કે તે વિશ્વનું સૌથી મોટું મોબાઇલ ડેટા નેટવર્ક છે, 2016માં પાંચમી સપ્ટેમ્બરના જ દિવસે જિયોની મોબાઇલ સેવા શરૂ કરવામાં આવી હતી, જેમાં કંપનીએ નિઃશુલ્ક કૉલ તથા ડેટાની સેવાઓ જાહેર કરી હતી.
જિયોના પ્લાનને કારણે અગાઉથી જ સંકટગ્રસ્ત અનેક કંપનીઓની મુશ્કેલીઓ વધશે અને 'પ્રાઇસવૉર' ફાટી નીકળશે.
Jio Fiberની ખાસિયત
ભારતના 1600 શહેરોમાં Jio Fiberની હોમ સેવા શરૂ થશે. કંપનીનો દાવો છે કે તેની ઓછામાં ઓછી સ્પીડ 100 MBPSની હશે, જે ભારતની સરેરાશ ઇન્ટરનેટ સ્પીડ કરતાં ચાર ગણી વધુ હશે.
કંપનીનું કહેવું છે કે 'ઍન્ડ યૂઝર' સુધી ફાઇબર કૅબલનો ઉપયોગ થતો હોવાથી વપરાશકર્તાઓને મહત્તમ સ્પીડ મળશે.
કંપની મહત્તમ એક GBPSની સ્પીડે બ્રૉડબૅન્ડ, નિઃશુલ્ક નેશનલ તથા ઇન્ટરનેશનલ કૉલ ઉપરાંત ટીવી વીડિયો કૉલ અને કૉન્ફરન્સ યોજી શકાશે.
કંપની OTT (ઑવર ધ ટોપ) ઍન્ટર્ટાઇન્મૅન્ટ ઍપ્સ, ગેમિંગ, હૉમ નેટવર્કિંગ, ડિવાઇસ સિક્યૉરિટી અને વર્ચ્યૂઅલ રિયાલિટી સેવા આપવાની વાત કહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કંપનીનું કહેવું છે કે લગભગ પાંચ લાખ 'પ્રિવ્યુ યૂઝરે' સેવાઓને સુદ્રઢ કરવા માટે પ્રદાન આપ્યું હતું.
રૂ. 699થી Plan
કંપનીએ રૂ. 699થી લઈને રૂ. 8,499 સુધીના પ્લાન લૉન્ચ કર્યા છે, જેમાં 100 MBPSથી લઈને 1 GBPSની સ્પીડ રહેશે, જોકે તેમાં પણ *શરતો લાગુ* છે.
કંપનીએ બ્રૉન્ઝ (રૂ. 699, 100 MBPS), સિલ્વર (રૂ.849, 100 MBPS), ગોલ્ડ (રૂ. 1,299, 250 MBPS), ડાયમંડ (રૂ. 2,499, 500 MBPS), પ્લેટિનમ (3,999, 1 GBPS), ટાઇટેનિયમ (8,499, 1 GBPS)ના પ્લાન લૉન્ચ કર્યા છે.
બ્રૉન્ઝ (100 GB + 50 GB), સિલ્વર (200 GB + 200 GB), ગોલ્ડ (500 GB + 250 GB), ડાયમંડ (1250 GB + 250 GB) એમ દરેક પ્રિ-પેઇડ પ્લાન સાથે 20 ટકાથી લઈને 100 ટકા ડેટા ફ્રી આપવાની જાહેરાત કરી છે. પ્લેટિનમ પ્લાનમાં 2500 GB અને ટાઇટેનિયમમાં 5000 GB ડેટા ઓફર કર્યો છે.
તમામ પ્લાનમાં ટોચમર્યાદા પાર કર્યા બાદ એક MBPSની ફેર-યૂસેઝ લિમિટ રહેશે, જેમાં ગ્રાહક નિશ્ચિતના ડેટા ટ્રાન્સફરના દર ઉપર નિયંત્રણ લાદી દેવામાં આવે છે અને તે પૂર્વનિર્ધારિત મર્યાદામાં જ ટ્રાન્સફર કરી શકે છે.
રૂ. 1,299ના પ્લાનમાં ટીવી
કંપનીએ ગોલ્ડ તથા તેથી ઉપરના વાર્ષિક પ્લાન સાથે ટેલિવિઝન સેટ મળશે.
ટીવી નિર્માતા કંપની તથા તેની ટેકનિકલ ડિટેઇલ્સ અંગે જિયોએ હજુ સુધી કોઈ ખુલાસો નથી કર્યો.
આ સિવાય 4K સેટ-ટોપ બૉક્સ મળશે. આ સિવાય કેટલીક OTT ઍપ્સનું સબસ્ક્રિપ્શન મળશે.
આમ કંપની માત્ર એક પ્રૉડક્ટ દ્વારા રિલાયન્સ ટેલિકૉમ કંપનીઓ, સ્ટ્રિમિંગ પ્લેટફૉર્મ તથા સિનેગૃહો માટે પણ પડકાર ઊભો કરશે.
ગ્રાહકો ત્રણ, છ અને 12 મહિનાના પ્લાન લઈ શકશે.
આ સિવાય વધુ રકમના પ્લાન માટ બૅન્ક ટાઈ-અપ દ્વારા EMIથી પ્લાન આપવાની પણ જાહેરાત કરી છે.
ડાયમંડ અને તેથી ઉપરના પ્લાન સાથે વર્ચ્યૂઅલ રિયાલિટી ઍક્સપિરિયન્સ, 'ફર્સ્ટ ડે, ફર્સ્ટ શો' અને પ્રિમિયમ સ્પૉર્ટ્સ કન્ટેન્ટ મેળવી શકાશે.
ઑગસ્ટ મહિનામાં કંપનીની 42મી વાર્ષિક સભા દરમિયાન રિલયાન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણીએ 'ફર્સ્ટ ડે, ફર્સ્ટ શો' પ્લાનની જાહેરાત કરી, ત્યારે ફિલ્મ વિતરણ અને પ્રદર્શનના વ્યવસાય સાથે જોડાયેલી PVR અને INOX જેવી કંપનીઓએ વિરોધ નોંધાવ્યો હતો.
અંબાણીની જાહેરાત બાદ આ કંપનીઓના શૅરના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.
કોના માટે પડકાર?
ટૅકનૉલૉજી રાઇટર પ્રશાંતો કે. રૉયે બીબીસી સાથે વાત કરતા કહ્યું, "ઍરટેલ માટે સીધો પડકાર ઊભો થયો છે. એટલે જ ઍરટેલે Xstream નામની ડિજિટલ ઍન્ટરટાઇનમૅન્ટ સેવા લૉન્ચ કરી."
"રિલાયન્સ જિયો આક્રમક લૉન્ચિંગમાં માને છે. તે મફત ટ્રાયલ ઑફર આપીને કરોડો ગ્રાહકો મેળવી લે છે, જેના કારણે બજાર હચમચી જાય છે."
કંપની બે કરોડ ઘર તથા દોઢ કરોડ વેપારી સંસ્થાનો સુધી પહોંચવાનું લક્ષ્યાંક ધરાવે છે. અત્યારસુધીમાં લગભગ દોઢ કરોડ લોકોએ Jio Fiber માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
રૉય કહે છે, "2016માં ભારતમાં 10 ટેલિકૉમ કંપનીઓ હતી, જે ઘટીને હવે ત્રણ કે ચાર જ રહી છે."
"એ સમયે જિયોએ પ્રથમ છ મહિનામાં જ કરોડ ગ્રાહક મેળવી લીધા હતા. જિયોના 34 કરોડ ગ્રાહક અન્ય કંપનીઓને સરખામણીમાં 30% વધુ રકમ ખર્ચે છે."
"ઍરટેલ તથા બીએસએનએલ ભારતભરમાં વ્યાપક બ્રૉડબૅન્ડ નેટવર્ક ધરાવે છે. આ સિવાય કેટલાક નાના-મોટા સેવાપ્રદાતા છે, જે નાના-નાના પ્રાંત પૂરતા મર્યાદિત છે."
રૉય કહે છે, 'નાની કંપનીઓ તેમના ધંધા સમેટી રહી છે (કેટલીક કંપનીઓ અધિગૃહિત થઈ), સવાલ એ છે કે ક્યારે?'
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો