You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ વેપાર, જેણે ભારતના ખેડૂતોને બરબાદ કરી નાખ્યા
- લેેખક, સૌતિક બિશ્વાસ,
- પદ, બીબીસી સંવાદદાતા
અમિતાભ ઘોષની જાણીતી નવલકથા સી ઓફ પોપ્પીઝમાં અફીણ ઉગાડતા ગામડાની એક નારીનો અફીણના ડોડવા સાથેનો અનુભવ વિગતે વર્ણવાયો છે.
"તે અફીણના ડોડવા સામે એવી રીતે જોતી રહી કે જાણે ક્યારેય જોયા જ ના હોય, અને અચાનક તેને લાગ્યું કે તેના જીવનનું નિયંત્રણ ઉપરના ગ્રહથી નહીં પણ આ નાનકડી ચીજથી થઈ રહ્યું છે - ખૂબસૂરત પણ સાથોસાથ જ બધું જ ઓગાળી નાખનારી, દયાળુ અને વિધ્વંસક, ટેકો દેનારી અને બદલો લેનારી."
નવલકથામાં વર્ણવાયેલા કાળખંડમાં ઉત્તર ભારતમાં 13 લાખ ખેડૂતો અફીણ વાવતા હતા.
ખેડૂતોના ઉત્પાદનમાં અફીણનો હિસ્સો અડધો કે ચોથા ભાગના રહેતો હતો.
19 સદીના અંત સુધીમાં હાલમાં જ્યાં ઉત્તર પ્રદેશ અને બિહાર છે, તે વિસ્તારમાં એક કરોડ લોકોને અફીણની ખેતી સીધી સ્પર્શી રહી હતી.
ગંગા નદીના કિનારે બે અફીણ ઉત્પાદક કારખાનાં ધમધમતાં હતાં. તેમાં અફીણને સૂકવવામાં આવતું હતું અને તેની કેક બનાવીને લાકડાની પેટીઓમાં પૅક કરવામાં આવતું હતું. હજારો કારિગરો આ કામમાં લાગેલા હતા.
અફીણનો વેપાર ઇસ્ટ ઇન્ડિયા કંપનીના હાથમાં હતો. રૉયલ ચાર્ટરથી રચવામાં આવેલી આ શક્તિશાળી બહુરાષ્ટ્રીય વેપારી કંપનીને એશિયામાં વેપારનો વિશેષાધિકાર આપવામાં આવ્યો હતો.
બે યુદ્ધ લડીને અફીણના વેપારનો એકાધિકાર કરી લેવાયો હતો. યુદ્ધમાં હારને કારણે ચીને બ્રિટિશ ઇન્ડિયન અફીણ માટે માર્ગ મોકળો કરી આપવો પડ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇતિહાસકાર વિલિયમ ડેલરિમ્પલે હાલમાં જ ઇસ્ટ ઇન્ડિયા કંપની વિશે નવું પુસ્તક લખ્યું છે, જેનું નામ છે ધ એનાર્કી.
ડેલરિમ્પલ કહે છે કે કંપની ચીન સુધી અફીણ પહોંચાડતી હતી. હોંગકોંગના થાણા તેણે કબજે કરે લીધા હતા, જેથી નશીલા પદાર્થોના વેપારની નફો આપતી મોનોપોલી જળવાઈ રહે.
કેટલાક ઇતિહાસકારો એવું કહે છે કે અફીણના વેપારના કારણે ભારતના ગ્રામીણ વિસ્તારનું અર્થતંત્ર સુધર્યું હતું અને ખેડૂતો ખુશ હતા.
જોકે, નવા સંશોધનથી એ સાબિત થાય છે કે આ વાત ખોટી હતી.
વિએના યુનિવર્સિટીના આર્થિક અને સામાજિક ઇતિહાસના પ્રોફેસર રોલ્ફ બોઅરે હાલમાં જ કરેલા અભ્યાસમાં આ વાત સ્પષ્ટ થઈ છે.
વર્ષો સુધી ડૉ. બોઅરે દસ્તાવેજો ચકાસ્યા અને જાણવાની કોશિશ કરી કે અફીણની ખેતી પાછળ થતો ખર્ચ કેટલો હતો અને ખેડૂતોને ચૂકવવામાં આવતી રકમ કેટલી હતી.
અફીણના વેપારનો સુદીર્ઘ ઇતિહાસ પણ તેમણે તપાસ્યો. 1895નો રૉયલ કમિશન ઑફ ઓપિયમનો અહેવાલ સાત ભાગમાં છે અને 2500 જેટલાં પાનાં છે.
અહેવાલમાં 28,000 સવાલો સમાવી લેવાયા હતા. ભારતમાં અફીણના ઉપયોગ વિશે સેંકડો સાક્ષીઓને પણ તેમાં તપાસવામાં આવ્યા હતા.
સાથે જ સામ્રાજ્યવાદી સરકારે કેવી રીતે અફીણના ઉત્પાદન અને ઉપયોગને નિયંત્રિત કર્યા હતા તેની પણ ચકાસણી કરી હતી.
આ સંશોધનના આધારે ડૉ. બોઅરે અફીણના વેપાર વિશે નવો અભ્યાસ પ્રગટ કર્યો છે.
ધ પિઝન્ટ પ્રોડક્શન ઑફ ઓપિયમ ઇન નાઇન્ટીન્થ સેન્ચુરી ઇન્ડિયા નામના પોતાના અભ્યાસ લેખમાં તેમણે તારણ કાઢ્યું છે કે અફીણનો વેપાર શોષણ કરનારો હતો.
ડૉ. બોઅર જણાવે છે, "અફીણના વેપારના કારણે ભારતના ખેડૂતો બરબાદ થઈ ગયા હતા. મોટી ખોટ કરીને અફીણની ખેતી થતી હતી. અફીણની ખેતી ના કરતાં હોત તો ખેડૂતો વધારે સુખી હોત."
ઇસ્ટ ઇન્ડિયા કંપની કઈ રીતે વેપાર ચલાવતી હતી તે જુઓ. બ્રિટિશરોએ ઓપિયમ એજન્સી વિભાગ ખોલ્યો હતો, જેની 100 કચેરીઓમાં 2,500 કારકુનો કામ કરતા હતા.
તેમનું કામ હતું અફીણના ખેડૂતો પર નજર રાખવાનું. પોલીસ વિભાગ જેવી સત્તા સાથે ખેડૂતો સાથે અફીણ ઉગાડવા માટેના કરાર કરવામાં આવતા હતા.
ભારતીય કારીગરો અમુક હિસ્સામાં અફીણ તૈયાર કરે તે પ્રમાણે તેને કમિશન આપવામાં આવતું હતું.
સરકારના નિયંત્રણ સાથે ધમધમવા લાગેલા અફીણના વેપારમાં 19ની સદીની શરૂઆતમાં 4,000 પેટી અફીણની નિકાસ થતી હતી.
1880ના દાયકા સુધીમાં તે વધીને 60,000 પેટી થઈ ગઈ હતી. ડૉ. બોઅરના જણાવ્યા અનુસાર 19મી સદીમાં સામ્રાજ્યની આવકનું સૌથી મોટું બીજું સાધન અફીણનો વેપાર હતો.
સૌથી વધુ આવક જમીન મહેસૂલથી થતી હતી અને પછીની સૌથી વધુ આવક અફીણથી. (આજે પણ વૈશ્વિક દવા ઉદ્યોગ માટે કાયદેસર રીતે અફીણ ઉગાડનારા દેશોમાં ભારત પ્રથમ સ્થાને છે.)
એમ ડૉ. બોઅર કહે છે, "સરકારનો અફીણનો ઉદ્યોગ ભારતીય ઉપખંડનો સૌથી મોટો વેપાર હતો. દર વર્ષે અમુક હજાર ટન અફીણ તૈયાર થતું હતું. આજે લગભગ એટલું અફીણ અફઘાનિસ્તાન દુનિયાભરમાં ઘૂસાડે છે અને તેમાંથી જ હેરોઇન તૈયાર થાય છે."
તેઓ ઉમેરે છે કે સૌથી વધુ અગત્યની વાત એ છે કે અફીણના કારણે લાખો લોકોના જીવન પર નકારાત્મક અસર થાય છે.
અફીણના ખેડૂતો ધિરાણ મેળવી શકે તેમ ના હોય ત્યારે તેમને વ્યાજ મુક્ત લોન આપવામાં આવતી હતી. વૈશ્વિક બજાર માટે અફીણ તૈયાર કરનારા માટે તો આ ફાયદાકારક જ હતું.
ડૉ. બોઅરના જણાવ્યા અનુસાર નુકસાન એ થતું હતું કે ખેડૂતો જમીનદારને ભાગ આપે, ખાતર પાણીનો ખર્ચ કરે અને ખેતમજૂરોને રોજી ચૂકવે તે પછી અફીણનો જે ભાવ મળે તેના કારણે ખોટ જ જતી હતી.
બીજા શબ્દોમાં કહીએ તો ખેડૂતોને અફીણનો જે ભાવ મળતો હતો તેમાંથી તેને ઉગાડવાનો ખર્ચ પણ નીકળતો નહોતો. થોડા જ વખતમાં તેઓ લોન લેતી વખતે કરેલા કરારના ચક્કરમાં ફસાઈ જતા હતા અને તેમાંથી બહાર નીકળવાનું મુશ્કેલ બની જતું હતું.
ઓપિયમ એજન્સીના માણસો ખેડૂતોને કેટલું અફીણ પકવવું તે નક્કી કરી આપતા હતા. તેના કારણે અફીણ પકવતા ખેડૂત માટે તેની ખેતી કરવી કે ના કરવી તે વિચારવાની તક જ નહોતી રહેતી. આ ખેડૂતોને ફરજ પડતી કે તેમની ખેતીનો અમુક હિસ્સો અને શ્રમ સામ્રાજ્યવાદી સરકારની નિકાસની નીતિ પ્રમાણે આપી દેવો પડે.
સ્થાનિક જમીનદારો પણ જમીનવિહોણા ગણોતિયાને અફીણ ઉગાડવા ફરજ પાડતા હતા.
ડૉ. બોઅર કહે છે, "અફીણ ઉગાડવાની ના પાડનારા ખેડૂતોને પકડીને લઈ જવાતા હતા. તેમની ધરપકડ કરવાની, તેમના ઊભા પાક સળગાવી દેવાની અને જેલમાં પૂરી દેવાની ધમકી આપવામાં આવતી હતી. આખી સિસ્ટમ બહુ દમનકારી હતી."
અફીણ માટે સૌથી મોટું બજાર ચીન હતું, પણ 2015 સુધીમાં તે વેપાર ઠપ થઈ ગયો હતો. જોકે, અફીણના વેપાર પર બ્રિટિશ ઇન્ડિયન મોનોપોલી છે 1947માં દેશ આઝાદ થયો ત્યાં સુધી ટકી રહી હતી.
ડૉ. બોઅરને સૌથી વધુ આશ્ચર્ય એ વાતનું થયું છે કે કેવી રીતે થોડા હજાર અફીણ કારકુનો લાખો ખેડૂતોને તેમને જ નુકસાનકારક અફીણની ખેતી કરવા માટે મજબૂર કરી શક્યા હશે."
આ સવાલ ખરેખર વિચારવા જેવો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો