You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આ સરદાર બ્રિટનની સંસદમાં શા માટે ચર્ચાઈ રહ્યા છે?
બ્રિટનમાં લેબર પાર્ટીના સાંસદ તનમનજીત સિંઘ ઢેસીએ બુધવારે સંસદમાં વડા પ્રધાન બૉરિસ જૉનસનને એવી રીતે ઘેર્યા કે તેમના સમર્થનમાં બાકીના સાંસદો તાળીઓ પાડવા લાગ્યા. એ વખત વડા પ્રધાન જૉનસન સંસદમાં હાજર હતા.
તનમનજીત સિંઘે વડા પ્રધાન બૉરિન જૉનસનને વડા પ્રધાન બનતા પહેલાં તેમણે મુસ્લિમ મહિલાઓ પર કરેલી 'વંશીય ટિપ્પણી' પર માફી માગવા કહ્યું.
વાત એમ છે કે વર્ષ 2018માં બૉરિસ જૉનસને 'ધ ટેલિગ્રાફ' અખબારમાં એક લેખ લખ્યો હતો, જેમાં તેમણે લખ્યું હતું કે 'બુરખો પહેરેલી મહિલાઓ કોઈ લેટર-બૉક્સ કે બૅન્કને લૂંટનાર જેવી દેખાય છે.' તેમની આ ટિપ્પણી પર તનમનજીત સિંઘે તેમને માફી માગવા કહ્યું.
તનમનજીત સિંઘ હાઉસ ઑફ કૉમન્સના પહેલા એવા સાંસદ છે, જે પાઘડી પહેરે છે.
સંસદમાં વડા પ્રધાનને સંબોધિત કરતા તનમનજીત સિંઘે કહ્યું "અમારામાંથી ઘણા એવા લોકો છે, જેમના પહેરવેશ પર ટિપ્પણી કરવામાં આવી. અમારે નાની ઉંમરે જ સાંભળવું પડ્યું કે માથા પર ટુવાલ લઈને ચાલે છે. તાલિબાન કહેવાયા. અમને કહેવાયું કે અમે ત્રીજા વિશ્વમાંથી આવીએ છીએ."
તનમનજીત સિંઘ કહ્યું કે તેઓ એ મુસ્લિમ મહિલાઓનું દુઃખ સરળતાથી અનુભવી શકે છે કે જેઓ પહેલાંથી જ આઘાતમાં છે અને તેમને હવે લેટર-બૉક્સ કે બૅન્ક લૂંટનારાં તરીકે રજૂ કરવામાં આવે છે.
તનમનજીત સિંઘ કહ્યું, "દેખાવ પાછળ છૂપવાને બદલે વડા પ્રધાન આખરે પોતાની અપમાનજનક અને વંશીય ટિપ્પણી સંદર્ભે માફી ક્યારે માગશે?"
તેમણે જૉન્સનને પૂછ્યું કે તેઓ પોતાના પક્ષની અંદર ઇસ્લામફોબિયાની તપાસ કરાવશે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"હું પૂછવા માગીશ કે વડા પ્રધાન અને તેમના સહયોગીઓયે રાષ્ટ્રીય ટેલિવિઝન પર જે વચન આપ્યાં હતાં તેમને પૂર્ણ ક્યારે કરશે?"
સિંઘના આ સંબોધન બાદ કેટલાય સમય સુધી સંસદના નીચલા ગૃહમાં તાળીઓ ગુંજતી રહી.
એ બાદ વડા પ્રધાન જૉનસન જ્યારે જવાબ આપવા માટે ઊભા થયા ત્યારે તેમણે સૌ પહેલાં સિંઘના ઇસ્લામફોબિયા અંગેના પ્રશ્નનો જવાબ આપવા પ્રયાસ કર્યો.
જોકે, જૉનસનના ટીકાકારોનું માનવું છે કે તેઓ આ પ્રકારની કોઈ પણ તપાસથી બચવા માગે છે.
જૉનસને કહ્યું, "જો તેઓ(સિંઘ) એ લેખને ફરીથી વાંચવાનું કષ્ટ કરે તે તેમને અનુભવાશે કે પ્રશ્નમાં બહુ જ ઉદારવાદી વલણ રખાયું છે. જેવું કે પ્રશ્નમાં શરૂઆતથી જ કહેવાઈ રહ્યું છે કે આ દેશમાં સૌને એ અધિકાર છે કે તેઓ ઇચ્છે એ પહેરી શકે છે."
જૉનસને કહ્યું, "મને એ કહેતા ગર્વ અનુભવાય છે કે આ દેશના ઇતિહાસમાં વર્તમાન સરકાર એવી સરકાર છે કે જેની કૅબિનેટના સભ્યોમાં સૌથી વધુ વિવિધતા છે. અમે હકીકતમાં આધુનિક બ્રિટનનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છીએ."
આ પહેલાં બ્રિટનનાં પૂર્વ વડા પ્રધાન ટેરેસા મેએ કહ્યું હતું કે બૉરિસ જૉનસનનું નિવેદન મહિલાઓ માટે અપમાનજનક છે અને આ માટે તેમણે માફી માગવી જોઈએ.
આ સપ્તાહની શરૂઆતમાં 'ટેલ મામા' નામની મૉનિટરિંગ સંસ્થાએ કેટલાક આંકડા પ્રકાશિત કર્યા હતા. આ આંકડા જૉનસનના બુરખાવાળા નિવેદન બાદના હતા, જેમાં જણાવાયું હતું કે મુસ્લિમો વિરુદ્ધ થનારી હિંસામાં 375 ટકાનો વધારો નોંધાયો છે.
આ રિપોર્ટ અંગે પોતાની પ્રતિક્રિયા આપતા સંસ્થાના સચિવ રૉબર્ટ જૅનરીકે કહ્યું હતું કે મુસલમાન અને અન્ય ધર્મના લોકોને બ્રિટનમાં સુરક્ષાનો અનુભવ થવો જોઈએ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો